પ્રકરણ - ૨ બળવો
બપોરનાં ભોજન બાદ, થોડીવાર આડા પડખે થઈ, ઊઠીને એડમિરલ ઓ’બાયર્ન બેઠો બેઠો પાઈપ ફૂંકી રહ્યો હતો. કેબિનના દરવાજા પર ટકોરા પડ્યા અને એક નાવિકનો અવાજ આવ્યો,
"અમે અંદર આવીએ, સાહેબ?"
"જી, ખુશીથી."
એડમિરલ ઓ’બાયર્ને અનુમતિ આપી.ત્રણ નાવિકો એડમિરલની કેબિનમાં દાખલ થઈ ઊભા રહ્યા.
એડમિરલે તેમને બેસવાનો ઈશારો કરતાં આવવાનું કારણ પૂછ્યું.
"કંઈ ખાસ તો નહી, પણ ગઈ કાલે આપ સાથે વેતન મુદ્દે થયેલી થોડી બોલાચાલી બદલ અમે શર્મિંદી અનુભવતા હતા. તો!"
"થાય એવું. તમારી પરિસ્થિતિ હું પણ સમજું છું અને મેં તમારો પક્ષ પણ લીધો હતો, પણ રોકાણકારો પૈસા છૂટા ન કરે ત્યાં સુધી શું કરવું? હું પણ ગડમથલમાં છું.
એડમિરલ વચ્ચે જ બોલી ઉઠ્યા."
વારું! અમે સમજીએ છીએ, સાહેબ. અને એ કડવાશને ભૂલી જઈ ફરી પૂર્વવત સંબંધો યથાવત રાખવા અમે નાવિકોએ આજે સાંજે એક પાર્ટીનું આયોજન કર્યું છે. તો આપે તેમાં હાજરી આપવાની છે.
"પીઢ ઉમરના એક નાવિકે વિનમ્ર સ્વરે કહ્યું.
"જી, હું જરૂરથી આવીશ."
મોઢું હકારાત્મક પ્રત્યુત્તર તરીકે હલાવતાં એડમિરલે સસ્મિત આમંત્રણ સ્વીકાર્યું.
ત્રણેય નાવિકો એડમિરલ સાહેબની રજા લઈ, કેબિનની બહાર જઈ, એકબીજા સામે આંખ મિચકારી હસ્યા અને જહાજ પરથી ઉતરી, તેમના નવા કેપ્ટનના આગળના પ્લાનને સાકાર કરવાના કામમાં લાગી ગયા.
રાત્રે આકાર લેનારી મહેફિલના દૃશ્યો નહીં જોઈ શકવાના અફસોસ સાથે, સૂર્ય ક્ષિતિજ તરફ જઈ રહ્યો હતો, જાણે એ મહેફિલની શરાબના રંગને કલ્પતો જતો હોય એમ પશ્ચિમ દિશામાં લાલાશ પડતી શરાબી લાલી પથરાઈ ગઈ હતી. સમુદ્રના કાંઠા પરની સોનેરી રેતી પર ટેબલો પથરાઈ ગયાં હતાં અને બોટલો ગોઠવાઈ ગઈ હતી.
ગરીબોએ છેલ્લી પાઈ પણ ખર્ચીને ખરીદેલી શરાબ જો કે ઓછી માત્રામાં હતી, પણ એ નિર્જીવ શરાબ પણ જે પીવે અને પાડી દેવાના જનૂન સાથે બોટલમાંથી બહાર નીકળવા અધીરી બની રહી હતી.
પીવડાવવાની પણ ખૂબ ઓછા લોકોને જ હતી, એટલે જેટલી હતી એટલી પૂરતી હતી.
લગભગ સંધ્યાના સમયે એડમિરલ ઓ’બાયર્ન અને કેપ્ટન ગિબ્સન આવી પહોંચ્યા. તેમનું અભિવાદન કરવામાં આવ્યું અને એક સુંદર સજાવેલા ટેબલ પર તેમની સાથે હેન્રી અને બીજા બે નાવિકો બેઠા. ખાણીપીણી અને શરાબનો સ્વાદ માણતાં તેઓ વાતોએ વળગ્યા.
હેન્રીએ કહ્યું,
"અમારી તેમજ ઘર પરિવારની હાલત જ એવી છે કે ગઈ કાલે જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા તો અમારાથી આવેશવશ થોડું અવિચારી બોલાઈ ગયું. પાછળથી એ બાબતનો અફસોસ થયો તો વિચાર્યું, મહેફિલના બહાને એકબીજાને મળી એ બાબતે મન સાફ કરી લઈએ. એ જે કંઈ થયું એ અમારી અવેશાત્મક ભૂલ હતી."
"થાય એવું! હું તમારી પરિસ્થિતિ સમજું છું અને દરેક વખતે તમારો પક્ષ લઈ, તમને સહયોગી બનવાનો પ્રયત્ન કરું છું. પણ મારા હાથની પણ વાત નથી, એ તમે પણ જાણો છો."
ખૂબ શાણપણ સાથે, એડમિરલે પોતાના સહયોગી વલણને રજૂ કર્યું.
દરમિયાનમાં ગિબ્સન ત્રણ પેગથી વધુ પી ને બકવાસ કરવા લાગ્યો. એ હોશમાં ન હતો એટલે બકયે જતો હતો.
"પગાર તો... તો... મારો પણ અટક્યો છે. તો હું... ઉ... ઉ... શું કેપ્ટન થઈ ને કા... આ... કાગારોળ કરું?"
"કેપ્ટન સાહેબ, આપ ઠીક છો?"
હેન્રીએ વિવેકાચાર વાપરતાં અને ઠીક હોય તો વધુ પીવડાવવાની તૈયારી સાથે પૂછ્યું.
"ય... સ, ફર્સ્ટ મેટ! હં... ચ... આઈ એમ ઓકે!"
"વધુ એક પેગ ચાલશે?"
હેન્રીએ વિવેક સાથેની લુચ્ચાઈ પૂર્વક પૂછ્યું."
હા... હા, એક ક્ક ભર... ર... ર!"
હેન્રીએ ઉત્સાહ પૂર્વક તેનો તેમજ એડમિરલ સાહેબનો ગ્લાસ ભરી આપ્યો.
ગિબ્સને એ પેગ પૂરો કરી,
"હવે મારે સૂવું છે,"
એવું ત્રૂટક શબ્દોમાં કહી ઊભો થયો, લથડતાં લથડતાં જહાજ તરફ જવા લાગ્યો. હેન્રીએ પાસેના ટેબલ પર બેઠેલા એક નાવિકને આંખનો ઈશારો કરી ગિબ્સનને જહાજ પર જતો અટકાવવા કહ્યું.
નાવિક તરત જ ગિબ્સન પાસે ગયો અને કહ્યું,
"ચાલો સાહેબ, હું આપને શયન કક્ષ સુધી મૂકી જાઉં."
"ના, હું... ઉ... ઉ... હોશ... શમાં છું... ઉ... ઉ... હું ઉ જતો રહીશ."
ત્રૂટક શબ્દોમાં બોલી, નાવિકને ધક્કો મારી, બાજુ પર હડસેલી, એ જહાજ તરફ લથડિયાં ખાતો આગળ વધ્યો. નાવિકે,
"હવે શું કરું?"
એવો સંકેત દર્શક ઈશારો હેન્રી તરફ કર્યો.
હેન્રીએ આસ્તેથી હાથ હલાવી, આંખ મીચકારી,
"તેને જવા દે,"
એવું કહેતો સંકેત આપ્યો.
ઓ’બાયર્ન પણ હવે ખાઈ અને હદ ઉપરાંતનું પી ગયો હતો. એની આંખો ઘેરાતી હતી, તો પણ હેન્રીએ તેને પૂછ્યું,
"હવે કંઈ ચાલશે, સાહેબ?"
"ના, ના, બસ હવે સૂવું છે. નીંદર આવે છે,"
ઓ’બાયર્ન ઘેરાતી આંખે બોલ્યો."
આપને શયનખંડ સુધી મૂકી જાઉં?"
એક નાવિકે આદરથી પૂછ્યું.
"હા, એ સારું રહેશે."
લગભગ ટેબલ પર ઢળતા ઢળતા ઓ’બાયર્ન બોલ્યો.
હેન્રીનો કલાકાર એવો એક ઢોંગી વિવેકી સહનાયક તેને ખભાનો ઓથ આપી, કાંઠે આવેલા એક શયનખંડ તરફ દોરી ગયો અને પથારી પર તેને સુવડાવી દીધો.
દારૂના નશામાં એ પથારીમાં પડતાની સાથે જ નસકોરાં બોલાવવા લાગ્યો. છતાં પૂરી ખાત્રી કર્યા પછી એ નાવિકે હેન્રીને—સબ સલામતનો ઈશારો કર્યો અને પોતે પણ દોડીને જહાજમાં પોતાના કામમાં ગોઠવાઈ ગયો.
હેન્રીએ બધા સાથીઓને ઈશારો કર્યો એટલે બધા સમય ગુમાવ્યા વગર જહાજ પર ચડી ગયા અને ટુકડીઓમાં મળી પોતપોતાને સોંપેલાં કાર્યો ફટાફટ આટોપવા લાગ્યા.
એક ટુકડીએ લંગરો ખેંચી લીધાં, બીજી ટુકડીએ સઢ સંભાળી લીધાં અને વિલિયમ નામના એક સુકાનીએ સુકાન સંભાળી લીધું. હેન્રીનો આદેશ થતાં જ ચાર્લ્સ-II કિનારાથી દૂર જવા લાગ્યું.બાજુની એક લાંબી હોડીમાં બેઠેલા સાથી જહાજના નાવિકો, કે જેને હેન્રીએ અગાઉથી જ વિશ્વાસમાં લઈ, સાથ આપવા મનાવી લીધા હતા, તેમણે સાથી જહાજના કેપ્ટનને ગેરમાર્ગે દોરવા માટે ઘાંટો પાડી પૂછ્યું,
"જહાજનો પિયક્કડ મુખ્ય નાવિક જહાજમાં છે કે કિનારે પડ્યો છે?"
"હા, એ સૂતો છે. એડમિરલના આદેશાનુસાર ખેપ કરીને કાલે સાંજે પરત આવી જઈશું."
"હા, એ સૂતો છે,"
હેન્રી દ્વારા બોલાયેલા શબ્દો બાદના શબ્દો એક તેજ લહેરના જહાજ સાથેના ટકરાવના અવાજમાં શમાઈ ગયા.
સાથી જહાજ જેમ્સના કેપ્ટન હમ્ફ્રે પોતાના જહાજની કેબિનમાં આરામ કરતા હતા. તેને કાવતરાની ગંધ આવી એટલે એમણે બૂમરાણ મચાવી, ડેક પર આવી, તેમણે હેન્રીને કેપ્ટન ગિબ્સન વિશે પૂછ્યું,
પણ હેન્રીએ ચાલાકીથી જવાબ આપ્યો કે તેને બધી જ ખબર છે.અને જહાજને વેગભેર હંકારી મૂક્યું.જહાજને જ્યારે વેગપૂર્વક કિનારાથી દૂર જતું જોયું ત્યારે હમ્ફ્રેએ તેના જહાજ પરથી ચાર્લ્સ–II પર ગોળીબાર પણ કર્યો, પણ ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું.
એ જહાજ એની પહોંચ મર્યાદાથી બહાર નીકળી ચૂક્યું હતું. એ જહાજ તો એના નાયકોને લઈને અંધારાને ચિરતું ઉજાસ તરફની દિશામાં પ્રયાણીત થઈ ચૂક્યું હતું. એક ઇતિહાસ રચવા!