*આજનો મોર્નિંગ મંત્ર*
અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવા માટે સાધકનો અહંકાર પૂર્ણપણે ઓગળી જાય તે પ્રથમ આવશ્યકતા છે. આજથી 26 વર્ષ પહેલાં મેં લેખનકાર્યની શરૂઆત કરી હતી ત્યારે ગુજરાતના એક દિગ્ગજ લેખકે મને સલાહ આપી હતી, ‘તારો અહં જાળવી રાખજે. એ જ તને સારો લેખક બનાવશે. કોઇ પણ કળાકાર (લેખક, કવિ, વક્તા, અભિનેતા, ગીતકાર, સંગીતકાર, ગાયક, ચિત્રકાર કે કોઇ પણ) જ્યારે કળાનું ક્ષેત્ર પસંદ કરે છે ત્યારે તેનું એક ધ્યેય નામના પ્રાપ્ત કરવાનું હોય છે. પ્રખ્યાત થવાની ઇચ્છા એ જ એના અહંનું સ્થાપન, અન્યો દ્વારા એની સ્વીકૃતિ.’ હું પણ દાયકાઓ સુધી આવા અહંને પાળતો રહ્યો, પંપાળતો રહ્યો. પછી સાધનાના પ્રથમ પગથિયે મને શ્રી પાંડુરંગદાદાએ કહેલી એક વાત યાદ આવી ગઇ.
પૂજ્ય પાંડુરંગદાદાએ એક બોધકથા સંભળાવી હતી. પ્રાચીનકાળમાં એક નવનિર્મિત મંદિરમાં ભગવાનની મૂર્તિ પધરાવવાની હતી. શિલ્પકારને ત્યાંથી એ મૂર્તિ લઇ આવવા માટે કોઇ વાહન ઉપલબ્ધ ન હતું. એક ગધેડાને શણગારીને તેના પર પાલખી મૂકીને ભગવાનની મૂર્તિ તેમાં મૂકવામાં આવી. પ્રવાસ શરૂ થયો. માર્ગમાં આવતાં ગામડે ગામડે ગર્દભરાજનું સામૈયું કરવામાં આવ્યું. શ્રીફળો વધેરવામાં આવ્યાં. સ્વાદિષ્ટ ભોગ ધરાવવામાં આવ્યા. ગર્દભ અભિમાનથી છલકાઇ ઊઠ્યો. આખરે મૂર્તિ મંદિર સુધી પહોંચી ગઇ. પાલખી ઉતારી લેવામાં આવી. હવે ગર્દભરાજ સામાન્ય ગધેડો બની ગયા. લોકો સામૈયાને બદલે એને ડફણાં મારવા લાગ્યાં. ગધેડાએ એના માલિકને પૂછ્યું, ‘આવું કેમ થયું?' માલિકે જવાબ આપ્યો, 'જે માનપાન આપવામાં આવતું હતું તે તારા પર બિરાજમાન પરમાત્માને માટે હતું, તારા માટે નહીં.’
આવું જ આપણા દેહ અને આત્મા માટે કહી શકાય. મારું કે તમારું જે કંઇ સન્માન થાય છે તે આપણી ભીતર રહેલાં ચૈતન્યનું થાય છે, પરમ તત્ત્વનું થાય છે, આપણા દેહનું નહીં.
મારા મિત્ર ડો. અનિલ રાવલ કહે છે, ‘જો અભિમાન ઓગાળવું હોય તો આપણાથી નીચા માનવીઓની સેવા કરો.' અહીં 'નીચા'નો અર્થ 'હલકા' એવો નથી કરવાનો પરંતુ વંચિતો એવો કરવાનો છે. આવી એક અંગત ઘટના ક્યારેક જાહેર કરવી છે.
અત્યારે તો ઓમ નમઃ શિવાય.
--*ઓમ નમઃ શિવાય*--
*ડો. શરદ ઠાકર*