મા તારા ઉપકારના કેમ ચૂકવવાં મૂલ?
મા તારા સંસ્કારના કેમ ચૂકવવાં મૂલ?
બાળક જ્યાં રડે અડધીઅડધી થતી,
મા તારા વ્યવહારના કેમ ચૂકવવાં મૂલ?
થાય બીમારી સુતને આંખને વરસાવતી,
મા તારા ઉપચારના કેમ ચૂકવવાં મૂલ ?
પરીક્ષા ટાણે દીવાને માનતાઓ કરતી,
મા તારા સદાચારનાં કેમ ચૂકવવાં મૂલ ?
કદી રહ્યો હોઉં ભૂખ્યો વારેવારે પૂછતી,
મા તારા એ આચારનાં કેમ ચૂકવવાં મૂલ ?
ક્વચિત વાંકગુનો આવતાં વઢીને મનાવતી,
મા તારા પ્રતિચારનાં કેમ ચૂકવવાં મૂલ ?
બહારગામથી આવતાં થાય મોડું, વલોપાતી
મા તારા નયનધારનાં કેમ ચૂકવવાં મૂલ ?
હતો- છુંને રહીશ ૠણી ભવોભવ હું તારો,
મા તારા અવતારના કેમ ચૂકવવાં મૂલ?
ઇશ દેજે જન્મોજન્મ એ માવડી કિરતાર,
મા તારા એ વિચારનાં કેમ ચૂકવવાં મૂલ ?
- દીપક જોષી પોરબંદર.