અથડામણ
હમણાં જ સમાચાર પત્રમાં બે જૂથ વચ્ચેની અથડામણના સમાચાર વાંચ્યા, કે બે જૂથ વચ્ચે ધમાસાણ અથડામણ થઈ. કેટલાયના માથા ફૂટ્યા તો, કેટલાય ના હાથ પગ તૂટ્યા. આવી અથડામણો ના સમાચારો તો આપણે અવાર નવાર સમાચાર પત્રો કે ટી વી ચેનલો પર સાંભળતા જ રહીએ છીએ. પણ અહીંયા હું કઈક અલગ અથડામણ ની વાત કરવાનો છું.
અને એ અથડામણ છે સમાજમાં પ્રચલિત બે વિચારોની..
"ગમવું vs સારું લાગવું"
હા! સાચું સમજ્યા આપ. અહીંયા મારે આ બે વિચારોની અથડામણની વાત કરવી છે. પણ ધ્યાન રહે કે ફકત વાત જ કરવી છે. આ બંને વિચારો માંથી "શું સારું" કે "શું ખરાબ" એમાં આપણે નહિ પડીએ, બસ આ બે વિચારો ને આપ સમક્ષ મુકવાનો પ્રયાસ કરીશ.
ઉદાહરણ-1
હમણાં જ ગામમાં એક કિસ્સો થયેલો. કોલેજીયન યુવતી એ પોતે પોતાના મિત્ર group સાથે ઉજવેલી 31st પાર્ટી ના pics પોતાના whats app status માં મુક્યા... અને એ બાબતે એના પપ્પાએ એ યુવતીને ઠપકો આપ્યો કે પોતાના pics whats app કે fb કે insta ના status માં ના શેર કરવા અથવા ના મુકાય, એ સારું ના લાગે.
ત્યારે એ દીકરી એના પપ્પા ને તો કાઈ ના કહી શકી પણ મનોમન વિચાર્યું કે આ pics કોઈ ખરાબ તો નથી અને મને મારા pics status માં મુકવા ગમે છે. કોઈને સારું લાગે કે ના લાગે પણ મને તો ગમે છે. તો શું આટલું ગમતું ય હું ના કરી શકું..? શું કોઈ અન્યને સારું ના લાગે તો મારે મારું વ્યાજબી ગમતું પણ નહિ કરવાનું?
ઉદાહરણ-2
એક ઘરની વહુ લેખક બનવા માંગતી હતી. એ સ્ત્રી ને નાનપણથી લખવાનો શોખ હતો. એ સ્ત્રી નાનપણ થી જ લખતી હતી. એણે પોતાના પતિની મંજૂરી માંગીને લખવાનું શરૂ કરવાનું વિચાર્યું. તો એના પતિ એ એને લખવાની ના કહી દીધી, અને કહ્યું કે એ આપણને ના સારું લાગે, આપણાં ઘરને આ ના શોભે. સમાજમાં લોકો શું કહેશે એ તે વિચાર્યું છે? આ લખવા કરતા ઘરના કામમાં ધ્યાન આપો, બાળકો માં ધ્યાન આપો.
ત્યારે એ સ્ત્રી મનોમન બોલી કે કોઈને સારું લાગે કે ના લાગે પણ મને તો ગમે છે ને! તો શું હું મારું આટલું સામાન્ય ગમતું પણ ના કરી શકું? મારો સામાન્ય લખવાનો શોખ પણ હું પૂરો ના કરી શકું? આ કોઈ ખરાબ બાબત તો નથી કે મારે આવું ના કરાય.. અને આમાં કાઈ એટલો ખર્ચ પણ નથી છતાંય કેમ મારા સપનાં પૂરાં કરવાની નાં...?
ઉદાહરણ - 3
એક દીકરી ગાયિકા બનવા માંગતી હતી તો એણે ઘરે એના મમ્મી ને પૂછ્યું કે, મમ્મી! મારે ગાતા શીખવું છે. લતા મંગેશકર મારી ફેવરીટ ગાયિકા છે. મને એમનો અવાજ ખૂબ જ ગમે છે. એમને જોઈને મને inspiration મળે છે. મમ્મી મને ગાવા માટે પાસેના શહેરમાં શીખવા જવાની પરવાનગી આપીશ તું? જેથી હું પોતાના પગ પર ઊભી રહી શકું અને પોતાનું નામ કમાઈ શકું.
ત્યારે તુરત જ એના મમ્મી એ નાં કહી કે બેટા! આ ગાવા નું આપણું કામ નહિ. સમાજમાં લોકો શુ વાતો કરશે હે! આ આપણને ના શોભે. તું ભણવામાં ધ્યાન આપ અને એમાં જ આગળ વધ. આ સાંભળીને એ દીકરી પણ મનોમન કહેવા લાગી કે સમાજને ગમે તેવું લાગે પણ મને તો એ ગમે છે ને... શું સમાજને ના ગમે એમાં મારે મારા સપનાઓનું બલિદાન આપી દેવાનું? મારી મારુ જીવન સફળ બનાવવાના પ્રયત્નો જ નહીં કરવાના હે...
ઉદાહરણ - 4
થોડા દિવસ પહેલા જ બાજુવાળા કાકી એ કાકા ને કહ્યું મારી એક ઈચ્છા છે કે મને ટુ વ્હીલ ચલાવતા નથી આવડતી તો તમે મને આપણી પાસે એક્ટિવા છે એ ચલાવતા શીખવજો ને. મારી ઈચ્છા છે કે હું પણ ટુ વ્હીલ શીખું. જેથી મારો શોખ પણ પૂરો થાય અને બહારનું કાઈ કામ હોય તો તમને પણ ખોટું હેરાન ન કરું.
આ સાંભળતા જ કાકા એ કહ્યું કે એલી આ ઉમરમાં તું ગાડી ચલાવતા શીખીશ તો પાડોશીઓ દાંત કાઢશે. તેઓ આપણી ઉપર હસસે. એટલે આ બધું રહેવા દે. તું મને કહેજે હું તને બહારથી બધી વસ્તુઓ લાવી આપીશ. આટલું કહીને કાકા તો ચાલતા થયા પણ કાકીના મનમાં એ સવાલ થયો કે શું પાડોશીઓ હસે એના કારણે મારે મારો શોખ પણ પૂરો ના કરવો?
ઉદાહરણ - 5
અમારા ગામમાં એક દાદા પોતાના પરિવાર સાથે રહે છે. તાજેતર માં જ એ દાદા એ પોતાના દીકરા ને કહ્યું કે મારે ફરવા જવું છે. એમના દીકરા એ સંમતિ આપી અને કહ્યું કે તો હરિદ્વાર કે કોઈ ધાર્મિક સ્થળની ટ્રેનની ટિકિટ કરાવી આવું. ત્યાં જ દાદા એ એના દીકરા ને કહ્યું કે ના... મારે ગોઆ ફરવા જવું છે.
ત્યાં જ એનો દીકરો બોલ્યો કે પપ્પા! આ ઉંમર માં ગોઆ ના જવાય. કોઈ ધાર્મિક મંદિર કે એવી જગ્યા કહો તો હું ટિકિટ કરાવી આવું. ગોઆ નું તો હું કોઈક ને કહીશ તો તેઓ પણ હસવા લાગશે. એટલે કોઈ સારું સ્થળ કહો તો તમને હું મોકલી શકું. આટલું કહીને દીકરો પોતાની શોપ પર જવા ચાલતો થયો.
ત્યારે દાદા ને મનમાં થયું કે કોઈ હસે તો મને શું ફરક પડે? શું મારે ગોઆ ફરવા પણ ના જવાય?
ઉદાહરણ - 5
હમણાં જ ગ્રામ પંચાયત ની ચુંટણી થઈ. અમારા ગામમાં પણ એક મહિલા સરપંચ ચૂંટાઈને આવ્યા. તે મહિલા સરપંચે ગ્રામ પંચાયતની મુલાકાત લેવાનું પોતાના પતિ ને જણાવ્યું. ત્યાં એના પતિ બોલ્યા કે.. " તારે નથી ક્યાંય જવું. હું જઈ આવીશ અને તું અહીંયા બેસીને સહી કરી દેજે. તું જઈશ તો ગામ શું વિચારશે? "
આટલું બોલીને તેઓ ત્યાંથી નીકળી ગયા પણ મહિલા ને લાગી આવ્યું અને એના આંખમાંથી આંસુ નીકળી ગયા કે ચુંટાઈ તો હું છું. તો કેવું લાગવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે?
(આ રચનામાં બસ વિચારોની અથડામણ વિશે જણાવ્યું છે. આ રચના થી કોઈ વ્યક્તિને ઠેસ કે કોઈને દુઃખ લગાડવાનો ક્યારેય ઈરાદો નથી. છતાંય લાગે તો એક મિત્ર સમજીને માફ કરવા વિનંતી. બસ સમાજમાં પ્રવર્તતી હકીકત સાથે સાક્ષાત્કાર કરાવવા લખ્યું છે. ભૂલ ચૂક હોય તો જણાવી શકો છો. જય હિન્દ જય ભારત.)
પીયૂષકુમાર "મસ્ત - કલંદર"
તા.07/01/2022