પ્રકરણ-૧૦ ગંજ-એ-સવાઈની લૂંટ
હેન્રીએ ફેન્સીને શક્ય એટલી ઝડપથી ભારત તરફની દિશામાં હંકારવા આદેશ આપ્યો. વિલિયમ પણ આદેશની જ રાહ જોતો હોય તેમ તેણે ફેન્સીને ભારતની દિશામાં મારી મૂકી. ડેક પર તેના મિત્રનો જમૈયો લઈ ઉભેલા હેન્રીની આંખોમાં ખુન્નસ અને ચહેરા પર બદલાની ભાવનાનો ક્રોધ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બધા નાવિકો પણ મુઠ્ઠીઓ વાળી દાંત કચકચાવી રહ્યા હતા.
થોડીક મિનિટો બાદ, દૂર ક્ષિતિજ પર, થોમસનો માર ખાઈને હાલક ડોલક સ્થિતિમાં તરતું જઈ રહેલું ફતેહ મહમ્મદ દેખાયું. બધા જ નાવિકો આદેશની પણ રાહ જોયા વગર શસ્ત્રસજ્જ થઈ ગયા. કેટલાકે બંદૂક ઉઠાવી લીધી, તોપચીઓ તોપ પાસે ગોઠવાઈ ગયા અને હેન્રીએ પણ પોતાની બંદૂક ઉઠાવી લીધી.
જેવી ફેન્સી તેની નજીક પહોંચી એટલે હેન્રીએ પોતાનું દૂરબીન બંદૂક પર ગોઠવી નિશાન લઈ ફતેહ મહમ્મદ ના તૂતક પર ઉભેલા એક નાવિકને ઠાર કરતાની સાથે જ ફાયર નો આદેશ આપ્યો અને ફેન્સીની તોપો ગર્જી ઉઠી. ફતેહ મહમ્મદ પર ચોતરફ ધુમાડો ઉઠ્યો અને આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ. સમુદ્રની લહેરોનો અવાજ, મરણચીસો વચ્ચે દબાઈ ગયો. ફતેહ મહમ્મદની થોડે પાછળ રહી, એક તરફની દિશામાં ત્રાંસી જઈ, ફેન્સી ચિતાની ઝડપે તેનાથી આગળ નીકળી ત્યારે તૈયાર બેઠેલા ફેન્સીના બંદૂકબાજોએ એક તરફના ઘણા બધા તોપચીઓને ઠાર માર્યા. આગળ જઈ ફરી ફેન્સીએ બીજી તરફ વળાંક લીધો ત્યારે એ તરફના તોપચીઓ અને બંદૂક બંદૂકબાજોએ બાકીનું કામ તમામ કરી દીધું. દુશ્મન જહાજ પર ઝડપથી અચાનક જ હુમલો કરી, તેને પ્રતિકારને લાયક જ ન રહેવા દીધું. છેવટે ફેન્સીના નાવિકો કૂદીને ફતેહ મહમ્મદના ડેક પર ચડી ગયા અને એમિટીનો બદલો લેવાનું ખુન્નસ તલવાર, પિસ્તોલ, બંદૂક અને હાથોહાથની લડાઈ કરી ઉતાર્યું. ફતેહ મહમ્મદના કેપ્ટન સહિત બચેલા તમામ ક્રુને દોરડાથી બાંધી ડેક પર જ છોડી, સળગી મરવા કે ડૂબી મરવા છોડી દીધા. એમિટીના બંધક નાવિકોને છોડાવી ફેન્સીમાં લઈ લીધા અને તેમાંથી અંદાજે ચાળીસ હજાર પાઉન્ડનો ખજાનો કબ્જે કરી, ફેન્સી ગંજ-એ-સવાઈનો શિકાર કરવા આગળ વધી.
એક કલાકની સફર બાદ, હેન્રી અને તેના નાવિકોએ સમુદ્રમાં દૂર એક વિશાળકાય જહાજને ધીમી ગતિએ તરતું રહી આગળ વધતું જોયું. એ ગંજ-એ-સવાઈ હતું.
રાત્રિના સમયે તેના પર ઝળહળતા દીવાઓથી તે તરાઓથી જડેલું હોય તેવું લાગતું હતું. તેના સઢો પરની સોનેરી રંગની કોતરણી ચંદ્રના આછાં પ્રકાશમાં પણ ચમકી રહી હતી. તેના ડેક પર ઊભેલા ઊંચા સ્તંભો, જેના પર લાલ, લીલા અને સોનેરી રંગના ઝાલરદાર પડદા લહેરાતા હતા, જાણે રાજદરબારની શોભા દર્શાવતા હોય! તેની બાજુઓ પર કોતરેલા નાજુક નકશીકામ, જેમાં ફૂલો, પાંદડાં અને મોરની આકૃતિઓ એવી બારીકાઈથી ઘડવામાં આવી હતી કે દૂરથી જોનારને એવું લાગે કે આ જહાજ નહીં, પણ કોઈ કલાકૃતિ છે. જહાજની ટોચ પર એક વિશાળ ઝંડો લહેરાતો હતો, જેના પર મુઘલ સામ્રાજ્યનું ચિહ્ન—એક ચમકતો સૂરજ અને તેની નીચે એક શિરસ્ત્રાણ અંકિત હતું. તેના ડેક પર રહેલા દીવાઓની રોશની એટલી તેજસ્વી હતી કે રાતના અંધકારમાં પણ ગંજ-એ-સવાઈ દૂરથી ઝળહળતું દેખાતું હતું. જાણે સમુદ્રની વચ્ચે એક તેજોમય નગરી તરતી હોય! એ કોઈ સામાન્ય જહાજ નહીં, પણ મુઘલ સામ્રાજ્યના મદમાં ઝૂમતો, સોનાથી મઢેલો એક ભવ્ય સ્વપ્નિલ મહેલ હોય! વિશાળ સાગરની ગર્જતી લહેરોને પગ તળે કચડી, અફાટ સમુદ્રની છાતી પર રાજવી ઠાઠથી ચાલતો જતો એ અભિમાનનો એક અદ્વિતીય ગંજ હોય!
અભિમાનના એ ગંજને ઢેર કરવા ફેન્સીના તૂતક પર ઉભેલા હેન્રીએ તેના મિત્ર થોમસનો જમૈયો ઉઠાવ્યો અને દાંત કચકચાવ્યા. પણ એ જાણતો હતો કે સીધો જ ગંજ-એ-સવાઈ પર હુમલો કરવો ડાહપણ ભર્યું ન હતું.
ગંજ-એ-સવાઈ બાસઠ તોપોથી સજ્જ હતું. તેમાં ત્રણસો જેટલા બંદૂકધારી અને તલવાર, ભાલા જેવા નાના શસ્ત્રોથી સજ્જ સૈનિકોની એક આખી સેના હતી. ઉપરાંત ચારસોથી પાંચસો મુસાફરો જેમાં મુઘલ દરબારના ઉચ્ચ અધિકારીઓ, વેપારીઓ અને તેમના પરિવારો પણ સામેલ હતા.
હેન્રીએ તેના અન્ય ચાર સાથીમિત્રોમાંથી કોઈક આવી પહોચ્યાંની આશા સાથે પાછળ તરફ જઈ દૂરબીન લગાવી દૂર સુધી જોયું પણ કોઈ દેખાયું નહી. ઘણી વાર સુધી ગંજ-એ-સવાઈની પાછળ એક ચોક્કસ અંતરે રહી તેણે તેના કોઈક એકાદ સાથીમિત્ર આવી પહોંચે એ માટે રાહ જોઈ. કલાક વીતવા છતાં, જ્યારે કોઈ દેખાયું નહી ત્યારે હેન્રીએ તેના નાવિકોને બોલાવી કહ્યું,
"આપણો સાથી મિત્ર થોમસ, આ દુનિયા છોડી જતો રહ્યો છે. બીજા ચાર સાથી મિત્રો આપણી સાથે નથી, કદાચ તેઓ પાછળ કોઈક તોફાનમાં અટવાયા હોય! શિકાર આપણી સામે જ છે અને હવે વધુ રાહ જોઈ તેને છટકવા દેવું એ મૂર્ખતા સાબિત થશે. એના પર એકલા જ હુમલો કરી એને લૂંટવું એ પણ સરળ નથી. પણ જે સરળ હોય તે રમત હોય, પડકાર નહી! આપણે આપણા બળ અને બુદ્ધિનો ઉપયોગ કરી તેના પર જોશ અને હોશ પૂર્વક હુમલો કરીશું. હિંમત એ મર્દા તો મદદે ખુદા! મને વિશ્વાસ છે, આપણે આપણા અને થોમસના જીવનના એક માત્ર લક્ષ્ય એવી —સૌથી મોટી લૂંટના સ્વપ્નને સાકાર કરવામાં સફળ થઈશું. તો બધા હિંમત અને હોશ સાથે તૈયાર છો?"
"અમે સૌ તૈયાર છીએ"
બધા સાથી મિત્રોએ જોશ અને ઉત્સાહ પૂર્વક મોટા સાદે કહ્યું.
હેન્રીનો આદેશ થતાની સાથે જ ફેન્સી ફરી લહેરો પર ઉછળતા ચિતાની માફક દોડી અને ગંજ એ સવાઈ પર ગોળીઓ અને તોપ ગોળાઓનો વરસાદ વરસાવ્યો. અચાનક અને જોશ પૂર્વકના પ્રથમ હુમલામાં જ ફેન્સીના સૈનિકોએ, ગંજ એ સવાઈ ના કેટલાક સૈનિકોને ગોળીઓથી વીંધી નાખ્યાં, તોપના ગોળથી ગંજ-એ-સવાઈના ડેક પર આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ. તરત જ ગંજ-એ-સવાઈનો પ્રતિકાર શરૂ થયો અને એ ફેન્સી પર પણ તોપ અને ગોળીઓની ઝડીઓ વરસી. એક ગોળો ફેન્સીના ડેક પર પડ્યો અને ફેન્સી પણ આગની જવાળાઓમાં લપેટાઈ. નાવિકોએ આગને ફટાફટ કાબૂમાં લીધી અને હેન્રીએ હવે પોતાની આવડત, થોમસની સર્પાકાર ચાલ અને ફેન્સીની ઝડપનો ઉપયોગ કરી ગંજ-એ-સવાઈના આગળ અને પાછળના નબળા, ત્રિકોણ ભાગ પર હુમલાઓ શરૂ કર્યા. સંતાકૂકડીનું આ યુદ્ધ ત્રણ કલાક જેટલું લાંબુ ચાલ્યું એ દરમિયાન માયેસનું પર્લ અને ફેરોનું પોસ્ટ્સમાઉથ એડવેન્ચર પણ આવી પહોંચ્યું. ફેરોનું જહાજ દૂર રહીને જ આક્રમણ કરતું રહ્યું, જ્યારે ફેન્સી અને પર્લે એક-એક બાજુથી હુમલાઓ ચાલુ રાખ્યા.
આ દરમિયાન અચાનક જ એક બનાવ બન્યો અને બાઝી હેન્રીના પક્ષમાં પલટાઈ ગઈ. ગંજ-એ-સવાઈના તોપખાનામાં તેની એક તોપ ત્યાં જ ફાટી અને તેના અસંખ્ય તોપચીઓ માર્યા ગયા. આ તકનો લાભ લઈ ફેન્સી અને પર્લના નાવિકો બોર્ડિંગ હુક્સ ફેંકી ગંજ-એ-સવાઈ પર ચડી ગયા. એક કલાક હાથોહાથની લડાઈ ચાલી. ગંજ-એ-સવાઈમાં ચોતરફ તલવારોનો ખણખણાટ મચ્યો, ગોળીઓની ગુંજો સંભળાઈ, મરણ ચીસોના પડઘાઓ પડ્યા અને નાસભાગ મચી ગઈ. ગંજ-એ-સવાઈનો કેપ્ટન ભાગીને સ્ત્રીઓ વચ્ચે છુપાઈ ગયો જેને હેન્રીએ ત્યાંથી શોધી કાઢી અને પૂરો કર્યો. ગંજ-એ-સવાઈનો અંદાજે સાડાત્રણ થી પાંચ લાખ પાઉન્ડનો ખજાનો અંકે કરવામાં આવ્યો. અને ફેરો, માયેસ અને હેન્રી એ ખજાનો લઈ નીકળી ગયા.
લૂંટારું ટોળકી એક નિર્જન ટાપુ પર રોકાઈ જ્યાં પ્રથમ તો થોમસની દફન વિધિ કરવામાં આવી. એ પછી ખજાનાના ભાગ પડતી વખતે, સર્વાનુમતે નક્કી થયું કે ફેરોનો એક પણ તોપગોળો ગંજ-એ-સવાઈને લાગ્યો ન હતો તેથી એ પૂર્વ શરત મુજબ ખજાનામાં ભાગીદાર ગણાતો ન હતો.
થોડીવાર ચડસાચડસી બાદ ફેરોને તેના ક્રૂ સાથે ભાગવું પડ્યું.
હવે બાકી રહ્યા હતા માયેસ અને હેન્રીના નાવિકો તેઓ ખજાનાના સરખા ભાગ પાડવા જ્યારે બેઠા ત્યારે ખણ ખણના અવાજ સાથે માયેસ ના એક નાવિક ના ખીસામાંથી બે ત્રણ સિક્કા નીચે પડ્યા. હેન્રી અને તેના નાવિકો લાલ આંખ કરી તેની સામે જોઈ રહ્યા. હેન્રી એ ગુસ્સા પૂર્વક ઊભા થઈ એ નાવિક અને અન્ય બે નાવિકોના ખિસ્સા ફાડી તેમાં છુપાવેલા સિક્કાઓ બહાર પાડ્યા.
"આ લોકો ચોર છે! એમણે ખોટી દાનત રાખી."
હેન્રી નો એક નાવિક આક્રોશ પૂર્વક બોલી ઉઠ્યો.
"હા, આમને કોઈ હિસ્સો ન આપવો જોઈએ."
બીજાએ તેમાં સૂર પુરાવ્યો.
માયેસે તેની પિસ્તોલ કાઢવા પ્રયાસ કર્યો, હેન્રીના સતર્ક અને ચપળ નાવિકોએ તરત જ પોતપોતાની પિસ્તોલ કાઢી માયેસના એક-એક નાવિકને નિશાન પર લઈ લીધા. વિલિયમ સીધો જ માયેસ પર નિશાન લગાવી ઊભો રહી ગયો.
હેન્રી બોલ્યો,
"અહીં કોઈ રક્તપાત સર્જાય એ પહેલા તમારા સૌના ખિસ્સામાં જે કંઈ બચ્યું હોય એ લઈ ને સમુદ્રનો રસ્તો માપો નહી તો મારા ક્રૂના હાથે બધા અહીં જ પૂરા થઈ જશો."
હેન્રીના તથા એમિટીના મળી કુલ દોઢસો નાવિકોનું સંખ્યાબળ જોઈ માયેસને તેના ચાળીસ નાવિકો સાથે ભાગવું પડ્યું.
માયેસના ગયા પછી હેન્રી અને એમિટી ના દોઢસો નાવિકો વચ્ચે ખજાનો સરખા ભાગે વહેંચવામાં આવ્યો ફેન્સીનો બાળીને નાશ કરવામાં આવ્યો અને ફેન્સીની હોડીઓ દ્વારા બધા નાવિકો નજીકના એક ટાપુ પર પહોંચી, ત્યાંથી વહાણ દ્વારા પોતપોતાના ઘર તરફ રવાના થયા. પરિવાર સાથે મોજશોખ ભરી એક ગુમનામ જિંદગી જીવવાની ખુશી સાથે!
આ તરફ દિલ્હીમાં તખ્તેનશીન, આલમગીર, સમ્રાટે હિંદ એવા ક્રૂર ઔરંગઝેબના ઘમંડ પર જે વજ્રપ્રહાર થયો હતો તે જેવો તેવો ન હતો. તેનું વાળ વગરનું માથું અસહ્ય તાપથી તપી ગયું, તેણે ફરી એકવાર તાજને માથા પરથી કાઢી ફેંકી દીધો. તેની દાઢીમાં આગના તણખા ઉઠ્યા હોય એ રીતે તેમણે પોતાની દાઢી ખેંચી તેના હજુરિયાઓને હુકમ બજાવ્યો.
"ઇસ્ટ ઇન્ડિયા કંપનીની બોમ્બે, સુરત, ભરૂચ, આગ્રા અને અમદાવાદની કોઠીઓ તાત્કાલિક બંધ કરાવો અને તેમના કારભારીઓને પકડીને જેલમાં પુરાવો."
ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પાંચ કોઠીઓ બંધ થઈ અને અનેક અંગ્રેજ કારભારીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા.
ભારત વર્ષમાં ચોરે અને ચોકે વાતો વહેતી થઈ, ઔરંગઝેબનો ખજાનો લૂંટાયો! દમનકારી નીતિઓથી ઉદાસ રહેતી પ્રજાના ચહેરાઓ, આ સમાચાર સાંભળી, ક્રૂર રાજવીના ધમપછાડા જોઈ, મલકાઈ ઉઠ્યા.
બ્રિટિશ રાજદ્વારીઓએ દરમિયાનગીરી કરી ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મુઘલ સામ્રાજ્ય વચ્ચે સમાધાન કરાવ્યું. મુઘલ સામ્રાજ્ય ને નુકસાનીના વળતર પેટે સાડાત્રણ લાખ પાઉન્ડનું વળતર અપાવ્યું.
પણ ક્રૂર બાદશાહને એટલાથી સંતોષ ન હતો. તે તો હેન્રી એવરીને ફાંસીના માંચડે લટકતો જોવાની જીદ લઈને બેઠો હતો.
અંગ્રેજોએ તેને વિશ્વાસ અપાવ્યો કે તેઓ તેને પકડી પાડવાના તમામ પ્રયાસો કરશે. એ પછી હેન્રી એવેરીને પકડવા માટે શોધ અભિયાનનું નાટક શરૂ કર્યું કે પછી સાચે જ શોધખોળ આદરી. પણ એ તારો તો ઇતિહાસના પાના પરનું પોતાનું પ્રકરણ ઉજ્જવળ કરી ફરી અકળ બ્રહ્માંડમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગયો હતો. એ ધૂમકેતુ અભિમાની બાદશાહનાં ઘમંડ પર વજ્રની જેમ ત્રાટકી એ અભિમાન, એ ઘમંડના ચૂરેચૂરા કરી પોતાનું અસ્તિત્વ છુપાવી ગાયબ થઈ ગયો હતો. તે ક્યારેય ન મળ્યો!
એક દિવસ માદાગાસ્કર ટાપુ પરના એક સામાન્ય એવા દેખાતાં ઘરના દરવાજા પર ટકોરા પડ્યા. એક કાળા વાનની સ્ત્રી જેના વાળ કર્લી હતા તેણે દરવાજો ખોલ્યો અને પૂછ્યું,
"આપ કોણ?"
"જી મારું નામ એન્ડરસન છે હું એમિટીનો નાવિક છું"
"જી, અંદર આવો."
પેલી સ્ત્રીએ હસીને આવકાર આપ્યો.
એન્ડરસન ઘરમાં જઈ બેસ્યો, ત્યાં એક બાળક ગોઠણભેર ઘરમાં ચારે તરફ ચક્કર લગાવતું, રમતું હતું તેની સામે જોઈ એમણે પૂછ્યું.
"બાળક ખૂબ જ ચંચળ છે. શું નામ છે આમનું?"
"રાત્સીમિલાહો, તે એમના પપ્પા પર ગયો છે."
પેલી સ્ત્રીએ હસીને જવાબ આપ્યો.
એન્ડરસનની આંખોના ખૂણા પાણીથી ભરાઈ આવ્યા અને એક બેગ આગળ કરતા એ બોલ્યો.
"આપના પતિ થોમસે મોકલ્યું છે. મારે ઉતાવળ છે મારા જહાજનો સમય થઈ રહ્યો છે. હું જાવ પછી ખોલજો"
અને રાત્સોમિલાહોના માથા પર પ્રેમથી એક હાથ ફેરવી, ઘરમાંથી નીકળી તે ધીમી ચાલે બંદર તરફ રવાના થયો.
પેલી સ્ત્રીએ બેગ ખોલી, અઢળક ખજાના સાથે તેમાં રહેલ એક પત્ર ખોલી તેણે અધીરાઈ પૂર્વક વાંચ્યો,
"આપના પતિ વીર હતા, છેલ્લી લૂંટ દરમિયાન બહાદુરી પૂર્વક લડતા તેઓ વીરગતિને પામ્યા છે. આ બેગમાં તેમના હિસ્સાનો ખજાનો છે. જે તમારા અને રાત્સીમિલાહોના આગળના જીવન માટે સહાયરૂપ બનશે. આપના પતિના મૃત્યુના સમાચાર આપની સામે ન કહી શકવાની ક્ષમા યાચું છું. ઈશ્વર આપને થોમસના મૃત્યનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સહ"
એ કાળી સ્ત્રીના મોટા હોંઠો દાંત વચ્ચે ભીંસાઈ ગયા, આંખોમાંથી અશ્રુધારા છૂટી અને એની દૃષ્ટિ રાત્સીમિલાહો પર જઈને સ્થિર થઈ ગઈ.
એ બેગ અને પત્ર આપનારો એન્ડરસન એક જહાજમાં બેઠો હતો. એમણે એમના ખિસ્સામાંથી મુઠ્ઠીભર સિક્કાઓ બહાર કાઢી તેને ધ્યાનથી નીરખ્યા. તેના ચહેરા પર એક ફિક્કું સ્મિત ફરકી ગયું. એ જહાજ ચાલવા લાગ્યું અને દૂર ક્ષિતિજની પેલે પાર અદ્રશ્ય થઈ ગયું.
વર્ષો પછી એક ખેતરમાં એક કિશોર છોકરો, તેના દાદા પાસે બેઠો છે અને દાદાને પૂછે છે.
"દાદા, આટલા મોટા ખેતરમાં આપણે આટલી મહેનત કરીએ છીએ, મુશ્કેલીથી જીવન ચાલે છે. આપણું નસીબ પૈસાદારો કે રાજાઓ જેવું કેમ નથી."
"બેટા બધાનું નસીબ જુદું હોય, વળી ખુશ રહેવા કે નામના મેળવવા માટે પૈસા જ સર્વસ્વ છે એવું પણ નથી."
કરચોલીઓ પડેલા ચહેરા અને સફેદ વાળ વાળા દાદાએ હસીને કહ્યું.
"એ કંઈ રીતે દાદા? પૈસા વગર નામના મળે?"
બાળકે આશ્ચર્ય પૂર્વક પૂછ્યું.
"હા મળે, ચાલ હું તને એક વાર્તા કહું."
અને દાદાએ વાર્તા શરૂ કરી,
"હમણાંની જ વાત છે, પાછલી સદીના ઉત્તરાર્ધમાં, કાળચક્રના પરિઘનો કદાચ નાનકડો પણ અતિ ક્રૂર અને નિર્દય ભાગ......."
(સંપૂર્ણ)