હરિને ભજતાં જિંદગી વસૂલ થાય છે.
દિલથી કરેલી પ્રાર્થના કબૂલ થાય છે.
કીડીને કુંજરમાં નથી ભેદ એને હોતો,
પોતાનાંને પારખવામાં ના ભૂલ થાય છે.
હોય આફત નાનીમોટી કર્મ પ્રકાશતાં,
સ્મરણમાત્રથી સૌ હળવાફૂલ થાય છે.
હોય હૈયું જેનું નવનીત સરખું કોમળ,
ખરેખર એવાના ત્યાં સદા મૂલ થાય છે.
કથીર કંચન ચડી જાય છે સરાણે પછી,
કૃપા કૌશલેશની કેવી રે અતુલ થાય છે.
ચૈતન્ય જોષી. 'દિપક ' પોરબંદર.