MOJISTAN - SERIES 2 - Part 3 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 3

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 3

 

ભાભા એ દુષ્ટ આત્માને ક્રોધથી ભરેલા લોચનોથી તાકી રહ્યા. શાસ્ત્રો ભણીને આવેલા પોતાના જ્ઞાની અને તેજસ્વી આભા ધરાવતા સત્યનારાયણ દેવના અવતારી પુત્રને બાબલા જેવા તોછડા નામથી બોલાવનાર એ માનવીને બાળીને ભષ્મ કરી દેવાનું એમને મન થયું. શ્રાપ આપીને એને માનવીમાંથી શ્વાન બનાવી દેવા એમની જીભ સળવળી પણ ખરી! પછી પુત્રના જ્ઞાન પર પિતાની કુચેષ્ટાનો દુષ્પ્રભાવ પડવાની બીકે ભાભાએ શ્રાપ આપવાનું માંડી વાળ્યું. વળી શેરીમાં જેટલા પણ શ્વાન હતા એ રાતે બિહામણા રુદન સ્વરો વહાવીને ભાભાની નિંદ્રામાં ખલેલ પહોંચાડતા હતા. એમાં એક પણ શ્વાનનો વધારો થાય એ ભાભાને પોસાય તેમ નહોતું.

"દુષ્ટ જાદવા..નીચ અને અધમ પાપી. તું તારી જીભડીને કાબુમાં રાખ. મારો પુત્ર એ કોઈ સામાન્ય બાબલો નથી. નાલાયક, તને હજી કંઈ ભાન નથી, ઓ અલ્પબુદ્ધિ તું એક પામર અને તુચ્છ જીવડું છો. અજ્ઞાની અને અવિવેકી છો તેથી  તારા આ અણછાજતા વર્તનને, જા હું માફ કરું છું." ભાભાએ ક્રોધ પર કાબુ રાખીને અવાજને બહુ ઊંચો થવા દીધા વગર કહ્યું.

જાદવો બીજું જે સમજ્યો હોય એ ખરું, પણ ભાભાએ જીવડું કહ્યું એ એને માફક આવ્યું નહિ!

"ભાભા મોઢું હંભળીને ફાટજો. અમારી જેવા જીવડાને લીધે જ તમે લોટ ભેગા થાવ સો ઈ નો ભૂલતા. કામ કરીને તણવારા અમે તૂટી મરવી છી. તમે ખાલી અસ્ટમ પસ્ટમ સલોક બોલીને લૂંટી જાવ સો. આ નડે સે ને ઓલ્યું નડે સે કરીને કાંય ઉકલવા દેતા નથી. તોય અમે તમને ખમી ખાવી છી. અમને ઈમ કે હશે હવે, કાંક તો હાચુ કરતા જ હયસો ને. પણ તમે તો અમને જીવડા ગણીને હાડય હાડય કરો સો. ઈ હંધુય માય જયું..બાબલો ચ્યાં જ્યો? બપોર વસાળે ઉગમણી સીમમાં આ બાર્ય પડ્યું ઈ ઓલ્યા ટેમુડાનું ઠોઠયું લઈને કોકના ખેતરમાં સુ લેવા જ્યો'તો. જ્યો તારે નોતો ઓળખ્યો પણ બાર્ય નિહર્યો તારે ઓળખ્યો. તે હું ઈમ પુંસવા આયો સુ કે આવા વેહ ચીમ બડલવા પડ્યા. ચ્યાં જ્યો તમારો કપાતર.. બોલાવો ઈને, મારે પુંસવું સે."

"દુષ્ટ જાદવા, તું અત્યારે જ મારી નજર સામેથી અદ્રશ્ય થઈ જા. નહિતર હું તને શ્રાપ આપીશ. તું રૌ રૌ નર્કનો અધિકારી થઈશ. ચાલ્યો જા કહું છું. નીચ અને અધમ પાપીયા તું અબઘડી ચાલ્યો જા. તને દ્રષ્ટિભ્રમ થયો છે. બાબો વેશપલટો ન કરે. એ સ્વયં સત્યનારાયણદેવનો અવતાર છે. એના ચરણો પૂજવાયોગ્ય છે. તું તારું ભૂંડમુખ લઈને ચાલ્યો જા..હે જાદવા તું ચાલ્યો જા કહું છું."

"હાલ્યો જાવા જ આયો સુ. મારે કાંય આંય રાત નથી રોકાવું. તમે બાબલાને બોલાવો. ખોટી ડાઢી સોટાડીને નાણીયાની વાડીમાં સુ લેવા જ્યો'તો ઈ મારે પુંસવું સે. ભાભા તમે જીમ ફાવે ઈમ નો બોલતા. નકર હુંય બોલીસ, કાનમાંથી કીડા ખરે એવું બોલતાંય મને આવડે સે હમજયા?"

ભાભાનો ક્રોધમાં જાદવાની અવળવાણીથી ભડકો થયો. બાબાને ઘરે આવેલો જોઈ હર્ષનાં ઘૂંટ પી રહેલા ભાભાને જાદવાએ આવીને કટુવચનની કડવી ગોળી પીવડાવી હતી. ભાભા કંઈ બોલે એ પહેલાં બાબો બહાર આવ્યો. ભાભા અને જાદવાનો સંવાદ એણે સાંભળ્યો હતો. પોતે શાસ્ત્રીજીના વેશને સંતાડવા સીમમાં ગયો હતો. એને હતું કે કોઈએ એને જોયો નથી પણ આ જાદવો જોઈ ગયો હતો. હવે આ જાદવાને ગોળી પાઈને શાંત કરવો પડે એમ હતું. 

"પિતાજી, તમે શાંત થઈ જાવ. હું જાદવભાઈ સાથે વાત કરું છું." કહી બાબાએ જાદવા સામે મીઠું સ્મિત વેરીને કહ્યું, " આવો જાદવભાઈ હું તમને સમજાવું. તમે જે દ્રશ્ય જોઈને આવ્યા છો એ અંગે તમને ચોખવટ કરું. આવો અંદર આવો અને બેઠકમાં આસન ગ્રહણ કરો. આપણે વાત કરીએ." 

 બાબાની વાણી અને વર્તનથી જાદવો વિસ્મય પામ્યો. કદી નહિ ને આજે એણે જાદવભાઈ કહીને એને સંબોધ્યો હતો. આટલું માન ગામમાં કોઈએ એને આપ્યું નહોતું.

 ભાભા હજુ એને ડોળા કાઢીને તાકી રહ્યા હતા. પણ બાબાની આંખોમાં સ્નેહ ઝરતો હતો. જાદવો ઘડીક બાબાને તો ઘડીક ભાભાને તાકી રહ્યો. પછી એના જોડા કાઢીને જ્યાં યજમાનો બેસતા એ બેઠક તરફ આગળ વધ્યો. ભાભા ઓસરીમાં ખાટ પર બેઠા હતા. જાદવો એ ખાટ પાછળ થઈને યજમાનોની બેઠકમાં જઈ બેઠો. 

"બા જાદવભાઈ માટે જળ લાવજો. પછી એમના માટે ચા પણ બનાવજો." કહી બાબો જાદવ સામે જઈ જ્યાં ભાભા બેસતા ત્યાં જઈ બેઠો. જાદવ સામે ફરી મીઠું હસીને એણે કહ્યું, "પહેલા ચા પાણી પીવો જાદવભાઈ. પછી તમારા મનમાં જે સંશય પેદા થયો છે એનું આપણે નિર્મૂલન કરીશું." 

"બામણના ઘરે સા પાણી નો પીવાય બાબાભાઈ. તને ઝટ લઈને ઈ કયો કે તમે નાણીયાના ખેતરમાં સુ લેવા જ્યા'તા." જાદવાએ પણ બાબાને બાબાભાઈ કહી માન આપ્યું.

"અરે એ શું બોલ્યા તમે જાદવભાઈ. બ્રહ્મણના ઘેર આવ્યા છો એટલે તમે પુણ્યશાળી છો. કારણ કે એ વગર તમારા ચરણો અમારા ઘરની દિશામાં ડગલું ભરી ના શકે. તમારૂ કલ્યાણ થવાનું હોય તો જ તમને આવી સદબુદ્ધિ સુજી હોય. તમારા મનમાં જે સવાલ ઊભો થયો છે એ કંઈ એમ ને એમ તો ન જ થાય સમજ્યા?" 

"પણ ભાભાએ તો મને ભૂંદ્રાના મોઢાવાળો કીધો. નિસ કીધો, પાપીયો કીધો. મને જીવડું કીધો. ઈમ કાંય અમને જિમ ફાવે ઈમ લેવા નો મંડવાનું હોય વળી. અમેય હમજવી છવી. કાંય બુદ્ધિ વગર્યના નથી."

"જાદવભાઈ, તમે ભાભાના સ્વભાવને ક્યાં નથી જાણતા. એમની ગાળો પણ સ્વર્ગના દ્વારની સીડી છે ભલામાણસ. ભલે મોંએથી તમને શ્રાપ આપતા હોય પણ એમનું અંતર તો અરીસા જેવું સાફ છે. ગામ પ્રત્યે એમના દિલમાં જે મમતા છે એ એક માને એના દીકરાઓ પ્રત્યે હોય એના કરતાં પણ અનેકગણી છે." કહી બાબાએ સ્મિત ફરકાવ્યું.

  બાબાના વર્તનથી જાદવો નવાઈ પામતો હતો. એકદમ શુદ્ધ ઉચ્ચાર અને એકદમ શાંતિથી વાત કરતો બાબો પહેલાના બાબલા કરતા એને સાવ અલગ જ લાગ્યો. આ જ બાબાએ વાડીએ એની સાથે ઘણાને એકલે હાથે ઢીબ્યા હતા એ જાદવાને યાદ આવ્યું. અત્યારે એ પ્રેમથી વાત કરી રહ્યો છે ત્યારે બહુ  વાઈડાઈ કરવી ઠીક નહિ એમ વિચારીને જાદવો બોલ્યો, "બાબાભાઈ, તમે હવે પેલા કરતા સુધરી જ્યાં હોય ઈમ લાગે સે. પણ બામણના ઘરનું કાંય ખવાય પીવાય નય ભાય. મારે પાપમાં નથી પડવું."

"હવે એવું કાંઈ ના હોય જાદવભાઈ. તમે તમારે શાંતિથી બેસો. તમારે શું જાણવું છે એ કહો.''

"હું વાડીએથી આવતો'તો. તમે ટેમુડાનું ભરભટિયું લયને નાણીયાના ખેતરમાં જ્યા. જ્યા તારે તમે ડાઢી સોટાડી'તી. બાર્ય નહેર્યાં તારે ડાઢી નોતી. અટલે હું તમને ઓળખી જ્યો. અટલે વાંહે વાંહે જ આંય આયો."

"અચ્છા તો તમે મને નારણભાઈના ખેતરમાં જોયો બરાબર? મને અંદર જતા નહોતો જોયો. પણ બહાર નીકળતા જોયો એમ જ ને?"

"માલકોર જાતા શોતે જોયા, પણ ઈ વખતે તમેં મોઢા ઉપર્ય ડાઢી સોટાડી'તી. ને સસમાં શોતે પેર્યા'તા."

"અચ્છા તો જાદવભાઈ તમે એમ કહો છો કે મારા મોઢા ઉપર્ય તમે દાઢી જોઈ. હે હે હે..ખરેખર હું જ હતો કે મારા જેવું કોઈ બીજું હતું?"

"જાતી વખતે તો ઓળખી નોતો હકયો પણ બાર્ય નીકળ્યા ઈ વખતે ઓળખી જ્યો. તમે જ હતા."

"મતલબ કે હું અંદર ગયો ત્યારે તમને ખબર નહોતી કે એ હું હતો. બહાર નીકળ્યો ત્યારે ખબર પડી કે હું હતો એમ જ ને?" 

"હા હા ઈમ જ ભલામાણા, બવ ચોળયા વગર્ય ઝટ કય દયો ને.." જાદવો હવે ધીરજ ગુમાવી રહ્યો હતો.

"જુઓ જાદવભાઈ હું તમને જરાય અંધારામાં રાખવા માંગતો નથી. તમે જે જોયું છે એ તમારી સગ્ગી આંખે જોયું છે. પણ ભ્રમ એક એવી ચીજ છે જેનાથી દેવતાઓ પણ ભરમાયા છે. શાસ્ત્રોમાં એવા ઘણા કિસ્સાઓ કહેવામાં આવ્યા છે જેમાં ભ્રમના ભરડામાં ભગવાન પણ આવી ગયેલા છે. એટલે હું એમ પૂછું છું કે તમેં વાડીએથી ઘરે જતા હતા કે ઘરેથી વાડીએ જતા હતા..?" બાબાએ જાદવાને ગૂંચવવા માંડ્યો.

"અલ્યાભાઈ મને પાક્કી ખબર્ય સે. હું હજી ઘરે પોગ્યો નથી, વાડીએથી આવતો'તો. ને તમને બાજરાના ખેતરમાં જાતા મેં નજરોનજર ભાળ્યા સે ભલામાણાં.."

"પણ હમણે તમે એમ કહ્યું કે જતી વખતે તમને ખબર નહોતી કે એ વ્યક્તિ હું હતો. કારણ કે એ વ્યક્તિના મોં પર દાઢી હતી એમ પણ તમે કહ્યું છે." બાબાએ શાંતિથી કહ્યું.

"હા તે ડાઢી હતી જ ને. ખાલી ડાઢી જ નય..મોઢા ઉપર્ય લૂગડું શોતે બાંધ્યું'તું. અને કાળા સસમાં પણ પેર્યા'તા. હું કાંય આંધળીનો નથી હમજ્યો?" જાદવો મગજ પરથી કાબુ ગુમાવતો જતો હતો.

"તમારી વાત બરાબર છે જાદવભાઈ. પણ હવે મને એ જણાવો કે જો મોઢા પર તમે કપડું બાંધેલું જોયુ હોય તો દાઢી કેવી રીતે દેખાય? એટલે જરા વિચારીને કહો કે ખેતરની અંદર જનાર એ વ્યક્તિના મોં પર દાઢી હતી કે કપડું હતું?"

"અલ્યા ભય...ડાઢી હતી. ને ડાઢી ઉપર્ય લૂગડું વિટ્યું'તું. બાર્ય નહેર્યો તારે કાઢી નાંખ્યું'તું."

"બરાબર છે. હવે મને એ કહો કે જો લૂગડું મોં પર વિટ્યું હોય તો તમને દાઢી કેવી રીતે દેખાઈ? તમે એ વ્યક્તિથી એકજેટ કેટલા અંતરે હતા? તમને ખાસ ખબર છે કે એ માણસે કપડાં ઉપર દાઢી લગાવી હતી?"

"લૂગડાં ઉપર્ય કોય ડાઢી લગાડે? અલ્યા હું કવ તો સુ કે ડાઢી નકલી હતી ને ઉપર્ય લૂગડું બાંધ્યું'તું. કોય ઓળખી નો જાય અટલે જ તેં ઈમ કર્યું હસે. તું આવો વેહબડલો સુકામ કરછ ઈ જ મારે જાણવું સે." જાદવો ગરમ થયો.

 એ જોઈ બાબો હસી પડ્યો. ખાટ પર હળવે હળવે હિંચકી રહેલા ભાભાએ ઊભા થઈને બેઠક તરફ આવતા બરાડો પાડ્યો,

"અલ્યા જાદવા..તું ભૂત ભાળીને આવ્યો લાગે છે. બાબો તને સમજાવે છે, માન આપીને બોલાવે છે ને તું હુંકારા તુંકારા શેનો કરછ? હાલ આમ ઊભો થઈ જા અહીંથી. અને નીકળ મારા ઘરમાંથી બારો. નહિતર અવળા હાથની એક દઈશ તો મોંઢામાં એકેય દાંત નહિ રહે. સાલા ક્યારનો લપ કરે છે? દાઢી હતી ને લૂગડું હતું..ચશ્માં હતા..તારો ડોહો એવો તે કોણ નવરો હોય તે નાણીયાના ખેતરમાં તેં જોયો હોય. નક્કી તારું ચસ્કી ગયું લાગે છે."

"પિતાજી મને પણ એમ જ લાગે છે કે આ જાદવભાઈને ગરમી લાગી જવાથી એમના મગજમાં કેમિકલ લોચો થયો છે. આપણે એમને આમ કાઢી ન મુકાય. હું ડોકટરને ફોન કરું છું. જાદવભાઈ તમે જરા પણ ચિંતા ન કરતા. સુઈ જાવ થોડીવાર, ત્યાં સુધીમાં હું ડોકટરને બોલાવી લઉ."

બાબાએ ફોન કાઢતા કહ્યું.

"અલ્યા મારુ કંઈ સટકી નથી જયુ. નો કેવું હોય તો કાંય નય..હું મારી મેળે જાણી લશ. હાલો હું જાવ. સા પાવાનું કેતા'તા પણ પાણીય નો પાયું..માય જાવ તમે બેય બાપ દીકરો.." કહીને જાદવો ઊભો થયો.

"નીચ અને અધમ જાદવા..એમ તું જઈ નહિ શકે. તારા દિમાગની સારવાર તો કરાવવી જ પડશે. ચાલ બેસ નીચે, નહિતર એક થપાટ ભેગો પાડી દઈશ." ભાભા જાદવા સામાં આવીને ગર્જયા.

 

પણ  જાદવો ભાભાના પડકારથી ડર્યો નહિ, "હવે જોયા મોટા થપાટુ મારવાવાળા. આમ આઘા મરો નકર તમે ખાહો મારા હાથનો. તમને બેય બાપ દીકરાને તો હું હવે જોય લશ.'' કહી જાદવાએ ભાભાને ધક્કો માર્યો. જાદવના ધક્કાથી ભાભા ગબડીને ગાદલામાં પડ્યાં. એ જોઈ અત્યાર સુધી શાંત રહેલો બાબો બગડ્યો.

બાબાએ તરત ઊભા થઈ જાદવાને બોચીમાંથી જાલ્યો. જાદવો કંઈ સમજે એ પહેલાં એના પડખામાં બાબાએ ગડદો ઠોકયો. જાદવો બેવડ વળીને ચિત્કારી ઉઠયો.

(ક્રમશઃ)