*****આંસુ*****
અચાનક કોઈ મોટા વાહનનો તેજ બ્રેક મારવાનો અને તેનાથી ટાયરનો રોડ સાથે ઘસાવાનો આવાજ આવતા, શાકવાળા જોડે ભાવ અંગે રક્ઝક કરી રહેલી સુધાનું ધ્યાન એ તરફ ગયું. કોઈ ગાંડા જેવી મેલાઘેલા કપડાં પહેરેલી સ્ત્રી આયુષને તેડીને રસ્તા વચ્ચોવચ્ચ ઊભી હતી.
સુધાને લાગ્યું કે નક્કી બાળકો ઉઠાવી જવાની ગેંગની છે. સુધાએ જઈને પેલી ને બે થપ્પડ મારીને આયુષને છીનવી લીધો અને તેને ઘણાં બધા ન કહેવાના શબ્દો કહીને ઘર તરફ ચાલવા લાગી.
થોડા સમય પછી બંને સ્ત્રીઓની આંખમાં આંસુ હતા. આયુષનો હાથ પકડીને ઘર તરફ જઈ રહેલી સુધાની આંખોમાં આયુષને બાળકો ઉઠાવી જનાર ગેંગના હાથમાંથી બચાવ્યાની ખુશીના જયારે રસ્તાની સામેની તરફ ઊભેલી અને પોતાના હાથમાંના ફોટાને જોઈ રહેલી પેલી ગાંડા જેવી સ્ત્રીની એક આંખમાં કોઈના લાડકવાયાને બચાવ્યાની ખુશીના અને બીજી આંખમાં આ જ જગ્યાએ પોતાના લાડકવાયાને ગુમાવ્યાના દુઃખના આંસુ હતા.