પ્રકરણ - ૪ પ્રથમ લૂંટ
આખરે, આઝાદી અને નવું નામ મળ્યાની ખુશી સાથે સમુદ્રની લહેરો પર નાચતું-કૂદતું એ જહાજ ફેન્સી કેપ વર્ડેના બંદરગાહમાં લંગરાયું. ફેન્સીમાં અન્ન-પાણીનો પુરવઠો ખૂબ ઓછો હતો. સમુદ્ર પર રાજ્ય સ્થાપવા જઈ રહેલા આ નાવિકો હજુ રંક જ હતા, એટલે નામમાત્રનો ખાદ્ય જથ્થો અને પાણીનો પુરવઠો ભર્યા બાદ થોડો વિશ્રામ કરી, હેન્રીએ નાવિકોને લંગર ઉપાડવાનો આદેશ આપ્યો. ફેન્સીએ કેપ વર્ડેનું બંદરગાહ છોડ્યું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં થઈ, કેપ ઓફ ગુડ હોપની દિશામાં આગળ વધી રહ્યું હતું.
ફેન્સીના નાવિકોના મનમાં અન્ન-પુરવઠાને લઈને મુંજવણ હતી, તો કેપ્ટન હેન્રીના મગજમાં પણ એ જ બાબતે અનેક ગણિતીય સમીકરણો આકાર લઈ રહ્યા હતા. જહાજ અથાગ એટલાન્ટિક મહાસાગરમાં આગળ વધતું, સોટોવેન્ટો ટાપુ નજીક પહોંચ્યું, ત્યાં હેન્રીની આંખો ચમકી અને તેણે જોરથી બૂમ પાડી,
"સાથીઓ, તૈયાર રહેજો! શિકાર સામે જ છે અને હવે આપણી રાજા બનવાની ઘડી આવી ચૂકી છે."
અન્ન-પુરવઠાની અને પૈસાની પરેશાની દૂર થશે એ ઉત્સાહ સાથે, તમામ નાવિકો બંદૂકો લઈને સાબદા થઈ ગોઠવાઈ ગયા.
બાર્બાડોસથી સોટાવેન્ટો તરફ જતું એ વ્યાપારી જહાજ જેવું નજીક આવ્યું, કે તરત જ ફેન્સીના ચાંચિયા સાહસિકો બંદૂક તાંકી તૈયાર રહ્યા.
દરમિયાન, હેન્રીએ ફેન્સીને હંકારીને એ જહાજની તદ્દન નજીક ગોઠવી દીધું. કેટલાક નાવિકો ફેન્સી પરથી દોરડાં વડે એ જહાજ પર કૂદી ગયા અને વ્યાપારી જહાજના બધા જ નાવિકોને પકડી લીધા. વ્યાપારી જહાજ હતું, એટલે વગર પ્રતિકારે કબજે થઈ ગયું. જહાજમાં માલના નામે વધુ તો મરી-મસાલા અને થોડું સોનું ઉપરાંત રોકડ નાણું જ હતું, પણ એ આગળની મુસાફરીને સરળ બનાવવા પૂરતું હતું.
પકડાયેલા વીસ નાવિકોને હેન્રીની સામે રજૂ કરતાં, એક નાવિકે પૂછ્યું,
"આમનું શું કરવું છે? મારી નાખીએ કે?"
"ના! હું વાત કરું છું એમની સાથે!"
હેન્રીએ જવાબ આપ્યો.
હેન્રીએ પકડાયેલા નાવિકો અને તેમના કેપ્ટન સામે જોયું. બે-ત્રણ નાવિકો ભયથી ધ્રૂજી રહ્યા હતા. કેપ્ટન થોડો ડરેલો છતાં સંયમિત હતો.
હેન્રીએ થોડા કઠોર શબ્દોમાં પૂછ્યું,
"કોણ છો તમે? જહાજ કોનું છે?"
"વેપારી જહાજ છે, અમે બાર્બાડોસના છીએ,"
કેપ્ટને જવાબ આપ્યો
."ખાલી હાથે પાછા જશો ત્યારે તમારા માલિકો શું કરશે?"
ફરી ક્રોધ સાથે હેન્રીએ પૂછ્યું.
"કદાચ જાનથી મારી જ નાખશે, અથવા તો લૂંટનું વળતર અમારા માથે થોપી, જીવનભર ગુલામ બનાવી રાખશે,"
કેપ્ટને કહ્યું.
એક અટ્ટહાસ્ય કરી, હેન્રી ફરી બોલ્યો,
"મરવું છે, ગુલામ બની જીવવું છે, કે અમારી જેમ રાજા બનવું છે? પસંદગી તમારી! રાજા બની જીવવું હોય તો મારા સૈન્ય જહાજ ફેન્સીમાં હથિયાર પકડનાર ઘણાની જગ્યા ખાલી પડી છે. બોલો, શું કરવું છે? મારો ઈરાદો તમને મારી નાખવાનો નથી, પણ તમારા માલિકોની મને ખબર નથી. રહ્યો સવાલ માલનો, તો એ તો હવે મારો છે! બોલો, પકડશો બંદૂક?"
પકડાયેલા કેપ્ટને એક પછી એક બધા નાવિકો સામે જોયું અને બધાએ ગુલામી કે મોત કરતાં બંદૂક સારી ગણી, હકારમાં માથું ધુણાવ્યું.
બધા નાવિકોની સંમતિ લઈ, એ કેપ્ટને કહ્યું,
"અમે તૈયાર છીએ તમારા ક્રૂમાં જોડાવા."
"ઠીક છે. પણ યાદ રાખજો, દગાબાજીની સજામાં કોઈ દયા નહીં હોય. એને બદલે મૃત્યુદંડ જ મળશે,"
હેન્રીએ ચેતવણી આપી.
"અમે વફાદાર બની રહીશું," કેપ્ટને ખાતરી આપી."
"ઠીક છે, સાથીઓ! આમને પોતપોતાની કેબિન સોંપી, આજનો દિવસ આરામ કરવા દો,"
હેન્રીએ તેના સાથી નાવિકોને આદેશ કર્યો.
કેટલાક નાવિકો લૂંટાયેલા જહાજના નાવિકોને કેબિન તરફ દોરી ગયા.આમ, ફેન્સીની ટીમ મજબૂત થઈ અને બધા ક્રૂ મેમ્બરના ચહેરા પર ઉત્સાહની ચમક દેખાઈ.
બીજે દિવસે ફેન્સી એટલાન્ટિકની લહેરોને ચીરતું આગળ વધી રહ્યું હતું, ત્યારે માર્ગમાં એક નાનકડું યુદ્ધ જહાજ જોવામાં આવ્યું. જહાજ નાનું હતું, પણ શસ્ત્રોથી સજ્જ હતું. હેન્રીએ દૂરબીન કાઢી, બરાબર નિરીક્ષણ કર્યું. તેના પર આઠ જેટલી તોપો સાથે કેટલાક સૈનિકો હતા. હેન્રીએ તેના ક્રૂને સાબદા રહેવા કહ્યું અને ફેન્સીને તેની દિશામાં વાળવા આદેશ આપ્યો. વિલિયમ ફેન્સી ને યુદ્ધ જહાજની દિશામાં લઈ ગયો, પણ જેવું અંતર ઘટ્યું, એ સાથે જ સામેના જહાજમાંથી તોપનો ગોળો છૂટ્યો.
હેન્રીની આંખો ગોળા પર મંડાઈ અને તે જોરથી રાડ પાડી ઉઠ્યો,
"વિલિયમ, સુકાન ફેરવ!"
ગોળાની દિશાનો અંદાજો લઈ, વિલિયમે એકદમ ઝડપથી જમણી દિશામાં સુકાન ફેરવ્યું. ફેન્સીનું સંતુલન ખોરવાયું અને તે જમણી તરફ ઝૂકી ગયું. તોપનો ગોળો જરાક દૂર રહી, ડાબી બાજુથી પસાર થઈ ગયો.
હેન્રી ચીસ પાડી આદેશ પર આદેશ આપતો રહ્યો,
"સઢ જમણી બાજુ કરો! પતંગાના દોરડાં ખેંચો! ગન ટીમ, તોપચીઓને કવર કરો! તોપ ફાયર કરો!"
ઘડાયેલા નાવિકોએ આદેશોનું પાલન કરવામાં ક્ષણનો પણ વિલંબ ન કર્યો. ક્રૂની ગન ટીમે એક પછી એક ફાયર કરી, તોપચીઓને કવર કરી લીધા. નાવિક ટુકડીએ તરત જ સઢ, ફોરસેલ અને સ્પિનકર સંભાળી, ફેન્સીને ફરી પૂર્વવત સ્થિતિમાં લાવી દીધું. તોપચીઓએ પણ ગોળાઓ છોડવા માંડ્યા. પણ તેઓ માત્ર સામેના યુદ્ધ જહાજને ધમકી રૂપે જ ગોળા છોડતા હતા, કેમ કે ઉદ્દેશ્ય લૂંટનો હતો, જહાજને ડૂબાડી લૂંટ ખોવાનો નહીં!
દુશ્મનનું યુદ્ધ જહાજ પણ સ્ફૂર્તિલું હતું. તોપના ગોળાઓને અવગણી, સજ્જડ પ્રતિકાર આપતું હતું. પણ ફેન્સીના ક્રૂના બધા ગનમેને કુશળતાપૂર્વક કામ લઈ, દુશ્મન જહાજના તોપચીઓને ભાગ્યે જ ફાયર કરવાનો મોકો આપ્યો અને કેટલાકને ઘાયલ કરવામાં આવ્યા. જે બે-ચાર ગોળાઓ છૂટ્યા, તેને સુકાની વિલિયમ અને કેપ્ટનની ચપળતાથી નિશાન ચૂકાવી દેવામાં આવ્યા.
આ અફડાતફડી વચ્ચે ફરી એક વાર હેન્રી ફરી ચીલ્લાઈ ઉઠ્યો,
"તોપચી ટીમ પણ બંદૂક લઈ કવર કરો! દુશ્મનોને એક પણ ગોળો છોડવાનો મોકો ન આપતા! જહાજ એમની નજીક લઈ જઉં છું.
"હવે ગન ટીમમાં વધારો થયો અને દુશ્મન જહાજ પર ગોળીઓનો વરસાદ વરસ્યો. તે જહાજના સૈનિકોને બચાવ માટે ઓથ લેવા સિવાય કોઈ આશરો ન રહ્યો, એટલે હેન્રીએ સમય ગુમાવ્યા વગર ફેન્સીને દુશ્મન જહાજની લગોલગ લાવી રાખી દીધું. ફેન્સીના સિંહો દુશ્મન જહાજ પર કૂદી ગયા અને જહાજને લૂંટીને ક્રૂને બાંધી, હેન્રી સમક્ષ રજૂ કર્યા.
હેન્રીએ જોયું કે માત્ર વીસ સૈનિકો હતા, જેમણે પ્રતિકારની દિવાલ ખડી કરી હતી!
મનમાં કંઈક મનસૂબા ઘડતો અને દુશ્મનની બહાદુરીને મનમાં વખાણતો, હેન્રીએ પકડાયેલા તમામ ક્રૂ મેમ્બરનું નિરીક્ષણ કરી, પોતાની ટુકડીના એક સાથી સામે આંખ મારીને આદેશ આપ્યો,
"આ લોકોને બાંધીને એક કેબિનમાં કેદ કરી દે, સાલ્લાઓને! તેઓને ગુલામ તરીકે વેચી દઈશું."
આંખના ઇશારાને સમજી ગયેલો સાથી તરત જ બોલી ઉઠ્યો,
"કેપ્ટન, આ તો સૈનિકો છે, એને ગુલામ તરીકે!"
"તો મારી નાખ હરામખોરોને, આ લે બંદૂક!"
હેન્રીએ જવાબ આપ્યો.
"ઠીક છે, કેપ્ટન! પણ એકવાર પૂછી લઉં, એમાંથી કોઈ ફેન્સીનો વફાદાર સૈનિક બનવા માગતો હોય તો?"
નાવિકે પૂછ્યું."
હા, તો લઈ લેજે!"
છેલ્લો આદેશ આપી, ફરી આંખ મારી, બંદૂક ઉછાળીને પેલા સાથીને આપી, હેન્રી તેની કેબિન તરફ જતો રહ્યો.
પેલા વીસ સૈનિકોમાંથી સત્તર ફેન્સીની ટીમ બનવા તૈયાર થયા. બીજા ત્રણ, જે યુદ્ધમાં ઘવાયા હતા, તેમને બોટ દ્વારા એક સુરક્ષિત કાંઠે છોડી દેવામાં આવ્યા.
આ રીતે બળ, બુદ્ધિ અને ચતુરાઈ વાપરી, વગર રક્તપાત કર્યે, હેન્રી પોતાની ટીમ મજબૂત બનાવતો રહી. ફેન્સીને આફ્રિકાના કિનારાને સમાંતર હંકારી, એટલાન્ટિક સાગરમાં આગળ વધી રહ્યો હતો.