Robbery Of Aurangzeb's Ganj-E-Savsi Part-6 in Gujarati Adventure Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 6

Featured Books
Categories
Share

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 6

પ્રકરણ - ૬ દોસ્તી

ઘર-પરિવારની યાદમાં ખોવાયેલો હેન્રી—એક જ લૂંટનો નિર્ણય કરતો—પોતાના જહાજના ડેક પર ઊભો હતો, ત્યારે બાજુમાં લંગરાયેલા જહાજનો એક નાવિક જહાજના મુખ્ય સ્તંભના દોરડાઓ પર લટકી રહ્યો હતો. હેન્રીએ વિચાર્યું કે તે સઢ કે પતંગા બાંધવાનું કામ કરતો હશે, એટલે શરૂઆતમાં તેને અવગણ્યો. થોડી વાર પછી, હેન્રીનું ધ્યાન ફરી તેના તરફ ગયું, ત્યારે તે એક હાથમાં દૂરબીન લઈ, બંદર તરફ અને ક્યારેક જહાજના અંદરના ભાગ તરફ તાકી રહ્યો હતો. હેન્રીએ તેનું ધ્યાન ખેંચવા જોરથી આવાજ કર્યો,

"ઓયે! શું કરી રહ્યો છે?"

પેલા લટકી રહેલા યુવકે તેની સામે જોયું. હેન્રીએ પોતાનો હાથ કમરે ચામડાના પાકીટમાં બાંધેલી પિસ્તોલ પર લઈ જઈ, પિસ્તોલ બતાવતો ઈશારો કર્યો.

પ્રત્યુત્તર રૂપે, પેલો લટકી રહેલો યુવાન લુચ્ચાઈપૂર્વક હસ્યો અને ગળામાં લટકાવેલું દૂરબીન મૂકી દઈ, એ હાથને કમરે બાંધેલી પિસ્તોલ પર લઈ ગયો. પિસ્તોલ થોડી બહાર કાઢી, હેન્રીને બતાવી, ફરી પાછી પાકીટમાં ખોસી દીધી. પછી પોતાનું ડોકું વિચિત્ર અને રમૂજી અંદાઝમાં હલાવી, હેન્રીને દાંત બતાવી, બ્રિટિશ જહાજ તરફ ઈશારો કર્યો અને કોટમાંથી ચાર-પાંચ મસાલાની થેલીઓ કાઢી, હેન્રીના જહાજમાં ફેંકી. દોરડાં વડે સરકતો એ સડસડાટ કરતો સ્તંભ પરથી નીચે ઊતરી ગયો.

"અધિકારીઓ પૂછે ત્યારે જહાજ મરી-મસાલાથી ભરેલું છે એવું કહી દેજે, તારા બાપાઓ તલાશી લેવા આવી રહ્યા છે,"

પાસેના જહાજમાંથી એ યુવકના શબ્દો હેન્રીએ સાંભળ્યા.

હેન્રીએ બ્રિટિશ જહાજ તરફ જોયું. ત્યાંથી એક બોટમાં કેટલાક અધિકારીઓ શિપયાર્ડમાં તેના જહાજ તરફ આવી રહ્યા હતા.

"મને ખબર છે આ જહાજ પૂર્વેનું ચાર્લ્સ-II છે, તો તું હેન્રી એવરી જ હોય શકે. હું નાના જહાજ એમિટીનો કેપ્ટન, તારો બાપ થોમસ ટ્યૂ છું. તે નામ સાંભળ્યું હશે!"

પાડોશી જહાજમાંથી પેલા યુવકે ફરી કહ્યું.

તેનો અવાજ સાંભળી રહેલા હેન્રીએ એક સ્ખલિત હાસ્ય સાથે મસાલાની થેલીઓ ઉપાડી, થોડો મસાલો ડેક પર ચોતરફ વેરી દીધો, વધેલી થેલીઓ ડેકના પાટિયા પર રાખી અને બોટમાં આવી રહેલા બ્રિટિશ અધિકારીઓને છેતરવા તૈયાર થઈ ઊભો રહ્યો. બ્રિટિશ અધિકારીની બોટ નજીક આવી, એટલે હેન્રીએ તેમને આવકારતાં સામેથી જ કહ્યું,"

આવો, સાહેબ!"

"જહાજમાં શું ભરેલું છે અને કોનું જહાજ છે?"

બોટમાં આવેલા અધિકારીઓમાંથી એકે પૂછ્યું.

"આ વેપારી જહાજ છે, સાહેબ. મરી-મસાલાથી લાદેલું છે. આપ તલાશી લેવા ઈચ્છતા હોવ તો નિસરણી નીચે ઊતારી આપું!"

હેન્રીએ વિનયપૂર્વક કહ્યું.

દરમિયાન, થોમસ ટ્યૂ તેના જહાજના ડેક પરથી ફેન્સીના ડેકની પાછળની સાઈડ—જ્યાં બ્રિટિશ અધિકારીઓ જોઈ શકતા ન હતા—ત્યાં કૂદીને પહોંચી ગયો અને મોટા અવાજે પૂછ્યું,

"કેપ્ટન સાહેબ! નાવિકોની ટુકડીમાં બે-ચાર તાવની ફરિયાદ કરે છે. સર્જન જહાજ પર ક્યાંય નથી, તે આપની રજા લઈ ક્યાંય લટાર મારવા ગયા છે?"

"હા! હમણાં આવી જશે,"

હેન્રીએ ટૂંકો જવાબ આપી, નિસરણી ઉતારવાની તૈયારી કરી.

બોટમાં આવેલા અધિકારીઓએ તાવની વાત સાંભળીને અંદરો-અંદર કંઈક ઘૂસપૂસ કરી, હેન્રીને કહ્યું,

"રહેવા દે, મસાલાની સુગંધ આવે છે! ઉપર ચઢવાની જરૂર નથી. પણ ચેતીને રહેજો, આ વિસ્તાર ચાંચિયાઓનો છે."

બ્રિટિશ જહાજની બોટમાંના એક અધિકારીએ કહ્યું.

તરત જ એ બોટ બ્રિટિશ જહાજ તરફ પરત ફરી ગઈ અને થોડી વાર બાદ, બ્રિટિશ જહાજ લંગર ઉપાડી, બંદરની બહાર જતું રહ્યું.

ત્યારબાદ, હેન્રી પોતાના ડેક પરથી કૂદીને, થોમસ ટ્યૂના જહાજ એમિટી પર ગયો.

"કેપ્ટન થોમસ! ક્યાં છો તું? ખરા સમયે મદદ કરવા બદલ તારો આભાર,"

હેન્રી થોમસને શોધતાં બોલ્યો.

એક કેબિન પરથી દોરડાનો સહારો લઈ, સરકીને નીચે હેન્રી પાસે અચાનક આવી, ખડખડાટ હાસ્ય સાથે થોમસ બોલ્યો,

"આવ, કેપ્ટન હેન્રી! બ્રિટિશ ઑફિસરોને તે ચાલાકીથી છેતર્યા! હું મદદ કરતો હતો અને તું પિસ્તોલ બતાવતો હતો!"

હેન્રી, થોમસના આવા અચાનક આગમનથી ચોંકી ગયો, પણ સ્વસ્થતા કેળવી બોલ્યો,

"મને એમ હતું કે તું મારા જહાજની જાસૂસી કરે છે. મારા જહાજના શસ્ત્રો તેં જોઈ લીધા હશે અને તું મરીન નેવીને મારી માહિતી આપીશ. પણ જ્યારે તેં મસાલાની થેલીઓ આપીને મને ચેતવ્યો અને તારી ઓળખાણ આપી, ત્યારે મારો શક દૂર થઈ ગયો."

"હમ્મ! એ તો બધું જોવું જ પડે, ભાઈ! નિરીક્ષણ તો કરવું પડે! બ્રિટિશ નેવીના જહાજથી બચવા માટે અને વેપારી જહાજનો શિકાર કરવા માટે, એ રીતે જ જોવું પડે!"

બે ડગલાં વધુ આગળ જઈ, જહાજના એક સ્તંભ પર થોડો ઉપર ચઢી, વાંદરાની જેમ લટકાઈ, કપાળ પર હથેળી રાખી, પોતાની નજરને આમતેમ ફેરવતાં થોમસે કહ્યું.

"હમ્મ! એ પણ છે. ચાલાક છો તું! અને તોફાની વાંદરો પણ!"

હેન્રીએ કહ્યું.

"હા! ચાલાક પણ છું અને તોફાની વાંદરો પણ છું. હવે આગળ શું વિચાર છે, કેપ્ટન હેન્રી? પિસ્તોલ લઈને સામસામે ઊભીશું કે મિત્રો બનીને સાથે લૂંટ કરીશું?

"એ સ્તંભ પરથી ફરી એક દોરડાના આધારે ઝૂલો ખાઈ, નીચે બિલકુલ હેન્રી પાસે ઊતરી આવી, થોમસે પૂછ્યું.

હેન્રી, થોમસ સામે જોઈ બોલ્યો,

"સાથે લૂંટ તો કરીશું, પણ..."

"પણ શું? હું તો સાથીદારો જ શોધતો હતો. મારું જહાજ દેખાવમાં થોડું નાનું છે, પણ ઝડપ અને ચપળતામાં ખૂબ જ ચડિયાતું છે. કોઈ પણ શિકારને આંતરી શકે એવું ઝડપી!"

થોમસે કહ્યું.

"ઠીક છે! ઠીક છે! પણ તારું નાનું જહાજ મોટા શિકાર કરી શકશે?" હેન્રીએ પૂછ્યું."બેશક! શિકાર કરવા માટે તો માત્ર હિંમત જોઈએ અને આજ સુધી મેં ઘણા શિકાર કર્યા પણ છે."

કમરે બાંધેલું પોતાનો જમૈયો કાઢી, હવામાં ફેરવતાં થોમસ બોલ્યો.

"તું સ્વભાવે ખૂબ ચંચળ છે. એક જગ્યાએ શાંત ઊભો પણ નથી રહી શકતો. આમ જમૈયું હવામાં ફેરવીને માખીઓ મારે છે કે શું? એ પણ નહીં મરે!"

હેન્રીએ કહ્યું.

થોમસે ખીખીયાટ કર્યો.

હેન્રીએ વાત આગળ ચલાવી,

"મારો વિચાર તારી જેમ હવામાં જમૈયું ફેરવતો રહેવાનો નથી. હું ઈચ્છું છું કે માત્ર એક મોટી લૂંટ કરી, મારા માટે અને મારા સાથીઓ માટે પેઢીઓ સુધી ચાલે એટલું મેળવીને આ ચાંચિયાગીરી મૂકી દઉં."

"હમ્મ, સારો વિચાર છે. હું પણ કંઈક એવું જ વિચારું છું. તારા ધ્યાનમાં કોઈ એવો મોટો શિકાર છે?" થોમસે પૂછ્યું.

"ગંજ-એ-સવાઈ!"

શબ્દોને તોડી, દરેક શબ્દ પર ભાર આપતો હેન્રી બોલ્યો.

પળેપળ કંઈક શરારત કરતો થોમસ એકદમ મૂર્તિ જેમ સ્થિર થઈ ગયો. થોડી વાર તેણે હેન્રીના ચહેરા સામે જોયું અને પછી હેન્રીની મજાક કરતો હોય એમ ખડખડાટ હસવા લાગ્યો,

"હા હા!... હા... હા... હા! ગંજ-એ-સવાઈ, મુઘલ સામ્રાજ્યનું ગંજ-એ-સવાઈ!"

"કેમ? ખજાનાના વિચાર માત્રથી પાગલ થઈ ગયો કે શું?"

હેન્રીએ હસતાં-હસતાં પૂછ્યું.

"ના... ના... ના, તારા મૂર્ખતાભર્યા વિચાર પર હસી રહ્યો છું,"

પોતાનું હાસ્ય રોકવાનો પ્રયત્ન કરતાં, થોમસે હાસ્યના ઠહાકા સાથે આગળ ચલાવ્યું,

"તને ખબર તો છે ને કે એ જહાજ બ્રિટિશ સંરક્ષણ હેઠળનું છે. સાથે મજબૂત એસ્કૉર્ટ રાખીને ખેપ કરે છે અને એની સામે જવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે!

"ફરી થોમસ પાગલની જેમ હેન્રી પર જોરથી હસ્યો અને આગળ ચલાવ્યું,

"તારા આ ફેન્સી જેવા ભંગાર જહાજને લઈને તું મુઘલ સામ્રાજ્યને લૂંટવાનું વિચારે છે?"

"શું? મારા જહાજ, ફેન્સીને તું ભંગાર કહે છે? એ દેખાવમાં થોડું જૂનું છે, પણ ઝડપ અને સ્ફૂર્તિમાં તારા એમિટીને પાછળ છોડી દે તેવું છે,"

હેન્રીએ કહ્યું.

"તો પછી ચાલ, એક શરત લગાવીને જોઈએ કે કોનું જહાજ વધુ ઝડપી છે,"

થોમસે હસતાં-હસતાં હેન્રી સામે જોઈને કહ્યું.

"શું શરત છે? બોલ,"

હેન્રીએ પૂછ્યું.

ફરી વાંદરાની જેમ ઠેકડો મારી, મુખ્ય ડેકના પાટિયા પર ચઢી, બંદરના બારા તરફ આંગળી ચીંધી, થોમસે હેન્રીને કહ્યું,

"સામે બંદરના બારામાંથી બહાર નીકળતાં નૈઋત્ય દિશામાં પ્રિંસિપે ટાપુ આવે છે. એનું એક ચક્કર લગાવી, જેનું જહાજ પહેલાં આવે એ જીતે. બોલ, મંજૂર છે?"

"હા, મંજૂર છે. શરત બોલ!"

હેન્રી આત્મવિશ્વાસ સાથે બોલ્યો.

"હું જીતી જાઉં તો તારું લૂટેલું અર્ધું સોનું મારું અને એ પછી તારે મારા સાથી-મિત્ર બની, હું કહું એ રીતે લૂંટમાં મારો સાથ આપવાનો. અને જો તું જીતી જાય તો હું..."

એક લુચ્ચું હાસ્ય રેલાવી, એ આગળ બોલ્યો,

"હું કોઈ સોનું નહીં આપું, પણ તારી સાથે ગંજ-એ-સવાઈ લૂંટવા આવીશ. અને જીવતો રહીશ ત્યાં સુધી ગંજ-એ-સવાઈનો માલ આપણો કરવામાં તારી સાથે રહીશ. જરૂર પડશે તો જીવ પણ આપી દઈશ!"

હવે હેન્રી હસી પડ્યો અને બોલ્યો,

"મારે તારું મચ્છર-માખીઓ મારીને એકઠું કરેલું સોનું જોઈતું પણ નથી. મારે તો જોઈએ છે ગંજ-એ-સવાઈનો ખજાનો! એ બોલ, સ્પર્ધા ક્યારે કરવાની છે?"

થોમસે હસીને કહ્યું,

"કાલે સવારે. અને તું જોજે, મારી એમિટી જીતી જશે. હું તારું અર્ધું સોનું લઈ લઈશ અને મારે મૃત્યુના મોઢામાં હાથ નાખવા તારી સાથે આવવું પણ નહી પડે."

થોમસની આંખમાં આંખ પરોવી, થોડું હસી, હેન્રી બોલ્યો,

"મળીએ કાલે."

પોતાના જહાજ પર આવી, હેન્રીએ આદેશ આપ્યો,

"સાથી-મિત્રો, અત્યારથી જ સમારકામ પૂરજોશમાં શરૂ કરી દો. આખી રાત સુધીમાં જે કંઈ બાકી હોય તે કામ પૂરાં કરો. કાલ સવારના પહેલા કિરણે મારે ફેન્સીને ઉડવા માટે તૈયાર થયેલી જોવી છે."

કેપ્ટનના આદેશ મુજબ બધા નાવિકો ફટાફટ કામ પૂરું કરવામાં લાગી ગયા.