મિત્રો! ઊર્જા યાને એનર્જીની ગતિ અમુક કક્ષાએ પહોંચે ત્યારે તે પ્રકાશ રૂપે ભાસે છે. પછી રજ, કણ, પરમાણુ, અણુ, દ્રવ્ય અને ધાતુ રૂપે પ્રગટ થાય છે. વિજ્ઞાન પણ હવે આ બધું સાબિત કરી ચૂક્યું છે. આપણાં ધર્મશાસ્ત્રો અને સિદ્ધપુરુષો કહે છે કે માનવીની ગતિ નિજ સ્વરૂપ તરફ થાય ત્યારે અંતે પ્રકાશનાં દર્શન થાય અને ત્યારે કેવળ પરમ તત્વ શુદ્ધ સ્વરૂપે રહે. સ્વામી મુક્તાનંદબાબા તેને નીલબિંદુ તરીકે ઓળખાવે છે. મારા અધ્યાત્મ પંથના સહપ્રવાસી ડો. અનિલ રાવલ કહે છે કે આ પ્રકાશ એ જ પરમ તત્વનું પ્રથમ પ્રગટ રૂપ છે. આપણે પૂજા, પ્રાર્થના કરતી વખતે દીવો પ્રગટાવીએ છીએ તેનું રહસ્ય આ છે.
પરમ તત્વને મન છે. Energy has super conscious mind. એટલે એ પિંડ આપણી મદદ વગર બ્રહ્માંડને જન્માવે છે અને પાલન કરે છે.
પરમ તત્વ તરફની યાત્રામાં સાધકનો અહમ પીગળતો જાય છે અને સહજતા, વિનય, એકાગ્રતા, સંવેદના, આનંદ, પ્રેમ, કરુણા, મેધા, પ્રજ્ઞા, ઋતુંભરા અને સત્ય વત્તે-ઓછે અંશે પ્રગટ થતા જાય છે. આપણી ભીતરનો અંધકાર દૂર થતો જાય છે અને પ્રકાશ તરફની યાત્રા આગળ વધતી જાય છે. માટે જ આપણે પ્રાર્થીએ છીએઃ તમસો મા જ્યોતિર્ગમય.
--ઓમ નમઃ શિવાય--
*ડો. શરદ ઠાકર*