અહીં ક્યાં કોઈને ક્યારેય પણ સમજાય છે માણસ?
બદલતા રંગની માફક સતત બદલાય છે માણસ.
બધી કાળાશ મનની રાખતો અકબંધ ને પાછો,
બદન પર નિતનવા રંગો થકી રંગાય છે માણસ.
કદી ના કોઈની ભીતર રહેલા ગુણને જોવે,
ફક્ત દેખાવ જોઈ બહારનો, અંજાય છે માણસ.
ભરોસો, લાગણી ને પ્રેમ એ સૌ માત્ર વાતો છે,
જરૂરતના જ સંબંધો બની રહી જાય છે માણસ.
દુઃખી છે અન્યના સુખ જોઈ કે ખુદના જ દુઃખથી એ,
હજી બસ આ જ દ્વિધામાં સતત અટવાય છે માણસ.