Gujarati Quote in Story by Mahendra Sharma

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ZindagiUnmuted #story 6

'આ તમારા છોકરાને સાચવવા, તમારા પેરેન્ટ્સને સાચવવા, તમારી ચાકરી કરવી અને પછી રોજ રાતે તમારી આ માંગણીઓ... હું હવે કંટાળી છું, નથી રહેવું તમારી જોડે...' દીપા રાતે 2 વાગે લાલઘૂમ ચહેરે બોલી.

'સારું, સવારે વાત કરીએ..' દીપેશ બોલ્યો.
'જો દીપેશ, બહું થયું. હવે સહન નથી થતું, કાલે હું પિયર જવાની એટલે જવાની જ..તારી કોઈ વાત નથી માનવાની..' દીપા મક્કમ સ્વરે બોલી.

'હા બાબા, જજે. હું નહીં રોકું તને બસ...દીપેશ શાંત સ્વરે બોલ્યો'

સવારે બધું નક્કી થયું. દીપા એકલી જ પિયર જશે, છોકરાઓની જવાબદારી દીપેશની રહેશે, માબાપ તો એના જ એટલે એમની તો વાત જ ન થાય. દીપેશ દીપાને તરત પિયર મૂકી આવશે અને ફરી મળવાનો પ્રયત્ન નહીં કરે.

સાણંદથી અમદાવાદ બહુ દૂર નથી. સરદાર પટેલ રીંગરોડથી સીધો રસ્તો જાય છે બોપલ તરફ... એટલે સવારે 10 વાગે દીપેશ અને દીપા બાઇક પર જ નીકળ્યાં.

જો... તે તારું નવું પર્સ લીધું ને? અને એની જોડે ઈયરિંગ ફ્રી મળ્યા હતા એ? ...દીપેશે પૂછ્યું. 

'હા એ પણ...' દીપા બોલી.

'અને બંગડીઓ, જે ગયા વર્ષે જ બનાવડાવેલી... પેલી એફડી ના પૈસા આવેલા ત્યારે.. એ?'

'હા... આપું પાછી?' દીપા બરાડી..

'અરે ના, ક્યાં કોઈ દિવસ મેં કોઈ વસ્તુ લીધી પાછી, કપડાં બધાં લીધા ને? ઓછા હોય તો બીજા આપવા આવીશ. પેલા બુટિક વાળી આન્ટીને તારું માપ ખબર છે...'

'કોઈ જરૂર નથી આવવાની. મેં કહ્યું ને, હું તમને ફરી જોવા પણ નથી માંગતી...' દીપા ફરી બરાડીને બોલી.

'સારું, છોકરીઓને થોડીક તકલીફ પડશે, પણ હું સાચવી લઈશ, સવારે મમ્મી નાસ્તો બનાવી દેશે, હું એમને સ્કૂલ મૂકીને ઑફિસ જતો રહીશ, એક ટીફીન વાળાને સવારે જ વાત કરી, ટીફીન મોકલી આપશે, સાંજે હું કઈંક બનાવીને બધાને ખવડાવીશ...' દીપેશ જાણે દુઃખી મનથી બોલતો હોય એવું દીપાને લાગ્યું...

'વધારે નાટક કરશો મા, એમાંનું અડધું પણ કરશો તો ચાલશે, બાઈક ફેરવો પાછી ઘર તરફ...' દીપા મનમાં મુસ્કુરાઈને બોલી.

2 દિવસ પછી...

'દીપેશ તું પેલા દિવસ મને ક્યાં મુકવા આવવાનો હતો? મારા પેરેન્ટ્સ તો આપણા લગ્ન પછી એક જ વર્ષમાં એક્સિડેન્ટમાં ગુજરી ગયેલા. કાકા મારા વિદેશ છે અને ભાઈ બહેન મારા છે નહીં...' દીપાએ પૂછયું

'અરે ગાંડી, મને ખબર છે. મારા અને મારા પરિવાર સિવાય તારું કોઈ જ નથી આ દુનિયામાં, પણ તને પિયરીયું નથી એવું તને આભાસ થાય ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે એટલે અમસ્તા જ થયું કે બાઈક પર ફરી થોડીક વાતો કરી લઈએ....' દીપેશ અને દીપા બંને રડી પડ્યા...

- મહેન્દ્ર 'પ્રેમી'

Gujarati Story by Mahendra Sharma : 111020675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now