Robbery of Aurganzeb's Ganj-E-Savai Part-7 in Gujarati Adventure Stories by Bhaveshkumar K Chudasama books and stories PDF | ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 7

Featured Books
Categories
Share

ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 7

પ્રકરણ - ૭ સ્પર્ધા અને પ્રયાણ

બીજે દિવસે પ્રભાતના કિરણો એટલાન્ટિક મહાસાગરની સપાટી પર પથરાયાં હતાં. સાગરની સપાટી સ્વર્ણ રંગે ચમકી રહી હતી, અને એ સ્વર્ણ રંગની સપાટી પર બે જહાજો એકબીજાને પડકાર કરતાં ઊભાં હતાં. એક જહાજની કાળી ધજા પર સફેદ રંગનો જમૈયો ધરાવતો હાથ હતો, જ્યારે બીજા જહાજની લાલ ધજા પર પીળા રંગની ખોપરી અને તેની નીચે ક્રોસ આકારનાં બે હાડકાંની આકૃતિ હતી.

થોમસ એમિટીના તૂતક પર ઊભો રહી, તોફાની નખરાં કરતો હેન્રીને ચીડવી રહ્યો હતો. હેન્રી તેની બાલિશતા અને મસ્ત સ્વભાવ જોઈ હસી પડ્યો.

"હસે છે શું? સોનું તૈયાર રાખ્યું છે ને? લૂંટનું અર્ધું સોનું ક્યાંક ગુપ્ત કોઠારમાં દબાવી રાખ્યું છે, કે ઈમાનદારીની મિસાલ છો?"

થોમસે ખડખડાટ હસતાં કહ્યું.

"તારું સોનું સલામત છે, અને અર્ધું જ શા માટે? તું જીતી બતાવ, પછી મારા જહાજમાં જેટલું સોનું હોય એ બધું તારે તારી જાતે શોધીને લઈ જવાનું. હવે ખુશ?"

હેન્રીએ હસીને જવાબ આપ્યો.

"વાહ, તારો આત્મવિશ્વાસ! લાગે છે તું જોરદાર ટક્કર આપીશ. પણ જીતવાનો તો હું જ છું."

થોમસે હાસ્યના ઉભરા સાથે કહ્યું.

"ઠીક છે, ચાલ તૈયાર થા!"

"ચાલ, આવી જા!"

બંને જહાજના કેપ્ટનોએ આદેશ આપ્યા. સઢ અને પતંગા ચડાવાઈ ગયા.

"ત્રણ, બે, એક!"

બંને કેપ્ટનની પિસ્તોલના એક ફાયર સાથે જહાજોએ ગતિ પકડી. શરૂઆતમાં મોટું અને ભારે ફેન્સી ધીમી ગતિએ ચાલ્યું, જ્યારે કદમાં નાનું અને હળવું એમિટી આગળ નીકળી ગયું.

થોમસે એક દોરડાં પર લટકીને હેન્રીને અંગૂઠો બતાવી ચીડવતાં પૂછ્યું,

"ઓય, હેન્રી! તારું લંગર ઉપાડ્યું કે હજુ ખેંચે છે? એમિટી તો આ આગળ ચાલી!"

હેન્રી ખડખડાટ હસી પડ્યો અને નાવિકોને આદેશ આપ્યો,

"હવામાન પાતળું છે, પહેલાં સઢને એકદમ ઉપર ચડાવી દો."

સઢ ઉપર ચડતાં જ ફેન્સીએ ગતિ પકડી અને એમિટીને પકડવા હરણફાળ ભરી તેની લગોલગ પાછળ આવી ગઈ. હવે હેન્રીનો વારો હતો. થોમસ સામે જોઈ તેણે ભ્રમરો ઉપર-નીચે કરી તેને ચીડવ્યો.

થોમસ દોરડાં પરથી નીચે ઊતર્યો અને નાવિકોને સઢ-પતંગા ખેંચવાનો આદેશ આપ્યો.

એમિટીએ ફરી ગતિ પકડી આગળ નીકળી ગઈ અને પ્રિન્સિપે ટાપુને ચક્કર લેવા વળી ત્યારે ફેન્સી દેખાતી બંધ થઈ ગઈ, પણ પ્રિન્સિપે ટાપુનું ચક્કર પૂરું કરી પ્રારંભ સ્થાન તરફ પાછી ફરતાં, ફેન્સી તેની જમણી બાજુએ સમાંતર ચાલી આવી. ફેન્સીને સાથે ચાલતી જોઈ થોમસની આંખો પહોળી થઈ ગઈ.

થોમસે તરત નાવિકોને આદેશ આપ્યો,

"સોનું હાથમાંથી જઈ રહ્યું છે, છેલ્લા સ્તંભનું સઢ ઉપર ચડાવો."

એમિટીનું છેલ્લું સઢ ઉપર થતાં તેણે થોડી ગતિ પકડી અને ફેન્સીથી આગળ થઈ ગઈ.

હેન્રીએ પણ નાવિકોને હુકમ કર્યો,

"મધ્ય સ્તંભનું સઢ, સ્તંભની વચ્ચે સુધી ખેંચી લો."

આદેશને અનુસરી સઢ વચ્ચે સુધી ખેંચાયું,  ફેન્સી ફરી એમિટીની પાછળ પહોંચી ગઈ અને આગળ થવાનો પ્રયત્ન કરવા લાગી.

એમિટીએ હવે સર્પાકાર ગતિથી ચાલીને ફેન્સીને આગળ જતાં રોકવાનો પ્રયાસ કર્યો.

હેન્રીએ તોપનું નાળચું એમિટી તરફ કરી, હસતાં હસતાં બંધ મૂઠી પ્રસારી આંગળીઓ ખોલી—"તોપનો ધડાકો કરીશ" એવો ઈશારો કર્યો.

આગળ જઈ રહેલી એમિટીમાં, થોમસ દોડીને તોપ પાસે ગોઠવાયો, બુઝેલી મશાલ હાથમાં લઈ તેને સળગાવવાનું નાટક કરતાં તોપના છેડે અડાડી—"ઉડાવી દઈશ" એવો ઈશારો કર્યો.

હેન્રીએ વિલિયમને આદેશ આપ્યો,

"મોટો ચક્કર લઈ આગળ નીકળ, આ સાપ એમ આગળ નહીં જવા દે.

"વિલિયમે ટાપુના કિનારાથી વિરુદ્ધ દિશામાં ફેન્સીને વાળી. એમિટીથી દૂર રહીને ફેન્સી તેનાથી આગળ નીકળી ગઈ.

હેન્રીએ ડેક પર ગોઠણ વાળી બેસી, થોમસ સામે જોઈ બંને હથેળીઓ આકાશ તરફ ઉપર કરી. એ સાથે જ નાવિકોએ અંતિમ સ્તંભનું સઢ થોડું ઉપર ખેંચ્યું. હેન્રીએ લુચ્ચાઈપૂર્વક થોમસને—"બાય-બાય"નો ઈશારો કર્યો, અને ફેન્સી લહેરો પર ઉછળતી, ચિત્તાની ઝડપે પ્રારંભ સ્થાન તરફ ધસી ગઈ.

હાસ્ય સાથે બનાવટી ગુસ્સામાં થોમસે પોતે સઢનું દોરડું ખેંચી એમિટીની ગતિ વધારવાનો પ્રયાસ કર્યો, પણ ફેન્સી ત્યાં સુધીમાં પ્રારંભ સ્થાન પાર કરી ચૂકી હતી અને ફેન્સીના નાવિકો ડેક પર વિજયનો હર્ષનાદ કરી રહ્યા હતા.

થોમસે પ્રયાસો પડતા મૂક્યા, કમરેથી ઝૂકીને જોરથી હસ્યો અને બોલ્યો,

"મારું સોનું ગયું! જીતી ગયો! સિંહ જીતી ગયો!"

એમિટી ફેન્સીથી થોડે જ અંતરે દૂર રહી હતી. જેવી એમિટી ફેન્સીની નજીક આવી, થોમસ ડેક પરથી કૂદી ફેન્સી પર ચડ્યો અને હસતાં હસતાં હેન્રીને કહ્યું,

"સિંહ છે તું, સિંહ! અને તારી ફેન્સી ચિત્તા જેવી ચપળ! હવામાન પારખવાની તારી આવડત અજોડ છે!"

હેન્રી થોડીવાર હસતો રહ્યો, પછી તેના વખાણ કરતા પૂછ્યું,

"તારી ચાલાકી અને એમિટી પણ ઓછી નથી. સર્પાકાર ચાલ! લુચ્ચો છે તું! પણ બોલ, હવે વચન પાળવાનો છે કે નહીં?"

થોમસે હસીને તેને ગળે મળતાં કહ્યું,

"હા યાર, તારું સપનું પૂરું કરીશ. જરૂર પડશે તો જીવ પણ આપી દઈશ."

"તો ક્યારે નીકળવું છે ગંજ-એ-સવાઈને આંતરવા?"

"સાચું કહું છું, સહેલું નથી. બલિદાન માંગી લેશે, પણ મારું વચન નિભાવીશ. પહેલાં આપણે જોહાના ટાપુ પર જઈશું. ત્યાં મારા થોડા મિત્રો છે, એમને સાથે લઈશું. લૂંટનો ભાગ આપવો પડશે, પણ સંખ્યાબળ વધશે અને લૂંટમાં તકલીફ ઓછી થશે."

થોમસે ગંભીરતાથી કહ્યું.

હંમેશાં મજાક-મસ્તી કરનારા થોમસની સમજદારી અને ડહાપણ જોઈ હેન્રીએ કહ્યું,

"ઠીક છે."

બપોરના ભોજનની બંનેએ સાથે મોજ માણી, અને પછી બંને જહાજો જોહાના ટાપુ તરફ નીકળી પડ્યાં.

એટલાન્ટિકની તોફાની લહેરો ફેન્સી અને એમિટીને ઝડપથી કોમોરોસ ટાપુ સમૂહના જોહાના તરફ ધકેલી રહી હતી. જાણે સમુદ્ર પણ આ ચાંચિયાઓના અનોખા ગઠબંધનનો સાક્ષી બનવા ઉત્સુક હોય, અને અરબ સાગરના રંગમંચ પર ભવિષ્યમાં ઘટનારી આ નવી ઘટનાને આકાર લેતી જોવા આતુર હોય!