જાદુ ભાગ ૬
આજે કોઈને પણ જગાડવાની જરૂર ના પડી . બધા બાળકો જલ્દી જાગી ગયા . નાહી ધોઈ તૈયાર થઈ ગયા . મીન્ટુ નો પહેલો દિવસ હતો એટલે દિશા બેને એને તૈયાર કર્યો અને રોજનો ક્રમ સમજાવ્યો .
બધા બાળકો તૈયાર થઈ નાસ્તો કરવા ગયા . ગરમાગરમ બટાટા પૌવા નાસ્તામાં હતા. ચીમનભાઈના હાથની રસોઈ નો સ્વાદ બધાને જ ગમતો . બધા બાળકોએ પેટ ભરી નાસ્તો કર્યો ને દૂધ પીધું . મીન્ટુ એ બે ચમચી પૌવા ખાધા અને દૂધ પીધું નહીં .
પ્રાર્થના પૂરી કરી બધા પોતાના ક્લાસમાં ગયા . ભીખુ મિન્ટુ નો હાથ પકડી ક્લાસમાં લઈ ગયો. વિદ્યા બેને મિન્ટુને એની નવી બેગ અને પુસ્તકો આપ્યા .
" આજે જાદુ કાકા આવશે ! તું એમને મળજે ખૂબ મજા આવશે . એ જાદુ કરીને તને ચોકલેટ આપશે તારે ના ખાવી હોય તો પણ લઈ લેજે પછી મને આપી દેજે " ભીખુ મીન્ટુ સાથે બેંચ પર બેસી વાતો કરી રહ્યો હતો મીન્ટુ કંઈ બોલ્યા વગર બધી વાતમાં હા માં માથું હલાવતો .
શનિવારે રિસેસ સુધી જ સ્કૂલ રહેતી . પછી રજા પડી જતી . અને એ જ ટાઈમ પર મલ્હાર આવતો . પછી બધા એની સાથે રમતા એ બધાને એક મોટા હોલમાં ભેગા બેસાડતો . ત્યાં એણે એક પ્રોજેક્ટર લગાવી રાખ્યું હતું . એમને નવી નવી પ્રેરણાત્મક ફિલ્મો બતાવતો અને એ ફિલ્મથી શું બોધ લેવો એ બધું સમજાવતો . બપોરે બધા સાથે જમતો ને પછી નિલમની ઓફીસમાં એની સાથે ગપ્પા મારતો . સાંજે બાળકો સાથે ક્રિકેટ અને બીજી રમતો રમતો ક્યારેક નિલમ પણ સાથે રમતી . રાત્રે આશ્રમના ગેસ્ટ રુમમાં સુઈ જતો .
રવિવાર સવારે બધાને નવી વાર્તા કહેતો ને પછી જાદુ કરી ગિફ્ટ આપતો. એની સાથે છોકરાઓના બે દિવસ ક્યાં પૂરા થઈ જતા કોઈને ખબર ના પડતી . રવિવારે સાંજે મલ્હાર પાછો રાજકોટ જવા નીકળી જતો .
રિસેસ પડી ગઈ હતી . બધા છોકરાઓ મેદાનમાં રમતા હતા પણ બધાનું મન જાદુ કાકાની રાહ જોઈ રહ્યું હતું . ત્યાં જ બુલેટ નો અવાજ સંભળાયો અને બધા છોકરાઓ રમવાનું મૂકી ગેટ તરફ જોવા લાગ્યા .
મલ્હારની બુલેટ આશ્રમમાં એન્ટર થતા જ બધા જ બાળકો એની તરફ દોડી એને ભેટી પડ્યા . એને બાઈક પરથી ઉતારવા પણ ના દીધો . બધાએ એને ઘેરી લીધો એણે પણ બધાને હાઈફાઈ આપી .
બુલેટ ની પાછળ એક મોટી ને લાંબી બેગ હતી એમાં ક્રિકેટની પૂરી કીટ હતી . બાળકો એ જોવા આતુર હતા .
" ચાલો બધા હોલમાં આવો . ત્યાં બધાને ક્રિકેટનો બધો સામાન બતાવીશ " મલ્હાર ની વાત પુરી થતા જ બધા છોકરાઓ મોટા હોલ તરફ દોડ્યા .
મીન્ટુ દૂર બેસી આ બધું જોઈ રહ્યો . મલ્હાર ની નજર એના પર પડી એણે મિન્ટુને પહેલી વાર જોયો . એ સમજી ગયો નવુ એડમિશન છે . એણે મિન્ટુ તરફ હાય કર્યું પણ મીન્ટુ એ કંઈ જ પ્રતિભાવ આપ્યો નહીં . એ મલ્હારને આશ્ચર્ય થી જોઈ રહ્યો .
બુલેટ નો અવાજ સાંભળી નીલમ પણ ઓફિસની બહાર આવી ઊભી હતી . એ દૂરથી આ બધું જોયા કરતી એના માટે આ દ્રશ્ય નવું નહોતું .
મલ્હાર નીલમ તરફ ગયો " ગુડ મોર્નિંગ ! મેડમ શું હાલ છે ? "
" ગુડ મોર્નિંગ . ઓલ ઇઝ વેલ ! "
" સર ક્યાં છે ? " મલ્હાર વિનોદભાઈ ને સર કહીને બોલાવતો
" પપ્પા કામથી મોટા આશ્રમમાં ગયા છે સાંજે આવશે "
" ઓ એટલે આજે ઇન્ચાર્જ તુ છે ! એટલે તારાથી પરમિશન માંગવી પડશે ? "
" હા બિલકુલ એપ્લિકેશન આપ એટલે વિચાર કરી ને કહું "
" મેડમ ઇન્ચાર્જ શું હું આ ક્રિકેટ કીટ બાળકોને ભેટ આપી શકું ? અને એમને મળી શકું ? "
" ખોટી હોશિયારી ના માર . ચાલ પ્રોજેક્ટર રૂમમાં જઈએ મોડું થશે તો છોકરાઓ પાછા અહીં આવી જશે "
" આફ્ટર યુ મેડમ ! " બંને એકબીજાને સ્માઈલ આપી હોલ તરફ જવા લાગ્યા . મીન્ટુ હજી મોઢું નીચે નાખી બહાર જ બેઠો હતો . " આ નવું એડમિશન છે ? " મલ્હારે નીલમ ને પૂછ્યું .
" હા યાર કાલે જ આવ્યો છે . બે મહિના પહેલા જ he lost His mother બીજી ડિટેલ તને પછી આપુ . એ ટ્રોમામાં છે એને ટ્રોમા માંથી બહાર કાઢવા તારી હેલ્પ લાગશે "
" ઓલવેઝ એટ યોર સર્વિસ મેડમ . ક્લ કરે સો આજ . આાજ કરે સો અબ . હું એને હોલમાં લઈ આવું છું . તું કીટ લઈને જા " મલ્હારે નીલમ ને કીટ આપી એનું વજન ખૂબ વધારે હતું એટલે નીલમ એ બેગ ઘસડીને હોલ તરફ ગઈ અને મલ્હાર મીન્ટુ તરફ .
" હાય બોસ શું નામ છે તારું ? મારું નામ મલ્હાર છે . બધા મને જાદુ કાકા કરીને બોલાવે છે . તને જાદુ ગમે છે ? " મલ્હાર મિન્ટુ સાથે વાતો કરવા લાગ્યો " જો આ મારા હાથ જો એકદમ ખાલી છે . હવે હું આ મુઠ્ઠી બંધ કરું છું અને જાદુ નો મંત્ર બોલીશ . આબરા કા ડાબરા ગીલી ગીલી છું . આ બે મુઠ્ઠી માંથી એક મુઠ્ઠી પસંદ કર "
મીન્ટુ એ એક મુઠ્ઠી ઉપર હાથ રાખ્યો . મલ્હારે મુઠ્ઠી ખોલી ને એમાંથી ચોકલેટ નીકળી . એ જોઈ મિન્ટુના ચહેરા પર સ્માઈલ આવી .
ક્રમશઃ