લાભુ રામાણી હજી કડેધડે હતા. પચાસ વટાવી ચુકેલું એમનું કલેવર હજી સ્ફૂર્તિમય હતું. ઉતાવળી અને ટટાર ચાલ, જાડા કાચના ચશ્મા પાછળ ચકળવકળ થતી તીખી નજર, સુગંધી તેલ નાંખીને સુઘડ રીતે ઓળેલા વાળ, મોગરાની ખુશ્બુથી મઘમઘતા લીનન કોટનના શર્ટ પેન્ટ અને પગમાં લેટેસ્ટ સ્પોર્ટશૂઝ! ડો. લાભુ રામાણી શોખીન અને જીવનને જીવી લેનારો આદમી હતો. મોજીસ્તાનની આ સફરના પહેલા ભાગમાં આપણે આ લાભુ રામણીના કારનામાઓથી પરિચિત છીએ!
ક્લિનિકની અંદર પાટ પર આંખો મીંચીને પડેલા ઓધાને જોઈ ડોક્ટરે નર્સ ચંપાને સવાલીયા નજરે જોઈ.
"એને બે પગ વચ્ચે કોઈ જનાવરે પાટુ મારેલ છે. કદાચ વૃષણ કોથળી પર વધુ વાગ્યું હોય તો એનો જીવ જોખમમાં હોય. હું તપાસ કરવાની હતી ત્યાં જ તમે આવી ગયા. હવે તમે જ તપાસી લો.." ચંપાએ કહ્યું.
ચંપાના જવાબથી ડોકટર હસી પડ્યા. એના ગાલ પર હળવો ચિંટીયો ભરીને એમણે કહ્યું, "અરે વાહ...ચંપુ ડાર્લિંગ. મને લાગે છે કે મારા સંગનો રંગ તને બરાબર ચડ્યો છે. તું તો ડોકટર બની ગઈ! ગાંડી વૃષણ કોથળી પર જીવ જાય એટલું વાગ્યું હોય તો આ માણસ આમ બેઠો ન હોય. તું પુરુષોના ગુપ્તાંગના કેસ ના લે વ્હાલી.."
''પણ એ ભાઈને બહુ દુ:ખાવો થતો'તો એટલે મને એમ થયું કે લાવ તપાસી જોઉં. એ બહાને મને કંઈક જાણવા પણ મળે ને! નોલેજ વધે એમ!" ચંપાએ કહ્યું.
"મેં તો જોયન જ કય દીધું'તું કે આ કેસ આંય રીપેર નય થાય. પણ નર્સ બોનને બવ રસ હતો.." ઉગાએ તમાકુ ચડાવીને હોઠમાંથી ફોતરાં ઉડાડતા કહ્યું.
"મને એવો કાંય રસ નહોતો હો. હું તો મારી ફરજ બજાવતી'તી. ઓય ઉગલીના તું તારું કામ કર.." ચંપા હવે ખિજાઈ.
બહાર ચાલતી આ ચર્ચા ઓધો સાંભળતો હતો. જીવનું જોખમ હોવાનું ચંપાએ કહ્યું એટલે એ ભડક્યો. વળી ઉગો કમ્પાઉન્ડર કેસ ગંભીર હોવાનું કહેતો હતો.
"અલ્યા દાગતર સાયેબ, મને કોય જનાવરે પાટુ મારેલ નથી. પણ ઓલ્યો પસવો જનાવર જેવો જ સે. ઈની બેંહને દવ ઉલ્લીને પાટુ ઝીંક્યું સે. બવ દુઃખે સે સાયેબ..!'' ઓધાએ કણસતા કહ્યું.
લાભુ રામાણીએ તરત કેસ હાથમાં લીધો. ઓધાને પેઇનકિલર આપીને થોડીવાર સુવાડયો.
*
ચંચો ઓધાને દવાખાને મૂકીને ટેમુની દુકાને પહોંચ્યો. બાબાએ એઈટી ડેલા અંદર મૂકી દીધું હતું એટલે ચંચાને એ દેખાયું નહિ પણ ચંચાએ એ એઈટી જોયું હતું. ચંચો અને ઓધો હોર્નના અવાજથી ભડકીને પડ્યા હતા એ બાબાએ જોયું હતું. બાબાએ ટેમુને એ વાત કરી નહોતી. ચંચો દુકાનનો ઓટલો ચડ્યો કે તરત એણે બાબાને જોયો.
"મને સંકા તો હતી જ કે વાંહેથી અસાનક હોરન વગાડીને બાબાલાલ જેવું કોક ટેમુડાની એઈટી લયને ભાગી ગિયું સે. અલ્યા બાબાલાલ તમે તો ભણવા જ્યા'તા ને? સાસ્તરી થાવા જ્યા'તા પણ તમારા લખણ બવ ભૂંડા સે. તમે કોયદી સાસ્તરી નો થય હકો..ઓલ્યો ઓધો પસવા હાર્યે ભટકાણો ને મેં લખિયાના સિભડા ચેપી નાયખા. ઓધિયાની દવાના ને લખિયાના સિભડાના જંય (પૈસા) કોની પાંહેથી લેવાના સે? તમે દયો સો કે ભાભા પાંહે જાવ?"
બાબાએ ટેમુ સામે જોયું. ટેમુએ આશ્ચર્યથી બાબા અને ચંચા સામે જોયું. પછી હળવેથી બોલ્યો, "પરાક્રમ ચાલુ કરી દીધા એમ ને! હવે દે આને જવાબ..!"
બાબાએ તરત ચંચા સામે ડોળા કાઢ્યા, "અલ્યા ગામની બજાર તમારા બાપની છે? એકબાજુ ચાલવાને બદલે વચ્ચોવચ ચાલો છો તો અમારે હોર્ન પણ ન વગાડવો? પશવા સાથે ભટકાવાનું ઓધાને ને ચિભડા પર પડવાનું તને મેં કીધું'તું?
મેં તો વાહનચાલક તરીકે મારી ફરજ બજાવી છે. આમાં મારો કોઈ વાંક નથી સમજ્યો? ચાલ નીકળ અહીંથી નકામો મારા હાથનો ખાઈશ. ખબર છે ને ટાંગા પકડીને વાડમાં નાંખી દીધો'તો."
"પણ બાબાલાલ તમે ભણીગણીને સાસ્તરી થાવા જયા'તા. ભૂંડ્યો આમ નો કરવાનું હોય વળી! કોક ગરીબની રોજીરોટી નો સીનવી લેવાય તમારે. તોય ઈ લખિયો બસાડો ઈની રેંકડી લિયાયો ઓધાને દવાખાને લય જાવા બોલો! તમારી કરતા તો ઈ દેવીપુતર લખો હાત વખત હારો. તમે ભામણ થયને ભટકાડી માર્યા..તમારી જેવું હવે કોણ થાય. હું તમારી ઉપર્ય થૂંકુ સુ.."
એમ કહીને ચંચો બજારમાં 'હા...આક થું' કરીને થૂંકયો.
બાબાથી આ અસહ્ય થઈ પડ્યું. ચંચાને મારવો કે મૂકી દેવો એ એને સમજાયું નહિ. છતાં એ ઊભો થયો. બાબાને ઊભો થયેલો જોઈ તરત ચંચો દુકાનનો ઓટલો ઉતરીને ચાલવા લાગ્યો. જતાં જતાં એણે ફરી બાબા સામે હાથ લાંબો કરીને કહ્યું, "આજ તો હું બજારમાં થૂંકયો સવ. પણ કોક દી મોકો મળશે તો બાબલા તારા ડાસા ઉપર્ય નો થૂંકુ તો મારો બાપ બીજો હોય! તું જોય લેજે..હાંઢીયાને મીઠું દે એવડો થિયો તોય બુધી નો આવી તને. ભાભો તને ભગવાનનો અવતાર ગણે સે. પણ તું તો ભૂતનેય હારો કેવડાવે ઈવો મુવો સો.."
"ઊભો રહે તું..નાલાયક ચંચિયા. તું મન ફાવે તેમ બોલે છે પણ ઊભા રહેવાની હિંમત તો છે નહીં. મારા મોં પર તું થૂંકવાની વાત કરે છે? જે દિવસે તું આવી હરક્ત કરીશ તે દિવસ તારી જિંદગીનો આખરી દિવસ હશે એ નક્કી જાણજે. તારી જેવા હલકટ આવી હલકી વાત જ કરે.." બાબાએ રાડ પાડીને કહ્યું.
ટેમુએ તરત બાબાનો હાથ પકડીને બેસાડી દીધો, "બાબા તું શાંતિ રાખ. તું આજે જ આવ્યો છો ને આવતાવેંત તેં તારા લખણ ઝળકાવી દીધા છે. ચંચાની વાત ભલે કડવી છે પણ સાચી છે. સાલા તું મારો દોસ્ત ન હોત તો તને એક લાફો મારી દેત. શું જરૂર હતી પેલા હબલાની સળી કરવાની? અને આ ચંચિયો કહે છે એમ એની પાછળ હોર્ન મારવા મેં તને મારી એઈટી આપી'તી? બાબા હવે આપણને આવી છોકરમત સારી ન લાગે."
બાબો ટેમુની વાત સાંભળીને તરત સ્ટુલ પર બેસી ગયો. ટેમુની વાત સાચી હતી. બાબાને ગામમાં આવીને તરત ટીખળ સુજ્યું હતું. પણ એ ટીખળનું પરિણામ સારું નહિ આવે એ ટેમુની વાત પરથી એને સમજાયું હતું.
"બાબા તું ભણવા ગયો હતો એટલે ગામ તારી પાસેથી હવે સારી અપેક્ષા રાખશે. તું આમ ને આમ કરીશ તો ભાભાની ઈજ્જતનો કચરો થઈ જશે દોસ્ત. તારે ભાભાનું મસ્તક ગૌરવથી ઊંચું થાય એવું વર્તન કરવું જોઈએ પણ તું એમને નીચું જોવડાવવા પર તુલ્યો છો. તું ભણવા ગયો હતો તે ભણ્યો છો કે બસ આમ જ ભાભાના પૈસાનું પાણી કરીને આવ્યો છો! ગામલોકોને તારા પ્રત્યે અહોભાવ થાય એવું વર્તન તારે કરવું જોઈએ. એને બદલે તું એનો એ બાબલો જ રહ્યો. તું મારો મિત્ર છો એટલે મેં તને સાચું કહ્યું. તું ખુદ સમજદાર છો એટલે સમજી શકે છે. છતાં તારે ન સમજવું હોય તો તારી મરજી. હું તારા ટીખળમાં તને સાથ નહિ આપું."
ટેમુની વાત સાંભળીને બાબો વિચારમાં પડ્યો. થોડીવાર કંઈક વિચારીને એણે કહ્યું, "યાર, ટેમુ તારી વાત સાચી છે. ન જાણે કેમ બચપણ મારી અંદરથી જતું નથી. ઘણા સમય પછી ગામ આવ્યો છું તો મને આ લોકોને પજવવાનું મન થયું. પણ હવે આવી હરક્ત આપણને ન શોભે એ વાત સાચી. ટેમુ તને હજી ખબર નથી જિંદગીમાંથી જ્યારે બચપણ જતું રહે છે ને ત્યારથી માણસ, માણસમાંથી મશીન બનવા લાગે છે. બચપનનો જે નિર્દોષ અને નિર્ભેળ આનંદ છે એ આપણને ઈશ્વરની નજીક રાખે છે. તોફાન અને મસ્તી વગરની જીવનની કસ્તી જ્યારે સંસાર સાગરની સપાટી પર તરવા લાગે છે ત્યારે જિંદગી એક જીવતી લાશ બની જાય છે. અંદરનો માણસ કે જેને માનવજીવનની અદ્વિતીય ખુશીઓ માણીને પરમ આનંદ પ્રાપ્ત કરવા પ્રભુએ મોકલ્યો છે એ ભૂલીને ભ્રમણામાં રાચવા લાગે છે. પણ તું ચિંતા ન કરીશ ટેમુ, હું બધું જ સમજુ છું..મારા ખ્યાલોને હું સંકેલી લઈને હમણાં નીતિનિયમોની પેટડીમાં મૂકી દઉં છું. હું લોકોને જે સમજાવવા માંગુ છું એ હવે બીજી રીતે મારે સમજાવવા પડશે. ચાલ તું તારી જિંદગીના યંત્રમાં તારા જીવરૂપી પુરજો ફિટ કરીને એનું ચક્ર ચલાવ, હું હવે ઘેર જઈશ. અને હા, દોસ્ત હવે પછી આ બાબાશંકરની રીતભાત જુદી હશે."
બાબાના મુખમાંથી નીકળેલા શબ્દોની અસ્ખલીત ધારા સાંભળી ટેમુ ફાટી આંખે બાબાને તાકી રહ્યો.
બાબો જે કંઈ બોલ્યો એમાંથી માંડ અડધું જ ટેમુ સમજ્યો પણ જેટલું સમજ્યો એ એના માટે કાફી હતું. ટેમુ ખુરશીમાંથી ઊભો થઈને બાબાના ચરણોમાં નમી પડયો.
"મહારાજ બાબાપ્રભુ..તમારી જય હો. મને આપના શિષ્ય તરીકે સ્વીકારવાની કૃપા કરો પ્રભુ! જીવનની ઘટમાળ વચ્ચે આપ જેવા મહાપુરુષનો મિત્ર અને શિષ્ય બનવાનું પરમ સૌભાગ્ય મને પ્રાપ્ત કરવા દો મહારાજ..!"
બાબાએ ટેમુના ખભા પકડીને ગળે લગાડ્યો, "મિત્ર ટેમુ તારું સ્થાન મારા ચરણોમાં નહિ પણ હૃદયના ઊંડાણમાં છે. આ ગામમાં તું એક જ એવું પાત્ર છો જેની સમજણ પર મને અપાર વિશ્વાસ છે વહાલા."
''વા ભય વા..મારા બેટા સુ ગોટા વાળે સે. મારાજ ને પરભુ..! અલ્યા બાબા તું ભણીને ચ્યારે ગામમાં ગરી જ્યો? મોટો સાસ્તરી થય જ્યો લાગસ. હંકન ભય..!" દુકાનના ઘરમાં પડતા બારણામાં ઊભા રહી બાબા અને ટેમુ વચ્ચેનો સંવાદ સાંભળી રહેલા મીઠાલાલે હસીને કહ્યું.
મીઠાલાલના અચાનક પ્રવેશથી બાબો અને ટેમુ ચમક્યા. ટેમુએ તરત કહ્યું, "બાપા આ બાબાલાલ હવે પહેલાનો બાબો નથી હો. બહુ જ્ઞાની પુરુષ બનીને આવ્યા છે. એમના ચરણ સ્પર્શ કરવાથી પાપ બળી જાય એમ છે. અત્યારે મોકો છે, નમી પડો. આગળના સમયમાં આ મહાપુરુષની ખાલી એક ઝલક જોવા લાખો માણસોની મેદની જામશે."
"અરે ટેમુડા તું મને ચણાના ઝાડ પર ન ચડાવ. તારા પિતા મારા માટે માનનીય વ્યક્તિ છે. એમને તું મારા ચરણ સ્પર્શ કરવાનું ન કહે. વડીલો તો નમવા યોગ્ય કહેવાય." કહી બાબાએ મીઠાલાલને નમન કર્યું.
"ઓહો..હો..હો..ડાયો થઈ જ્યો હો. બવ ડાયો થય જ્યો. ભાભા કે સે ઈ હાચું સે. બાબો કોય સામાન્ય જીવ નથી.." કહી મીઠાલાલે અંદરની બાજુ મોં કરીને જોરથી કહ્યું, "અલી ટેમુની બા..આજ કાંક સારું રાંધો. બાબા મારાજ આપડા ઘરે પરસાદ લેશે."
"અરે નહિ નહિ કાકા, હું હવે ગામમાં જ રહેવાનો છું. એટલે ફરી ક્યારેક જમવાનું રાખીશું. આજ રહેવા દો." બાબાએ જમવાની ના કહી. પણ મીઠાલાલ માને? ટેમુએ પણ આગ્રહ કર્યો એટલે બાબાએ ઘરે ફોન કરીને કહી દીધું. બાબો અને ટેમુ દુકાનમાં બેઠા. મીઠાલાલ મીઠાઈ બનાવવા અંદર જતા રહ્યા.
*
તખુભાના ઘરેથી નિરાશ થઈને નીકળેલા ભાભા ઉતાવળે પગલે જઈ રહ્યા હતા. એમનો મહાન પુત્ર શાસ્ત્રો ભણીને આવ્યો હતો. એનું ધામધૂમથી સ્વાગત અને સામૈયું થવું જોઈએ. ભાભા, એ મહાપુણ્ય તખુભાને આપવા માંગતા હતા. પણ તખુભાએ બાબાની મશ્કરી કરી. એને તુચ્છ જાણ્યો. પોતે નાંખેલી જાળ સોનાની હતી પણ તખુભા નામના પ્રાણીને સોનાની જાળની કિંમત ન સમજાઈ.
"તખું ઉંમર ખાઈ ગયો છે પણ એને અમલમાં જ રસ છે. એ પાપી આત્માનું કલ્યાણ કરવા હું ગમે તેટલા પ્રયત્નો કરીશ તો પણ એને મોક્ષનું દ્વાર નસીબ થવાનું નથી. કારણ કે જાદવા જેવા નીચ અને અધમ પાપીયાઓના સંગમાં એ પડ્યો પાથર્યો રહે છે. એ મહાપાતક કરી રહ્યો છે અને નર્કનો અધિકારી બની રહ્યો છે. બાબાના સામર્થ્યને સમજવાની બુદ્ધિ એ અતિ અલ્પ બુદ્ધિને ક્યાંથી હોય. આ ગામમાં બાબાનું ભવ્ય સ્વાગત થશે તો આ ગામની ભૂમિ પાવન થઈ જશે. આ ગામના દરેક જીવોનું કલ્યાણ થઈ જશે. મારા ઘેર પ્રભુ સત્યનારાયણ દેવ અવતર્યા છે એ કોઈ સમજવાનું નથી. કારણ કે કૃષ્ણને પણ એના સમકાલીન ક્યાં સમજી શક્યા હતા. જે સમજ્યા એ પરમપદને પામી ગયા. કેટલાક દુષ્ટોનો કૃષ્ણ પરમાત્માએ વિનાશ કર્યો એ પણ પરમપદ પામ્યા. પણ આ તો ઘોર કળિયુગ છે. આ કળિયુગમાં પાપીઓને મોક્ષ પમાડવો કઠિન છે. પણ મારે તો આ ગામનો ઉદ્ધાર કરવો જ પડશે. તખું તો નામકર ગયો હવે કોને આ મહાપુણ્યનો કુંભ આપવો..?"
''કેમ છો ભાભા..કેમ આમ હાંફળા ફાંફળા થઈ જ્યા છો? કાંય ઉપાધિ આવી છે? મુંજાવું નહિ હો..આ ગામમાં હજી રવજી જીવે છે." ગામના ચોરા પાસેથી ભાભા જતા હતા ત્યારે ત્યાં બેઠેલા રવજીએ સાદ પાડ્યો.
ભાભાએ ચમકીને રવજી સામે જોયું. આકાશ તરફ જોઈને મનોમન પ્રભુનો આભાર માનતા હોય એમ બબડયા, "પ્રભુ તારી લીલા અપરંપાર છે. મારી મુંજવણનો ઉકેલ તેં જ બતાવી દીધો. ડગલે ને પગલે હે પ્રભુ તમે મારી સાથે જ છો એ સિદ્ધ થઈ ગયું..!"
"શું સિધ થઈ જયુ? ભગવાન તો તમારી જેવા બામણ આત્મા હારે નો હોય તો કોની હાર્યે હોય? અમારી જેવા પાપીયા હાર્યે?" રવજીએ ભાભાનો બબડાટ સાંભળીને કહ્યું.
"અરે રવજી..તું કંઈ પાપી આત્મા નથી ભાઈ. તું તો મહાપુણ્ય પામવાનું ભાગ્ય ધરાવે છે. ચાલ તારા ઘરે. હું એક મહા અવસર આવ્યો છે એની વાત તને જ કરીશ. કારણ કે એ આવસર જેના આંગણે ઉજવાશે એની એકોતેર પેઢી તરી જશે. સ્વર્ગમાં સ્થાન પામશે અને જન્મો જન્મના આ ફેરામાંથી મુક્ત થઈને પરમપદને પામી જશે."
રવજી અને સવજી બેઉ સગા ભાઈઓ હતા અને સમૃદ્ધ હતા એ આપણે જાણીએ છીએ. આ બેઉની વાડીએ થયેલા ભજિયાનો પોગ્રામ તો વાચકમિત્ર તમને યાદ જ હશે!
રવજી તરત જ ઉઠ્યો. ભાભાને એના ઘરે લઈ ગયો. ફળિયામાં ખાટલો ઢાળીને ભાભાને બેસાડ્યા. રવજીની દીકરી ગાગરમાંથી પાણી ભરી લાવી. રવજીની વહુએ આખા દુધની ચા બનાવવા તપેલી ચૂલા પર મૂકી. રવજી અને સવજીને ભાભા પ્રત્યે માન હતું. બંને ભાઈઓ કથા કીર્તન અને પૂજા પાઠમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવતા હતા.
ભાભા જ્યારે રવજીના ઘરેથી નીકળ્યા ત્યારે સાવ હળવાફૂલ થઈ ગયા હતા. રવજીએ આખી વાત ધ્યાન દઈને સાંભળી હતી.
બાબાનું સ્વાગત અને સામૈયું કરીને મહાપુણ્ય કમાઈ લેવાનું એ બેઉ ભાઈઓના ભાગ્યમાં હતું.
(ક્રમશઃ)