શીર્ષક : BUN STICK..!
શું પહેરું, વાળ ખુલ્લાં રાખું, પફ બનાવું કે બનસ્ટિકથી બાંધેલા, શું શ્વેતને ગમશે ? એવું વિચારીને કલગીએ નાં જાણે એ રાત્રે કેટકેટલાય ડ્રેસ વારાફરથી ટ્રાય કર્યા, છતાંય તે રાત અનિર્ણાયક રહી ને આંખો ઘેરાય ગઈ..!! **
સવાર, મરુન ડ્રેસ પહેરી, બનસ્ટિકથી વાળ બાંધી, વારંવાર પોતાને અરીસામાં જોઈ, અનહદ ઉત્સુકતામાં, મળવાનાં સમયથી અડધો કલાક વહેલાં તે રેસ્ટોરન્ટ પહોંચી. પાછળથી, ‘ખુલ્લા વાળ તને વધુ સુંદર લાગશે’ એમ કહી શ્વેતએ, તેણીની બનસ્ટિક વાળમાંથી ખેંચી અને સામે દેખાતા મિરરમાં બંનેએ ‘એકરૂપ’ સ્માઈલ આપી. **
૧.૫ વર્ષ પછી તેજ જગ્યા, કલગીએ પહેરેલો મરુન ડ્રેસ અને બનસ્ટીકથી બાંધેલા તેના વાળ, તેનાં પતિ શાંતનુંએ તેને કઈ જ નાં કહ્યું, તેણે જાતે બનસ્ટીક કાઢી વાળ ખુલ્લાં કરી, બનસ્ટીક પર્સમાં મૂકી દીધી. #100WORDSSTORY