માતૃભારતી પરિવારને અર્પણ....
મારી બેનાના (પિયુશા દી')સૌજન્યથી...
અથ શ્રી ગણેશ - કુબેર કથા...
શિવ શું છે???
અહંકાર શું છે???
ચાલો જાણીએ ગણેશજી દ્વારા...
એક દિવસની વાત છે. મારા ભોળાનાથ અને માતા ગૌરી કૈલાશ પર ચોપાટ રમી રહ્યાં હતાં. ગણેશજી અને કાર્તિકેયજી શિવગણો સાથે જ્ઞાનગોષ્ટી કરી રહ્યા હતાં.પ્રકૃતિ શિવમય બની ખમકારા કરી રહી હતી. ૐકારનાદ મનને અલૌકીક શાંતિ આપી રહ્યો હતો. સુંદર મજાની ઊષા ખીલી હતી.
એટલામાં 'કુબેર મહારાજ ' કૈલાશ પર પ્રકટ થયા. કુબેર એટલે ધનના સ્વામી, દેવતાઓના ખજાનચી. હંમેશા હિરા મોતી ઝવેરાતોથી આભૂષીત રહેતા. અને એનો એમને ખૂબ ગર્વ હતો. એમણે ભોળાનાથને વંદન કર્યા.પોતાના ઇષ્ટદેવ મહાદેવને પહેરવા માટે કિંમતી આભૂષણો ભેટ ધર્યા. ત્યારે ભોળાનાથે કહ્યું કે, હે વત્સ હું તો ભસ્મ લગાડું છું. અને એ જ મારું આભૂષણ છે. હા જો મારા માટે કંઈક કરવું જ હોય તો, મારા પુત્ર ગણેશને મિષ્ઠાન અને ખીર-લાડૂ ખૂબ ભાવે છે. તો એમને સાથે લઇ જાવ અને ભરપેટ જમાડી દો. એટલે હું પ્રસન્ન થઇ જાઇશ.
આ વાતે કુબેરજી ગણેશજીને આમંત્રિત કરી બેઠાં. અને ગણેશજીને લઇ પોતાના મહેલમાં આવ્યા. ખુબ ધામધૂમથી ગણેશજીનું સ્વાગત કરવામાં આવ્યું. ૩૬ જાતના શાક અને ૩૨ ભાતના પકવાન બનાવવામાં આવ્યા. ગણેશજીને આસન આપી જમાડવાનું શરું કર્યું. પણ આ શું??? જેટલું ભોજન હતું બધું ચટ. ફરીથી ભોજન બનાવડાવ્યું. એ પણ ચટ. આમને આમ ઘણી વાર સુધી ચાલ્યું. આથી કુબેરજી અકળાઇ ગયા અને બોલ્યા, તમે એક બાળક છો,અને એ પ્રમાણે ઘણું જમી લીધું છે આપે. ત્યારે ગણેશજી બોલ્યા તમે મારી ચિંતા ના કરો યજમાન. હજુ તો મને કકડીને ભૂખ લાગી છે.
તમે જમવાનું મંગાવો. ઘરનું અનાજ પણ બધું ખતમ થઈ ગયું હતું. કુબેરે માણસોને દોડાવ્યા. બજારમાંથી બીજું રાશન મંગાવ્યું. આમ કરતાં કરતાં તો કુબેરનો આખો ખજાનો ખાલી થઈ ગયો પણ ગણપતિનું પેટ ભરાવાનું નામ જ લેતું ન હતું. કુબેરે બધુંજ વેચી દીધું. છતાંય ગણપતિનું પેટ ન ભરાયું.
ગણપતિનો આસન પર જમાવીને બેસી રહ્યાં હતા.તેમને તો મિઠાઈઓનો ઈન્તજાર હતો. તેમણે ફરીથી ખીર અને લાડું માંગ્યા. હવે કુબેરની સ્થિતિ કફોડી થઈ ગઈ. ક્યાંથી લાવે લાડું અને ખીર? પણ તેમને ખ્યાલ આવી ગયો કે તેની કોઈ ભૂલ થઈ છે. પછી વિચાર કરતાં જણાયું કે તેને સંપત્તિનો ભારે ઘમંડ હતો. તેમને હતું કે જે તેમની પાસે છે તે વિશ્વમાં કોઈની પાસે નથી. આખરે ગણપતિના ચરણોમાં પડી ગયાં. માફી માંગવા લાગ્યા. તેમણે કહ્યું કે મારી પાસે જે કાંઈ છે તો ભગવાન શિવનું આપેલું છે. આમછતાં એક મુર્ખની જેમ હું તેમને તુચ્છ આભુષણો ભેટ કરતો રહ્યો. માતા પાર્વતી અને શિવ તો અતિ સામર્થ્યવાન છે. તેમની પાસે મારું શું ગજું ? ગણપતિના ચરણોમાં કરગરીને માફી માંગવા લાગ્યા. તે પછી ગણપતિ ત્યાંથી ઉભા થઈ ગયા અને પછી ખીર અને લાડું ખાધા વગર જ ત્યાંથી ચાલી નિકળ્યા.
આમ ગણપતિએ કુબેરનો ઘમંડ ઉતાર્યો. પોતાના માતા-પિતાની શક્તિઓથી તેમને અવગત કરાવ્યા.
તો સમજાયુંને મિત્રો???
શિવ એટલે સર્વસ્વ...
શિવ પરિવાર એટલે શુભત્વ...
શિવજી સંગે માઁ શક્તિ છે,ઉર્ધ્વગતી(કાર્તિકેયજી) છે,ગણેશ સહ રિદ્ધિ-સિદ્ધિ છે,અને ગણેશ પુત્રો શુભ અને લાભ પણ છે...
તો સંપૂર્ણતાના સ્વામી જો ચપટી રાખથી રિઝતો હોય તો એમની સામે આપણી શું વિસાત છે?? આપણી શું હસ્તી છે?? અને આપણને શાનો અહંકાર છે???
બસ જે મળ્યું છે એમાં ખુશ રહો અને મારા મહાદેવની મસ્તીમાં મસ્ત રહો વ્હાલાઓ..
...# જય ભોળાનાથ, હર હર મહાદેવ હર#....