...................( ભાગ -૨)............
કવિએ એક યુક્તિ કાઢી. એમણે કહ્યું હે સાંગોજી,આ કામળીમાં ફુંમકા ટાંકવાના બાકી છે,અને આમ અધૂરુ દાન અપાય નહિં હો. તો જ્યારે ૬ મહિના બાદ હું પાછો ફરીશ, ત્યારે તારા હાથે કામળીનું દાન લેતો જઇશ. આ કોલ થયો.
અને એ સમયે કવિએ વાતને ટાળી દીધી. અને આગળ નીકળી ગયા.
આ અરસામાં અહિંયા એક ઘટના બની. અષાઢ મહિનાની એક રાત્રે ગામની નજીકની નદીમાં પૂર આવ્યું,સાંગોજી ગોડ પેલે પાર અટવાઇ ગયો. સવાર પડી.વહેણ જરા ધીમા થયા એટલે સાંગોજી પોતાના વાછરડાં સાથે નદીમાં ખાબક્યો,અને જેમ તેમ કરીને પાર પણ પહોંચી ગયો,પણ એક વાછરું નદીમાં રહી ગયું. કિનારે ઉભેલા લોકોને બીજા વાછરડાં અને કામળી આપી અની વળી પાછો નદીમાં ખાબક્યો. પણ આ વખતે વહેણ માં તણાવા માંડ્યો હો ભાઇ. બસ હવે મોત સામે દેખવા માંડ્યું,જુઓ ખાનદાની... મોત સામે છે. પણ મા નથી યાદ આવતી. સાંગોજી નદી કિનારે ઉભેલા લોકોને કહે છે કે,"કવિરાજ ઇશ્વરદાસજી આવશે એમને "કામળી નું દાન" આપવાનું કહેજો મારી માઁ ને... આહાહાહાહા... મરતાં મરતાં પણ એક જ વાત... કે "કહેજો મોરી માત આપે કામળી કવિને દાન".
આમ કરતો કરતો કાળ તાણી ગયો સાંગોજી ગોડને...
૬ મહિના બાદ કવિ સાંગોજી ગોડને ઘરે આવ્યા,રાજપૂતાણીએ જમવાની વ્યવસ્થા કરી,કવિ પૂછે છે કે,ક્યાં સાંગોજી? માડી જવાબ નથી આપી શકતી. જાણે છે કે જો મરણના સમાચાર આપીશ તો કવિ જમશે નહીં. એટલે પહેંલા જમી લે પછી વાત કરું. પણ બે -ત્રણ વાર પ્રશ્ન પૂછાયો એટલે માઁની આંખોના ખૂણા ભીના થઇ ગયા. કવિ સમજી ગયા કે કંઈક અજુગતું બન્યું છે,કવિ કહે છે,સાંગોજી ના આવે ત્યાં લગી અન્ન નહીં ઉતરે... અને બુઢી રાજપૂતાણી બોલી "સાંગોજીને કાળ તાણી ગયો "... કવિ કહે ના હોય. રાજપૂત આમ દાન દેવાનો કોલ આપીને ના જઇ શકે. ક્યાં તણાયો સાંગો? મને લઇ જાવ ત્યાં. આવ્યા નદીના કાંઠે હો ભાઇ. આખું ગામ એકઠું થયું છે. કવિએ હાકલ કરી "એય સાંગોજી ગોડ". આમ દાન દીધા વગરનો રાજપૂત જઇ શકે ભલા. આ જ તારો કોલ? કામળીનું દાન કરવાનો તારો કોલ હતો,હવે પૂરો કર.. આમ એકવાર - બે વાર સાદ પાડ્યા... ગામ આખું હસવા લાગ્યું,કે આ કવિ ગાંડો થઇ ગયો છે. આમ તે કંઇ મરેલા પાછાં આવતાં હશે? પણ જેવો ત્રીજી વારનો સાદ પાડ્યો કે જાણે નદીના નીર માંડ્યા ઉછળવા હો ભાઇ,પૂર મંડાણા ફરી એકવાર... અને વાછરડાંની સાથે સાંગોજી ગોડ આવતો દેખાણો ભાઇ...ઠેક મારીને વાછરડાં સાથે સાંગોજી ગોડ બહાર કાંઠે આવ્યો. અને "કામળી હાથોહાથ "આપીને બોલ્યો,કવિરાજ આમ મર્યા પછીયે દાનના અભરખા ના રખાય,આ તો કાળીયા ઠાકરની મહેરબાની અને સૂરજ નારાયણ સાથે હતો એટલે પાછો આવ્યો.અને આ "કામળીનો કોલ"પૂરો કર્યો... હર હર મહાદેવ... કહીને પાછો નદીના વહેણ માં વિલિન થઇ ગયો...
આ છે આપણી ગરવી ગુજરાતની ધરતીનું ખમીર... કે મરીનેય આપેલા કોલ પૂરા કરે છે... આ હતો કામળીનો કોલ...
...... હર હર મહાદેવ..... હર....