MOJISTAN - SERIES 2 - Part 2 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2

Featured Books
  • My Hostel Life - 1

    ઘણા દિવસથી વિચારું છું કે હું થોડા વર્ષ પહેલાની મારી હોસ્ટેલ...

  • જાદુ - ભાગ 3

    જાદુ ભાગ ૩" મીન્ટુ મને માફ કરજે હું તારી કાળજી લેવા સક્ષમ નથ...

  • ભાગવત રહસ્ય - 189

    ભાગવત રહસ્ય-૧૮૯   સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ...

  • નારદ પુરાણ - ભાગ 63

    સનત્કુમાર બોલ્યા, “દશ અંગોમાં ન્યાસ કર્યા પછી ધ્યાન ધરવું. अ...

  • ધ ગ્રેટ રોબરી - 6

    ધ ગ્રેટ રોબરી શિર્ષક હેઠળ અગાઉ પ્રકાશિત લેખનાં અનુસંધાને આ લ...

Categories
Share

મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 2

  

"કે સે ને કે કોક મોટા સાસ્તરી આંયા આયા સે. હબલાને ઈમણે કીધું સે કે લખમણિયો ભૂત પાસો આવવાનો સે. તેં હેં ઈ હાચું સે? એ ભાઈ ટેમુ ચ્યાં સે ઈ સાસ્તરી.. મારેય પુંસવું સે.  હું ઈમ કવ સુ કે લખમણિયાના ભૂતને મારા પંડ્યમાં મેકલોને બાપા. મારે ભૂત થાવું સે..!" રઘલા વાળંદે બે પગ વચ્ચે વલુરતા વલુરતા ટેમુની દુકાને આવીને કહ્યું.

 હબાની દુકાને લખમણિયા ભૂત નામના ફટાકડાની વાટ સળગાવીને બાબો અને ટેમુ હજી ઘરે પહોંચ્યા જ હતા. બાબો ટેમુના ઘરમાં ફ્રેશ થવા ગયો અને ટેમુ દુકાનમાં આવીને બેઠો એટલીવારમાં લ.ભુ.નો ફટાકડો બોંબ બનીને ફૂટ્યો હતો. હબાની દુકાને ઘડીકમાં તો લોકોનું ટોળું ભેગું થઈ ગયું. જેણે જેણે સાંભળ્યુ એ બધા હબાની દુકાને આવવા માંડ્યા.

"ટેમુડાના ઘરે કોક મોટા જોષી મારાજ આયા છે ઈમણે હબલાનું કપાળ જોઈને કીધું કે હબલાના પંડ્યમાં લ.ભુ.નો વાસ થઈ જ્યો છે. હબલો હવે જીવતેજીવ ભૂત થાવાનો છે. અલ્યા હાલો હબલાની દુકાને.."

બપોર વચ્ચે ગામમાં આ વાત એવી ઉડી કે બિચારો હબો લોકોને જવાબ આપી આપીને થાકી ગયો. 

"બવ મોટા પંડિત હતા ભાય. ટેમુડો ઈના ઘરે લિયાયો સે. મારી કુદાને પાન ખાવા લાયો..પસી મેં વળી મારું ભાગ્ય જોવાનું કીધું. ઈ તો ના પાડતા'તા કે રેવા દે ભાય. જાણવા જેવું નથી..પણ હું કાંય માનું? પરાણે પુસ્યું તે ઈમણે કીધું કે કોક બસ્સો અઢીસો વરહ મોર્ય મરી જીયેલો ખેડુ તારા પંડ્યમાં રેય સે. પસી મેં ઈનું નિવારણ પુસ્યું પણ ટેમુએ કીધું કે હાંજે આવજે..અતારે ઈવડા મારાજ ટેમુના ઘરે જ્યા સે. હું હાંજે જાવાનો છું. તમારે કોયને દરસન કરવા હોય તો જાવ.''

 હબો આ પ્રમાણે કોમેન્ટ્રી આપવા લાગ્યો. ઉતાવળમાં એ દુકાનને કુદાન કહેતો હતો પણ અત્યારે કોઈનું ધ્યાન એ બાબતમાં નહોતું. ટેમુ અને બાબો હબાની દુકાનેથી નીકળ્યા એ વખતે થોડા લોકો ભેગા થયેલા એમાં રઘલો પણ હતો. એણે તાજી જ વાત સાંભળી હતી એટલે એણે તરત જ ટેમુની એઇટીના ટાયરના લીટા દબાવ્યા. ટેમુ હજી દુકાનમાં આવીને બેઠો જ હતો ત્યાં રઘલો પહોંચી પણ ગયો. ટેમુએ ઊંચું માથું કરીને રઘલા સામે જોયું કે તરત બજારમાં એની નજર પડી. પંદર વીસ જણ બીજા પણ ટેમુની દુકાને 'સાસ્તરી'ના 'દરસન' કરવા આવી રહ્યા હતા!

 ટેમુ તરત કાઉન્ટર આગળ ઉભો થયો. 

"જો રઘલા અત્યારે શાસ્ત્રીજી અરામમાં છે. સાંજે સભા થવાની છે તું જા ભાઈ અત્યારે..હજી એમને જમવાનું બાકી છે."

"પણ ઈ મારાજ કોણ સે. અમને જરીક દરસન તો કરાવ્ય." રઘલાએ કહ્યું. એ જ વખતે બીજા લોકો પણ આવીને ટોળે વળ્યાં. ટેમુએ બધાને માંડ સમજાવીને સાંજે આવવાનું કહેવા માંડ્યું. હબાની દુકાને હબો અને ટેમુની દુકાને ટેમુ ધંધે લાગ્યા હતા! રઘલા સહિત બીજા લોકોએ ટેમુને ઘેરી લીધો.

 ટેમુની દુકાન આગળ થયેલો દેકારો બાબાએ સાંભળ્યો. મીઠાલાલ તો ઘરે નહોતા. (ઓળખો છો ને?) અને ટેમુની બા કડવીબેન રસોડામાં હતા. ટેમુએ ડેલી ખોલીને એઇટી અંદર લીધું કે તરત બાબો ફળિયામાં બનાવેલા ટોયલેટમાં ઘૂસ્યો હતો. ટેમુ એની રાહ જોયા વગર જ દુકાનમાં આવી ગયો હતો.

 બાબો થોડીવારે ટોયલેટમાંથી નીકળી બાથરૂમમાં ઘૂસ્યો. એ વખતે જ દુકાન આગળ શાસ્ત્રીજીના દર્શન કરવા ગામલોકો ભેગા થવા લાગ્યા. ખુલ્લી ડેલીમાંથી એ દેકારો બાબાના કાને પડ્યો. બાબાને ખ્યાલ આવી ગયો કે હબાની દુકાને જે ચિંગારીને હવા આપી હતી એનો ભડકો થયો હતો. 

 બાથરૂમમાં ટીંગાતો રૂમાલ ઉપાડીને બાબાએ બુકાની બાંધી. ટેમુએ એઇટીમાંથી ચાવી કાઢી નહોતી. બાબાએ પળનોય વિલંબ કર્યા વગર એઇટી ઉપાડ્યું. ટેમુને સલવાડીને બાબો ઘરે જવા ભાગ્યો હતો. પણ ઘરે જતા પહેલા એને વિચાર આવ્યો,  

  

'સાલું ઘરે જઈશ તો પિતાજી કે માતાજી ઓળખશે નહિ. અને મેં મહાન પંડિતનો વેશ કાઢીને ગામને ધંધે લગાડ્યું છે એ જાણીને  ગામ તો નારાજ થતા થશે પણ પિતાજી ધૂળ કાઢી નાંખશે. કહેશે કે આટલા માટે તને ભણવા મોકલ્યો હતો? આવું તો તું નહોતો ભણ્યો ત્યારે પણ કરતો હતો. તો પછી વિદ્યાનો અર્થ શું? હબલાને થોડો ડરાવવા માટે કરેલું ટીખળ આટલું મોટુ સ્વરૂપ ધારણ કરશે એવી ખબર નહોતી. લખમણિયા ભૂતનું નામ પડતા જ ગામમાં તહેલકો મચી ગયો. 

ગામ હજી લખમણિયાના નામ માત્રથી ભૂરાટું થાય છે! હબલાએ તો ઉલટાનો મને સલવાડી દીધો!'

 બાબાએ બીજી જ ક્ષણે એઇટી ગામની સીમ બાજુ વાળ્યું. થોડે દુર સુધી જઈ એઇટી સાઈડમાં મૂકીને બાબો ખેતરમાં ઘૂસ્યો. બાજરાના લહેરાતા પાકને જોઈ એના હોઠ પર સ્મિત આવી ગયું. 'પંડિતજીને છુપાવી દેવાની જગ્યા તો સરસ મળી ગઈ! કોઈ જોઈ જાય એ પહેલાં કામ પતાવીને ઘર ભેગો થઈ જાઉં.' 

બાબાએ જલ્દી માથે ચડાવવાળી લાંબાવાળની વીગ કાઢી નાખી. માથે બાંધેલા ટુવાલમાં એ વીગનો વીંટો વાળીને બગલમાં દબાવ્યો. ગોગલ્સ પણ કાઢી નાંખ્યા. ઝડપથી બાજરાના એ ખેતરમાંથી બહાર નીકળીને ટુવાલ એઇટીની ડીકીમાં નાંખીને ગામ તરફ મારી મૂક્યું. બાબાને એમ હતું કે કોઈએ એને જોયો નથી. પણ વાડીના માર્ગે દૂરથી આવી રહેલા એક આદમીએ બાબાને એઇટી મૂકીને ખેતરમાં જતો જોઈ લીધો હતો. બાબાની પાછળ જ ખેતરમાં ઘૂસીને બાબાએ કરેલી લીલા એણે નજરોનજર જોઈ. જતી વખતે તો એ વ્યક્તિ બાબાને ઓળખી શક્યો નહોતો પણ બાબો જ્યારે પંડિતજીનો વેશ ઉતારીને બહાર આવ્યો ત્યારે એણે બાબાને ઓળખ્યો હતો. એ વખતે ગામમાં મચેલા દેકારાની એને કંઈ ખબર નહોતી પણ બાબાને આમ અચાનક વેશ બદલતા જોઈ એની નવાઈનો કોઈ પાર રહ્યો નહિ.

'આ બાબલો તો ભણવા જ્યો'તો. ખરા બપોરે આમ વેશપલટો કરવા આંય કેમ આવ્યો હશે? ભાભાનો આ સોકરો અપલખણો તો સે જ. નક્કી કાંક ભવાડો કર્યો હશે.' મનોમન બબડીને એ પણ બહાર નીકળ્યો. બાબાએ એ વખતે એઇટી મારી મૂકી હતી.

*

ટેમુની દુકાને ભેગા થયેલા ટોળાને માંડ સમજાવીને વિદાય કર્યા પછી ટેમુએ દુકાન બંધ કરી. બાબાએ કરેલા છમકલાને કારણે એને જવાબ દઈ દઈને થાકી ગયો હતો. ટેમુને બાબા પર ગુસ્સો આવ્યો, બાબાની ખબર લેવા એ ઘરમાં આવ્યો ત્યારે ફળિયામાં એની એઇટી નહોતી. એ દુકાનમાં આવ્યો ત્યારે બાબો બાથરૂમમાં ગયો હતો એની ટેમુને ખબર હતી.

'એઇટી લઈને નાસી ગયો લાગે છે. હવે ગામને ખબર પડ્યા વગર રહેવાની નથી. સાલાને ના પાડી'તી તોય હબલાની સળી કર્યા વગર રહ્યો નહિ.' 

 ટેમુએ તરત બાબાને ફોન કર્યો. એ વખતે બાબો ગામના પાદરમાં પહોંચ્યો હતો. 

"બાબા તું ક્યાં છો? શાસ્ત્રીનો દીકરો થ્યો છો પણ મને આંટા આવી ગયા છે. આખું ગામ જોવરાવવા આવશે. બધાને કંઈકને કંઈક દુઃખ તો હશે જ. પણ તું જ શાસ્ત્રી છો એની ખબર પડી જશે તો?" ટેમુ બરાબરનો અકળાયો હતો.

"હા ટેમુ, મેં દુકાને ટોળું જોયું હતું. એટલે શાસ્ત્રીજીને તરત વિદાય કરી દીધા છે. તું ચિંતા ન કરતો શાસ્ત્રીજી 

જ બાબો છે એની કોઈને ખબર નહિ પડે. હું પછી તને સમજાવીશ, અત્યારે હું ઘરે જાઉં છું." કહી બાબાએ ફોન કટ કર્યો. ટેમુને બાબાની વાત સમજાઈ નહિ પણ એને બાબા પર ભરોસો હતો. 'બાબો ક્યાંય સલવાય એવો તો નથી, એણે હબાની સળી કરતા પહેલા જરૂર કંઈ રસ્તો વિચાર્યો જ હશે! બાબો હવે ગામમાં કંઈક નવું કરવાનો છે એ નક્કી છે.' એમ વિચારી ટેમુ જમવા બેઠો.

*

બાબો ઘરે પહોંચ્યો ત્યારે ભાભા અને ગોરાણીમા ખુશ થઈ ગયા. રામસંગે સમાન મુકતી વખતે કહ્યું હતું કે 'કોક મેમાન આવે છે. ટેમુ ઈમને લેવા ટેસને આયો'તો.'

ભાભા સમજી ગયા હતા કે જરૂર બાબો જ આવ્યો હોવો જોઈએ. સીધો ઘરે અવવાને બદલે ટેમુના ઘરે શું કામ ગયો હશે એ ભાભાને સમજાયું નહોતું. કદાચ એનો મિત્ર છે એટલે ટેમુ જ બાબાને એના ઘરે લઈ ગયો હશે એમ સમજી ભાભા રાહ જોઈને બેઠા. ગોરાણીમાએ બાબા માટે લાડુ બનાવવા માંડ્યા હતા.

બાબો ઘરમાં આવી માતાપિતાને પગે લાગ્યો. ભાભાને બાબાનું તેજસ્વી મુખ જોઈ ઘણો આનંદ થયો. જ્યારે માણસ વિદ્યાવાન બને છે ત્યારે એ વિદ્યાનું તેજ એની આંખો અને ચહેરા પર ચમકતું હોય છે. બાબો ભગવાન સત્યનારાયણનો અવતાર હોવાનું ભાભા દ્રઢપણે માનતા હતા. ખુદ ઈશ્વર જગતનું અંધારુ દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા પોતાને ઘેર અવતર્યા હતા એટલે ભાભા એમની જાતને જગતની સૌથી નસીબદાર વ્યક્તિ સમજતા હતા. પામર મનુષ્યોના ઉદ્ધાર કાજે ભગવાને એમની ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હોવાથી ભાભા અત્યંત ભાવવિભોર થઈ બાબાને ભેટી પડ્યા. એમની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા.

"પુત્ર બાબાશંકર આજે તારા રૂપમાં પ્રભુને પામીને હું ધન્ય થઈ ગયો છું. આ જગતના પામર અને અબુધ માનવીઓને જ્ઞાન આપી સત્યમાં માર્ગ તરફ વળવાનું મહાનકાર્ય તારે કરવાનું છે. તું કોઈ સામાન્ય મનુષ્ય નથી, ઈશ્વરનો, ભગવાન શ્રી સત્યનારાયણ દેવનો તું અંશ છો. તારા જન્મ પહેલાં જ મને સ્વપ્નમાં આવીને પ્રભુએ કહ્યું હતું. બાળ સહજ તારી લીલાઓ હવે પુરી થઈ દીકરા..હવે આ ગામ અને સમગ્ર પંથકને અજવાળવાનો સમય આવી પહોંચો છે." કહી ભાભાએ ગમછાથી આંસુ લૂછયા.

"જી પિતાજી. આપની આજ્ઞા મુજબ હું તમામ કાર્યો ઉપાડી લઈશ. સૌ પ્રથમ આપણે ગામને શુદ્ધ કરવું પડશે. ગામની ધરાના પ્રથમ પાદસ્પર્શે જ હું પામી ગયો છું કે આ ગામમાં અનેક પાતકો પાંગરી રહ્યા છે. પામર મનુષ્યોના મન એકદમ છીછરા થઈ ગયા છે જે પાશવીવૃત્તિઓને પોષી રહ્યા છે." બાબાએ કહ્યું.

 બાબાના એ શબ્દો સાંભળીને ભાભા ગદગદ થઈ ગયા. ઊભા થઈ ફરીવાર બાબાને ભેટી પડ્યા. 

"હવે બાપદીકરો જ્ઞાનની વાતું જ કરશો કે જમવા પણ પધારશો. ભોજન કરીને દીકરાને થોડો વિશ્રામ કરવા દો. હવે એ ક્યાંય જવાનો નથી એટલે જ્ઞાનની ગંગા પછી વહાવજો." ગોરાણીમાએ રસોડામાંથી સાદ પાડ્યો.

 ભાભા અને બાબો હસી પડ્યા. 

"પિતાજી હું સ્નાન કરી લઉં. પછી ભોજન કરીએ." કહી બાબો બાથરૂમ તરફ ચાલ્યો.

ભાભા રાજી થઈને ખાટ પર બિરાજ્યા. ધીમા સ્વરે એમણે શ્લોકગાન શરૂ કર્યું.

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं

विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्

लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्

वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्...

જગતનું કલ્યાણ હવે હાથવેંતમાં છે પ્રભો! હે કળિયુગ તારો અંત હવે નક્કી જાણજે. મારો પુત્ર સતયુગનો પ્રારંભ કરશે. પામર મનુષ્યોનો ઉદ્ધાર કરશે, પાપીયાઓનો નાશ કરશે. પ્રભુને જગત પર લાવવામાં હે ત્રિભોવન તું નિમિત્ત બન્યો છો. વિષ્ણુલોકમાં તારું સ્થાન હવે સુનિશ્ચિત થઈ ગયું છે. લાખ ચોર્યાશી ફેરામાંથી તું મુક્ત થઈ ગયો છો, તારી એકોતેર પેઢી મોક્ષ પામી. હે ત્રિભોવન નામના શરીરધારી આત્મા તારું સર્વથા કલ્યાણ થયુ..!

"બસ બસ હવે. બવ ખુશ થાવમાં. વધુ પડતી ખુશી સારી નહિ, હૃદયનો હુમલો આવી જાશે તો અમે નોંધારા થઈ જાશું.." ગોરાણીએ હસીને ભાભાની ખુશી પર બ્રેક મારી.

"અરે મમ સહધર્મચારીણી, બાબામાત, મમાંઅર્ધાંગીની.. હું જીવતેજીવ સ્વર્ગે જવા સક્ષમ છું. કોઈ રોગ કે ભોગ મને સ્પર્શી ના શકે. તું નચિંત થઈને સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ. આજ તો હું ઉદર ઉભરાય એટલું જમીશ. મધુપ્રમેહ હબે ઝખ મારે છે!" ભાભાએ કહ્યું.

બરાબર એ જ વખતે એક આદમી બારણે આવીને ઊભો રહ્યો.

"ચ્યાં જ્યો બાબલો?" 

ભાભા એ આદમીને ક્રોધથી તાકી રહ્યા!

(ક્રમશઃ)

મિત્રો એક જોરદાર હાસ્યવાર્તા 'મહેમાનગતિ' યાદ છે? એ વાર્તા હવે યુ ટ્યુબ પર સાંભળો. ચેનલનું નામ છે bharat chaklashiya. વાર્તા છે.. 'મહેમાને ખાધો માર!' 

 સુંદર હાસ્યવાર્તાઓનો રસથાળ છે. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાર્તાઓ માણજો.