Quotes by અશ્વિન રાઠોડ - સ્વયમભુ in Bitesapp read free

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

અશ્વિન રાઠોડ - સ્વયમભુ

@ashwinrathod6053

અછાંદસ કાવ્ય "વીજ ઝબૂકે"

વીજ ઝબૂકે છે,
ને મારા ગામનું આભું
એક વારસાદી ગાય જેમ
હંભેરા નાખે છે.

થર વઈ ગયેલી ધરતી
અને થર વઈ ગયેલા સંબંધ
બેય એકસરખા લાગે છે હવે.

ચોમાસું તો આવે છે,
પણ માણસ હવે વરસતો નથી.

પહેલા માણસ વાદળ જેવો હતો -
ભર્યો ભર્યો આવે,
મન મેલીને વરસી જાય,
અને પાછો હળવો ફૂલ થઈને વયો જાય.

હવે તો માણસ વીજળી જેવો થયો છે,
ખાલી ઝબકા-ઝબકા કરે છે,
ગાજ્યા કરે છે આખો દી',
પણ એક છાંટોય ભોંય પર નથી પાડતો.

હાંભળો,
ઝબૂકવાથી ખેતર નથી પાકતું હો,
વરસવાથી પાકે છે.

સંબંધમાં જો ધાન ઉગાડવું હોયને,
તો ગાજ્યા વગર વરસતા શીખવું પડે.

તારી આંખમાંથી બે ટીપા પડે,
ને સામે વાળાની ખાખી આંખુંમાં
એક લીલું ખેતર થઈ જાય,
એનું નામ હેત.

ખાલી ચમકીને જતા રહેવું એ તો લુચ્ચાઈ કહેવાય,
ઉભા રહીને પલળવું અને પલાળવું,
એનું નામ માણસાઈ કહેવાય.

તો વીરા,
જ્યારે વીજ ઝબૂકે ને,
ત્યારે બીવાની જરૂર નથી,
બસ છાતી ફાડીને
બે હાથ પહોળા કરીને
આભ સામે ઉભો રહેજે.

ભીંજાઈ જવાથી કોઈ દી' કોઈ નાનું નથી થઈ જતું,
ભીંજાઈ જવાથી તો ધરતી જેવા કઠણ માણસમાંય
"સ્વયમ્'ભૂ" ભગવાન ઉગી નીકળે છે.

અશ્વિન રાઠોડ - "સ્વયમ્'ભૂ"

Read More

"પ્રેમ ની કટારી"

મારા હૃદયે લાગી પ્રેમની કટારી,
ના ઘાવ દેખાય, ના લોહી વહે,
બસ એક નામ અંદર વસેલું લાગે,
જે નામ શ્વાસે શ્વાસે યાદ આવે,

વિરહ શું છે, હવે સમજાયું,
તું દૂર નથી, તો પણ તું ક્યાંય નથી,
આંખો બંધ કરું તો તું સામે,
આંખો ખોલું તો દુનિયા ખાલી લાગે છે.

મિલન એ કોઈ તહેવાર નથી,
મિલન તો એક શાંત સાંજ છે,
જ્યાં બંનેનો એક શ્વાસ છે.

એટલે તો મિલનમાં જવાબદારી છે,
હાથ પકડી ને એમ કહેવું,
"ભલે ગમે તે થાય, હું છું તારી સાથે."


માટે આ એક જ જનમ નહીં,
તારી સાથે જન્મો જનમ જીવવું છે,
તારો દોસ્ત બનીને, પ્રેમી બનીને,
અને છેલ્લા શ્વાસ સુધી હમસફર બનીને.

તું મળી તો લાગ્યું,
જીવનનું સપનું "સ્વયમ્'ભૂ" ઘરે આવ્યું.

અશ્વિન રાઠોડ- "સ્વયમ્'ભૂ"

Read More

અછાંદસ કાવ્ય- “ધડકન”

ધડકન,
એ કોઈ અવાજ નથી,
એ તો જીવંતનો પુરાવો છે.

સ્ટેથોસ્કોપ પર સંભળાય છે ત્યારે
એ માત્ર શરીરની વાત નથી કરતી,
ક્યારેક એ કોઈનું નામ લઈને ધબકે છે.

કોઈની રાહ જોવડાવે,
કોઈને યાદ કરાવે,
અને કોઈ વગર પણ...
ચાલ્યા કરે.

ક્યારેક એ શાંત સરોવર જેવી,
ક્યારેક તોફાને ચડેલા દરિયા જેવી.
પ્રેમમાં વધી જાય છે,
વિરહમાં થંભી જાય છે,
અને એકલતામાં
પોતાની જાતને જ સંભળાય છે.

લોકો કહે છે,
હૃદય પાસે મગજ નથી,
પણ સાચું તો એ છે કે
મગજને જે નથી સમજાતું,
એ બધું જ હૃદયની ધડકન સમજી જાય છે.

આખરે શું છે આ ધડકન?
એ જ તો છે,
જે જીવવા અને
કોઈના માટે જીવવા વચ્ચેનો
ભેદ "સ્વયમ્'ભૂ" ભૂંસી નાખે છે.

અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"

Read More

"રફતાર" - (ગઝલ)

રફતારમાં મેં જાતને વહેતો જોયો છે,
રફતારમાં જ સમયને વહેતો જોયો છે. - મત્લા

થોભું ક્ષણેક તો જગથી પાછળ રહેતો જોયો છે,
દોડું તો સંબંધોને પાછળ સહેતો જોયો છે.

ઘડિયાળના કાંટે જિંદગી ટાંગી છે તેં,
અને શ્વાસને પણ નફા-ખોટમાં ગણતો જોયો છે.

સપનાંઓને પણ હવે કેવી ઉતાવળ થઈ છે,
રાત ખૂટે એ પહેલાં દિવસને ઊગતો કહેતો જોયો છે.

અડધું મળવું, અડધું સાંભળી છૂટા પડવું,
પ્રેમ પણ તે મેં રફતારમાં કરતો જોયો છે.

કહે 'સ્વયમ્'ભૂ' જરા ધીમો પડ, શ્વાસ લેતો જોયો છે,
રફતારમાં જ તેં જીવવાનો મર્મ ખોતો જોયો છે.

અશ્વિન રાઠોડ — "સ્વયમ્'ભૂ"

Read More

ગઝલ : હું અને મારું મૌન

મત્લા
મૌન મારું બોલે સત્યની વાણી સદા,
દુનિયા સમજે એને અભિમાની સદા.

શેર
શબ્દોના ઘોંઘાટમાં ખોવાય જાય છે સત્ય,
એટલે તો મૌનમાં શોધું હું નિશાની સદા.

પ્રેમની વ્યાખ્યા ના પૂછો મારા હોઠથી,
આંખની ભીનાશમાં વહે છે કહાની સદા.

કોઈના ઘા પર મલમ બની જાય છે મૌન,
કરુણાનો દરિયો છે મારા અંતરમાં પાણી સદા.

લોક કહે છે 'બોલ, તું કાયર છે શું?',
હું તો સાંભળું છું સૌની દર્દ-દાસ્તાની સદા.

જવાબ દેવાનું કામ શબ્દોનું છે જગતમાં,
મારે તો મૌનથી જ કરવી છે મહેરબાની સદા.

મક્તા
'સ્વયમ્'ભૂ'ને શબ્દોની જરૂર નથી હવે,
મૌનથી જ લખાય છે એની જિંદગાની સદા.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

ગઝલ: "પંથ ભૂલ્યો પડછાયો"

કેમ તોડ્યો તેં નાતો માટી ને મેઘધનુ સાથે,
અહમ્ ના રણ માં શોધે છે તું જળ પોતાની વાટે?

સૂર્ય તો રોજ ઊગે છે નિજ કર્તવ્ય નિભાવવા,
તું કેમ ઢળ્યો અંધારે, છોડીને કુદરતની ઘાટે?

બીજ વાવે ધરા મૂંગી, ફળ આપે ઋતુ આવ્યે,
તું કેમ ફળ માંગે પહેલાં, કર્મ વિના હાથ લંબાવે?

નદી વહે સમંદર ભણી, નામ ભૂંસી દેવા કાજે,
તું કેમ તળાવ બની બેઠો, "હું" ના કાંઠા બાંધી આજે?

પવન પૂછે છે કાનમાં, ક્યાં ખોવાયો તું સંગાથે?
જવાબ દે છે ખાલી ખીસ્સા, ભરી લીધાં અહમ્ ના નાણે.

જે દીવો બીજાને કાજે બળે એ જ અજવાળું પામે,
તું કેમ તેલ બચાવે છે, બુઝાવી દીધી છે જાતે?

'સ્વયમ્'ભૂ' નામ ધર્યું તેં પણ ભૂલી ગયો તું ભૂ ને,
આકાશ આંબવા દોડ્યો, પગ તળે કચડી ધરતી ને.

હવે તો પાછો વળ 'સ્વયમ્'ભૂ', પડછાયો પૂછે છે તારો,
સત્યાર્થ એક જ છે જીવનનો: મટી જવું બીજાના સહારે.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

ગઝલ : હૃદયનો ધબકાર

દરેક શ્વાસે તારા નામનો ગુંજે છે ધબકાર
આંખોમાં તારી યાદનો વસે છે ધબકાર

મૌન રાતની ચાદરે જાગે છે કોણ સતત ?
તારા વિરહની વેદનાનો બસ એ જ ધબકાર

સ્પર્શની આશા છોડી દીધી, છતાં કેમ રોકે નહીં ?
છાતીમાં કેદ કર્યો છે મેં એનો ધબકાર

લોકો કહે છે પ્રેમ એ તો માત્ર ભ્રમણા છે,
હું માનું છું સાચો છે આ દિલનો ધબકાર

જખ્મો પર મલમ લગાવે છે કોઈ અદૃશ્ય હાથ,
ને દરેક મલમ સાથે વધે છે ધબકાર

તું નજીક હોય તો જગ આખું ગીત ગાતું લાગે,
તું દૂર જાય તો શ્વાસ પણ ભૂલે ધબકાર

'સ્વયમ્‌ભૂ' ને હવે ખબર પડી ઈશ્કની તાસીર,
જીવતરનું મૂળ તો છે બસ હૃદયનો ધબકાર

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

ગઝલ: " હું અને જતું કરવું "

હું પણું એ કાંટો છે, જતું કરવું એ ફૂલ છે,
એકમાં છે ઘાવ ઊંડા, બીજામાં માત્ર સૂલ છે.

હું પણું તો બોલે છે, "આ જગ બધુ મારું છે",
જતું કરવું હસીને કહે, "આ ક્ષણ પણ ભાડાનું છે".

મંદિરના શિખરે ચડી હું પણું પૂછે છે ઈશ્વરને,
જતું કરવું તો ચરણમાં બેસે, મૌનમાં જ ભૂલ છે.

દરિયાને કહ્યું હું પણું, "તું મારા નામે વહે",
જતું કરવું તો મોજું બની, કિનારે જાતે ખીલે છે.

એક ઝંખે તાળીઓ, બીજું ઝંખે એકાંતને,
એક છે તરસ્યો રણ, બીજું તૃપ્ત ઝાકળનું ઝૂલ છે.

"સ્વયમ્'ભૂ" હું એ દીવો છે, ને જતું કરવું એ તેલની પૂરણી છે.
જો દીવો બળે તો અજવાળું, પણ તેલ ખૂટે તો અંધારું છે.

--- અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More

ગઝલ: "દ્વારકાધીશ આવે છે "

કાફિયા: તીરે
રદીફ: દ્વારકાધીશ આવે છે

મત્લા
વાંસળીનો સૂર જમુના ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે,
મનની મીરાં મસ્તી ભર્યા ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે.

શેર
મોરપિચ્છ મસ્તકે ને પીતાંબર પેરી ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે,
ગોપી હૈયાની હૂંફ ભર્યા ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે.

રાસ રમવા ચાંદની ભીંજે ઘાટે ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે,
રાધા નામની ધૂન લગાવવા ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે.

માખણ ચોરની મીઠી નજરે ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે,
આંખો ભીની કરી પ્રીત સાચી ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે.

કર્મ યોગનો મર્મ સમજાવા ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે,
ગીતાના જ્ઞાન ધર્યા હૈયે ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે.

મક્તા
આશ "સ્વયમ્'ભૂ' ની શરણે ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે,
ભવોભવના બંધન છોડાવા ગોમતી તીરે દ્વારકાધીશ આવે છે.

અશ્વિન રાઠોડ" સ્વયમ્'ભૂ"

Read More

ગઝલ : "તું જ કારણ છે"

મત્લા

ઝરમર વરસતા વરસાદમાં ધબકે ધબકે પુકાર છે તું,
મારા હૃદયના દરેક શ્વાસમાં ગુંજતો એક જ તાર છે તું.

લોકો પૂછે "સ્વયમ્'ભૂ" એ નામનો શું આધાર છે તું?
જાતે પડીને ઊઠવાનું બળ આપનાર ઉધાર છે તું.

અંધારે હું ખોવાયો’તો, તે દીવો થઈ અવતાર છે તું,
મારા ખાલીપણાનો એક માત્ર જવાબ સ-તાર છે તું.

કોઈએ ઘડ્યો નથી આ મને, હું જાતે ઘડાયો તેનો સાર છે તું,
મારા સંઘર્ષના સરનામે લખાયેલો પ્યાર છે તું.

મક્તા

"સ્વયમ્'ભૂ" અશ્વિન કહેવાય એનું કારણ લગાતાર છે તું,
કેમ કે તૂટીને બંધાવાનો મારો ચમત્કાર છે તું.

અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"

Read More