MOJISTAN - SERIES 2 - Part 16 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 16

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 16

જાદવાના ઘરમાં જડીએ બુમરાણ મચાવ્યું એ સાંભળીને ધૂળિયાએ તરત જ એની ડેલી ખોલી હતી. શું બન્યું છે એ સમજવાની કોશિશ કરતા ધૂળિયાએ ડેલી પાસે આવીને ઊભેલા ચંચાને જોયો. ધુળિયો કંઈ સમજે એ પહેલાં ચંચો જાદવાના ફળિયામાં દોડ્યો અને તરત જ પેલી થેલી લઈને પાછો વળ્યો. એ જ વખતે ત્યાં આવી પહોંચેલા પશવાએ ચંચાને પડકાર્યો. બંને વચ્ચે ગડદાપાટુ ચાલુ થયા એ ધુળિયો જોતો હતો. એ બેઉ પેલી થેલી માટે ઝગડતા હતા એટલે થેલીમાં કંઈક કામની વસ્તુ હોવી જોઈએ એમ સમજતા ધૂળિયાને વાર લાગી નહિ. પશવા અને ચંચા વચ્ચે જામેલું દંગલ ગામની બજારે ભેગા થયેલા લોકોએ શાંત પાડ્યું ત્યારે એ ટોળામાં ધુળિયો પણ સામેલ હતો. બીજા કોઈને ખબર નહોતી કે શા માટે પશવો અને ચંચો

લડી પડ્યા હતા. કોઈનું ધ્યાન થેલી પર પડે એ પહેલાં ધુળિયાએ થેલી બગલમાં ઘાલીને ચાલતી પકડી હતી. 

 ચંચો અને પશવો છુટા પડીને થેલી શોધવા લાગ્યા ત્યારે ધૂળીયો એની ડેલીમાં ઘુસી ગયો હતો. ઝડપથી ડેલી બંધ કરીને એણે થેલીના નાકા પહોળા કરીને એમાં પડેલી બોટલ જોઈ. થેલીના નાકા સાથે બંધાયેલી દોરી રઘલાએ એ થેલી ઉપાડી ત્યારે જ થેલીમાં નાંખી દીધી હતી. ધૂળિયાએ ઓસરીમાં ચડીને ખાટલા પર બેઠક લીધી. ધુળિયો ક્યારેય દારૂ પીતો નહોતો, વળી એણે એની જિંદગીમાં આવી દારૂની બોટલ પણ જોઈ નહોતી. નવાઈ પામીને બોટલનું ઢાંકણું ખોલીને એણે એમાં ભરેલું પ્રવાહી સુઘયું. વિચિત્ર વાસથી ધુળિયાનું મોં બગડ્યું.

"મારૂ બેટુ આ ગંધારું પાણી સેનું હસે? નક્કી કાંક દવા હોવી જોવે. પણ આ બેય કુતરીના આ શીશા હાટુ બાજતા ચીમ હસે? આ ઠેલી સંસિયાની હોય એવું લાગતું નથી. જાદવના ઘરમાંથી સંસિયો આ ઠેલી લયન ભાયગો'તો. ઠેલી પસવાની ભેંસના સિંઘડામાં હલવાણી'તી ઈમ સંસિયો કેતો'તો. રઘલો આ ઠેલી લયન ભાયગો'તો ઈમ શોતે ઈ બોલ્યો'તો. પાણી ભલે ગંધરું સે પણ હસે કિંમતી. નકર આવડા આ બેય આમ બાજી નો પડે. મારે જાણવું તો જોસે." ધુળિયાએ એનું મગજ ચલાવ્યું. ''લાવને એકાદ ઘુંટડો ચાખી જોવ.." 

  ધુળિયાએ બોટલ મોઢે માંડી. નાનો ઘૂંટડો ભરીને ગળા નીચે ઉતાર્યો કે તરત એની છાતીમાં લ્હાય ઉઠી. ધુળિયો ભલે દારૂ પીતો નહોતો પણ એ સમજી ગયો કે એ બોટલ દારૂની જ છે. અને કિંમતી પણ હશે. મોટા માણસો જ આવો દારૂ પીતા હોય. ચંચો ક્યાંકથી બોટલ મારી લાવ્યો હોવો જોઈએ એવું અનુમાન કર્યું. બોટલનું ઢાંકણું જલ્દી બંધ કરીને થેલીમાં નાંખીને એ ઊભો થઈ ગયો. પછી કંઈક વિચારીને ઘરમાં જઈ પતરાના કબાટમાં સાચવીને એ બોટલ મૂકીને એ ઝડપથી બહાર આવ્યો. હજી ડેલી બહાર દેકારો થતો હતો એટલે એ તરત ડેલીમાંથી બહાર નીકળ્યો. 

 જાદવાને ઉપાડીને સવજી અને ગોધો ટેમ્પામાં ચડાવતા હતા. જાદવો ગોટો વળી ગયો હતો. જડી ભેંસના માલિકને ગાળો ભાંડતી હતી.

"અલ્યા આ જાદવભાયને સું થિયું? 

ભેંસે વગાડ્યું કે સું. ઈ ભેંસ તો ઓલ્યા પસવાની હતી." ધૂળિયાએ ભેંસ વિશે ચંચાને બોલતો સાંભળ્યો હતો.

"ઈ રાંડનાની ભેંસ ભડકીને ડેલામાં ગરી ગઈ'તી. આમણે ઈ વખતે ડેલું ઉઘાડયું'તું. મરે મુવો..ભેંસે પેટમાં ગોથું મારીને પાડી દીધા. ઈ પસવાની ખબર લેવી પડશે. કાળમુખો ઈની માને અતારે જ લયને ગુડાણો." જડી રાડો પાડતી હતી.

 સવજીએ એનું ટ્રેક્ટર એક સાઈડમાં ઊભું રાખ્યું હતું. ગોધાએ ટેમ્પામાંથી કપાસના બે ચાર પોટકા ડેલા આગળ ઉતારી નાંખ્યા હતા જેથી જાદવાની જગ્યા થઈ શકે. સવજી અને ગોધો જાદવાને લઈ દવાખાને જતા હતા. ધુળિયો પણ સાથે જવા તરત જ ટેમ્પામાં ચડ્યો. આખરે એ એનો પડોશી જો હતો!

*

  ચંચો અને પશવો છુટા પડીને થેલી શોધવા બજારમાં નજર ફેરવતા રહ્યા. પણ થેલી કોક લઈ ગયું હોવાનો ખ્યાલ આવતા પશવો એનો ભેંસ પાછળ ગયો અને ચંચો હાથ મસળતો હુકમચંદના ઘર તરફ ગયો.

 પોચા માસ્તરની સાઈકલ ચાલે એવી સ્થિતિમાં રહી નહોતી. એટલે એમણે સાઈકલને ખભે ચડાવીને ઘર તરફ ચાલવા માંડ્યું. જતા જતા એમણે રઘલાને પેટ ભરીને ગાળો દીધી. સાઈકલ રીપેર કરાવવાનો ખર્ચ તો હું લઈશ જ એવી ધમકી આપીને બેઠા થવા મથતા રઘલાને પાટુ માર્યું.

 રઘલો બરબરનો અકળાયો હતો. પોચા સાહેબે પાટુ માર્યું એટલે તરત એણે પોચા સાહેબનો પગ પકડી લીધો. પોચા સાહેબ ખભે સાઈકલ ધારણ કરીને ઊભા હતા. રઘલાએ એક પગ ખેંચ્યો એટલે સાઈકલ સહિત પોચા સાહેબ ધરણને શરણ થયા. એમના મોમાંથી સરસ્વતી વહેવા લાગી. રઘલા અને પોચા સાહેબ વચ્ચે ફરી જંગ જામે એ પહેલાં ભેગા થયેલા ભાભલાઓએ મામલો શાંત પાડ્યો.

"હું તને મુકીશ તો નહીં જ. સાલ્લા નાલાયક, આંધળો હોય એમ દોટ મૂકીને મારી સાથે ભટકાયો. સાઈકલ રીપેર કરવાનો ખર્ચો તો તારા બાપનેય દેવો પડશે. કાંઈ મફતમાં નથી આવતું બધું." પોચા માસ્તર હજી ઉકળતા હતા.

"હું કાંય હાથે કરીને નથ ભટકાણો. તમારે જોવું જોવે. મારા બે પગ વસાળે પયડુ ખોસી દીધું. ઈ તો કયો મને નાજુક ભાગમાં કાંય થિયું નથી નકર લાંબા ટૂંકા ખરસામાં તમે ઉતરી જાત. સાનામાના બવ બોલ્યા વગર ઘર ભેગીના થય જાવ નકર ખાહો મારા હાથનો. આબરૂ વગરના થય જાહો. મફતનો સરકારી પગાર ખાવ સો ને ગામમાં ભૂત ઊભા કરો સો."

રઘલો ઊભો થઈને ડોળા કાઢતો પોચા માસ્તર સામે ધસ્યો. પોચા માસ્તરે લખમણિયાના ભૂતનો વેશ રઘલાને પહેરાવ્યો હતો એ રઘલાએ યાદ કરાવ્યું. પોચા માસ્તર ડોળા કાઢતા રઘલાને તાકી રહ્યા. 'કુપાત્રનો સાથ ક્યારેય અગત્યના અને છુપા કાર્યોમાં લેવો જોઈએ નહીં' ક્યાંક વાંચેલું એ સુવાક્ય એમને યાદ આવ્યું.

  એક ભાભાએ એમનો હાથ પકડી રાખતા પોચા સાહેબને કહ્યું, " હવે જી થિયું ઈ. માસ્તર તમે ચ્યાં આના મોઢે લાગો સો, જાવને ભયશાબ." પછી રઘલા તરફ ફરીને ખિજાયા.

"ગમે ઈમ તોય ઈ માસ્તર કેવાય. તને કાંય ભાન બળી નથી. જા આમ હાલતીનો થય જા. નકર દશ એક અવળા હાથની. આમ ઊભી બજારે ભૂંદર્યું ધોડતું હોય ઈમ ધોડ્યું આવ્યું સો ને પાસું બોલકિયું કરછ? તારો જ વાંક સે. બવ વાયડાય કર્યા વગર જા આમ હાલતીનું થય જા."

 ધનજીભાભા ગામમાં વજનદાર વ્યક્તિ હતા એટલે રઘલો કંઈ બોલ્યા વગર ચાલવા માંડ્યો. પોચા સાહેબ પણ સાઈકલ ઉપાડીને ઘર ભેગા થઈ ગયા.

*

  'બાટલો ભલે હાથમાં નો આયો પણ હુકમસંદના ઘરે બીજો માલ હયસે જ. ભગાલાલની મેમાનગતિમાં હુકમસંદ ખામી તો નો જ રેવા દે. લાવ્યને ન્યાં જ જવ. થોડુંક પીવા તો મલસે' એમ વિચારતો ચંચો હુકમચંદના ઘર તરફ જવા લાગ્યો. એકાએક એને ખ્યાલ આવ્યો કે પશવા સાથે બથોબથ આવવાને કારણે કપડાં ધૂળ અને કાદવવાળા થયા છે. આવા કપડાં જોઈ હુકમચંદ તરત કાઢી મુકશે એ ખ્યાલ આવતા ચંચાએ ઘરે જઈ કપડાં બદલી નાંખ્યા. ચંચાના પરિવારમાં એની ઘરડી મા સિવાય કોઈ હતું નહીં. એ મા એને રોટલા ઘડી આપતી. 

 ચંચો હુકમચંદના ઘરે પહોંચ્યો ત્યારે હુકમચંદ અને ભગાલાલ મેડી પરની બેઠકમાં બેઠા હતા. હુકમચંદે નવી બોટલ કાઢીને પેગ બનાવ્યા હતા. ટીપોઈ પર ભગાલાલ અને હુકમચંદના ગ્લાસ અને તળેલા કાજુની ડિશ પડી હતી. એ જોઈ ચંચાના મોમાં પાણી આવી ગયું.

"ક્યાં મરી ગ્યો'તો અલ્યા. ફ્રીજમાં ઓલી બોટલ પડી'તી ઈ ક્યાં ગઈ." ચંચો દાદર ચડીને ઉપર આવ્યો કે તરત હુકમચંદે પૂછ્યું.

"ઈ તો મૂળિયો પી જ્યો. હું ઈને ના પાડતો'તો તોય પી જ્યો. પસી ઠેલીમાં નાંખીને મૂળિયાએ બજારમાં નાંખી દીધી. મને ઝાડા જેવું હતું તે હું ઘરે જ્યો'તો પણ પોગી નો હકયો. ડબલુ ભરીને ભાગવા જ્યો પણ ઈ પેલા કન્ટરોલ નો રિયો..તે લૂગડાંય બગડી જ્યા. બજારે મેં રઘલાને ઠેલી બગલમાં દબાવીને જાતો જોયો'તો. કદાસ થોડુંક વધ્યું હસે તો રઘલો પી જ્યો હસે. હું તો મેમાનની સેવા કરવા પાસો આયો." ચંચાએ બરાબર ગોઠવી કાઢ્યું.

"જવા દો ને હુકમચંદ. હવે મૂળિયાને પણ કંઈ ન કહેતા." એમ કહી ભગાલાલે ચંચા તરફ જોઈ ઉમેર્યું,

"આ છછુંદરનું આપણે કંઈ કામ નથી. આને પણ રવાના કરો. એને ઝાડા થઈ ગયેલા છે તો ક્યાંક અહીં બગાડી મુકશે તો આપણી પાર્ટીની પત્તર ઠોકાઈ જશે."

"ના ના હવે મને કાંય વાંધો નથી. હું તો સર્પસનો ખાસ માણહ સવ. આંય મને રેવા દિયોને બાપા. કાંકને કાંક કામ નીકળસે તો તમારે ઊભું થાવું નય પડે. લ્યો હું દાદરમાં બેહું, કામ પડે તો સાદ પાડજો." કહી ચંચો દાદરમાં બેસી ગયો.

"સારું જા, મીઠાલાલને ત્યાંથી તીખો ચેવડો ને થોડાક સિંગભજિયા લઈ આવ." ભગાલાલે ચંચાને કામ સોંપ્યું. 

"હાજી શેઠ..હાલો લય આવું. બીજું કાંય લાવવાનું સે?" કહી ચંચો ઉઠ્યો.

 "અત્યારે કીધું એટલું કર." હુકમચંદે કહ્યું.

ચંચો દાદર ઉતર્યો. હુકમચંદે આજ ભગાલાલને ખુશ કરી દેવાની તમામ વ્યવસ્થા કરી હતી. એ વ્યવસ્થાના ભાગરૂપે ચનાની વહુને તૈયાર થઈને આવવાનું કહ્યું હતું. ગામની બહાર કેટલાક મજૂરો ઝૂંપડા બાંધીને રહેતા 

હતા એમાં ચનાનું પાકું મકાન હતું. એ મકાન ચનાની મજૂરીમાંથી બને એમ નહોતું. ચનાની ઘરવાળી ઘેલી ઘાટીલા બદનવાળી, પાતળી કમરવાળી, લાંબા ચોટલાવાળી અને થોડી દેખાવડી પણ હતી. વળી લાલી પાવડર અને સારી સાડીઓની શોખીન હોઈ એને મજૂરીકામ કરવું બહુ ગમતું નહિ. ગામમાં ઘેલીના શોખ પુરા કરે એવા અમુક શોખીન હતા ખરા. જેમાં હુકમચંદ મોખરે હતો. હુકમચંદની મેડીએ ઘેલીને એસીરૂમમાં સુવાની બહુ મજા આવતી. હુકમચંદ અને એના મહેમાનોને ખુશ કરતા ઘેલીને ઘણું ફાવતું હતું. ચનાનું મકાન ઝૂંપડામાંથી પાકું બનવા પાછળ ઘેલીની આવક જવાબદાર હતી એટલે ચનો પણ રાજી રહેતો.

 ચંચો દાદર ઉતર્યો ત્યારે ઘેલી દાદર ચડી. ચંચો અને ઘેલી દાદરમાં જ સામા મળ્યા. ઘેલી પાસેથી પસાર થતા ચંચાએ ઘેલીની કમરમાં હાથ નાંખી ચિંટીયો ભર્યો.

"જાને હવે જાતો હોય ન્યા. નકર ખાશ મારા મોઢાની. સર્પસને કશ તો ટાંટિયા વગર્યનો થય જાશ." ઘેલીએ છણકો કર્યો.

"તારા મોઢાની તો ગાળ્યું પણ ગળી લાગે સે. કોક દી અમારા ઝૂંપડા પાવન કરો રાણી.'' કહી ચંચાએ આંખ મારી.

"તારી ઓખાત નથી સંસિયા. આ ઘેલીને ઘરમાં ઘાલવાનું તારું કામ નથી. તું ડબલ રૂપિયા દે તોય તારા ઘરમાં પગ નો મુકું. ઘેલીના કદરદાન તો ઉપર બેઠા સે. તારી જેવા તો મારા ખાસડા ઉપાડે. તારા મોઢા ઉપર્ય તો હું થૂંકુય નય" એમ કહી ઘેલી દાદર ચડી ગઈ.

"ઠીક સે..ઘેલકી. રૂપના તને બવ અભેમાન સે. પણ એક દી આ રૂપ વયુ જાશે તેદી તારા કદરદાન તારા મોઢા ઉપર્ય થુંકવાય રાજી નય હોય. જોય લેજે." કહી ચંચો પણ ચાલતો થયો.

"તું જાતો હોય ન્યા જાને. તારે મારી ઉપાધિ નો કરવી. ગમે ઈ થય જાય તોય હું તારી પાંહે નય આવું હમજ્યો?" કહી ઘેલી દાદર ચડવા લાગી.

ચંચો એની વાત સાંભળીને ઊભો રહી ગીત ગાવા લાગ્યો, "જયારે કોય તારું દિલ તોડી નાખે.. બજારે ભટકતી તને છોડી મૂકે..ત્યારે તું આવજે મા...આ...રી પાંહે.. આ ચંચાનું ઘર ઉઘાડું સે..એ..ઉઘાડું જ રેશે.. તારી માટે..ઓ ઘેલકી..ઈ.. ઈ..."

 ઘેલી હિન્દી પિક્ચરના એ ગીતનું ગુજરાતી સાંભળીને હસી પડી. પછી મોં મચકોડીને દાદર ચડી ગઈ. ચંચો પણ ચવાણું લેવા ચાલતો થયો.

*

 મેડી પર ઘેલીને આવેલી જોઈ ભગાલાલની આંખો પહોળી થઈ ગઈ. હુકમચંદે એને ખુશ કરવા આવી પણ વ્યવસ્થા કરી હશે એની ભગાલાલને કલ્પના પણ નહોતી. ભગાલાલની વાતોમાં હુકમચંદ વધુ પડતો આવી ગયો હતો. 

"આવ આવ ઘેલકી. જો આજે મુંબઈથી મહેમાન આવ્યા છે. તારે એમની સેવામાં રહેવાનું છે. ઈંગ્લીશ પીવી હોય તો બેસી જા ભગાલાલની બગલમાં." હુકમચંદે ઘેલી આવી એટલે કહ્યું.

  ભગાલાલે ગ્લાસ મોઢે માંડ્યો હતો. હુકમચંદની વાત સાંભળીને એને અંતરસ થતા ઉધરસ ચડી. ભગાલાલ ખાંસવા લાગ્યો એટલે ઘેલી આવીને એની પીઠ પર હાથ ફેરવતા બોલી, "હળવે હળવે મારા વાલા હળવે. લ્યો આ પાણી પી લ્યો.."

"હુકમચંદ, આ બાઈ કોણ છે? તમે એને મારી સેવા કરવા કેમ બોલાવી છે? જુઓ હુકમચંદ તમારે મને પૂછવુ જોઈએ. તમે બધા માણસોને એક જ માપપટ્ટીથી માપતા લાગો છો. તમને મારા બીજનેસમાં રસ પડ્યો હોય અને તમે લાભ મેળવવા માંગતા હોય તો એનો અર્થ એ નથી કે તમારે આવી રીતે મને ખુશ કરવો જોઈએ. તમારી યોગ્યતાને આધારે હું તમને ભાગીદાર બનાવીશ. આવા સસ્તા અને હલકા લાભનો હું ભૂખ્યો નથી હુલમચંદ! હું દેશ વિદેશમાં ફર્યો છું. અને મુંબઈમાં તો આ બાઈ કરતા પાંચગણી ઊંચી આઈટમુ મળે છે. આ આડો પાટો કહેવાય. જે માણસ આડા પાટે ચડે એની ચડતી ક્યારેય થતી નથી, હંમેશા પડતી જ થાય છે. એકવાર આમાં લપસી પડેલો માણસ ક્યારેય બેઠો થઈ શકતો નથી સમજ્યા હુકમચંદ. તમે મને ઓળખવામાં ભૂલ કરી, હું એટલો હલકટ નથી કે આવી બાઈઓ સાથે સુઈ જાઉં." કહી ભગાલાલે પાછળ ઉભેલી ઘેલીનો હાથ પકડીને આગળ ખેંચી. ઘેલી આગળ આવીને ઊભી રહી એટલે ભગાલાલે  પેન્ટમાં પાછળના ખિસ્સામાંથી પૈસાથી ભરેલું પાકીટ કાઢ્યું. પાકીટમાંથી હજાર રૂપિયા કાઢીને ઘેલીને આપતા કહ્યું, "લે બાઈ, તને બોલાવવામાં આવી છે એટલે ખાલી હાથે જવા નહિ દઉં, તું તારો દેહ વેચવાનું કામ કરે છે એટલે તારી મજબૂરી હશે એવું મને તારી કાયા જોઈને લાગતું નથી. કદાચ તને આ ધંધામાં મજા આવતી હશે. હું તને કંઈ ઉપદેશ આપવા નથી માંગતો પણ પેટનો ખાડો પુરવા માટે માત્ર આ એક જ રસ્તો નથી, બસ એટલું જ કહેવા માગું છું. જા ચાલી જા આંહીંથી."

  ઘેલીએ હુકમચંદ સામે જોયું. હુકમચંદ જડ જેવો થઈને ભગાલાલ સામે તાકી રહ્યો હતો. 

"હુકમચંદની પરમીશન લેવાની જરૂર નથી. લે આ રૂપિયા લઈને ચાલતી પકડ. મારે તારી સેવાની કોઈ જરૂર નથી. તારી જેવી ગરીબડી સ્ત્રીનું શોષણ કરવું એ મારા માટે પાપ છે.''

 "હજી હુધી મને આવા કોય માણહ નથી મળિયા. જેને જોવી ઈ હંધાય કૂતરાં ઘોડ્યે વાંહે પડે સે. મશ્કરી કરે સે. એવા એવા વેણ બોલે સે કે ઊભા ને ઊભા હળગી જવાય સે. ગામના ઉતાર જેવો રખડેલ બે બદામનો સંસિયો હોય કે હુકમસંદ જેવા ગામના સર્પસ જેવા મોટા માથા હુધીનાં હંધાયને બસ.." ઘેલી આગળ બોલી ન શકી. એની આંખમાં આંસુ હતા. એ ભગાલાલને પગે લાગીને ચાલવા માંડી. હુકમચંદ મનોમન એને ભાંડતો તાકી રહ્યો.

'અત્યારે બવ સતી સાવિત્રી થાય સે પણ પૈસા ખૂટશે એટલે તરત ફોન કરશે કે કે'દી આવું?'

''સોરી ભગાલાલ, તમને ઈન્ટ્રેસ નો હોય તો. લ્યો હું પેગ બનાવું, જેમાં જામતું હોય ઈ કરવાનું યાર. બાકી તમે જે કહ્યું એ સો ટકા સાચી વાત છે. હે હે હે...!" હુકમચંદ હસતા હસતા પેગ બનાવવા માંડ્યો.

  ભગાલાલ મનમાં હસી રહ્યો હતો. હુકમચંદને લપેટવાની યોજના બરાબર કામમાં આવવાની હતી.

(ક્રમશઃ)