મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1

Featured Books
Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 1

મોજીસ્તાન (2.1)

વ્હાલા વાચકમિત્રો…

મોજીસ્તાનના પહેલા ભાગમાં ટેમુ, વીજળી, ચંચો, નીના, હુકમચંદ, તભાભાભા, બાબો, તખુભા, રવજી સવજી, જાદવો, જડી,ધૂળિયો, રઘલો, વજુશેઠ, હબો, નગીનદાસ, રણછોડ, ડો. લાભુ રામાણી અને નર્સ ચંપા..! (લગભગ બધા આવી ગયા ને?)

  આ બધા પાત્રો સાથે ખૂબ મજા આવી હતી ને? પોચા સાહેબે રચેલા લખમણિયાનું ભૂતે જે તહેલકો મચાવ્યો હતો એ અજીબોગરીબ હતો! 

 એકમેકના માથે રાત રહે એવા આ બેનમૂન પાત્રો જે ગામમાં રહે છે એ લાળીજા ગામ ખરેખર તો મારા ગામ જાળીલાનું ઊંધા અક્ષરે લખેલું નામ હતું. ગામ અને પરા વિસ્તાર વચ્ચે ગટરનું પાણી ભરેલું રહેતું. એમાંથી પસાર થવા પથ્થરો મુકવામાં આવેલા. ડો લાભુ રામાણીનું પાત્ર મને ડો ત્રિવેદીમાંથી મળેલું. હું નાનો હતો ત્યારે અમારા ગામના સરકારી દવાખાનામાં આવેલા ડોકટર ત્રિવેદી ખૂબ સારા ડોકટર હતા. એમના જાડા કાચના ચશ્મામાંથી ચકળવકળ થતી એમની આંખો પરથી જ મેં ડો. લાભુ રામાણીનું પાત્ર રચ્યું હતું.

 તભાભાભા અને બાબો મારા ગામના રિયલ પાત્રો બચુભાભા અને એમના પુત્ર બાબા પરથી રચાયા હતા  બચુભાભા તો હયાત નથી પણ બાબો છે. પણ એ સાવ પાગલ જેવો થઈ ગયો છે. આપણા મોજીસ્તાનના બાબા જેવો બિલકુલ નથી. મારા ગામની જ પરિકલ્પના પરથી રચાઈ છે 'મોજીસ્તાન' 

  હબાની દુકાન અને નગીનદાસની ખડકી સામસામે જ હતી. પણ હાલમાં હબાની દુકાન નથી રહી. નગીનદાસ મારા ગામનો જ દરજી છે. પણ મોજીસ્તાનના નગીનદાસ સાથે એને નામ સિવાય કશી જ લેવાદેવા નથી. (ગમે તેમ હોય પણ મને દરજીના પાત્રમાં નગીનદાસ નામ બહુ જ ગમે છે!)

  હા, વજુશેઠનું પાત્ર મારા ગામના શેઠના આધારે રચાયું હતું. આ સિવાયના પાત્રો કાલ્પનિક હતા.

મોજીસ્તાન હાલમાં જ મેં ફરીવાર વાંચી છે. મેં લખી છે એટલે વખાણ કરું છું એવું જરાય નથી. પણ ખરેખર ખૂબ મજાની વાર્તા છે ખરી.

મોજીસ્તાનના બીજા ભાગમાં શું લખીશ એની અત્યારે તો કોઈ કલ્પના નથી પણ વિશ્વાસ છે કે હજી આ પાત્રો કંઈક નવીન વાર્તા જરૂર રચશે.

 તો, દોસ્તો તૈયાર છો ને? મોજીસ્તાન પાર્ટ-2 ની સફર માટે?

પ્રકરણ (1)

--------------

  ટ્રેન બરાબર અગિયાર વાગ્યે રેલવે સ્ટેશનમાં આવીને ઊભી રહી. ટેમુ એનું એઇટી (બજાજ 80..આ મોપેડ હાલમાં તો આવતું નથી પણ 90ના દાયકામાં એની બોલબાલા હતી.)  સ્ટેશન બહાર પાર્ક કરીને પ્લેટફોર્મ પર આવીને ઊભો હતો. બાબો હવે શાસ્ત્રી બનીને આવી રહ્યો હતો. જો કે બેઉ દોસ્તો ફોનમાં તો અવારનવાર મળતા હતા પણ આજ ઘણા સમય પછી રૂબરૂ મળવાનું હતું. ટેમુ ઘણો ઉત્સાહમાં હતો.

  ટ્રેન આવી કે તરત ટેમુએ દરેક ડબાના દરવાજામાં નજર દોડાવી. બાબો દરવાજામાં જ ઊભો હોવા છતાં ટેમુ એને ઓળખી શક્યો નહિ. 

  ટેમુ પ્લેટફોર્મ પર નજર દોડાવી રહ્યો. એ જ વખતે એના ખભે એક હાથ મુકાયો. ટેમુએ પાછું ફરીને જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ અને મોં ખુલ્લું રહી ગયું.

 એ વ્યક્તિના સીધા જ ઓળાયેલા વાળ ખભા સુધી આવતા હતા. કપાળમાં ભભૂત લગાવીને ત્રિપુંડ તાણેલું હતું. આંખ પર કાળા ગોગલ્સ ચડાવેલા હતા. શરીર એકદમ પડછંદ હતું એકદમ સફેદ રંગના ઝભ્ભા નીચે જિન્સનું પેન્ટ અને પગમાં સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. ફૂલેલા બાવડા અને સહેજ અમથી ફાંદ ધરાવતો એ વ્યક્તિ મંદમંદ હસી રહ્યો હતો.

"કેમ ટેમુડા..ના ઓળખ્યો ને?" કહી બાબો હસ્યો.

 ટેમુ ઠેકડો મારીને બાબાના ગળે વળગ્યો, "બાબલા..તારી જાતના તું તો સાવ બદલાઈ ગયો છો. મને એમ કે ઝભ્ભો ને ધોતિયું પહેરીને મોટી ફાંદ લઈને તું આવીશ. એને બદલે જિન્સનું પેન્ટ ને ગોગલ્સ..વાહ, પંડિત બાબાશંકર વાહ!" 

બાબાએ પણ ટેમુને ભીંસી નાંખ્યો. એને ધબ્બો મારીને હસી પડ્યો.

"તારો સામાન ક્યાં? હું એઈટી લઈને આવ્યો છું.." ટેમુએ બાબાને ખાલી હાથે ઊભેલો જોઈ પૂછ્યું.

"સામાન તો રામસંગના રેકડામાં ગોઠવાઈ પણ ગયો હશે. ચાલ..!''

કહી બાબાએ ટેમુનો હાથ ખેંચ્યો. 

બંને સ્ટેશન બહાર નીકળ્યા ત્યારે સ્ટેશનનો કુલી હરિયો બાબાનો સામાન રામસંગના રેંકડામાં ગોઠવતો હતો. ટેમુએ એઈટીને કીક મારી એટલે બાબો એની પાછળ ગોઠવાયો.

"શું ચાલે છે ટેમુ ગામમાં? કંઈ નવા જૂની છે કે નહીં?" બાબાએ પૂછ્યું.

"તું ગયો પછી ખાસ કંઈ નવીન થયું નથી. હવે આવ્યો છો તો કરીએ કંઈક.." કહી ટેમુ હસ્યો. એ જ વખતે એની એઇટી રામસંગના રેકડા પાસે પહોંચી એટલે બાબાએ રામસંગને કહ્યું, "રામસંગ તભાભાભાના ઘરે જ આવજે સીધો. હું પહોંચું જ છું, કદાચ મારે મોડું થાય તો સામાન ઘરમાં લઈ જજે. ભાભાને કંઈ કહેતો નહીં."

"એ ભલે મારાજ.." રામસંગે કહ્યું. એ પણ બાબાને ઓળખી શક્યો નહોતો. એને એમ હતું કે કોઈ મહેમાન તભાભાભાના ઘરે આવ્યા છે. બાબાએ ફેરાનું ભાડું ચૂકવી દીધું હતું એટલે એને બીજી કોઈ ચિંતા નહોતી. પણ આ મહેમાન એનું નામ કેમ જાણતો હતો એ રામસંગ સમજ્યો નહોતો.

"ભાભાને પણ સરપ્રાઈઝ આપવાનું છે?" ટેમુએ કહ્યું.

"હા ટેમુ, મેં ભાભાને કહ્યું નથી કે હું આવી રહ્યો છું. એકાએક મને આવી પહોંચેલો જોઈ બંને રાજી થઈ જશે." બાબાએ કહ્યું.

"તો શું કરવું છે? સીધા ઘરે જ લઈ લઉં કે ગામમાં જવું છે? તેં રામસંગને સામાન ઉતારી લેવાનું ને ભાભાને ન કહેવાનું કહ્યું એટલે પૂછું છું." ટેમુએ કહ્યું.

"હબાની દુકાને લઈ લે.. ઘડીક એને ખીજવીએ.." કહી બાબો હસ્યો.

"આવતાવેંત? અલ્યા હવે તો તું અહીં જ રહેવાનો છો. હબો પણ ક્યાંય ભાગી જવાનો નથી. પછી મંતરવાની જ છે ને એની. ચાલ પહેલા ઘરે મૂકી જાઉં." ટેમુએ કહ્યું.

"ઘરે જવાની કંઈ ઉતાવળ નથી. તું હબાની દુકાને જ લઈ લે ને. મજા આવશે.."

"તુંય ખરો છો. કોઈ આટલા વખતે આવે તો સીધું ઘરે જ જાય કે હબલા ફબલાની દુકાને જાય?"

"ગામમાં આવ્યો એવો વરતાયો એમ લાગશે ખરું ને? એની જ મજા છે યાર. તારી જેમ હબો પણ ઓળખી શકવાનો નથી. તું એમ કહેજે કે અમદાવાદથી બહુ મોટા જ્યોતિષ આવ્યા છે. પછીનો ખેલ જોયા કરજે." 

"બિચારો હબો હવે પહેલા જેવો નથી રહ્યો હો. સાવ સુધરી ગયો છે. નગીનદાસ સાથે હવે દોસ્તી થઈ ગઈ છે એને. નીનાની સગાઈમાં બહુ મદદ કરી'તી."

"એ તો મને ખબર છે." બાબાએ કહ્યું. 

 રેલવે સ્ટેશનથી ગામ સુધીનો એ રસ્તો થોડો કાચો હતો. ટેમુ બાબાને લઈ હબાની દુકાને આવ્યો ત્યારે હબો આરામથી થડા પર દીવાલને ટેકે બેસીને બીડી ફૂંકતો હતો.

"કેમ છે હબાભાઈ..સાદા બે પાન બનાવો." ટેમુએ એઇટી એકબાજુ મૂકીને દુકાન આગળ ઊભા રહીને હબાને ઓર્ડર આપ્યો. 

હબાએ તરત જ બીડી ઓલવીને ટેમુ અને બાબા સામે જોયું. 

"મેમાનની ઓળખાણ નો પડી ટેમુ."

"શહેરમાંથી આવ્યા છે; મોટા પંડિત છે. જ્યોતિષનું જાણે છે..મારા મિત્ર છે એટલે મને મળવા આવ્યા છે." ટેમુએ પરિચય આપ્યો.

હબો બાબાને તાકી રહ્યો. બાબાએ સ્મિત વેર્યું. 

"જોષ જોવો સો? મારા નસીબમાં આખી જિંદગી આ દુકાન જ સે કે કાંય મોટું કામ કરવાનું લયખું સે મારાજ?" હબાએ પાન પર કાથો ચોપડતા કહ્યું.

"એમ તો વિઝીટ લીધા વગર કોય આમને મળી નો હકે. પણ ગામમાં જ પધાર્યા સે ને વળી તમે પાન ખવારો તો થોડું જોય દેશે. બરોબર ને શાસ્ત્રીજી..?" ટેમુએ બાબાને આંખ મારીને કહ્યું.

"હા હા કેમ નહિ..જરા કપાળ સાફ કરીને મારી સામે જો તો તારા કપાળમાં કેવા કર્મ લખ્યા છે એ કહી આપું!" બાબાએ હસીને કહ્યું.

 હબાએ તરત જ રૂમાલ ભીનો કરીને કપાળ લૂછયું. ટેમુ હસવું દબાવીને આડુ જોઈ ગયો. 'આ બાબલો બિચારા હબલાને ધંધે લગાડવાનો થયો છે.'

બાબાએ જરાક નીચા નમીને હબાના કપાળ પર આંગળી ફેરવી. 

"શું નામ કહ્યું? હબો ને? ભાઈ હબા તું પાન બનાવ. તારું ભવિષ્ય જાણવાની ઈચ્છા ન રાખ તો સારું. કારણ કે કેટલીક વાતો જાણીએ એના કરતાં ન જાણીએ એમાં જ મજા."

"હેં? શું વાત કરો સો..જાણવા જેવું નથી ઈમ? કાંય મોળુ સે ? વાંધો નય તમે કો ને તમતમારે. હું ઈમ કાંય બીવ ઈમ નથી." હબાની આતુરતા વધી ગઈ.

"તું પાન બનાવ ભાઈ. શાસ્ત્રોમાં અમને કેટલીક આજ્ઞા કરવામાં આવી હોય છે. કોને નસીબની વાત કરવી અને કોને ન કરવી એના નિયમો હોય છે. તું તારું નસીબ જાણી લઈશ તો વધુ દુઃખી થઈશ. એના કરતા જેમ જીવે છે એમ જીવ્યા કર અને પ્રભુ ભજન કર્યા કર. નીતિથી ધંધો કરજે, લોભ અને લાલચમાં આવીને થોડા સમય પહેલા જે કામ કર્યું હતું એ હવે ક્યારેય કરતો નહિ."

હબો વિચારમાં પડી ગયો. બાબાને ઘડીક તાકી રહ્યો. પછી નિરાશ થઈને પાન બનાવવા લાગ્યો. 

"કેમ શાસ્ત્રીજી..હબાભાઈના નસીબમાં કંઈ તકલીફ છે? આપણા ખાસ સ્નેહી છે; કાંય નિવારણ પણ હશે ને!" ટેમુએ પાન ગલોફામાં ચડાવતા કહ્યું.

"દુનિયામાં કોઈ સમસ્યા એવી નથી હોતી કે જેનું નિવારણ ન હોય. પણ એ માટે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. મિત્ર ટેમુ, આ રીતે બજાર વચ્ચે ઊભા રહી કોઈનું જ્યોતિષ જોવું એ વિદ્યાનું અપમાન છે. યોગ્ય ક્રિયાવિધિ વગર મારાથી કંઈ કહી ન શકાય. હું આ ભાઈનું ભવિષ્ય ચોખ્ખું જોઈ શકું છું. એટલે જ કહું છું કે એ ન જાણે એમાં જ એની ભલાઈ છે." કહી બાબાએ પણ પાન ચાવવા માંડ્યું.

"પણ થોડોક તો પ્રકાશ ફેંકો. તમે કહેશો તો દક્ષિણા પણ આપશે.." 

ટેમુએ હબાનું ઉતરેલું મોં જોઈ કહ્યું.

"ટેમુ તેં ધર્મસંકટ ઊભું કર્યું. અત્યારે ભલે તેં મારો પરિચય આપ્યો. પણ હવે ગામમાં કોઈને મારો પરિચય ના આપીશ. તને તો ખબર છે કે કરોડપતિ માણસો મારી ઓફિસે બબ્બે કલાક બહાર એમનો વારો આવે એની રાહ જોઈને બેસે છે. રસ્તા ઉપર આવી રીતે જેના ને તેના ભવિષ્ય ભાખતો ફરું તો મારી વિદ્યા નાશ પામે. મને દક્ષિણાની લાલચ આપવાની ભૂલ ના કરીશ. તું મારો મિત્ર ન હોત તો હું તને માફ ન કરત."

"મારી એ ભૂલની હું ક્ષમા યાચુ છું શાસ્ત્રીજી. પણ આ હબાભાઈ બહુ સારા માણસ છે. આપ ન જણાવી શકો એમ હોય તો કંઈ નહીં.." કહી ટેમુ એઇટી તરફ આગળ વધ્યો.

"ઠીક છે. તારો બહુ આગ્રહ છે તો માત્ર એટલું જ કહીશ કે આ હબાની આસપાસ એક ભૂતનો ઓછાયો મને દેખાય છે. એ ભૂત બસો અઢીસો વર્ષ પહેલાનો કોઈ ખેડૂત હોય એવું લાગે છે. એ ભૂત હબાના શરીરનો ઉપયોગ કરવાની તક શોધી રહ્યું છે!"

કહી બાબો ટેમુની પાછળ ગોઠવાયો.

બાબાની વાત સાંભળીને હબાના પેટમાં ફાળ પડી. એના હાથપગ ટાઢા પડવા લાગ્યા. એ તરત ઊભો થઈને બહાર નીકળ્યો, ટેમુએ બાઈકને કીક મારીને લીવર આપ્યું ત્યાં જ હબાએ હેન્ડલ પકડી લીધું. 

"મારાજ..મારાજ..ઘડીક ઊભા રો. ભૂતનું નિવારણ કરતા જાવ બાપા. મારે હવે ભૂતનું કામ નથી કરવું. હું તમને બે હાથ ને તીજું માથું નમાવું છવ બાપા..ઈ લખમણબાપાના ભૂતનું તો અમે નાટક કરીયું'તું. હવે હાચૂંન ઈ ભૂત થિયા સે? મારા એકલના પંડ્યમાં આવે ઈ નો હાલે બાપા. પોચા માસ્તરે ઈ ભૂત ઊભું કરીયું'તું તો ઈને કિમ નય? મેં એકલાએ કાંય નથી કરીયું.." હબો રડવા જેવો થઈ ગયો.

 ટેમુ કંઈ જવાબ આપે એ પહેલાં લખમણિયા ભૂતનું નામ સાંભળીને

 બજારેથી નીકળેલા ચારપાંચ જણ ઊભા રહી ગયા. નગીનદાસ પણ દેકારો સાંભળીને ખડકી ખોલીને બહાર આવ્યો.

"ટેમુડા જલ્દી એઇટી ભગાવ. આ તો ગામ ભેગું થઈ જાશે. હબલાએ તો દેકારો કર્યો." બાબાએ પાન ચાવતા ચાવતા ટેમુના કામના થૂંક ઉડાડયું.

"હબાભાઈ..તમેં સાંજે મારા ઘરે આવજો. શાસ્ત્રીજી રોકાવાના છે. કાંક રસ્તો તો કરી જ દેશે. તમે ચિંતા નો કરો..હાલો હેન્ડલ મૂકી દયો ને અમને જાવા દયો." કહી ટેમુએ લીવર આપ્યું.

"કોણ સે આ શાસ્ત્રીજી? ને ચ્યાંથીન આયા સે? લખમણિયા ભૂતની શું વાત સે? એવુ ભૂતબુત કાંય હતું જ નય ભાય. ઈતો પોચા માસ્તરે ગામને ગોટે સડાવ્યું'તું. ભાઈ હબા તું ચીમ આટલો બધો બિય જ્યો સો." નગીનદાસે આવીને વાતમાં રસ લીધો. 

"નગીનદાસ અત્યારે એ બધી વાતો કરવાનો સમય નથી. શાસ્ત્રીજી મોટા પંડિત છે અને જાણકાર છે." કહી ટેમુએ એઇટી હંકારી મૂકી.

  હબાની દુકાને ભેગું થયેલું ટોળું વધી ગયું. હબાએ કહ્યું કે શાસ્ત્રીજીએ કીધું કે 'ભૂતનો ઓછાયો મારી ઉપર્ય સે. ઈ લખમણબાપાનું ભૂત મારા પંડ્યમાં ધુસવાનો મોકો ગોતી રિયું સે.'' 

  કલાકમાં તો આખા ગામમાં વાતનો વંટોળીયો ફરી વળ્યો. બાબાએ ગામમાં આવીને તરત જ લખમણિયા ભૂતને સજીવન કર્યું.

"તને ના પાડી'તી તોય તું હંખણો ના રહ્યો. તું બાબો છો એ હબલો જાણશે ત્યારે લોચો નહિ પડે? માંડ બધું શાંત થયું હતું. ગામમાં બધા શાંતિથી રહેવા લાગ્યા છે. તું બહાર હતો એ જ બરાબર હતું. આવ્યો એવો જ વર્તાયો સાલા..!" ટેમુએ ગુસ્સે થઈને કહ્યું.

"ટેમુ..શાસ્ત્રીજી કલાકમાં રવાના થશે. અને બાબાશંકર હાજર થશે. હબલાની સળી કરતા પહેલા મેં એ નહિ વિચાર્યું હોય? તું મને તારા ઘેર લઈ જા." બાબાએ હસીને કહ્યું.

"હું કંઈ સમજ્યો નહિ..તું શું કહે છે?"

"ઘેર જઈને સમજાવું છું. ચાલ હાંક જલ્દી.." કહી બાબાએ ટેમુના પડખામાં ચિટીયો ભર્યો. એ સાથે જ ટેમુએ એઇટી ભગાવ્યું.

(ક્રમશ:)

  મિત્રો મોજીસ્તાનની આ બીજી ટર્મની શરૂઆત કેવી રહી એ ચોક્કસ જણાવજો. બાબો શાસ્ત્રીજીને કેવી રીતે વિદાય આપવાનો છે અને હબાની સળી કરીને આગળ શું કરવાનો છે એ જાણવા વાંચતા રહો મોજીસ્તાન (2).