‘’હાસ્ય પાછળનો વિષાદ’’
હસતા રહેવું લોકોને હસાવતા રહેવું એ સફળતાની નિશાની છે.લોકોને હસતા ચહેરા ગમે. અક્કડ અને ગંભીર ચહેરા જોઈ માણસ દ્વિધામાં મુકાઈ જાય છે. સરળ માણસ પાસે લોકો તરત જ પોતાની રજૂઆત કરવા જઈ શકે છે. સારો કે ખુશીનો માહોલ હોય તો ચહેરો હસતો રાખવો. કોઈ દુઃખના પ્રસંગ કે ગંભીર વાતમાં હસવું સ્વીકાર્ય નથી.
સફળ માણસ પોતાની નાની મોટી સમસ્યાને હાસ્યમાં પરિવર્તિત કરે છે. કોઈ સમસ્યાને મોટું રૂપ ન આપી વાતને હસીને હળવી કરી નાખવી. આ લોકો પીડા અને વિષાદના કડવા ઘૂંટ પોતે પી જઈ સમાજને હસતો હેમખેમ રાખે છે.
પોતાના દુઃખો કે મુશ્કેલીઓની કહાણી કહેતા ન ફરવું કારણ દરેકને પોતીકી પીડા હોય જ છે. આપણી મુશ્કેલીઓને વારંવાર કહેતા રહેવાથી આપણા મન પર નકારાત્મક અસર થાય છે. પરિણામે અગત્યના કાર્યો કરવાના રહી જાય છે જે સફળતામાં બાધક નીવડે છે.
જીવનમાં ગમેતેવી મુશ્કેલી આવે પરંતુ દ્રઢ મનોબળ અને આયોજન પૂર્વકના સાહસથી મુશ્કેલીનો સામનો કરી આગળ વધવું. તમારા વિષાદને છુપાવી લોકોને હાસ્યની ભેટ આપતા રહેવું. દેવોને હાસ્ય રૂપી અમૃત ચડાવવા શંકર બની વિષાદરૂપી વિષના કડવા ઘૂંટડા ગળે છુપાવી દેવા.