દિલનાં બારણાં ખુલ્લાં રાખ્યાં હવે તો આતમ આવોને.
ૠતુપ્રહારે પણ કદી ના વાસ્યાં હવે તો આતમ આવોને.
કરી પ્રતિક્ષા અહર્નિશ કેવી જ્યાં ચાતક પણ શરમાય !
તવાગમનનાં મેં ભાવિ ભાખ્યાં હવે તો આતમ આવોને.
એક રહી આશ તમારા મિલનની ઉરે સદા ધખધખતી,
મિષ્ટફળ મેં ઇંતજારનાં ચાખ્યાં હવે તો આતમ આવોને.
નૈનપિયાસી મન ઉદાસી આશતંતુથી જીવન જીવનારી,
લૈ કંકુ અક્ષત રસ્તાઓને પોંખ્યાં હવે તો આતમ આવોને.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '