MOJISTAN - SERIES 2 - Part 15 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 15

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 15

ચંચો હુકમચંદની રાડથી ગભરાયો. જલ્દી નીચે જવું પડે એમ હતું પણ એનો જીવ વહીસ્કીની બોટલમાં હતો. ચંચાએ હોલમાં નજર ફેરવી. દીવાલની એક ખીંટીએ લટકતી કાપડની નાનકડી થેલી અને થેલીના નાકા સાથે બંધાયેલી દોરી જોઈ ચંચાની આંખો ચમકી. દોડીને એણે એ થેલી ખીંટીએથી ઉતારી. હુકમચંદ કદાચ કોઈ વસ્તુ બારોબારથી મંગાવવા માટે આ થેલીનો ઉપયોગ કરતો હશે. બજારમાં પડતી બારીમાંથી આ થેલી વડે કોઈ ચીજ મેડીમાં ખેંચી લેવાતી હશે. ચંચાએ વધુ વિચાર કર્યા વગર ફ્રીજમાંથી પેલી બોટલ ઉઠાવીને એ થેલીમાં નાંખી. બારી ખોલીને દોરી વડે એ થેલી બજારમાં ઉતારી. થેલી બજારની જમીનને અડી કે તરત ચંચાએ દોરી છોડી દીધી.   દાદરમાં પડેલો મૂળિયો હજી બબડતો હતો. હુકમચંદે એને ઊભો કર્યો પણ એ ઊભો રહી શકતો નહોતો. હુકમચંદ એનું બાવડું પકડીને ઓસરીમાં મુકવા ગયો. દાદરના ઉપરના ભાગમાંથી ચંચાએ એ જોયું કે તરત એ ધડાધડ દાદર ઉતરીને ડેલી તરફ ભાગ્યો. ભગાલાલ હજી ડેલીમાં જ ઊભો હતો એણે ચંચાને ભાગતો જોઈ બોચીમાંથી પકડ્યો."કેમ અલ્યા છછુંદર..આમ દોડાદોડ ક્યાં જાય છે? પેલો જે દાદરમાં ગબડી પડ્યો છે એને તેં જ ધક્કો માર્યો હશે. ઊભો રહે અહીં. હુકમચંદ આવે પછી તારું કાંઈક કરવું પડશે." ભગાલાલે જરા જોરથી કહ્યું. "એવું કાંય નથી ભગાલાલભાઈ. મારે તાત્કાલીક ઘરે જાવું પડે ઈમ સે. કારણ કે મને ઝાડા જેવું થય જયું સે. મૂળિયાને મેં ના પાડી તોય દારૂની બોટલને પાણી હમજીને આખો ગ્લાસ ઝટપટ ગટગટાવી જ્યો સે અટલે ઈવડો ઈ દાદરમાં ઝીંકાણો સે. મને ઝટ ઘરે જાવા દયો ભયશાબ. નકર આંય ને આંય હંધુય ભરાય રેહે. તમારી પાલટીની પત્તર ઠોકાય જાહે. હું તરત પાસો આવીસ." કહી ચંચાએ એના હાથ પૂંઠે દબાવ્યા. ભગાલાલને સમજાવવામાં ચંચો સફળ તો થયો. પણ જે કામ માટે એ ભાગ્યો હતો એ કામ થયું નહિ. ચંચો  દારૂની બોટલ કાપડની પેલી થેલીમાં નાખીને દોરી વડે બજારમાં ઉતારીને દાદર ઉતર્યો એ જ વખતે રઘલો વાળંદ ત્યાંથી નીકળ્યો. સરપંચની મેડીમાંથી ચંચાએ ઉતારેલી થેલી એણે જોઈ. રઘલાને બીજું કંઈ  વિચારવાનું નહોતું. રઘલાએ એ થેલી લઈને ચાલતી પકડી. અંદર શું છે એ જોવાની પણ તસ્દી એણે લીધી નહિ. કારણ કે થેલીમાં રહેલો વજન કોઈ સારી ચીજનો જ હશે એમ એ સમજતો હતો. સરપંચની મેડીની આઈટમ હોય એટલે જોવાપણું જ ન હોય ને! ચંચો ભગાલાલ પાસેથી છૂટીને બજારમાં આવ્યો ત્યારે થેલી ગાયબ હતી. બજારમાં બંને બાજુ એણે નજર દોડાવી તો રઘલો થેલી બગલમાં ઘાલીને જતો હતો. ચંચાએ એને ઓળખીને બૂમ પાડી."એ..રઘલા...ઉભો રે..તારી જાત્યના ઈ ઠેલી તારા બાપની નથી તે લયને હાલતીનો થય જ્યો.. ઊભો રે..કવસુ. નકર હુકમસંદ તારી પત્તર ઠોકી નાંખસે.."  બૂમ પાડીને ચંચો રઘલા પાછળ દોડ્યો. રઘલો ચંચાને સારી રીતે જાણતો હતો. થેલીમાં રહેલી ચીજ જરૂર ચંચાએ બઠાવી હોવી જોઈએ એ સમજતા રઘલાએ ગાડી ચોથા ગેરમાં નાંખીને દોટ મૂકી. ગામની એ બજારે આગળ જતા રામજી મંદિરનો ચોક આવતો હતો. સાંજનો સમય હતો એટલે ગામના ડોસાઓ એ ચોકમાં મંદિરના ઓટલે લાઈનમાં બેઠા હતા. કેટલાક ઘરની પછીતને ટેકે બેસીને બીડી ફૂંકતા ફૂંકતા ગામગપાટા મારતા હતા. રઘલો જે બજારેથી દોટ મૂકીને આવી રહ્યો હતો એ બજારને કાટખૂણે પડતી બજારમાં પોચા માસ્તર સાઈકલ પર ધીમેધીમે આવી રહ્યા હતા. એની પાછળ પશવો એની ભેંસ અને પાડીને પાણી પાવા ગામના અવેડે જતો હતો. એના હાથમાં ભેંસ હાંકવા માટેની નાની સોટી હતી. ચંચાથી થેલી બચાવવા ફૂલ સ્પીડે આવતો રઘલો વળાંક વળ્યો એ વખતે પશવાની ભેંસ અને પાડીઓ પોચા માસ્તરની સાઈકલ આસપાસ આવી ગઈ હતી. કારણ કે પોચા માસ્તર એકદમ પોચુ પોચુ પેડલ મારીને સ્લો સાઈકલીંગની મજા લઈ રહ્યા હતા. એક તરફ ભેંસ, બીજી તરફ બે પાડીઓ અને પાછળ સોટી લઈને આવતો પશવો!  રઘલાને ભાગવા માટે સાઈડ જોઈતી હતી. પોચા માસ્તરે અચાનક પ્રગટ થયેલા રઘલાને જોઈ સાઈકલ એક તરફ લેવા હેન્ડલ  પાડીઓ તરફ ઘુમાવ્યું. એ સાઈડમાં જ આવતો રઘલો સાઈકલ પાડીઓ તરફ જશે એમ સમજી ભેંસ તરફ ફંટાયો. પણ એ પહેલાં પોચા માસ્તર સમજ્યા કે રઘલો પાડીઓ તરફ આવી રહ્યો છે એટલે ક્ષણનોય વિલંબ કર્યા વગર પોચા માસ્તરે સાઈકલ ભેંસ તરફ લીધી. રઘલો ડીસીજન લઈ શક્યો નહિ કે પોચા માસ્તર કઈ તરફ જશે. આ બધું સેકન્ડોમાં બન્યું. આખરે ફૂલ સ્પીડમાં આવતા રઘલાના બે પગ વચ્ચે પોચા માસ્તરની સાઈકલનું આગળનું વહીલ ઘુસી ગયું. પોચા માસ્તર ઉલળીને પાછળ આવતા પશવા પર ઝીંકાયા. પશવો અને પોચા સાહેબ બજારમાં ગળોટિયા ખાતા નજરે પડ્યા એટલે ઓટલા પરથી ભાભાઓ ઊભા થઈને દોડ્યા.  સાઈકલનું આગળનું વહીલ લંબગોળ થઈ ગયું. રઘલો ઉલળીને જમીન પર ગળોટિયું ખાઈને પડ્યો. એ સાથે જ સાઈકલ રઘલા પર પડી. સાઈકલ નીચેથી રઘલાએ બેઠા થઈને જલ્દી ઊભો થવા પ્રયત્ન કર્યો. કારણ કે સાઈકલ સાથે એ અથડાયો ત્યારે ન જાણે કઈ રીતે એની બગલમાં રહેલી પેલી થેલી હવામાં ઉછળતી એણે જોઈ. રઘલોસાઈકલ સાથે ભટકાઈને ભેંસ આગળ પડ્યો એટલે એકાએક ભેંસ ભડકી. રઘલાની બગલમાં દબાયેલી થેલી હવામાં ઉછળી. થેલીના નાકા ભેંસના શિંઘડામાં કેવી રીતે ભરાઈ ગયા એ કોઈને ખબર પડી નહી. પણ ભેંસ આવો વધારાનો સમાન ઉચકવા બિલકુલ તૈયાર નહોતી. અચાનક હવામાંથી એ થેલી ભેંસના શીંઘડામાં ભરાઈ એટલે ભેંસ, તરત ઊંચું પૂછડું લઈ ઓંહયક...ઓંહયક..કરીને ઢીંઢું વાકુચૂંકુ કરીને રઘલાને ઠેકીને ભાગી. મા પર આવેલી આફત આપણી પર પણ આવશે એમ સમજીને પેલી બેઉ પાડીઓ ભેંસ પાછળ ઝડપથી ભાગવું જરૂરી સમજી. રસ્તામાંપડેલી સાઈકલ અને સાઈકલ નીચે પડેલો રઘલો પાડીઓ માટે અંતરાય ઊભો કરે એ પહેલાં પાડીઓ સાઈકલ અને રઘલાને કચરીને માને આંબી જવા દોટ મૂકી.  રઘલાના પગ અને છાતીમાં પાડીઓએ પગ મુક્યા કે તરત રઘલો રાડો પાડવા લાગ્યો. પોચા માસ્તર પશવા પર પડ્યા એટલે પશવાએ પણ મગજ ગુમાવ્યો. સમજ્યા વગર પશવાએ પોચા માસ્તરના પેટમાં બે ઘુસ્તા મારીને ગાળો દેવા માંડી. પોચા માસ્તરે પણ વળતા જવાબમાં પશવાના પેટમાં કોણી પ્રહાર કર્યો અને થોડી હળવી અને શિક્ષકને શોભે એવી ગાળો પણ આપી. રામજી મંદિરના ચોકમાં પડેલો આ ટેબ્લો થોડીવારમાં ખરેખરો જામ્યો. ઓટલે બેઠેલા ડોસાઓએ પોચા માસ્તર અને પશવાને લડતા માંડ અટકાવ્યા. પશવાએ આ બધું થવાનું કારણ રઘલો જ હતો એટલે એ સોટી લઈને રઘલા પર તૂટી પડ્યો. ભાભાઓએ અડબંગ પશવાને માંડ સમજાવીને ભેંસ અને પાડીઓ પાછળ મોકલ્યો. ચોકમાં જામેલુ દંગલ રઘલા પાછળ આવતા ચંચાએ  બજારના ખૂણે આવીને જોયું. રઘલો પોચા માસ્તરની સાઈકલમાં ભરાયો એ વખતે હવામાં ઉછળીને ભેંસના શીંઘડામાં સલવાઈ ગયેલી થેલી એણે જોઈ. ભેંસ ભડકીને ભાગી એટલે તરત જ એણે ભેંસ પાછળ દોટ મૂકી. થેલીમાં રહેલી બોટલ ભેંસના મોઢા પર ભટકાતી હતી એટલે ભેંસે મગજ ગુમાવ્યો. માથું ઊંચુંનીચું અને આડું અવળું કરવા છતાં થેલી શિઘડામાંથી નીકળતી નહોતી.  તખુભાની ડેલીએથી ઘરે આવેલા જાદવાની ડેલી આગળ વાડીએથી કપાસના પોટકા ભરેલો ટેમ્પો આવીને ઊભો હતો. એ ટેમ્પા પાછળ ટ્રેક્ટર લઈને આવતા સવજીએ ટેમ્પાની બાજુમાંથી ટ્રેક્ટર આગળ લીધું એટલે આખી બજાર રોકાઈ ગઈ. ફૂલ સ્પીડમાં આવતી ભેંસને આગળ જવા માટે રસ્તો રહ્યો નહીં. મોઢા પર ભટકાતી થેલીને કારણે ભેંસ થોભવા માંગતી નહોતી. એ જ વખતે ટેમ્પાને અંદર લેવા જાદવાએ ડેલું ખોલ્યું. ભાગતી ભેંસને તરત જગ્યા મળી ગઈ. ભેંસ જાદવાના ડેલામાં ઘુસી. અચાનક પ્રગટ થયેલી ભેંસને જોઈ જાદવાએ ભેંસને રોકવા હાથ ઊંચા કરીને હાંકલો કર્યો. ભેંસ પોતાને કોઈ રોકે એ ચલાવી લેવા માંગતી નહોતી. બજારમાં ટેમ્પા અને ટ્રેક્ટરે એનો રસ્તો રોક્યો હતો અને હવે આ જાદવો એને આગળ વધતી અટકાવતો હતો. ભેંસે ગાંગરીને જાદવાને ગોથું માર્યું. 'હોય હોય બાપલીયા..આ...આ...આ...' કરતો જાદવો ઉલળીને ફળિયામાં પડ્યો. જાદવાને ગોથું મારવા ભેંસે માથું નીચું કરેલું એ વખતે પેલી થેલી ભેંસના શીંઘડામાંથી નીકળીને જાદવાના ફળિયામાં ફેંકાઈ.    ટેમ્પાના ડ્રાઈવર ગોધાએ ભેંસને ડેલામાં ઘૂસતી જોઈ હતી. જાદવાની રાડ સાંભળીને તરત ટેમ્પા પરથી ઠેકડો મારીને એ ડેલીમાં ભાગ્યો. સવજીએ પણ ટ્રેક્ટર સાઈડમાં લઈ જાદવના ઘરમાં દોટ મૂકી.       થેલીથી મુક્ત થયેલી ભેંસ જાદવાના ફળિયામાં આંટો મારીને પરત ફરી. ભેંસ પાછળ આવતી પાડીઓ જાદવાના ડેલામાં આવી પહોંચી હતી. માને સહી સલામત જોઈ પાડીઓ રણકી. ભેંસ એની પાડીઓ લઈ જાણે કંઈ બન્યું જ ન હોય એમ ટેમ્પા પાસેથી ગામના અવેડા તરફ ચાલતી થઈ.  ભેંસની પાછળ આવતા ચંચાએ જાદવના ડેલામાંથી બહાર નીકળતી ભેંસને શાંત થયેલી જોઈ. એના શીંઘડામાં ભરાયેલી થેલી જાદવાએ કાઢી લીધી હોવાનું સમજીને એ ડેલા પાસે આવીને ઊભો રહ્યો. ગોધો અને સવજી જાદવાને ઉપાડીને ઓસરીમાં લઈ જઈ રહ્યા હતા. જડીએ જાદવાને ભેંસે ગોથું માર્યું એ જોઈને રાડારાડ કરી મૂકી હતી. ચંચાએ જાદવાના ફળિયામાં પડેલી પેલી થેલી જોઈ. સવજી, ગોધા અને જડીનું ધ્યાન ભેંસના ગોથાથી ઘાયલ થયેલા જાદવા તરફ હતું. ચંચાએ હળવે પગલે દોડીને થેલી કબજે લીધી. જાદવાનું શું થયું હશે એ ચંચો સમજ્યો હતો. જાદવા કરતા એને એ થેલીમાં વધુ રસ હતો. કોઈનું ધ્યાન એના પર પડે એ પહેલાં થેલી લઈને ચંચો ડેલા બહાર નીકળી ગયો.  પણ ચંચાના નસીબ એટલા સારા નહોતા. પોચા માસ્તરને મૂકીને ભેંસ પાછળ આવેલા પશવાએ ભેંસ અને પાડીઓને જાદવાના ડેલામાંથી નીકળતી જોઈ હતી. ચંચો જે થેલી બગલમાં દબાવીને નીકળ્યો એ થેલી રઘલાની બગલમાંથી ઉછળીને ભેંસના શીંઘડામાં ભરાઈ હતી એટલે જ ભેંસ ભડકી હતી એની પશવાને ખબર હતી."અલ્યા એય..તારી જાતના સંસિયાઈ ઠેલીમાં સું સે. મારી ભેંહના સિંઘડામાં ઈ ઠેલી હલવાણી'તી. લાવ્ય ઈ ઠેલી મને દય દે." પશવાએ રાડ પાડી."હવે આમ હાલતીનો થા. તારી ભેંહે જાદવાને ઈના ડેલામાં ગરીને ગોથું માર્યું સે. જાદવો તારી ઉપર્ય કેસ કરવાનો સે. આ ઠેલી તો મારી સે. રઘલો મારી ઠેલી લયને ભાયગો'તો. અટલે હું ઈની વાંહે થિયો. પણ ઈ પોસા સાબ હાર્યે ભટકાણો. અને તું ભેંહ લયન વાંહે આવતો'તો. ઈમાં આ ઠેલી ભેંહના સિંઘડામાં હલવય જય. અટલે કાંય તારી નો થય જાય હમજ્યો. જા આમ તારી ભેંહ ને પાડિયું લયને ઘર ભેગીનો થા." ચંચાએ એમ કહી ચાલતી પકડી.પણ પશવો એમ એને જવા દે એવો નહોતો. એ થેલીમાં શું છે એ તો એને જાણવું જ હતું. પશવાએ ચંચાનું બાવડું પકડી પેલી થેલી આંચકવા માંડી.ચંચો મહામહેનતે હાથમાં આવેલી એ થેલી જવા દેવા માંગતો નહોતો. પશવો બળુંકો જરૂર હતો પણ ચંચો લડી લેવાના મૂડમાં હતો. એણે કચકચાવીને પશવાના મોં પર મુક્કો માર્યો. ચંચાનો મુક્કો પડતા પશવાના હાથમાંથી થેલી છૂટી ગઈ. બીજી જ પળે એણે દોટ મૂકી. પશવો કાંડા બળિયો અને મજબૂત જણ હતો. દોડવામાં એ પણ પાછો પડે એમ નહોતો. ભાગતા ચંચા પાછળ એ પણ દોડ્યો. ચંચાના બરડામાં જોરથી મુષ્ટિ પ્રહાર કરીને પશવાએ કાનમાંથી કીડા ખરે એવી ગાળ ચંચાને દીધી. ચંચો પશવાના ઢીકાથી ગળોટિયું ખાઈને બજારમાં પડ્યો. પશવાએ ચંચા ઉપર પગ મૂકીને થેલી આંચકી. ચંચો બરાડા પાડીને પશવાને ગાળો દેવા લાગ્યો. થેલીના નાકા  પકડીને મુઠ્ઠી વાળી દીધી. પશવાએ એનો હાથ ખેંચીને મરડ્યો તો પણ ચંચો થેલી મુકતો નહોતો. ચંચાની મુઠ્ઠી ખોલાવવા પશવાએ ચંચાની મુઠ્ઠી પર બચકું ભર્યું. ચંચાએ રાડ પાડીને થેલી તો મૂકી દીધી પણ પડ્યા પડ્યા પશવાના ગોઠણ પર પાટુ માર્યું. પશવો પડ્યો એટલે ચંચો એની છાતી પર ચડી બેઠો. પશવાએ હવે બરબરનું મગજ ગુમાવ્યું હતું. થેલી મૂકીને એણે ચંચાનું ગળું પકડ્યું. બજારે જતા આવતા લોકો ઘડીક તમાશો જોઈ એ બંનેને લડતા અટકાવવા વચ્ચે પડ્યા. પશવાના હાથમાંથી ચંચાનું ગળુ માંડ છોડાવ્યું. ચાર જણે પશવાને પકડી રાખ્યો. ચંચો અને પશવો એકબીજાને ગાળો ભાંડતા રહ્યા. કેટલાકે ચંચાને ધક્કા મારીને ચાલતો કર્યો. પશવાને પણ માંડ શાંત પાડ્યો. ચંચો અને પશવો છુટા તો પડ્યા પણ એ વખતે ભેગા થઈ ગયેલા ટોળામાંથી પેલી થેલી કોણ બઠાવી ગયું એની ખબર કોઈને રહી નહિ. જે થેલી માટે યુદ્ધ ખેલાયું હતું એ થેલી જ ગુમ થઈ ગઈ હતી.કોણ એ થેલી લઈ ગયો?(ક્રમશ:)