સમાનતા
મહેન્દ્રભાઈનો ચહેરો ચિંતાગ્રસ્ત હતો અને મોટાભાઈનો ડર પણ. અંતે હિંમત ભેગી કરીને વિરાટભાઈને એણે કહી જ દીધું; 'મોટાભાઈ,વાત જાણે એમ છે ને કે મારી રુત્વાએ એનો જીવનસાથી પસંદ કરી લીધો છે... '
'એમાં આટલું મોણ શા માટે નાંખે છે? સારું જ છે ને? કોણ છે છોકરો? ક્યાં રહે છે?'
'સ સ સૈયદવાડામાં'
મહેન્દ્રભાઈએ ગભરામણમાં ન આપવાની માહિતી પહેલા આપી દીધી.
વિરાટભાઈ લગભગ ઊભા થઈ ગયા;'શું બોલે છે તું?'
ક્રોધથી એમનું શરીર થર થર કાંપવા લાગ્યું. મહેન્દ્રભાઈ શિયાંવિયાં થઈ ગયા. એક બાજુ પિતા સમાન વડીલબંધુ અને એક બાજુ એમની એકની એક લાડકી અને ભણતરની હવામાં સ્વતંત્ર વિચારોને પોષતી દીકરી? સૂડી વચ્ચે સોપારી જાણે!
દીકરી માટે, ફરી હતી એટલી હિંમત ભેગી કરીને, કહ્યું ;' મોટાભાઈ, આપણે તો સર્વ ધર્મ સમાનતામાં માનીએ છીએ, તમે પોતે પણ એ ઉપદેશો આપો જ છો ને?'
' પુત્રીપ્રેમમાં આંધળો થાય એ પહેલાં નાનકા, એટલું સમજી લે જે કે સમાનતા પણ બંને પક્ષે સમાન રીતે સ્વીકારાયેલી હોવી જોઈએ! જો એ પળાતું હોય તો છૂટ છે... તું જે કરી રહ્યો છે એ બરાબર છે! '
મહેન્દ્રભાઈ ફરી એક નવા દ્રષ્ટિકોણ સાથે દીકરીના ભવિષ્ય વિશે વિચારવા લાગ્યા.
©અર્ચિતા દીપક પંડ્યા