ભૂલી ગઈ, તો ભૂલનાં કારણ નડ્યા
કારણ નિવાર્યા તો પછી તારણ નડ્યા
ખાધી દયા ભારેપગા સંબંધની
કોઠું જરા દીધું અને ભારણ નડ્યા !
મારે વમળને તાગવા’તાં મૂળથી
દરિયે ગયો, તો માર્ગમાં આ રણ નડ્યા !
મેં ધોમ વેઠ્યો આકરો વૈશાખ,પણ
હૈયાબળી આ આંખના શ્રાવણ નડ્યા !
આકંઠ પીધાં ઝેર ભાતે-ભાતનાં
છે રંજ એ, કે ઝેર નહીં મારણ નડ્યા !
માગ્યું નથી કણથી વધારે કંઈજ મેં
તો કેમ આ માગ્યાવગરના મણ નડ્યા ?
જેના સ્વભાવે માત્ર નડવું હોય, એ
સીધા નહીં તો આડકતરા, પણ નડ્યા...