પ્ર...વા...સ...!
જગો. જગલો... કે જાંબુડો... જે કહો તે. પણ આ વાલીડો જાદુઈ ચિરાગના જીનની જેમ એક હોંકારે ગમ્મે ત્યાં હાજરા-હજુર થઈ જાય....! ગયા વખતે જાંબુડાની સીજન વખતે આ જગલાએ પરભુકાકાના વંડામાં વાનરની જેમ વંડી કૂદીને જાંબુડા ચોરી લાવતો. પછી મિત્રો સાથે જાંબુડાની મિજબાની કરતો. ત્યારથી એનું નામ જાંબુડો પણ પડી ગયું. જોકે આ કારણે પરભુકાકાએ જગલાના ભુક્કા કાઢી નાખ્યા હતા. તોય જગલો મોળો નહોતો પડતો, લાકડાની તલવારે લડી લેવાના મુડમાં કાયમ જોવા મળે.. એવો ઈ જાંબુડો...!
આ જગો અત્યારે બે કામ કરે છે. એક નીશાળ જવાનું. બીજું આખો દિવસ પતંગ લુંટવાની. સમુદ્રકે લુંટેરેની જેમ આ અમારો જગલો ‘આસમાન કે લુંટેરે’ ભાંગલી સાયકલ લઈને પતંગ લુંટવા હરહંમેશ ઓન ડ્યુટી જ હોય.. જગાની સાયકલ આ પાદર પડી હોય, અને ઈ’ ગામના બીજે છેડે લુંટણીયા કરતો હોય.. એનું જોડીદાર જઈડુંઉં લઈને..!
જગો નિશાળે જાય એટલે પેલાં તો જગો એના હંધાય સાહેબને પગે લાગે, એવો “જથ્થાબંધ સંસ્કારી.” અને હાંજે જગાના સાહેબ એને ‘બે હાથ જોડે’ “એવો હોલસેલ તો...ફા...ની...!”
આજે જગલો ઘરે ગયો. થાકીને આવેલા એના બાપુને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો. જગાના બાપુને નવાઈ લાગી. પછી તો જગલો પાંગતે બેસીને લેસન કરવા બેસી ગયો. જગાના બાપુને વધારે નવાઈ લાગી. મનોમન વિચાર પણ કર્યો કે “આજે ‘કે ની પા સૂરજ ઉગ્યો છે??”
જગાના બાપુએ પગ લંબાવ્યા તો જગો પગ દબાવવા મંઈડો. જગલાને રેતીમાં વહાણ હંકારવાની કુશળતા નાનપણથી હતી. આ વખતે તો જગલાના બાપુએ આંખો પણ ચોળી, અને પોતાને એક ચીટીયો પણ ભઈરો.... “હું આ સપનું-બપનું તો નથી જોતોને? આ મારો ભરાડી જગલો જ છે ને?”
આવા ટાણે જગલાના બાપુને આવેલા હરખના આંસુડાઓ તરણ ભુવનનો નાથ પણ નો રોકી શકે...! એવી આંસુડાની ધાર થઇ..
“સાંભળ્યું કે જગલાની માં... આપડો કીકલો આટલો ડાહ્યો ડમરો કેમ થઇ ગયો છે? કા’ક મોટો થઈને નેતા નો થઇ જાય..!”
જગલાના બા રોટલાં ટીપતાં ટીપતાં કીએ કે “એ કાંઈ નૈ... જગલાના બાપુ એટલા બધાં નો હરખાવ... આ..તો... નિશાળમાં પરવાસ(પ્રવાસ) થ્યો સે ને તીમા.. બાકી આ લાલીયો તમારા પગ દાબે ઈ વાતમાં માલ નો મળે...! ઓલું કે સે ને કે લાલો લાભ વગર લોટે નહી..!”
અને બેય માણહ ઇ ના જગલાના ખેલ ઉપર હસી પડ્યા...!
તા.ક.. કમુરતા આવી રહ્યાં છે, કેટલીય શાળામાં પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે.
જે સારસ્વત મિત્રો પ્રવાસનું આયોજન કરે તેમની બસમાં આવા તાજે તાજા વિવેકી જાંબુડા તપાસ કરશો તો જરૂર મળી આવશે..!
સર્વોનો પ્રવાસ મંગલદાઈ બની રહે..!
લેખન: નરેન્દ્ર જોષી.