પ્રકરણ - ૧: કાળચક્રની કરામત
સતરમી સદીના ઉત્તરાર્ધમાં, કાળચક્રના પરિઘનો કદાચ નાનકડો, પણ અતિ ક્રૂર અને નિર્દય ભાગ ભારતની ભૂમિ પર ચકરાવો લઈ રહ્યો હતો. તે ભારતના રાજાઓ તેમજ પ્રજાજનો પર પોતાની નિર્દયતાનો પ્રભાવ પાડતો પસાર થઈ રહ્યો હતો. દિલ્હીના તખ્ત પર બાદશાહ ઔરંગઝેબનું રાજ હતું. તેની રાજ્ય વિસ્તારની ઝંખનાથી પ્રેરાઈને તેણે વિશાળ સૈન્ય શક્તિ વિકસાવી હતી. તેના સૈન્ય બળ, લશ્કરી વ્યૂહરચના તેમજ કુટનીતિઓને લીધે તે અજેય બની ગયો હતો અને લગભગ અર્ધી સદી સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારીને અનેક રાજાઓને પોતાને તાબે કર્યા હતા. આ સત્તાલાલચી, સામ્રાજ્યવાદી અને રક્તપિપાસુ નરપિચાશ, જેણે પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે પોતાના સગા ભાઈઓ, પિતા, પુત્રી અને અનેક સંતો તેમજ વીરોને પણ નહોતા છોડ્યા, એને મન પ્રજા તો શું વિસાતમાં હોય! અવારનવાર ધરતી ભારતવર્ષની ભોળી પ્રજાના રક્તપાતથી રંગાતી હતી. ગરીબ ખેડૂતોની ઝૂંપડીઓ સળગતી હતી, ખેતરોમાં ઉભેલા પાક પર વિશાળ સૈન્ય ફરી વળતું હતું. મંદિરોમાં ઘંટનાદ અને શંખનાદને બદલે નગરોના દ્વારે કે ગામના પાદરે મુઘલ સામ્રાજ્યની લોહીતરસી તલવારોનો ખણખણાટ સંભળાતો હતો. ગરીબ પ્રજા આર્થિક, શારીરિક કે માનસિક રીતે લૂંટાઈને ન્યાય કે કોઈ ઉદ્ધારકની આશાએ આકાશ તરફ જોતી હતી, પણ ત્યાં દેખાતાં હતાં કાળચક્રના પરિઘના એ ક્રૂર ભાગની આસપાસ પથરાયેલાં કાળાં ડીબાંગ વાદળો! જેમને વીંધીને આશાનું એક પણ કિરણ એ ગરીબ પ્રજાના લાચાર અને ફિક્કા ચહેરાઓ પર પ્રકાશ ફેંકી, તેમના ચહેરાને ક્ષણિક પણ રોશન શકે તેમ ન હતું.
પણ કાળચક્રની ગતિ અકળ હોય છે. એ જ કાળચક્રના પરિઘના એક ઉજાસભર્યા ભાગ હેઠળ, સમુદ્રની પેલે પાર, સ્પેનના કોરૂના બંદરગાહમાં એક તારો આકાર લઈ રહ્યો હતો—કદાચ ચમકવા માટે અથવા આ અભિમાની, ક્રૂર બાદશાહના ગર્વને તોડવા ધૂમકેતુ બનીને અથડાવા માટે!
કોરૂના બંદરગાહના એક ખૂણે, કેટલાક બેહાલ દશામાં આવી પડેલા નાવિકો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તેમાંના એકે કહ્યું,
“પાંચ મહિનાઓ સુધી વેતન ન મળે તો શું કરવું? હવે તો ઘરવાળી પણ પત્રમાં પ્રેમની ભાષા વાપરતી નથી અને પૈસા નહીં મોકલો તો પિયર ભાગી જઈશ એવી ધમકી આપે છે.”
“હા યાર! જ્યારે જરૂર હતી ત્યારે આ હરમખોરોએ એક મહિનાનો એડવાન્સ પગાર આપ્યો અને હવે પૈસા આપવાની તસ્દી પણ નથી લેતા,”
બીજાએ પહેલા નાવિકની વાતમાં ટેકો આપતાં કહ્યું.
“શું કરવું? કંઈ સમજાતું નથી. અનેક વખત અરજી-રજૂઆત કરવા છતાં આ સાલાઓ આપણી મહેનતના પગારના પૈસા આપવાનું નામ નથી લેતા! બધાએ પોતપોતાની પત્ની અને માતાપિતા દ્વારા લખેલા પત્રોમાં ઘરની ડામાડોળ પરિસ્થિતિનો ચિતાર આપીને પગાર માટે માગણી કરી જોઈ, પણ આ દાનવોના પેટનું પાણી પણ નથી હલતું,”
ત્રીજા નાવિકે ચહેરા પર ગુસ્સાના ભાવ સાથે કહ્યું.
આ નાવિકોના આક્રોશિત વાર્તાલાપ વચ્ચે, તેમનાથી થોડે દૂર એક નાવિક ઊભો હતો. બેહાલ દેખાતો હોવા છતાં તેના ચહેરા પર ઉજ્જવળ ભાવિની આશા સ્પષ્ટ ઝળકતી હતી. તેની આંખોમાં એક અનેરી ચમક હતી. વિચારમગ્ન સ્થિતિમાં ઊભેલો એ નાયક જાણે પોતાના મસ્તિષ્કમાં ઇતિહાસનું કોઈ એક પ્રકરણ ગૂંથી રહ્યો હતો! એ હતો હેન્રી એવરી!
એટલામાં એક નાવિકે ગુસ્સાના આવેગ સાથે બૂમ પાડીને તેને બોલાવતાં કહ્યું,“ઓ હેન્રી! તારે બૈરી-છોકરાં નથી? કે પછી મોટો ધનાઢ્ય બની ગયો છે? આમ મૂંગો ઊભો ઊભો શું સાંભળે છે? આપણી વ્યથામાં ભાગ નહીં લે, કે પછી સ્પેનિશ ગુલામ બનવાનું મન બનાવી લીધું છે?”
હેન્રીએ માથું ઊંચું કર્યું, નાવિક મિત્રો તરફ જોઈને ચહેરા પર સ્મિત રેલાવતાં કહ્યું,
“ગુલામ! ગુલામ બનવા માટે તો આપણે સર્જાયા નથી. હું તમારી વાતો સાંભળતો હતો, પણ મારા મનમાં કંઈક બીજું જ ચાલતું હતું.”
“આવી ભૂખડ પરિસ્થિતિમાં, પૈસા વગર, બૈરી-છોકરાં કે માતાપિતાની કફોડી હાલત સિવાય બીજા શું વિચારો આવે?”
એક નાવિકે ઉદાસીન ભાવ સાથે કહ્યું.
“ના, હું બીજું વિચારતો હતો. એ કહીશ તો આપણે મિત્રો કદાચ બે જૂથમાં વહેંચાઈ જઈશું, એટલે નથી કહેવું,”
હેન્રી પોતાના મનસૂબાને પાર પાડવા માટે પાસા ફેંકતો હોય તેવી અદાથી દાઢી પર હાથ ફેરવતાં બોલ્યો.
“બે જૂથમાં? મતલબ! એવું તું શું વિચારતો હતો અને શું નથી કહેવા માગતો?” એક નાવિકે ચહેરા પર અકળામણના ભાવ સાથે પૂછ્યું.
હેન્રીએ અપેક્ષિત પ્રશ્નને પારખી લઈ, પોતાના પાસા સચોટ પડ્યાના હળવા સ્મિત સાથે, સાથી મિત્રોની મનોસ્થિતિનો તાગ મેળવતાં તેમના પર નજર ફેરવીને કહ્યું,
"માત્ર અહીં ઊભા રહીને પગાર ન મળવાની ફરિયાદો કરીને કે પરિવારની ચિંતા કરીને કંઈ મળવાનું નથી. આપણી પાસે હાથ છે, મગજ છે અને સમુદ્રસફરનો બહોળો અનુભવ પણ છે. આપણે જાતે મહેનત કરીને આપણા ભાગ્યને ચમકાવી ન શકીએ?”
“હેન્રી, તું શબ્દોની શતરંજ રમવાનું બંધ કર. જે કહેવું હોય તે સીધા શબ્દોમાં કહે. શું તું કોઈ બીજી પેઢી સાથે જોડાવાની વાત કરે છે, કે કંઈક બીજું કહેવા માગે છે?” એક પીઢ દેખાતા નાવિકે મુંઝવણ અને ઉત્સુકતાના મિશ્રણ સાથે પૂછ્યું.
હેન્રીએ થોડીવાર મૌન ધારણ કર્યું, તમામ નાવિકો તરફ દૃષ્ટિપાત કરીને તેમની મનોસ્થિતિ માપી. જાણે નબળા મનોબળવાળા મિત્રોમાં કંઈક કરી છૂટવાની પ્રેરણા પૂરતો હોય તેમ, દૃઢ આવાજે કહ્યું,
“બીજી પેઢી! હટ! ક્યાં સુધી આપણે ગુલામી કરીશું? શા માટે આપણે પોતે દરિયાના રાજાઓ બનીને દરિયા પર આપણું સામ્રાજ્ય ન સ્થાપીએ? આપણને શું દરિયાનો અનુભવ ઓછો છે? શું આપણામાં કૌશલ્ય નથી? હિંમત નથી? બસ, આપણે નિર્ણય લેવાની જરૂર છે. જે આસાનીથી ન મળે, એ છીનવી લેવું જોઈએ!”
“તું પાયરસીની વાત કરે છે? મોતને આમંત્રણ! કાં તો ગોળી, નહીં તો ફાંસી. મારી પત્ની વિધવા બને! છોકરાં અનાથ થાય!” એક નાવિકે આંખો પહોળી કરીને આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.
“અને સફળ થઈએ તો?” બીજા નાવિકે મૃદુ સ્વરે, આંખો થોડી પહોળી કરીને, અંશતઃ આત્મવિશ્વાસ સાથે કહ્યું.
તકને ઝડપી લઈ, હેન્રીએ એ નાવિકના ખભે હાથ ફેરવતાં, અંતિમ પાસા ફેંકતો હોય તેમ મૃદુ સ્વરે કહ્યું,
“બસ, એ જ! સફળ થઈએ તો? જીવન સંભાવનાઓનું ગણિત જ તો છે! કાલે શું થવાનું છે, કોને ખબર છે? આજે આપણે ભૂખ જેવી સ્થિતિમાં છીએ, એ સુધારવા આપણે શા માટે નથી મથતા?”
બધા નાવિકોની આંખોમાં આશા અને આત્મવિશ્વાસની એક અનેરી ચમક ઉભરી આવી. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા. થોડીવારની શાંતિ બાદ એક નાવિકે પૂછ્યું,
“આગળનો પ્લાન શું છે?”
“સાથે કેટલા છે?”
હેન્રીએ બાજી ફરી ચકાસી લેવા જેમ એક જુગારી પત્તાં ફરી જોતો હોય તેમ, બધા તરફ દૃષ્ટિ ફેરવીને પૂછી લીધું.
બધાએ એકબીજાની સામે જોયું અને એકસાથે બોલી ઊઠ્યા,
“અમે બધા જ તારી સાથે છીએ, હેન્રી!”
“તો પ્લાન સાંભળો. એડમિરલ ઓ’બાયર્ન સાથે કાલે આપણે વેતન બાબતે બોલાચાલી થઈ હતી. આજે એ બાબતની માફી માગવાના બહાને તેમને અને કેપ્ટન ગિબ્સનને દારૂની પાર્ટી આપીને કિનારે જ સુવડાવી દઈશું. રાત્રે નવ વાગ્યાના સુમારે લંગર ખેંચી લઈશું અને કોઈ કંઈ સમજે એ પહેલાં ચાર્લ્સ-II આપણું! આપણે તેને કેપ વર્ડે તરફ હંકારી જઈશું. આજે રાત્રિથી જ ગુલામીનો અંત અને આઝાદીનું એક નવું પ્રકરણ શરૂ!”
“ઠીક છે, હેન્રી. આજથી ગિબ્સનની જગ્યાએ અમારો નવો કેપ્ટન તું. અમારા ભાગ્યની દોર પણ તારા હાથમાં,”
પીઢ દેખાતા એ નાવિકે ઉત્સાહ સાથે કહ્યું.
એ દિવસની બપોરે, કંગાળ અને બેહાલ એ નાવિકો કોરૂનાના કાંઠે ગુલામીની અંતિમ શરાબ પાર્ટી માણવા માટે એકબીજા પાસેથી જેટલા પૈસા બચ્યા હોય તે એકઠા કરી રહ્યા હતા. સમુદ્રની લહેરો કિનારે લાંગરેલા ચાર્લ્સ-II સાથે અથડાઈને તેને રાત્રિની તેની ઐતિહાસિક સફર માટે શુભેચ્છાઓ પાઠવી રહી હતી. એ લહેરોના હેતભર્યા શુભેચ્છા સંદેશાઓને ઝીલતું ચાર્લ્સ-II જાણે ખુશીથી નાચતું હોય તેમ હળવેકથી ડોલતું હતું.