રમેશભાઈ પટેલ, ભાદરવી પૂનમે માતાજીનાં દર્શને પગપાળા જાય. છેલ્લાં 21 વરસથી આ પગપાળા જવાની એમની આસ્થા અડીખમ છે. હવે 64નાં થયા. એમનું કહેવું છે કે એમની પાસે જે છે એ માતાજીની કૃપા છે. જ્યારે 43 નાં હતાં ત્યારે પૈસે ટકે થોડી તકલીફ રહેતી, આવક કરતાં જાવક વધુ હતી પણ કોક મિત્રનાં કહેવાથી પગપાળા અંબાજીનાં દર્શને ગયા અને પહેલી જ યાત્રા પછી કરામત ચાલુ થઈ. એમનાં જ એક હરીફ દુકાન વાળાએ દુકાન એમને વેચી દીધી, એટલે ધંધો વધ્યો. પછી તો દર વર્ષે કૈંક નવી તક મળતી ગઈ. આજે માર્કેટમાં અને બહાર ઘણી દુકાનો લીધી અને ભાડે આપી છે. એક દીકરી અને એક દીકરો, બેઉનાં લગન કરાવી દીધા અને સુખ આનંદમાં જીવે છે, જે હિતેચ્છુ મળે એમને અંબાજીનાં દર્શન કરવા પ્રેરે છે.
હવે વાત વિજ્ઞાન અને આસ્થાની. અહીં રમેશભાઈ એમની સિધ્ધિઓનો શ્રેય ભલે માતાજીને આપે પણ એમાં એમનુય યોગદાન ખરું. માતાજીની પગપાળા યાત્રામાં તમે એકલા હોવ છો. કામ ધંધાની ચિંતા નથી હોતી કારણકે તમે ભક્તિમાં લીન થઈ જાઓ છો. તમે ચાલીને થાક્યા પણ હોવ છો. અને જ્યારે તમે એકજ પ્રકારનું કામ સતત કરી રહ્યાં છો ત્યારે તમે ધ્યાનસ્થ પરિસ્થતીમાં છો. એટલે મેડિટેશન. આ પ્રક્રિયામાં વ્યક્તિ પોતાના વિચારોને સંગઠિત કરી એકજ દિશામાં સંચાર કરે છે એટલે એવી પરિસ્થતીમાં સમસ્યાનાં ઉકેલ વહેલાં મળવાની શક્યતા છે. મેડિટેશન કરતાં વ્યક્તિઓની સફળતા સામાન્ય કરતાં વધુ અને ઝડપી હોય છે એ સ્થાપિત સત્ય છે.
અહીં રમેશભાઈની ધાર્મિક આસ્થાએ એમને ધ્યાન તરફ દોર્યા અને એમને શાંતિ અને સમૃદ્ધિ બેઉ પ્રાપ્ત થયાં. જે કદાચ સીધે સીધા 'ધ્યાન કરો' એવું કહેવાથી શક્ય નહોતું.
આ લખવા પાછળનું તાતપર્ય એ છે કે ધર્મ એટલે તમારા સુખ સમૃદ્ધિ અને ઈશ્વરીય માર્ગને મોકળું કરતી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આપણે જો એ સમઝી જઈએ તો જીવન સરળ બનશે. પણ જો ધર્મનાં નામે અધર્મને એટલે કે માન્યતાઓ અને વિધિઓ પાછળ સમય બગાડીશું તો વિપરીત દિશામાં જવાથી કોઈ રોકી નહીં શકે. અસ્તુ...