*આજનો મોર્નિંગ મંત્ર*
ઘણા જિજ્ઞાસુઓ પૂછે છેઃ ‘ધ્યાન કરતી વખતે અમારું મન ભટકતું રહે છે. એકાગ્રતા જળવાતી નથી તો શું કરવું?’
એક બોધકથા યાદ આવે છે. બાદશાહ અકબરને એક વાર તુક્કો સૂઝ્યો. એણે નોકરો દ્વારા ચાર બિલાડીઓને તાલીમ આપીને તૈયાર કરાવી. તે જમાનામાં વીજળીના ગોળાઓ હતા નહીં. રાત્રે બાદશાહ સલામત ભોજન કરવા માટે બેસે ત્યારે એમની ફરતે ચાર બિલાડીઓ ધ્યાનસ્થ બનીને ઊભી રહે. દરેકના માથા પર તેલ ભરેલું એક એક કોડિયું મૂકવામાં આવે. એના દીવાના પ્રકાશમાં બાદશાહ ભોજન કરે. એક દિવસ આ વાત એણે ગર્વપૂર્વક બિરબલને કહી.
તે રાત્રે બિરબલ ત્યાં ગયો. બાદશાહ ભોજન કરતાં હતા ત્યારે તેણે એક ઉંદર છૂટો મૂકી દીધો. ઉંદરને જોતાંની સાથે જ ચારેય બિલાડીઓ એને પકડવા માટે લપકી પડી. કોડિયાં પડી ગયાં. તાલીમ ફોક સાબિત થઇ ગઇ.
આવું જ આપણી સાથે થાય છે. આપણે ધ્યાનમાં એકાગ્ર બનવાની કોશિશ તો કરીએ છીએ પરંતુ બાહ્ય આકર્ષણો જોઇને આપણે લલચાઇ જઇએ છીએ. માટે જ ઋષિ-મુનિઓ કહી ગયા છે કે જો તમે ઇચ્છાઓને વશ થઇ જશો તો અધ્યાત્મના માર્ગે આગળ નહીં વધી શકો. ધ્યાન કરવા માટે અંતર્મુખી બનો. આકર્ષણો બધાં જ બાહ્ય હોય છે. મનને નિયંત્રણમાં રાખવા માટે શરૂઆતમાં ભારે સંઘર્ષ કરવો પડશે પણ એક એવો સમય આવશે જ્યારે મન અંતર્મુખ થવાને ટેવાઇ જશે. ત્યારે જ તમારી આત્મા તરફની ગતિ શરૂ થશે.
--ઓમ નમઃ શિવાય--
તા. 25-6-2020
*ડો. શરદ ઠાકર*