#100 WORDS STORY_ન્યાય
સ્ફાટિક સમાન ચળકતા દાદર પર, ખખડધજ શરીર.. પોતાના કરચલીઓ યુક્ત પ્રતિબિંબને ઝીલતું આગળ વધી રહ્યું.
આજે આટલા વર્ષે, પોતાની બેરહેમીથી રહેંસી નખાયેલ પુત્રીના આત્માને ન્યાય મળવાનો હતો. અને એ નરાધમોને સજા!
“માજી, અહીં સાઇન કરો ! એ બળાત્કારીઓને આજીવન કારાવાસની સજા થઇ છે.” આસપાસના ચહેલપહેલ યુક્ત વાતાવરણમાં એક કાળો કોટ ધારી વ્યક્તિ, એક હાથમાં પેન અને બીજા હાથમાં કાગળિયા સહિત હળવા સ્મિત સાથે બોલી રહ્યો.
એક નિતાંત શાંતિથી આર્દ્ર હૈયું, પોતાના કરચલીઓ યુક્ત હાથોથી પેન પકડવા હાથ લંબાવી રહ્યું, કે અચાનક…એક અછડતો સ્પર્શ, તેમના તન-બદનને એક હળવી કંપારીથી ધ્રુજાવી ગયો.
આર્દ્ર આંખો…સ્ફારિત થઇ…જાણે ચિત્કાર કરી ઊઠી…
ન્યાય….?
(લેખન : નમ્રતા કંસારા)