1st part
મારા દ્રષ્ટિકોણથી કૃષ્ણ એટલે કારાવાસમાં જન્મથી લઈને પ્રભાસક્ષેત્રમાં પીપળનાં છાંયડે દેહત્યાગ સુધી આજીવન અત્યંત સાક્ષીભાવે સહજતાથી જળકમલવત જીવન જીવેલા એક સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ..
જન્મતાની સાથે જ જનનીથી વિયોગ થયાનો તેને કોઈ રંજ નથી,
તો પરાણે વહાલો લાગે તેવો યશોદાનો લાડકવાયો બન્યાનો તેને કોઈ મદ નથી.
ગોકુળવાસીઓને નિજાનંદમાં તરબોળ કરવા રાસ રચાવવા ગાયોના ગોવાળ બન્યા,
તો પ્રજાજનોને એક સર્વસંપન્ન સુખી સામ્રાજ્યની સોગાદ આપવા દ્વારિકાના નાથ બન્યાં.
આનંદસાથે અસુર સંહાર કરવા તેણે બાલ્યાવસ્થામાં પોતાની માયાબળે રચાવી અનેક લીલા,
તો કુરુક્ષેત્રનાં સમરાંગણમાં બન્યા તે પાંડવોના જીવન સારથી અને અર્જુનને સંભળાવી ગીતા.