જાદુ ભાગ ૧૧
વિનોદભાઈ અને નીલમ ઘરે ગયા . મલ્હાર થોડીવાર સુધી ત્યાં જ બેસી વિચાર કરતો રહ્યો ને પછી ગેસ્ટ હાઉસમાં જઈ સુઈ ગયો .
સવારે બધા સમયસર તૈયાર થઈ નાસ્તો કરી હોલમાં પહોંચી ગયા . આજે રવિવાર હતો એટલે બધા છોકરાઓએ યુનિફોર્મ ન પહેરતા પોતાની પાસે રહેલા બીજા રંગ બી રંગી કપડા પહેર્યા હતા . બધા બાળકો નીચે પલોટી વાળી બેસી ગયા . મલ્હાર વાત કરવા જઈ જ રહ્યો હતો ત્યાં નીલમ અને વિનોદભાઈ પણ આવ્યા . વિનોદભાઈ ને જોઈ બધા છોકરાઓ ઉભા થઈ ગયા .
" બેસી જાઓ બધા .ભાઈ મલ્હાર મારી ઘણી બધી ઈચ્છાઓ બાકી છે . નીલમે કહ્યું તું આજે કંઈક નવું શીખવાડવા નો છે . હું માનું છું કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી . કંઈક નવું શીખવા મળે તો શીખી લેવું જોઈએ . હું પણ એમની સાથે બેસી શકું ? " વિનોદભાઈએ મલ્હાર પાસે હોલ માં બેસવાની મંજૂરી માંગી .
" બિલકુલ સર તમારો જ આશ્રમ છે . તમારે પૂછવાની જરૂર નથી "
" હું પણ બેસીસ ! " એટલુ બોલી નીલમ વિનોદભાઈ સાથે એકદમ પાછળ જઈ પલોટી વાળી છોકરાઓ સાથે નીચે બેસી ગઈ . છોકરાઓ આ જોઈ ગાલમાં હસવા લાગ્યા . મલ્હાર થોડો નર્વસ થઈ ગયો .
મલ્હારે ઊંડો શ્વાસ લઈ બોલવાનું શરૂ કર્યું " ઓકે તો કાલે આપણે જે મુવી જોઈ એમાં તમે જોયું કે હીરો બોલી શકતો નહોતો . એણે એનો ઘાસનો એક રૂમ બનાવ્યો હતો . ત્યાં એણે બધા ક્રિકેટરના ફોટા લગાડી રાખ્યા હતા . એ જગા પર બેસી આંખ બંધ કરી એ વિઝયુલાઈઝ કરતો હતો કે એ મોટા મેદાનમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કપડા પહેરી હાથમાં બોલ લઈને બોલિંગ કરવા જઈ રહ્યો છે . અને એણે જોયેલું આ સપનું છેલ્લે સાચું થઈ જાય છે . વિઝયુલાઈઝ એટલે મનની આંખોથી જોવાની શક્તિ કલ્પના કરવી .આપણી પાસે બે આંખો છે જેનાથી આપણે બધું જોઈએ છીએ . પણ શું તમને ખબર છે આપણી પાસે મનની પણ આંખો હોય છે ? "
છોકરાઓએ ના મા માથું તું હલાવ્યુ .
" અચ્છા ! એક કામ કરો . બધા આંખો બંધ કરો હવે મને કહો તમને શું દેખાય છે "
" કાંઈ દેખાતું નથી અંધારુ છે " છોકરાઓ હસતા બોલ્યા .
મલ્હારને પણ પોતાના પ્રશ્ન પર હસુ આવ્યું " ઓકે આંખો બંધ જ રાખજો અને મારી વાત ધ્યાનથી સાંભળો . કલ્પના કરો કે એક લાલ રંગની સરસ મજાની સાયકલ હવામાં ઉડી રહી છે . જેને દેખાતી હોય એ હાથ ઉપર કરો "
ઘણા છોકરાઓએ હાથ ઉપર કર્યો .
" હવે આંખો ખોલો ને કહો શું તમને સાયકલ દેખાય છે ? "
" ના . . . . " બધા એ એકસાથે જવાબ આપ્યો .
" તમારી આંખો બંધ હતી ત્યારે તમને જે સાયકલ દેખાઈ એ તમે કલ્પના કરી ને મનની આંખોથી જોઈ . આને કહેવાય વિઝ્યુલાઇઝેશન એટલે કે મનોચિત્રણ . આ બ્રહ્માંડ જે છે એ આ મનોચિત્રણની ભાષા સમજે છે . તમારે જે કંઈ પણ જોઈતું હોય એ બોલીને માંગવાની જરૂર નથી એ તમારે મનની આંખોથી જોવાનું છે . તમે મનની આંખોથી જે જોશો એ બ્રહ્માંડ સમજી જશે . એ સમજી જશે તમને શું જોઈએ છે કે તમારે શું બનવું છે . મારી વાત જેને સમજાઈ હોય એ હાથ ઉપર કરે "
થોડા છોકરાઓ , વિનોદભાઈ અને નીલમે હાથ ઉપર કર્યો .
" સરસ જે લોકોને સમજાયું એના માટે સારું છે . પણ જે લોકોને ન સમજાયું એ લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી . હવે વધારે સમજવા માટે આપણે મેડીટેશન કરશું .મેડીટેશન એટલે ધ્યાનમાં બેસવું . ધ્યાનમાં બેસવા માટે કમર સીધી રાખી ને પલોટી વાળી બેસી જવાનું . ધીમે ધીમે ઊંડા શ્વાસ લેતા આંખો બંધ કરવાની અને હું જે બોલું એ સાંભળવાનું . નિલેશ બારીના પડદા બંધ કરી દે અને અમિત તું દરવાજો બંધ કરી દે " મલ્હાર એ હોલમાં અંધારું કરી નાખ્યું અને સ્પીકર ઉપર મોબાઈલ કનેક્ટ કરી મધુર વાસ્ળી વાગતુ મ્યુઝિક ચાલુ કરી દીધું .
" હવે એક ઊંડો શ્વાસ લઈ બધા આંખો બંધ કરી દો . હું ના કહું ત્યાં સુધી આંખો ખોલવાની નથી . તમારી આંખો બંધ છે . ધીમા ધીમા શ્વાસ ચાલે છે .તમારું ધ્યાન તમારા શ્વાસ ની આવન જાવાન પર રાખો . તમે તમારી મનની આંખોથી જોઈ શકો છો કે તમે ચાલતા ચાલતા એક સોનેરી દરવાજા તરફ આગળ વધી રહ્યા છો . તમે ધક્કો મારી એ દરવાજો ખોલો છો . સામે તમને એક સુંદર બગીચો દેખાય છે . ચારે તરફ સુગંધી ફૂલો છે . બગીચાની બાજુમાંથી ખળખળ કરતી સુંદર નદી વહી રહે છે . ચારે તરફ લીલુછમ પોચુ ઘાસ છે . તમે ઘાસ ઉપર ઉઘાડા પગે દોડી રહ્યા છો . ઠંડી ઠંડી હવા તમારા ગાલ ઉપર ફૂંક મારી રહે છે . રંગ બી રંગી પતંગિયા ફૂલો ઉપર ઉડી રહ્યા છે . તમે એ પતંગિયાની પાછળ દોડી રહ્યા છો . ત્યાં તમે જુઓ છો કે ઘણા બધા નાના નાના ઝાડ છે . કોઈ ઝાડ પર તમને મનગમતી ચોકલેટો લટકી રહી છે . તો કોઈ ઝાડ પર તમને ભાવતી આઈસક્રીમ લટકી રહી છે , તમને ભાવતા ફળ , મીઠાઈઓ ઝાડ ઉપર લટકી રહ્યા છે . તમને જે ભાવે છે એ તમે હાથથી તોડી ને ખાઈ રહ્યા છો . તમને એનો સ્વાદ ખુબ સારો લાગી રહ્યો છે . ત્યાં જ મેદાનમાં તમને મનગમતા રમકડા પડ્યા છે .તમે એની સાથે રમી રહ્યા છો . તમે એકદમ ખુશ છો . તમને આ બગીચામાં ખૂબ મજા આવી રહી છે . હવે બગીચામાં તમારા મિત્રો અને ગમતા લોકો પણ આવી રહ્યા છે . તમે એમની સાથે નાચી રહ્યા છો રમી રહ્યા છો . આકાશમાં તારાઓ ટમટમી રહ્યા છે એ તારાઓ તમને બધાને ખુશ જોઈને સ્માઈલ આપી રહ્યા છે . હવે તમે ધીમે ધીમે ચાલતા ચાલતા આશ્રમ તરફ પાછા આવી રહ્યા છો . તમે ખૂબ આનંદમાં છો . હવે તમારી બંને હથેળીઓ એકબીજા સાથે ઘસી આંખો ઉપર રાખો અને ધીમે ધીમે સ્માઈલ સાથે હથેળીઓ હટાવતા આંખો ખોલો . જેને જેટલી મજા આવી હોય એટલી જોરથી તાળીઓ પાડો "
આખો હોલ તાળીઓની ગડગડાટથી ગુંજી ઉઠ્યો .
ક્રમશઃ