Jivla ni durdasha in Gujarati Comedy stories by Mast Kalandar books and stories PDF | જીવલાની દુર્દશા

Featured Books
Categories
Share

જીવલાની દુર્દશા

જીવલાની દુર્દશા

જીવલો એક નાના એવા ગામડાંમાં રત્ન કલાકાર હતો. (રત્ન કલાકાર એટલે સમજો છો ને? નહિ! તો કહું. રત્ન કલાકાર એટલે હીરા ઘસવાનું કામ કરનાર..) જીવલાની શેરીના નાકે એક છોકરી રેતી તી, એનું નામ દિશા હતું. દિશા 12 પાસ થયેલી હતી, અને એના બાપા ગામના સરપંચ હતા. આ નાના એવા ગામમાં એના બાપા ના માથાભારે હોવાના ચર્ચા અને દિશાના રૂપના ચર્ચા અવાર નવાર થતા રહેતા હતા.

જીવલો નાનપણથી જ દિશાના પ્રેમમાં પડેલો હતો. એક વખત થયું એવું કે જીવલાએ મનોમન નક્કી કર્યું કે આજે તો દિશાને કહી જ દેવું છે કે હું તને પ્રેમ કરું છું. આમ તો ભાઈ થી "પાપડ પણ ના ભાંગે" પણ આજે "માંજી ની જેમ" પહાડ તોડવા નીકળેલો. "જબ તક તોડેંગે નહિ તબ તક છોડેંગે નહિ," જીવલાએ પોતાના બધા દોસ્તારો ને વાત કરી કે આજે તો જે થવું હોય તે થાય બાકી "કા આ પાર અને કા ઓલી પાર." ભાઈબંધો તો આ સાંભળીને બધા મોજમાં આવી ગયા.  એટલા માટે નહિ કે જીવલો એના પ્રેમને પ્રપોઝ કરવા જવાનો હતો પણ એટલે કે જીવલાની આજે  જોવા જેવી થશે એ નક્કી. 


જીવલાના બધા ભાઈબંધોએ તો જીવલાને પ્રપોઝ કરવા પ્રોત્સાહન આપ્યું હો ભાઈ. "અરે જીવલા! અમને બધાને તો એવું લાગે છે કે દિશા પણ તને એટલો જ પ્રેમ કરે છે.  તું જ્યારે રસ્તા પરથી નીકળે તો ત્રાહિ નજરે તને જ જોતી હોય છે." અરે અમે તો ત્યાં સુધીનું સાંભળ્યું છે કે એ તો તારા તારા પ્રેમમાં મીરા કે રાધા ના બની જાય.

આવું સાંભળતા જ જીવલાની માલગાડીએ બુલેટ ટ્રેનની સ્પીડ પકડી લીધી હો ભાઈ. આટલું સાંભળીને તો જીવલો ગદ-ગદ થઈ ગયો. એના મનનો દરિયો ઉછળવા માંડ્યો. જાણે આજે એના હૃદયમાં ત્સુનામી ના આવવાની હોય બસ એમ જ.  મિત્રો સાથે ઉભા-ઉભા જીવલો તો સપના જોવા લાગ્યો. બધું imagine કરવા લાગ્યો હો. થોડી જ વારમાં જીવલાનું જોમ સાતમા આસમાને પહોચ્યું. અને જોતજોતામાં તો જીવલો દિશાના ઘર બાજુ મંડ્યો હાલવા.

ભાઈ તો એવા જામ્યા હતા જેમ "બારે મેઘ ખાંગા ના થયા હોય" બસ એમ જ. થોડી જ વારમાં જીવલો તો પહોંચ્યો દિશાના ઘર પાસે હો ભાઈ. દિશાના મનમાં તો જીવલા માટે રણમાં વરસાદ પડે એટલો ય પ્રેમ નહિ અને આ બાજુ જીવલો દિશાને જોઈને હોશ ભૂલવા માંડ્યો. એના મનનો ઉમળકો ધોનીના હેલિકોપ્ટર શોટની જેમ ગતી પકડવા લાગ્યો.  એના મનમાં એના મિત્રોની વાતો ફરવા લાગી. બુલેટ ટ્રેનની સ્પીડે જીવલો દિશાના ઘર પાસે આવી પહોચ્યો. 

એની નજર ઘરની બહાર પાણી ભરતી દિશા ઉપર પડી. નમળી કાયા અને ભરાવદાર જોબનીયું જાણે આકાશમાંથી દેવતાઓ પણ આ કન્યાને નિહાળવા ના આતુર હોય બસ એમ જ. દિશાને જોઈને તો એ "રાજીનો રેડ" થઈ ગયો જાણે એ આજે જ લગ્ન કરી ના લેવાનો હોય અને આજે જ સુહાગરાત ના મનાવી લેવાનો હોય એમ જ હરખાવા લાગ્યો.  થોડી જ ક્ષણોમાં જીવલો દિશા પાસે આવી પહોચ્યો અને જોતજોતામાં તો જીવલાએ દીશાનો હાથ પકડી લીધો અને પ્રપોઝ કરવા નીચે બેઠો. આ બાજુ દિશા તો ઘબરાઈ ગઈ અને એ તો ડરી ગઈ. જોતજોતામાં તો દિશાએ બીકના માર્યા પાણી ભરતા ભરતા એના હાથમાં રહેલી ગાગર જીવલાના માથે ઠોકી દીધી.

થોડી જ ક્ષણોમાં તો હતું નહતું થઈ ગયું. જીવલાને કાઈ સૂઝ્યું જ નહિ અને માથે ચકલીઓ બોલે એમ તમ્મર ચડવા લાગ્યું. (લેડીઝના હાથની ગાગર કેવી વાગે ખબર છે? મને ખબર છે.😁) કાઈ વિચારે એની પહેલા તો દિશા એના ઘરમાં જતી રહી અને જીવલો માંડ્યો એના ઘર બાજુ હાલવા. ઘરે પહોંચ્યો ત્યાં જ એની પાછળ પાછળ એના મિત્રો પણ ઘરે આવ્યા. 

આમ તો માર પડતી વખતે એના ભાઈબંધો દૂરથી આ દૃશ્ય નિહાળી જ રહ્યા હતા પણ એની પડખે કોણ જાય હે! આવા સમયે જીવલાની પડખે એ જ ચડે જેને હડકાયું કૂતરું કવડ્યું હોય. બાકી હાજો માણસ એની સાથે થોડો જાય. 

જીવલો ઘરે પહોચ્યો ત્યારે એના માથાના વાળ ઉભા થઈ ગયા હતા. પોતાના બંને હાથ માથામાં ઘસી રહ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ એના પપ્પા એ પૂછ્યું. 

"એ જીવલા શું થયું?"
(જીવલો પોતાના વખાણ કેમ કરી શકે?)
"અરે પપ્પા! કાઈ નહિ બસ ઠેબુ આવ્યું હતું."

આટલું બોલ્યો ત્યાં તો જીવલાં ના બધા મિત્રો એના પપ્પા ને કહેવા લાગ્યા કે 

"કાકા કાકા! જીવલો તમારી ભવિષ્યના વહુ બેટાને "આઇ લબ યું" કેવા ગયો હતો."
કાકા તો ખુરશી માંથી એમ ઉભા થયા જાણે એમની નીચે ખુરશી નહિ પણ ગરમ તવો ના મૂક્યો હોય.

એટલું સાંભળીને તો જીવલાના બાપાએ પણ જીવલાને ઠપકાર્યો.  એને બે મૂકી અને પછી પૂછ્યું કોણ છે એ છોડી?

ત્યાં જ મારી જેવો કોઈ કવિ હૃદય વચ્ચે ટપકીને બોલ્યો. 
"અરે કાકા! પરી છે પરી એ તો. 
લાંબા - લાંબા કમર સુધીના એના વાળ જાણે કમર અને વાળ એકબીજાને સ્પર્શવા મથતા ના હોય, તલવારની ધાર જેવા એના નેણ, અમાસની કાળી રાત જેવી એની મોટી મોટી આંખો, ગુલાબી અને રસાળ એના હોઠ, અરે એની મુસ્કાન જુવો તો ગુલાબી ઠંડી પણ શરમાઈ જાય, પાતળી નહિ કે નહિ જાડી એવી એની કમર, અને આ ઓગણીસ વર્ષે એનું જોબન એવું તે ખીલ્યું છે કે ના પૂછો વાત."

આવું સાંભળીને તો જીવલાના બાપા એ પેલા કવિ હૃદયને પણ ઠપકાર્યો અને નફામાં જીવલાને બીજી બે મળી. અને કહ્યું કે....

તારી પાસે એની ઓળખ માંગી છે, વખાણ કરવાના નથી કહ્યા. જાણે વરરાજો હું હોવ અને હું જીવલાની નવી માં ના વખાણ સાંભળવા બેઠો હોવ  એમ તું ચોંટી પડ્યો છે. મારા લગ્ન કરાવવામાં છે કે આના... સાલા ડફોળિયાઓ! 

ત્યારથી જીવલો અને એના મિત્રો સમજી ગયા કે 
"જીવલાની દિશાએ જીવલાના જીવનની દુર્દશા બેસાડી દીધી છે."

(લખાણમાં કાઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનંતી.)

પીયૂષકુમાર "મસ્ત - કલંદર"
તા.30.06.202