આહ! અને વાહ!
“હેં તમને કઉં, સાંભળો છો? કાલે મામા ભાયંદર જાય છે. ડોંબિવલીના છ મહિના આજે પૂરા થાય છે.”
કુસુમ તેના પતિના મુખભાવ જોવા રોકાઈ, પછી આગળ બોલી,
“મામી કાયમ બે વેંત ઊંચા ચાલતા. ભગવાને બે દિકરા આપ્યા એનો ઘમંડ સમાતો ન્હોતો. બંને ને ખૂબ મોઢે ચડાવ્યા.. પણ એમના ગયા પછી બિચારા મામા… ”
કુસુમ ની આંખ ભરાઈ આવી હતી. બાજુના રૂમમાં સુમન એના પતિને કહેતી હતી,
“સાંભળો છો? પરાગ ને ત્યાં આજે ગેટ ટુ ગેધર છે. માસા કાલે સુરત જાય છે, રીના ના ઘરે, એટલે. હવે છ મહિના ત્યાં રહેશે. રીના ના બાળકો સાથે મજા કરશે. વળી થોડા દિવસમાં પરાગના છોકરાઓ વેણ લેશે કે દાદા વગર ગમતું નથી. ”
સુમનના ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં સંતોષ.