ચંચો ચવાણું લેવા મીઠાલાલની દુકાને આવ્યો ત્યારે બાબો અને ટેમુ ત્યાં બેઠા હતા. ટેમુએ ભગાકાકાની ઓફર વિશે બાબાને જણાવ્યું હતું. કરોડપતિ ભગાલાલનો જમાઈ બનવામાં ટેમુને કંઈ વાંધો નહોતો પણ એને ઘરજમાઈ બનવું નહોતું.
બાબાએ એની જ્યોતિષવિદ્યા વડે ટેમુના ભવિષ્યમાં મોટા શહેરનું સુખ ભાખ્યું હતું. વળી સ્ત્રીસુખની પણ ભવિષ્યવાણી કરી હતી. એ બેઉ આ અંગે વાતો કરતા હતા ત્યાં જ ચંચો ઉતરેલું મોં લઈને દુકાનનો ઓટલો ચડીને ઊભો રહ્યો.
"ટેમુભાય, કિલો તીખું ચવાણું મંગાયુ સ તમારા મેમાને. હાર્યે પાનસો ગરામ સીંગભજયાં પણ દેજે. હુકમસંદ તો ઠીક સે પણ માળા મેમાન શોતે સોખીન જીવડો લાગે સે." ચંચાએ કાઉન્ટરને ટેકો દેતા કહ્યું. પછી બાબાને જોઈ મોં બગાડીને ઉમેર્યું,
"બાબાલાલ તેં અમને વગાડ્યું'તું ઈ હું ભુલ્યો નથી હો. તારો વારો હજી બાકી સે."
"માર ન ખાવો હોય તો સનોમાંનો જે લેવા આવ્યો છો એ લઈને ચાલતી પકડ." બાબાએ કહ્યું.
"અલ્યા કિલો ચવાણું ને પાનસો ગ્રામ શીંગ ભજીયા? કેટલા જણ છે? હુકમચંદને ખાલી ચવાણું જ ખવડાવવાનો વિચાર છે કે શું?" ટેમુએ નવાઈ પામીને પૂછ્યું.
"સે તો બે જ. સર્પસ ને તમારા મેમાન. મને કીધું સે ઈ પરમાણે મેં તને કીધું. દેવુ હોય તો દે નકર કાંય નય. એક લુખેલુખા તો લેવા મોકલે ને તું પાસો પડપુંસ બવ કર્ય. વશવાસ નો હોય તો ફોન કરીન પુસી લે. સર્પસે તારા ભગા કાકાને ખુસ કરવા ઓલી
ઘેલકીનેય બનીઠનીન બોલાવી સે. તારા ભગાકાકાની રાત તો આજ રંગીન થય જાવાની. મારા બેટા કાંય નસીબ લખાવીન આયા સે ને કાંય!"
ચંચાની વાત સાંભળીને ટેમુ અને બાબાએ એકમેકની સામે જોયું. ભગોકાકો હુકમચંદના ઘરે આવા જલસા કરશે એવી ધારણા ટેમુને નહોતી. ચંચાની વાત ટેમુને બિલકુલ ગમી નહિ.
"હુકમચંદ બહુ હલકો માણસ છે યાર. તારે કાકાને ત્યાં જવા દેવાની જરૂર નહોતી. નકામું કંઈ રેકોર્ડીંગ કરી લેશે તો લોચા પડશે. હુકમચંદ એનું કામ કઢાવવા ગમે તે હદે જાય તેવો આદમી છે." બાબાએ કહ્યું.
"હા હો બાબાની વાત હાચી સે. ઘેલી હાર્યે તારા ભગાકાકાનો વિડીયો ઉતારી લેહે તો તારા ભગાકાકાની સોટલી સર્પસના હાથમાં આવી જાસે. ટેમુડા તારે કાંક કરવુ જોવે. એસી રૂમમાં હુવડાવવા મેકલ્યા સે પણ આ તો હાવ હુઈ જાવાના. ઘેલકીય બાકી બનીઠનીન આવી'તી હો. આમ જો ટેમુ તેં જોય હોય ને તો તુંય ઘેલકી વાંહે ઘેલો થય જા હો. મારી હાળી બાકી જબરી આયટમ સે." ચંચાએ હોઠ ઉપર જીભ ફેરવી.
ટેમુએ તરત જ હુકમચંદને ફોન કર્યો. હુકમચંદે ફોન ઉચકયો એટલે તરત એ બોલ્યો, "આ ચંચો ચવાણું લેવા આવ્યો છે. કિલો ચવાણું ને પાંચસો ગ્રામ શીંગ ભજીયા જોઈએ છે? પીવડાવો ને ખવડાવો એ તો ઠીક છે, પણ મારા અંકલને પેલી સગવડ આપવાની તમારે શું જરૂર છે. એ બધું બંધ રાખજો નકર હું આવીને ભગાકાકાને મારા ઘરે લઈ જઈશ. આવી રીતે લાભ લેવા માટે તમે કોકની ઈજ્જત ના લો સરપંચજી. તમારી આબરૂ તો છે નહીં કોકની તો રહેવા દો."
"ટેમુડા તું શું વાત કરે છે? એમ કર ચવાણું લઈને તું જ આવ અને જોઈ જા. કોણે ચંચિયાએ તને આવી વાત કરી? એ હરામખોરને મારે પાંસરો જ કરવો પડશે. સાલો મારુ મોત કરાવશે." હુકમચંદે કહ્યું. પછી મનોમન બબડયો, 'ભગાલાલની ઈચ્છા જાણ્યા વગર ઘેલકીને બોલાવવા જેવુ નહોતું.'
"હા હું જ આવું છું. અને સાંભળો જમવાનું પતે એટલે ભગાકાકાની પથારી અમારા ઘરે જ કરશું. એક બે દિવસ એસીમાં નહિ સુવે તો કંઈ મરી નહિ જાય. અને ચવાણું કેટલું લાવું એ કહો." ટેમુ ગુસ્સે થઈ ગયો.
"વધારે કંઈ જોતું નથી. અઢીસો અઢીસો જ લાવજે. પેલો હરામી ત્યાં ઊભો હોય તો એને પકડી લાવ." હુકમચંદે કહ્યું.
ટેમુએ ફોન કટ કરીને કાઉન્ટર પર જોયું તો ચંચો ગાયબ હતો. અઢીસો અઢીસો ચવાણું અને શીંગ ભજીયા હુકમચંદને આપી બાકીના ઘરભેગા કરવાના એના પ્લાનની પથારી ફરી હતી.
"આ નાલાયકના ટાંટિયા એકવાર ભાંગી જ નાખવા પડશે." બાબાએ કહ્યું.
"સાવ ખોટીનો છે. હલકટ સાલો. ચાલ બાબા આપણે ચવાણું લઈને સરપંચને ત્યાં જઈએ."
"તું જા ટેમુ. મારું ત્યાં આવવું યોગ્ય નથી. એ લોકો મદિરા સેવન કરતા હોય એ દ્રશ્ય મારે જોવું નથી." કહી બાબો ઊભો થઈને કાઉન્ટર ઠેકી ગયો, "ચાલ ટેમુ હું ઘેર જાઉં. તું તારું કામ પતાવ. કાલે આપણે મળીશું." કહી બાબો ચાલતો થયો. ટેમુ ચવાણું લઈને હુકમચંદના ઘરે જવા રવાના થયો.
હુકમચંદના ઘરે ટેમુ પહોંચ્યો ત્યારે એ બેઉ ધંધાની વાતો કરતા હતા. ભગાલાલ જે કારની ફેક્ટરી ઊભી કરવા માંગતો હતો એમાં રોકાણ બહુ મોટું થવાનું હતું. હુકમચંદ શક્ય એટલો મોટો ભાગ રાખવા માંગતો હતો એટલે ભગાલાલને ખુશ કરવો હતો.
"હુકમચંદ આ પ્રોજેકટ નાનોસુનો નથી. એકાદ હજાર કરોડનું રોકાણ થશે. એટલે કંપનીએ પબ્લિકને ભાગીદાર બનાવવાનું નક્કી કર્યું છે. જેને જેટલા રોકવા હોય એટલી છૂટ છે. હવે પબ્લિક ડાયરેકટ તો પૈસા રોકવા આવવાની નથી ને? એટલે અમે જે મુખ્ય ભાગીદારો છીએ એમને કોટા આપેલો છે. અમારે દરેક ગામમાં એક એક એજન્ટ મુકવાનો છે. એ એજન્ટ જેટલું રોકાણ લાવે એના પાંચ ટકા કમિશન આપવાનું છે. તમે દાખલા તરીકે તમારા ગામમાંથી કરોડ ભેગા કરી આપો તો પાંચ લાખ તમે કમાઈ શકો. મીઠો મારો ખાસ મિત્ર છે પણ એના ઉપર ભરોસો કોણ કરે કયો? એટલે મારી ઈચ્છા છે કે કોઈ ખમતીધર વ્યક્તિને એજન્સી આપું. જે પોતે રોકાણ પણ કરી શકે અને લોકોને રોકાણ કરવા સમજાવી પણ શકે. તમને મળ્યા પછી આ ગામમાં મને લાગે છે કે તમે સારું કામ કરી શકશો."
ભગાલાલની વાત સાંભળીને હુકમચંદ ખુશ થયો. પાંચ ટકા કમિશન મળવાની વાત સાંભળીને એણે કહ્યું, "ભગાલાલ તમે મારા પર ભરોસો રાખજો. ખાલી આ ગામમાંથી કરોડ તો ભેગા ન થાય, એના માટે ફરતા ગામમાં પણ પ્રચાર કરવો પડે. હું આખા તાલુકામાં ફેમસ માણસ છું. આમ તો ધંધુકા, રાણપુર, બરવાળા એ ત્રણ તાલુકા અને બોટાદ જિલ્લામાં આપણું નેટવર્ક છે. કારણ કે હું મૂળ રાજકારણનો માણસ છું. ધારાસભ્ય ધરમશી ધંધુકિયા સાથે આપણે બેઠઉઠ છે. એટલે આ આખા વિસ્તારની એજન્સી લઈ શકું એમ છું. ઓછામાં ઓછા સો કરોડ ભેગા કરી દઉં બોલો." કહી હુકમચંદે ગ્લાસ ભર્યા.
"ઓહો એમ વાત છે! પણ એમાં એવું છે કે જિલ્લાની એજન્સી તો માટે ઓછામાં ઓછું દસ કરોડનું રોકાણ કરનારને જ મળે. તમારાથી કદાચ એટલું નહિ થાય. એટલે તમે જિલ્લાનું રહેવા દો. બીજું એ કે આ પ્રોજેકટ અત્યારે જાહેર કરવાનો નથી. કારણ કે આમાં અમુક લોકો વિરોધ કરે તેમ છે. એટલે કોઈ રાજકારણીને કે મીડિયાવાળાને ખબર પડવા દેવાની નથી. એકવાર રોકાણકારો આવી જાય અને પ્રોજેકટ માટે જગ્યા લેવાઈ જાય પછી જ આપણે લોકલ લેવલે જાહેરાત કરવાની છે. કેન્દ્રમાંથી મંજૂરી આવી ગઈ છે. દેશના મોટા માથાઓ આમાં ભાગીદારો છે. એટલે ખાનગી ધોરણે કામ કરવાનું છે. તમે સમજ્યા ને?" ભગાલાલે કહ્યું.
"હા હું સમજી ગયો. દસેક કરોડ તો હું કરી શકું એમ છું એટલે જિલ્લાની એજન્સી મને આપજો. આપણે બધું ખાનગી ધોરણે કરશું." કહી હુકમચંદ હસ્યો. ટેમુ કરોડોની વાતો સાંભળીને ઊભો જ રહી ગયો.
"આવ ટેમુ બેટા. તને શંકા પડી છે એવું કંઈ નથી સમજ્યો? અમે તો ધંધાની વાતું કરીએ છીએ. તારા ભગાકાકા તો બહુ મોટી હસ્તી છે. એમની મિત્રતા કરાવવા માટે તારો આભારી છું." હુકમચંદે કહ્યું.
"કેમ વળી ટેમુ દીકરાને શેની શંકા પડી? પેલો છછુંદર ક્યાં ગયો? તારે ચવાણું આપવા આવવું પડ્યું?''
ભગાલાલે ટેમુને પૂછ્યું.
"કંઈ નહીં કાકા. એ તો અમથું. ઈ ચંચીયો થોડોક વાયડીનો છે. લ્યો તમે વાતો કરો. જમવા બેસો ત્યારે ફોન કરજો. હું જાઉં છું." કહી ટેમુ ચાલતો થયો.
ટેમુ ગયો એટલે ભગાલાલે કહ્યું, "મને ખબર જ હતી કે પેલી બાઈની વાત ખાનગી રહેશે નહિ. હુકમચંદ તમે હજી કાચા પડો છો. આવું બધું આયોજન કરવું હોય તો એકદમ ખાનગી રહેવુ જોઈએ. મને લાગે છે કે તમે પ્રોજેકટવાળું ખાનગી રાખી નહિ શકો. એક કામ કરો આપણે એ બધું રહેવા દઈએ. તમે જેટલા રોકવા માંગતા હોવ એટલા રોકી દો. એજન્સી માટે હું કોઈ બીજાને..." ભગાલાલે કહ્યું.
"અરે યાર ભગાલાલજી. તમે મારા પર ભરોસો રાખો. હવે આવી ભૂલ નહિ થાય ભલામાણસ. હું હવે સમજી ગયો છું કે તમે કેવી રીતે કામ કરવા માંગો છો. પ્લીઝ તમે એન્જસી મને જ આપજો."
"આમાં એવુ છે કે જમણા હાથે કરીએ તો ડાબા હાથને પણ ખબર પડવી ના જોઈએ સમજ્યા? નોકરોને પણ આંખ કાન હોય છે. પેલો છછૂંદર નીચે ગયો ત્યારે જ પેલી બાઈ આવી. એટલે એણે જોઈ જ હોય. એ પાછો ટેમુની દુકાને જ ચવાણું લેવા જવાનો હતો એટલે ટેમુને કહ્યા વગર રહે નહીં. ટેમુને આવી ખબર પડે તો મારી ઈજ્જત શુ રહે! તમે યાર હુકમચંદ ગામના સરપંચ છો પણ જોઈએ એટલા તૈયાર નથી." ભગાલાલે નારાજગી વ્યક્ત કરી.
"તમારી વાત સાચી છે ભગાલાલ. એ બાઈ થોડી જલ્દી આવી ગઈ. પણ તમે બહુ ખેલાડી માણસ છો. તમને બધો જ અંદાજ આવી ગયો.
પણ હવે ભૂલ નહિ થાય." હુકમચંદે હસીને કહ્યું.
"ખેલાડી તો બનવુ જ પડે. એ સિવાય આવડા મોટા કામ ન થાય. ચાલો હવે જમવાની તૈયારી કરો. હું મીઠાને બોલાવી લઉ. બીજી વાતો રાતે કરીશું." કહી ભગાલાલે ગ્લાસ ખાલી કર્યો.
*
મીઠાલાલનો પરીવાર તે દિવસે હુકમચંદના ઘરે જમ્યો. રાત્રે ભગાલાલ હુકમચંદના આગ્રહથી મેડી પર જ સુઈ રહ્યો. ભગલાલની વાઈફ મીઠાલાલના ઘરે આવી ગઈ.
મોડી રાતે ભગાલાલે ઘેલીસંગ માણવાની ઈચ્છા પ્રગટ કરી. હુકમચંદે ફોન કરીને ઘેલીને બોલાવી લીધી. ભગાલાલ પ્રત્યે જે અહોભાવ ઘેલીના મનમાં થયેલો એનું સત્યાનાશ ભગાએ કરી નાંખ્યુ. ઘેલીએ મનોમન ઘણી ગાળો દીધી. વહેલી સવારે સારી એવી રકમ લઈને એ ઘરભેગી થઈ ગઈ.
*
ટેમુને ભગાકાકાની કાર ફેક્ટરી નાખવાની યોજના સાંભળીને ભારે અચરજ થયું. હજારો કરોડની ઉથલપાથલવાળો આવો મોટો બીઝનેસ ભગાકાકા જેવો માણસ કરવાનો હતો એ ટેમુના ગળે ઉતરતું નહોતું. વળી આ માટે ગામેગામથી રોકાણકારો શોધવાના હતા. હુકમચંદ એજન્ટ બનવા માંગતો હતો. ટેમુએ વિચારવા માંડ્યું, 'ધારો કે આ બધું ફ્રોડ હોય તો? ભગોકાકો રૂપિયા લઈને ક્યાંક ભાગી જાય તો ગામમાં રહેવું ભારે થઈ પડે. ભગાકાકા જેવો ઠગ લોકોની મહેનતના રૂપિયા લઈને નાસી જાય તો? મારે લોકોને ચેતવવા જોઈએ. કારણ કે આવી સ્કીમોમાં લોકો જલ્દી ઠગાઈ જવાના એ નક્કી છે.
ધંધુકા જેવા વિસ્તારમાં કારની ફેક્ટરી બનવાની હોય તો એ અંગેના ન્યૂઝ તો ક્યાંય સાંભળ્યા નથી. ભગોકાકો નક્કી બણગા ઠોકતો હોય એવું લાગે છે. હુકમચંદ જેવા લોભિયા લોકો લાબું વિચારતા નથી.'
ટેમુએ પૂરતી તપાસ કરવાનું નક્કી કર્યું.
બીજા દિવસે છેક દસ વાગ્યે હુકમચંદ અને ભગાલાલ આવ્યા. ટેમુ દુકાન ખોલીને બેઠો હતો. મીઠાલાલ કંઈક સમાન લેવા બહાર ગયા હતા.
ટેમુએ જોયું તો હુકમચંદના હાથમાં એક થેલી હતી. કદાચ એ થેલીમાં રૂપિયા હતા.
ભગાલાલ અને હુકમચંદ ઓસરીમાં ઢાળેલા ખાટલે બેસીને વાતો કરતા હતા. લોકો કેટલી આસાનીની બેવકૂફ બની જાય છે એ ટેમુએ જોયું. હુકમચંદ જેવો હોશિયાર માણસ ભગાકાકાની વાતોમાં આવી ગયો હતો. હુકમચંદ થોડીવાર બેસીને જતો રહ્યો એ પછી ભગાલાલ ઉઠીને ટેમુ પાસે આવીને દુકાનમાં બેઠો.
"કાકા તમે જે કાર ફેક્ટરી ઊભી કરવાના છો એ ખરેખર સાચું છે? તો પછી આવા સમાચાર તો ક્યાંય સાંભળ્યા નથી." ટેમુએ પૂછ્યું.
"એટલે તું શું કહેવા માંગે છે ટેમુ દીકરા? તને હજી મોટા બીઝનેસનો અનુભવ નથી એટલે તને આ બધું હમ્બગ લાગતું હશે નહિ? આપણે કેન્દ્ર સરકારમાંથી મંજૂરી લાવેલા છીએ. કંપનીમાં ઘણા મોટા રાજકારણીઓ ભાગીદાર છે એટલે હમણાં આ પ્રોજેકટ ગુપ્ત રાખેલો છે. બધું ફાયનાન્સ ભેગું થઈ જાય પછી જ ધડાકો કરવાનો છે. આમાં એવું છે કે જે લોકો જેટલું ફાયનાન્સ લાવશે એ પ્રમાણે ભાગ મળશે. મારા અન્ડરમાં હું જેટલું વધુ રોકાણ લાવીશ એટલો વધુ ફાયદો થશે. લોકોને પણ રોકાણનું જબરજસ્ત વળતર મળશે. તું ને તારો બાપ આવી નાનકડી હાટડી આવા ગામમાં
ચલાવીને માંડ રોટલા કાઢતા હશો. દીકરા દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે. આ તો તારો બાપ મીઠો મારો બાળપણનો ગોઠીયો છે એટલે એના પ્રત્યે મને બહુ ભાવ છે. હું તો એને મળવા જ આવ્યો છું. પણ સાથે સાથે થોડો બીઝનેસ પણ થાય એવું લાગ્યું એટલે આપણે વાત કરી. બાકી મુંબઈમાં રોકાણકારોની તાણ નથી. પણ મારો વિચાર એવો છે કે જે વિસ્તારમાં આપણે ફેક્ટરી નાંખવી છે એ વિસ્તારના લોકોને લાભ આપીએ તો કોઈ વિરોધ ન કરે. અને નાના માણસો બે પૈસા કમાય. હુકમચંદને મારી યોજના ગળે ઉતરી ગઈ છે. તું હજી નાનો છો એટલે તને આવી બધી સમજણ ન હોય. છતાં તારા મનમાં એવું હોય કે ભગાકાકા લોકોને ગોળીઓ પાય છે. પણ એવું નથી. ચાલ એક સરસ મજાનું પાન ખવડાવ તારા અંકલને!" ભગાલાલે હસીને કહ્યું.
"હા હા કેમ નહિ. પાન તો ખવડાવું પણ તમે કંઈ ખોટું નહિ કરો એવી આશા રાખું છું. કારણ કે જો કંઈ ગોટાળો થશે તો ગામલોકો અમને જીવવા નહીં દે." ટેમુએ પાન બનાવતા કહ્યું.
"ગોટાળો કરવો હોય તો આખી દુનિયા પડી છે. પણ આપણે એવું કંઈ ક્યારેય કર્યું નથી. તું ટેંશન ના લે."
ભગાલાલે પાન મોમાં મૂક્યું એ વખતે જ બાબો દુકાનનો ઓટલો ચડીને ઊભો રહ્યો. બાબાએ ભગાલાલને જોઈ નમસ્તે કર્યું. ટેમુએ કાઉન્ટરનું પાટિયું ઊંચું કરીને બાબાને અંદર લીધો.
"કાકા આ મારો ખાસ મિત્ર છે બાબાશંકર જાની. કાશીએ જઈને પંડિત થયો છે. થોડું જ્યોતિષ પણ જાણે છે. તમે જે કંપની ખોલવાના છો એનું ભવિષ્ય જોવડાવવું હોય તો તમારો હાથ એને જોવા દો." ટેમુએ કહ્યું.
"વાહ બહુ સરસ. પણ હું તો મહેનત કરવામાં માનું છું. નસીબના આધારે બેસી રહે એ માંયકાંગલા હોય. બધેથી નિશ્ફળ ગયેલો માણસ એમ જ કહે કે ભાગ્યમાં હોય એમ થાય. આત્મસંતોષ માટે એ સારું લાગે. બાકી ઘરમાં બેસી રહેવાથી કંઈ ન મળે." ભગાલાલે કહ્યું.
"પ્રારબ્ધ વગર પુરુષાર્થ પાંગળો છે કાકા. દરેકે મહેનત તો કરવી જ પડે પણ જો ભાગ્યમાં હોય તો જ મળે. સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને કશું મળતું નથી એ હકીકત છે." કહી બાબાએ બેઠક લીધી.
"તમે જોશીલોકો આમ કરી કરીને જ લોકોને આળસુ બનાવી દો છો. મને તમારા જ્યોતિષ પર બિલકુલ ભરોસો નથી." ભગાલાલે કહ્યું.
"કશો વાંધો નહિ. ભરોસો ન હોય તો હું ક્યાં તમારું ભવિષ્ય ભાખવા આવ્યો છું. હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. તમારા ચહેરા પરથી હું તમારું ભવિષ્ય કહી શકું એમ છું પણ તમને કહીશ નહિ." કહી બાબો હસ્યો.
"પણ મને તો કહે? કાકા આપણા ધંધુકામાં કાર ફેક્ટરી નાંખવાના છે. એમાં જો કોઈને રોકાણ કરવું હોય તો કરી શકાય એમ છે. હુકમચંદ એજન્ટ બનવાના છે. કાકા કહે છે કે બહુ સારું વળતર લોકોને મળશે."
બાબો ભગાલાલને તાકી રહ્યો. ભગાલાલ કંઈક અકળામણથી બાબાને તાકી રહ્યા. એ જોઈ બાબો હસ્યો.
"તમારા નસીબમાં લક્ષ્મી તો બહુ છે.
પણ એ અલક્ષ્મી છે જેના કારણે તમારે ભાગવું પડશે. પણ તમે ભાગી નહિ શકો. તમારા નસીબમાં બહુ લાંબો કારાવાસ લખેલો છે. અમુક કાર્ય ન કરવાથી તમે બચી શકશો. પણ કારાવાસનું દુર્ભાગ્ય તમને સદબુદ્ધિ સુજવા નહિ દે." બાબાએ કહ્યું.
ભગાલાલનું પાન ચાવતું મોં સ્થિર થઈ ગયું. બાબાના શબ્દોથી એના પેટમાં ફાળ પડી. આંખોમાં રતાશ ઉપસી આવી.
(ક્રમશઃ)