પ્રકરણ-૮ ગઠબંધન
એક સાંજે કોમોરોસ ટાપુ સમૂહમાં આવેલા જોહાના ટાપુના બંદરે પહોંચી, એમિટી અને ફેન્સી બંને જહાજોના લંગર નાખવામાં આવ્યા. થોમસે આસપાસ નજર ફેરવી તેના મિત્રોની શોધ કરી. તેમનાં જહાજો ત્યાં લંગરેલાં હતાં, પણ બંદરના કાંઠે કોઈ દેખાયું નહીં.
થોમસ અને હેન્રી તેમને શોધવા શહેરમાં આવેલા દારૂના પીઠાઓ તરફ ગયા. એક પીઠામાં ચોતરફ દારૂની મીઠી સુગંધ પ્રસરી હતી. સંગીતનો જલસો ચાલતો હતો. ઢોલની થાપ ગુંજતી હતી અને મધ્યમાં એક નર્તકી નાચી રહી હતી. ત્યાં ખૂણામાં એક દાઢીવાળો, ચહેરાથી કપટી દેખાતો યુવાન દારૂ પીતાં-પીતાં સંગીતના તાલે ડોકું હલાવી રહ્યો હતો અને નર્તકી પર સિક્કા ઉછાળી રહ્યો હતો."
હે, માયેસ! શું ચાલે છે આજકાલ?"
થોમસે તેની પાસે જઈ, હાથ મેળવવાની તૈયારી કરતાં હવામાં હાથ લહેરાવીને કહ્યું.
"અરે, થોમસ! અમારા વિસ્તારમાં? તારા વિસ્તારમાં શિકાર નથી મળતા કે શું?"
માયેસે હાથ મેળવતાં, મજાકના લહેકા સાથે પૂછ્યું.
"અરે, મોટો શિકાર કરવાનું વિચાર્યું છે, એટલે તમારી સાથે હાથ મિલાવવા આવ્યા છીએ,"
થોમસે જવાબ આપ્યો.
પછી, હેન્રી અને માયેસનો પરિચય કરાવતાં કહ્યું,
"આને મળો, આ છે દોઢ સો નાવિકો સાથેના ફેન્સી જહાજના કેપ્ટન, હેન્રી એવરી. અને હેન્રી, આ છે પર્લ જહાજના સાઠ નાવિકોના લુચ્ચા અને લાલચી કેપ્ટન, વિલિયમ માયેસ."
હેન્રી અને માયેસે હસીને એકબીજા સાથે હાથ મિલાવ્યા.
અહીં-તહીં દૃષ્ટિ ફેરવી થોમસે પૂછ્યું,
"વાંટ, ફેરો અને વેકની પણ જરૂર પડશે. તને ખબર છે તેઓ ક્યાં છે?"
"હા, કેપ્ટન ફેરો તો અહીં પીઠામાં ક્યાંક આંટાફેરા કરતો હશે. અને વાંટ તથા વેકને હમણાં અહીં બોલાવી લઉં છું,"
માયેસે કહ્યું અને પોતાના એક સાથીને વાંટ અને વેકને શોધી લાવવા ઈશારો કર્યો.
નજર ચોતરફ ફેરવી, માયેસે ટોપી પહેરેલા, કદમાં થોડા લાંબા દેખાતા વ્યક્તિને બૂમ પાડી બોલાવ્યો, "ઓય, ફેરો! અહીં આવ, એક કામ છે."
ફેરો ત્યાં આવ્યો, એટલે થોમસે તેનો પરિચય હેન્રી સાથે કરાવ્યો, "જોસેફ ફેરો, નેવું ટનના, છ તોપોથી સજ્જ પોર્ટસ્માઉથ એડવેન્ચર જહાજના કેપ્ટન!"
ચારે સાથીઓએ થોડીવાર શરાબ, સંગીત અને નૃત્યની મોજ માણી. ત્યાં સુધીમાં વેક અને વાંટ આવી પહોંચ્યા. થોમસે બંનેનો પરિચય કરાવ્યો,
"રિચાર્ડ વાંટ, નેવું ટનના, સોળ તોપોથી સજ્જ ડોલ્ફિન જહાજના કેપ્ટન. અને આ મહાશય, થોમસ વેક, સો ટનના, દશ તોપોથી સજ્જ સુસાના જહાજના કેપ્ટન. આ ચારેય મિત્રોએ સાથે મળી અનેક જહાજો લૂંટી, મોઝામ્બિક ચેનલમાં પોતાના નામની આણ વર્તાવી છે."
એકબીજા સાથે પરિચય કેળવ્યા બાદ, માયેસે થોમસને પૂછ્યું,
"હવે કહો, કયા મોટા શિકારની વાત તમે બંને કરો છો?"
"મુઘલ સામ્રાજ્યનો વીસ જહાજોનો કાફલો તાજેતરમાં લાલ સમુદ્રમાંથી પસાર થઈ, અરબી સમુદ્રના માર્ગે ભારત તરફ જવાનો છે,"
થોમસે જવાબ આપ્યો.થોડીવાર ચારેય મૂંગા બની ગયા. તેઓ એકબીજાના ચહેરા જોવા લાગ્યા. પછી જોસેફ ફેરો અચાનક ઉછળીને બોલ્યો,
"અક્કલ ઠેકાણે છે તમારા બંનેની? આપણે જીવવા માટે લૂંટ કરીએ છીએ, મરવા માટે નહીં!"
"હા યાર! કયા પાગલને આવો વગર મોતે મરવાનો વિચાર આવ્યો?" વેકે ઉમેર્યું.
"એ કાફલા સાથેના રક્ષક જહાજો તો આપણાં જહાજો સાથે આપણો પણ ફૂરચો ઉડાવી દેશે,"
વાંટે કહ્યું, અને ચારેય હસવા લાગ્યા.
જોસેફે હેન્રી સામે જોયું.
હેન્રીએ ચારેય સામે નજર ફેરવી બોલ્યો,
મૃત્યુનો જ ડર હોય તો મજૂરી કરી લેવાય. ચાંચિયા તરીકે જ્યારે સમુદ્ર પર પોતાના નામની આણ ફેલાવવા નીકળ્યા હોય, ત્યારે નજર સામે ખજાનો જ તરવરતો હોવો જોઈએ."
પછી જોસેફ સામે જોઈને ઉમેર્યું,
"શું કહેતો હતો તું? આ લોકોએ પોતાના નામની આણ ફેલાવી છે? આ લોકોએ?"
"તું અમને પડકારી રહ્યો છે, હેન્રી!"
વેકે ગુસ્સાથી કહ્યું.
"હં! પડકાર સરખા લોકોને કરાય, નિર્બળ મનોબળ વાળાને નહીં!"
હેન્રીએ જવાબ આપ્યો.
ફેરોએ કમરેથી છરો બહાર કાઢ્યો અને આવેશમાં હેન્રી ઉપર ઘસી જતાં બોલ્યો,
"મારી નાખીશ આ હરામીને! અમારા વિસ્તારમાં આવીને... અમને જ!"
અન્ય ત્રણેયે વચ્ચે પડી તેને રોક્યો અને શાંત પાડ્યો.હેન્રી બોલ્યો,
"હું અહીં કોઈ સાથે લડવા-ઝઘડવા નથી આવ્યો. ખજાનો લૂંટવાનો નિર્ણય મારો એકલાનો હતો. થોમસના કહેવાથી આવ્યો હતો. તમે ન આવો તો કોઈ ફેર નહીં પડે. ખજાનો તો હું જીવના જોખમે પણ લૂંટવા જઈશ. થોમસ, તારી ઈચ્છા હોય તો ચાલ, નહીં તો તને પણ દબાણ નહીં કરું."
એમ કહી તે ઊભો થઈ જવા લાગ્યો.
થોમસે ચારેય સામે જોયું અને હેન્રીને અનુસરી ઊભો થયો.
"રોકાઈ જાઓ, તમારો પ્લાન શું છે એ જણાવો,"
પાછળથી માયેસનો અવાજ આવ્યો.
હેન્રીની પાછળ જઈ રહેલા થોમસની આંખો ચમકીને પહોળી થઈ. તેણે દોડીને હેન્રીનો હાથ પકડ્યો અને ટેબલ તરફ પાછો વાળ્યો.
બધા ટેબલ પર ફરી ગોઠવાયા, એટલે માયેસે ફરી પૂછ્યું,
"શું છે પ્લાન?"
આંખોમાં ક્રોધની આગ લઈને બેઠેલા હેન્રીને થોમસે એક હળવો હડસેલો મારી, પ્લાન કહેવા પ્રેર્યો.
બધા તરફ ક્ષણભર દૃષ્ટિ ફેરવી હેન્રી બોલ્યો,
"અહીંથી આપણે બધાએ પોતપોતાનાં જહાજો લઈ, શક્ય એટલી ઝડપથી પેરિમ ટાપુ પર પહોંચવાનું છે. ત્યાંથી મુઘલ સામ્રાજ્યના જહાજો નીકળે એટલે આપણે વાવટા બદલી, વેપારી જહાજો જેવો દેખાવ બનાવી તેમનો પીછો શરૂ કરવાનો છે. એડનના અખાત સુધી તેમને કશું નથી કરવાનું, પણ જેવાં તેઓ અરબી સમુદ્રમાં પહોંચે, તરત જ બધાએ એકસાથે અચાનક હુમલો કરી, શક્ય એટલાં તમામ જહાજો લૂંટી પરત ફરવાનું છે."
"ઠીક છે! અને લૂંટના ખજાનાનું શું? કેટલો હિસ્સો?" માયેસે લાલચ ભરી આંખે પૂછ્યું.
"નાવિકોની સંખ્યા પ્રમાણે બધાનો સરખો હિસ્સો. પણ જે જહાજ લડાઈમાં ભાગ ન લે, અથવા જે જહાજનો એક પણ તોપનો ગોળો દુશ્મન જહાજ સુધી ન પહોંચે, તેને કોઈ હિસ્સો નહીં મળે. બોલો, મંજૂર છે?"
હેન્રીએ કહ્યું.
ચારેયએ એકબીજા સામે જોયું અને એકસાથે બોલ્યા,
"મંજૂર છે."
"ક્યારે નીકળવાનું છે?"
વેકે પૂછ્યું.
"શક્ય એટલું જલદી. મારા અનુમાન પ્રમાણે, મુઘલ જહાજોનો કાફલો જેદ્દાહ બંદરથી નીકળવાની તૈયારીમાં હશે. એટલે આપણે શક્ય એટલું વહેલું પેરિમ ટાપુ પર પહોંચી જવું જોઈએ,"
હેન્રીએ જવાબ આપ્યો.
"તો પછી અત્યારે જ લંગર ઉપાડીએ,"
વાંટે કહ્યું.
બધાએ સહમતિ દર્શાવી, પોતપોતાના ગ્લાસ ઉપાડી એકબીજા સાથે ટકરાવી ચીયર્સ કર્યું.