પ્રકરણ- ૯ થોમસ ટ્યુનું પરાક્રમ અને વીરગતિ
જોહાના ટાપુથી છ જહાજો પેરિમ તરફ રવાના થયા. સમુદ્રની ઉછળતી લહેરો એ જહાજોના વેગને વધારવામાં સહાયક બની, અને એક દિવસ બપોરના સમયે બધા જ જહાજો પેરિમ ટાપુ પર પહોંચી ગયા. દરેક જહાજના કેપ્ટને પોતપોતાના દૂરબીન લગાવી, સમુદ્ર સપાટીની ક્ષિતિજો તપાસી જોઈ, પણ કોઈની નજરે મુઘલ જહાજોનો કાફલો દેખાયો નહીં.
હેન્રીએ તેના કેટલાક નાવિકોને કોઈક બહાને બંદર ખાતાની ઓફિસે ગંજ-એ-સવાઈ બાબતે પૂછપરછ કરવા મોકલ્યા. થોડીવારે તેઓએ આવીને જણાવ્યું કે મુઘલ સામ્રાજ્યના વીસ જહાજો સવારે જ બંદર છોડી, ભારત તરફ રવાના થઈ ગયા છે!
“ઓહ! હવે શું કરવું?”
નિરાશા સાથે વેકે પૂછ્યું.
“પીછો કરીશું. આપણા જહાજોની ઝડપ પર મને વિશ્વાસ છે, આપણે તેમને અરબ સાગરમાં ક્યાંક આંતરી લઈશું,”
થોમસ ટ્યુએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
“મને એ શક્ય નથી લાગતું. ફેરો અને વાંટ, તમારું શું માનવું છે?”
ફેરો વિચારમુદ્રામાં ઊભો રહ્યો, જ્યારે રિચાર્ડ વાંટે સંદેહ સાથે કહ્યું,
“મને પણ શક્ય નથી લાગતું!”
“શક્ય છે. જહાજો અહીંથી ગયા એને હજુ ઝાઝો વખત નથી થયો. આપણે થોડી જ કલાકોમાં તેમને પકડી લઈશું,”
થોમસ ટ્યુ ફરી બોલ્યો.“
હા, હકારાત્મક વલણ રાખીને બધા આગળ વધીએ અને એ જહાજોના કાફલાને આંતરવા પૂરા પ્રયત્ન કરીએ. વધુ સમય નથી વેડફવો. ચાલો, બધા અરબ સાગર તરફ હંકારો,”
હેન્રીએ કહ્યું.
અને બધાએ પોતપોતાના જહાજ પર જઈ આદેશો આપ્યા. બધા જહાજો અરબ સાગર તરફ વેગપૂર્વક રવાના થયા.
અરબ સાગરની ઉછળતી લહેરો અને ઠંડી હવાના તીવ્ર સૂસવાટા વચ્ચે, દરેક જહાજના કેપ્ટન તેમના અનુભવ અને આવડતનો મહત્તમ ઉપયોગ કરી, પોતપોતાના જહાજને ભારત તરફની દિશામાં ઝડપથી હાંકી રહ્યા હતા. પરંતુ ફેન્સી અને એમિટીની બરાબરી કોઈ કરી શકે તેમ ન હતું. માયેસનું પર્લ થોડું પાછળ હતું, તેની પાછળ ફેરોનું પોર્ટ્સમાઉથ એડવેન્ચર હતું, જ્યારે ડોલ્ફિન અને સુસાના ક્યાંય પાછળ રહી ગયા હતા.
સંધ્યાના સમયે, જ્યારે સૂરજને હજુ આથમવાને ઘણી વાર હતી, ત્યારે અચાનક પવને જોર પકડ્યું, અને અરબ સાગરમાં પશ્ચિમથી પૂર્વ તરફ જતા જહાજો માટે પવન પ્રતિકૂળ થઈ પડ્યો. જહાજના સઢ સાંભળવા મુશ્કેલ થઈ રહ્યા હતા, અને વંટોળિયાની માફક આવતો પવન જહાજોની ગતિને ખૂબ જ અવરોધતો હતો.
બધા જ જહાજોના કેપ્ટન અને નાવિકોના અનેક પ્રયાસો છતાં, જહાજો જોઈએ એવા વેગ સાથે આગળ વધી શકતા ન હતા. હેન્રી પણ થોડો ઉદાસ થઈ, તૂતક પર બેસી ગયો. ત્યારે સમાંતર ચાલી આવતા એમિટીના તૂતક પરથી થોમસ ટ્યુનું ધ્યાન તેના તરફ ગયું. પોતાની દાઢી પર હાથ ફેરવી, થોડું વિચારી, આંખો ચમકાવી, તેણે હેન્રીને પડકારતાં કહ્યું,
“ઓય હેન્રી! આજે પણ ફરી રેસ લગાવીએ તો? શું કહે છે? આવા વાતાવરણમાં શક્ય છે એ કાફલાને પણ વાતાવરણ નડ્યું હોય, અને કદાચ આપણે આપણી આવડતથી તેને આંતરી લઈએ!”
થોડીવાર પહેલાં ઉદાસ બેઠેલો હેન્રી ખડખડાટ હસી પડ્યો અને કહ્યું,
“તું ફરી હારી જઈશ.”
થોમસે પણ હાસ્ય સાથે કહ્યું,
“પ્રકૃતિ સાથે લડતાં મને ખૂબ સારી રીતે આવડે છે. કદાચ આજે હું તને હરાવી દઈશ એ આશાએ પડકારી રહ્યો છું. ચાલ, મને જીતવા ન દે તો વાંધો નહીં, પણ જીતવાની એક તક તો આપ."
હેન્રીએ પોતાની ટોપી કાઢી, હાથ પર ફટકારતાં ઊભા થઈ કહ્યું,
"ચાલ, આવી જા.”
“પણ સંભાળ, તું આવા વાતાવરણમાં મારાથી ક્યાંય પાછળ રહી જા, અને કદાચ હું મુઘલ જહાજ સુધી એકલો પહોંચી જાઉં તો શું કરું?”
થોમસે ફરી મજાકમાં પૂછ્યું.
“એવું થશે નહીં, હું તને આગળ નહીં થવા દઉં. પણ કદાચ એવું થાય, તો તું મારી રાહ જોજે. આઠ તોપ લઈને એકલો કોઈ સાહસ કરવાનું ન વિચારતો,”
હેન્રીએ કહ્યું.
“ના, હું હુમલો કરી જ દઈશ. શું ખબર, તારું જહાજ કોઈ વંટોળમાં ફસાઈ ગયું હોય! હું રાહ નહીં જોઉં. પણ જો જે, મને કંઈ થાય, તો માદાગાસ્કર ટાપુ પર મારી પત્ની અને એક વર્ષનો એક છોકરો, રાત્સીમિલાહો, છે. તેને મારા મૃત્યુના સમાચાર પહોંચાડી દેજે,”
ફરી મજાકિયા અંદાઝ સાથે થોમસે કહ્યું અને હસ્યો.
“એવું ન બોલ, કંઈ નહીં થાય તને. જરૂર પડશે તો મારા શ્વાસ આપી દઈશ,”
ગંભીરતા અને મિત્રસ્નેહ સાથે હેન્રી બોલ્યો.
“ઠીક છે, વધુ લાગણીઓ ન બતાવ. રેસ માટે તૈયાર છે કે?”
થોમસે પૂછ્યું.
“ચાલ, આવી જા,”
હેન્રીએ કહ્યું.
ફરી બંને જહાજોના કેપ્ટનના આદેશો છૂટ્યા. આ વખતે પ્રકૃતિને હરાવવા માટે, બંને જહાજના કેપ્ટને પોતપોતાના વર્ષોના અનુભવનો નિચોડ સઢ અને પતંગા ફેરવવાના આદેશોમાં નાખી દીધો. બંને જહાજો વેગપૂર્વક ભારત તરફની દિશામાં દોડવા લાગ્યા—ક્યારેક એમિટી આગળ, તો ક્યારેક ફેન્સી. બંને કેપ્ટનના નાચ-નખરા, મજાક-મસ્તી, અને ખુશીની કિલકિલાટથી અરબ સાગરમાં ઉઠતી લહેરો પણ હાસ્યના હિલોળે ચડી. વંટોળને મ્હાત આપતાં બંને જહાજો, અરબ સાગરની લહેરો ઉપર હરણફાળ ભરીને દોડવા લાગ્યા. સૂસવાટા સાથે વહેતો પવન ક્યારેક જહાજોને પાછળ તરફ ધક્કા મારતો, ત્યારે કેપ્ટન બરાડી ઊઠતા, —“સઢ ઉતારો!” તો ક્યારેક વેગપૂર્વક આગળ વધતાં જહાજો, ઊંચી ઉઠતી લહેરો સાથે ટકરાતાં, અને ઉડતી પાણીની છોળોથી કેપ્ટન અને નાવિકો ભીંજાઈ જતા.
દોડ સ્પર્ધાના આટાપાટા રમતી વખતે, એક સમયે તેજ હવાના વંટોળમાં ફસાઈ, ફેન્સી સારી એવી વાર સુધી અટવાઈ રહી, અને હળવી એવી એમિટી તેને મ્હાત આપી, ક્યાંય આગળ નીકળી ગઈ.
થોમસે તૂતક પર ઊભા રહી જોયું, તો દૂર સમુદ્રમાં ક્ષિતિજ પર કાળા રંગની બે આકૃતિઓ નજરે પડી. દૂરબીન લગાવી, તેણે એ આકૃતિઓને ધ્યાનથી જોઈ. આગળ એક દીવાના ઝળહળાટ સાથેનું વિશાળ જહાજ—જાણે સમુદ્રની સપાટી પર તરતો કોઈ મહેલ! અને તેની પાછળ એક જહાજ હતું.
“કદાચ એ જ ગંજ-એ-સવાઈ!”
થોમસ બબડ્યો,
અને તેણે પાછળ તરફ જઈ, દૂરબીન વડે નિરીક્ષણ કરી જોયું, પણ ફેન્સી ક્યાંય દેખાતી ન હતી.
તે ફરી તૂતક પર આવ્યો અને નાવિકો તથા ગનટીમને તૈયાર રહેવા આદેશ આપતાં બોલ્યો,
“સામે સમુદ્રમાં તરતું મહેલ જેવું એક જહાજ જઈ રહ્યું છે. એ ગંજ-એ-સવાઈ સિવાય બીજું કોઈ ન હોય શકે. એમની સાથે એસ્કોર્ટ જહાજ પણ છે. આપણે તેમનો પીછો પકડી, હેન્રી આવી ન પહોંચે ત્યાં સુધી એને લડાઈમાં વ્યસ્ત રાખવાનું છે. બધા તૈયાર રહેજો!”
આદેશનું પાલન થયું. જહાજમાંના મુઠ્ઠીભર ચાળીસ યોદ્ધાઓ, ચપળ ચિતાની જેમ શિકાર પર ત્રાટકવા તૈયાર થયા, અને એમિટી ક્ષિતિજ પર દેખાતી એ બંને કાળી આકૃતિઓની દિશામાં ઝડપથી આગળ વધી.નજીક પહોંચતાં જ, થોમસના એક આદેશ સાથે, એમિટીના તોપખાનામાંથી એક પછી એક ગોળાઓ છૂટ્યા. બંદૂકમાંથી બુલેટોની ઝડી વરસી, અને ગંજ-એ-સવાઈના એસ્કોર્ટ જહાજ, ફતેહ મહમ્મદને સપાટામાં લીધું. એ એસ્કોર્ટ જહાજે પણ સમયસૂચકતા વાપરી, પોતાનો બચાવ કર્યો, અને પ્રતિકાર રૂપે એમિટી પર ગોળીબારી અને તોપમારો શરૂ કર્યો.
આ યુદ્ધ બરાબરીનું ન હતું. માત્ર આઠ તોપો અને ચાળીસ સૈનિકો સાથેનું નાનું જહાજ એમિટી, એંસી તોપો અને અઢીસો સૈનિકોથી સજ્જ એવા તોતિંગ ફતેહ મહમ્મદ સામે એકલું બાથ ભીડી રહ્યું હતું. પણ ચતુર થોમસ તેની અજોડ યુદ્ધનીતિથી ફતેહ મહમ્મદને ભારે પડી રહ્યો હતો. એમિટી તક મળ્યે હુમલો કરી, ફતેહ મહમ્મદના આગળ કે પાછળના ત્રિકોણીય ભાગ—જ્યાં તોપો ઓછી હોય—એ તરફથી સર્પાકાર ગતિ કરી, દૂર ભાગી જતું હતું. ફતેહ મહમ્મદનો કેપ્ટન હાથ મસળતો રહી જતો હતો.
ગિન્નાયેલા ફતેહ મહમ્મદના કેપ્ટને ડાબી અને જમણી બંને બાજુના તોપચીઓને તોપ ભરી રાખવા આદેશ આપ્યો. જ્યારે એમિટી એ તરફ આક્રમણ કરવા આવ્યું, ત્યારે એકસાથે બધી જ તોપો ફાયર કરવાનો આદેશ આપ્યો. સામસામે બંને બાજુએથી એકસામટા તોપના ધડાકાઓ થયા, અને ગોળીઓનો વરસાદ વરસ્યો. સમુદ્રના પાણીની ઊંચી છોળો ઉછળી, અને એમિટીના ડેક પર આગ અને ધુમાડો ફેલાયો. એક ગોળી થોમસની છાતીના ઉપરના ભાગને વીંધી આરપાર નીકળી ગઈ, અને તે બે ડગલાં પાછળ જઈ, લોહીલુહાણ થઈને ડેક પર ઢળી પડ્યો. ડેક પર તેના લોહીની ધાર થઈ, અને તે દર્દથી કણસી ઊઠ્યો.
તેના નાવિકો એક ક્ષણ માટે થંભી ગયા, પણ થોમસે પોતાના જમૈયાની ધાર ડેક પર ટેકવી, હિંમત કરી, ફરી ઊભો થયો, અને ફાટેલા સ્વરે બરાડ્યો,
“છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે, આપણે હારવા નથી આવ્યા!”
તેના શબ્દોથી જુસ્સે ભરાયેલા તેના નાવિકોએ, નજીક આવી રહેલા ફતેહ મહમ્મદ પર ફરી એકવાર તોપ અને બુલેટની ઝડી વરસાવી, અને તેનો એક સ્તંભ ઉડાવી દીધો.
સામેથી ફતેહ મહમ્મદે પણ પ્રતિકાર રૂપે એક તોપનો ગોળો છોડ્યો, અને એમિટીનો બીજો સ્તંભ પણ ઉડાવી દીધો.
સમુદ્રની લહેરો વચ્ચે, સઢ વગર નિરાધાર બની, હાલક-ડોલક સ્થિતિમાં તરતી એમિટી પર દુશ્મન જહાજના સૈનિકો બોર્ડિંગ હુક્સ ફેંકી ચઢી આવ્યા.
હાથોહાથનું યુદ્ધ જામ્યું—ક્યાંક ગોળીઓ ચાલી, તો ક્યાંક તલવારો ખણખણી ઊઠી. થોમસે પોતાની પાસે રહેલી પિસ્તોલ અને ગોળીઓથી ઘણા દુશ્મન સૈનિકોને વીંધી નાખ્યા. પિસ્તોલની ગોળીઓ પૂરી થઈ, ત્યારે તે જમૈયો લઈને તૂટી પડ્યો. છેવટે, તેની છાતી અને પેટ પર અનેક ગોળીઓ અને તલવારના ઘા વાગતાં, તે લોહીલુહાણ થઈને ડેક પર ઢળી પડ્યો. ફતેહ મહમ્મદના સૈનિકોએ એમિટીના તમામ ચાળીસ નાવિકોને બાંધી દીધા, અને ઘવાયેલા, છેલ્લો શ્વાસ ગણતા થોમસને એમિટીમાં જ છોડી, ફતેહ મહમ્મદ આગળ વધી ગયું.
ઘવાઈને પડેલો થોમસ, તેના છેલ્લા શ્વાસ ગણતો, દૂર સમુદ્રની ક્ષિતિજ પર તાકી રહ્યો હતો. ક્ષિતિજ પર એને ક્ષણવાર માટે તેની પત્ની દેખાઈ—બંને હાથ ફેલાવી, તેને બાહુપાશમાં લઈ લેવા તૈયાર ઊભી હોય એવું લાગ્યું. બીજી જ ક્ષણે એ જ ક્ષિતિજ પર તેનો પુત્ર રાત્સીમિલાહો દેખાયો, અને થોમસની આંખો ભરાઈ આવી. તેના હૃદયમાં એક ઝણઝણાટી ઊઠી—જાણે તેની પત્ની અને પુત્ર તેને બોલાવી રહ્યા હોય. એક આંસુ તેની આંખના ખૂણેથી લોહીથી ખરડાયેલા ગાલ પર લસરી ગયું, અને તેના હોઠ પર એક હળવું, ફિક્કું સ્મિત, મુશ્કેલીથી લેવાતાં શ્વાસ સાથે ખીલી ઉઠ્યું.
એમિટીથી થોડે દૂર, ક્ષિતિજ પર પહોંચેલી ફેન્સીના તૂતક પર ઊભેલા હેન્રીએ, દૂરબીનથી એમિટીને આગમાં લપેટાયેલી જોઈ. એમિટીને સઢ અને સુકાન વગરની, નિરાધાર હાલતમાં તરતી જોઈ, તેને ધ્રાસકો પડ્યો, અને તે બરાડી ઊઠ્યો,
“વિલિયમ, ઝડપ કર! એમિટી! થોમસ!”
વિલિયમે ઝડપથી ફેન્સીને બેહાલ થયેલી એમિટી સુધી પહોંચાડી.
હેન્રી ઉતાવળે ડેક પરથી કૂદી, એમિટી પર ગયો. તેણે જોયું કે તેનો મિત્ર થોમસ લોહીલુહાણ હાલતમાં, એક તૂટેલા સ્તંભની ઓથે માથું ટેકવીને પડ્યો હતો. છેલ્લા શ્વાસે પણ તેણે એક હાથમાં પોતાનો જમૈયો મજબૂતીથી પકડી રાખ્યો હતો, જાણે હજુ લડવાની ઈચ્છા તેનામાં બાકી હોય.
હેન્રી તેને જોઈ, એક ચીસ પાડી, દુ:ખ સાથે બોલી ઊઠ્યો,
“થોમસ, આ તે શું કર્યું? મેં રાહ જોવા કહ્યું હતું ને!”
જવાબમાં થોમસે દર્દનો એક ઉંહકારો કરી, ફિક્કું હસ્યો, અને મુશ્કેલીથી બોલ્યો,
“આ… આ… જે… હું… અ… હ… જીતી ગયો!”
હેન્રી તેની પાસે બેસી ગયો. તેની આંખો ભીંજાઈ ગઈ, અને તે ગળગળા અવાજે બોલ્યો,
“હા, તું જીતી ગયો!”
“આ… આગ… ળની… બા… જી… તારી… તારા પર… વિશ્વાસ… છે…”
એટલું કહી, થોમસે શ્વાસ છોડી દીધો. તેની આંખો ખુલ્લી રહી, પણ તેમાંથી જીવનની ચમક ઓલવાઈ ગઈ. હેન્રી થોમસને ભેટી પડ્યો અને બાળકની જેમ મોટા સાદે રડી પડ્યો. તેના હૃદયમાં દુ:ખની એક લહેર ઊભરાઈ, અને તે ગળગળા અવાજે બોલ્યો,
“તું મને એકલો કેમ છોડી ગયો, થોમસ? આપણે સાથે ગંજ-એ-સવાઈ જીતવાનું હતું!”
વિલિયમ અને બીજા નાવિકોએ આવી, હેન્રીને છૂટો પાડ્યો, અને સાંત્વના આપી. વહેતી આંખો સાથે હેન્રીએ તેના મિત્રનું શબ ઉપાડી, ફેન્સી પર લઈ આવ્યો, અને તેની સામે જોતો બેસી રહ્યો.
વિલિયમે થોમસને કફન ઓઢાડ્યું, અને હેન્રીના ખભે હાથ રાખી, ધીમેથી બોલ્યો,
“બદલો લેવાનો સમય જતો રહેશે. ખુદને સંભાળો કેપ્ટન.”
હેન્રીની ભીંજાયેલી આંખોમાં ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી. તે તેના મિત્રનો જમૈયો લઈ, કોટની બાંયથી મો લૂછતો ઊભો થયો, અને તેના અવાજમાં એક ગર્જના ગુંજી,
“થોમસનું બલિદાન વ્યર્થ નહીં જવા દઉં! ફતેહ મહમ્મદ અને ગંજ-એ-સવાઈને રાખ કરી દઈશ!”
બધાજ નાવિકોની આંખમાં પણ આંસુ સાથે ક્રોધની આગ ભભુકી રહી હતી અને એ આગમાં ફતેહ મહમ્મદ અને ગંજ-એ-સવાઈ નિઃસંદેહ રાખ થવાના હતા!