તખુભાનો ફોન આવ્યો એટલે હુકમચંદ મુંજાયો. ભગાલાલ પોતાને ત્યાં આવ્યો છે એ વાત તખુભાને કોણે પહોંચાડી હશે એનો ખ્યાલ હુકમચંદને આવ્યો નહિ. હવે જો ભગાલાલને લઈને તખુભાની ડેલીએ ન જાય તો કદાચ તખુભા પોતે હુકમચંદના ઘરે આવી ચડવાના હતા. જો એમ થાય તો હુકમચંદની ગોઠવણ બગડી જાય એમ હતું.
"શું થિયું હુકમચંદજી? કોનો ફોન હતો? તખુભાનો? શું કે સે.." મીઠાલાલે હુકમચંદને મુંજાયેલો જોઈ પૂછ્યું.
"કોક હરામીનો તખુભા પાંહે જઈને ભસી આવ્યો લાગે છે. તખુભા કે છે કે મેમાનને લઈ ડેલીએ આવો. હવે કેમ કરવું? નહીં જાવી તો તખુભા આંય આવશે." હુકમચંદે મુંજવણ રજૂ કરતા કહ્યું.
''અરે એમાં શું મુંજાઈ ગયા હુકમચંદ હાલો ને તખુભાને પણ મળી લેવી. આપડી ફેક્ટરી પર સિક્યુરીટીનું કામ આપવાનું થાશે જ. તખુભા ભલે ને એ વિભાગ સંભાળે. બહારના લોકો કરતા જાણીતા સારા.." ભગાલાલે ટાલ પર હાથ ફેરવતા કહ્યું.
ભગાલાલે સુજાડેલો આઈડિયા હુકમચંદને તરત ગળે ઉતરી ગયો. હવે તખુભાને ત્યાં જવામાં વાંધો. નહોતો.
*
"આવો આવો..મેમાન આવો. અલ્યા મીઠા તારે આવા મોટા માણસ હારે ભાઈબંધી છે ઈ વાતેય કોય દી કરી નય ભલામાણસ." તખુભાએ આવકાર આપતા કહ્યું. પછી જાદવાને અંદરના ઓરડામાંથી ગાદી તકિયા લઈ આવવા મોકલ્યો. જાદવો ઓરડામાં જઈ એક ગોદડું અને બે તકિયા લઈ આવ્યો. એક ખાટલા પર એ પાથરીને ભગાલાલને બેસવા કહ્યું. ભગાલાલ અને હુકમચંદ એ ખાટલે બેઠા. મીઠાલાલ તખુભાના ખાટલે બેઠો. ખીમો ભીમો અને જાદવો નીચે બેઠા હતા. ચંચાને ઠંડુ લેવા મોકલ્યો હતો.
''મારો દોસ્ત મીઠો એના કામથી કામ રાખે છે. એને એવી મોટાઈ ન મળે હો. મેં કેટલીવાર કીધું કે ગામ મૂકીને શહેરમાં આવતો રહે. ધંધામાં મારે ઘરના માણસોની જરૂર હોય. પણ માળો મીઠાઈની દુકાન મૂકીને નો આવ્યો તે નો જ આવ્યો બોલો. પછી મારે એને મળવા આવવું પડ્યું. હું આમ તો જાજો ભાગ વિદેશમાં પડ્યો રહું. વરસમાં એકાદ બે વાર મુંબઈ બયરા છોકરાવને મળવા આવું. તે આ વખતે કીધું કે લાવ મીઠાને મળી આવું. શું છે કે મારી દીકરી માટે મીઠા જેવું ઘર બીજે ક્યાંય નો મળે. મીઠો ભલે નો આવ્યો પણ ટેમુને જમાઈ બનાવીને મારી સાથે લઈ લેવો છે શું કો છો..!" ભગાલાલે કહ્યું.
"ઓહો હો તો તો ભાઈ મીઠા ટેમુના ભાગ્ય ખુલી ગ્યા કેવાય. પાછો તું આમાં હા ના નો કરતો.." તખુભાએ હસીને મીઠાને ગોદો મારતા કહ્યું.
"ઈ તો સોકરાવને એકબીજા હારે ફાવે એમ લાગે તો જોશું. ભગાલાલ મારો ભાઈબંધ ખરો પણ સોકરાને બળજબરી નો કરાય ને!'' મીઠાએ કહ્યું.
"અલ્યા મીઠાલાલ, આવું સારું ઠેકાણું તો ભાગશાળી હોય ઈને મળે. લખમી સાંડલો કરવા આવે તારે મોઢું ધોવા જાય ઈનું નામ અભાગિયો!" જાદવાએ કહ્યું.
"જાદવાની વાત તો હાચી છે. મારી જેવો હોય તો તરત વધાવી લ્યે. આવા શેઠ જેવા ભયબન હોય ઈને તાવેથો પકડવાનો નો હોય હો." ખીમો પણ ભગાલાલની નજરમાં આવવા માંગતો હતો.
ભગાલાલ તખુભા સામે મંદમંદ હસી રહ્યો હતો. એ જોઈ તખુભા બોલ્યા, "હા તો મેમાન, શુ ફાવશે? આપડે તાં હુકમસંદ જેવું ગરમ તો નય મળે પણ ટાઢું જરૂર મળશે હો. તમારી જેવા માણસ સાથે ઓળખાણ તો કરવી જ જોવે. અટલે હુકમસંદની નામરજી હોવા છતાં તમને ચા પાણી કરવા બોલાવવા પડ્યા. કાંઈ ખોટું નો લગાડતા હો."
''અરે હોય કાંઈ. તમારી જેવા માણસ સાથે ઓળખાણ થાય ઈતો મારું અહોભાગ્ય છે તખુભા. મીઠો મારો જૂનો ભાઈબંધ..નાનપણનો. ને તમે ને હુકમચંદ નવા ભાઈબંધ. બોલો બરોબર કીધું ને? શું કો છો!''
''પાક્કું પાક્કું..અમારે લાયક કાંય કામકાજ હોય તો કેજો તમતમારે. આપડે ભાઈબંધી માટે માથું આપી દેવી ઈ માયલા માણસ છવી હો." તખુભાએ મૂછને વળ ચડાવતા કહ્યું.
"કામકાજમાં તો એવું છે કે આપડે ધંધુકામાં મોટરકાર બનાવવાની ફેક્ટરી નાખવાનો વિચાર છે. શું છે કે આપડા વતનના માણસોને સારી ને સસ્તી મોટરકાર મળી રહે. શું કો છો! હુકમચંદને આપડે ભાગીદારી માટે વાત કરી છે. તમે રોકાણ કરી શકો એમ હોય તો તમનેય થોડી ટકાવારી દેશું. નકર સિક્યુરીટીવાળું તમે સાંભળી શકો. કારણ કે તમારી પાંહે માણસો હોય ને. શું કો છો!" ભગાલાલે કહ્યું. પછી હુકમચંદ સામે જોઈને હસ્યો.
હુકમચંદને ભગાલાલની એ વાત પસંદ ન આવી. તખુભાને ભાગીદારી આપવાનું કહેવાનું નહોતું. ખાલી સિક્યુરીટીનું કહેવાની જ વાત થઈ હતી.
"પણ તખુભા તમે રોકાણ ના કરી શકો. આમાં લાંબી ટૂંકી મૂડી જોવે. એટલે તમે ભાગીદારીનું રહેવા દેજો. ખાલી સિક્યુરીટીનો વિભાગ સંભાળો તોય તમારે બખ્ખા થઈ જાશે." હુકમચંદે કહ્યું.
"લે આલે! અલ્યા સર્પસ તમે તખુભાને હું હમજો સો. બે પાંચ હજાર તો તખુભાના ગુંજામાં છુટા પડ્યા હોય. તખુભા ધારે તો એકલા ફેક્ટરી કરી હકે હો. આ તો ઈમને ખબર્ય નો હોય બાકી જીમતીમ નો હમજવું. ચીમ નો બોલ્યા બાપુ?'' કહી જાદવાએ ખીખીખી કર્યું.
"આંય ભેંસનો તબેલો કરવાની વાત નથી હાલતી હમજ્યો? મોટરકારની ફેક્ટરીમાં બે પાંચ હજાર નહિ બે પાંચ કરોડ હોય તો મેળ પડે. ભાન નો પડતી હોય તો મૂંગુ રહેવાય.'' હુકમચંદે ખિજાઈને જાદવા સામે ડોળા કાઢ્યા.
"ઈમ? એટલા બધા જોવે? તો તો તખુભા આખા વેસાઈ જાય તોય નો મેળ પડે. તો પસી બાપુ એમ કરો આપડે ઓલ્યું સુ કીધું..સીકુરીટીવાળું જ રાખો.'' જાદવાએ એમ કહી ભગાલાલ તરફ જોઈને ઉમેર્યું, '' તે હેં ભગાલાલ ઈમાં કરવાનું સું હોય ઈતો હમજાવો. મારો ને આ ખીમાં ભીમાનુંય કાંક ગોઠવજો. આપડે દસ હજાર લગી તો રોકી હકશું કિમ બરોબરને ખીમાં?"
''ઈમ તો હું ને ભીમો બેય થઈને પચ્ચી લગી બળ કરી હકવી ઈમ છી. તું દહ કાઢીશ તો અમારી ટકાવારી વધુ થાશે. પેલા કય દવસુ. વાંહેથી ડખામારી આપડને નય ફાવે." ખીમાએ કહ્યું
''ઈમ તો હું એકલો પચ્ચા હજાર કરી દવ. થોડાક ઘરાણા કાઢી નાંખુ તો લાખ થય જાય. તેં હે શેઠ કેટલા કાઢવા પડે ઈ તો હમજાવો. બાપુથી થાય એટલું બળ ભલે ઈ કરતા. બાકીનું આપડે થોડુંક કરી દેસુ. પણ ભાગ તો રાખવાનો જ સે, બરોબરને બાપુ. ઈની માને એકાદી મોટર મારા ફળિયામાં પડી હોય તો રંગ રય જાય ને!" કહી જાદવો ઊભો થઈ ગયો.
ભગાલાલે તખુભા સામે જોયું. જાદવાના બફાટથી તખુભા ગુસ્સે થયા હતા.
"તું મૂંગીનો મર્યને ડોબા. પેલા વાત તો સમજવા દે." કહી ભગલાલને પૂછ્યું, "ભગાલાલ તમે આખી વાત સરખી સમજાવો તો સમજણ પડે. કરોડ બે કરોડની વાતું હોય તો હમજવું પડે. હુકમચંદને ઈમ છે કે એની એકની પાંહે જ રૂપિયા છે. પણ અમે કાંય ખાલી નથી હો! આવા સારા ધંધામાં ભાગ મળતો હોય તો એકાદ ખેતરડું ઉડાડી દેવી." તખુભાને પણ ફેકટરીમાં રસ પડતો હતો.
હુકમચંદને બાજી હાથમાંથી જતી જણાઈ. તખુભા ફેકટરીમાં ઘૂસે એ વાત એને માફક આવે તેમ નહોતું.
"પણ તખુભા, ભગાલાલને ખાલી દસ ટકા ભાગ આપવાનો છે. મારે એ બધી વાત થઈ ગઈ છે. હવે તમારે ખાલી સિક્યુરીટીનું કરવુ હોય તો બોલો."
"પણ પેલા વાત તો હમજાવો. કુલ કેટલું રોકાણ કરવાનું છે. દસ ટકામાં કેટલા રોકવાના થાય ઈ તો કયો. સિક્યુરીટીમાં અમારે શું કરવાનું? ફેકટરીના દરવાજે બંધુક લઈને બેહવાનું? હુકમચંદ તમે મને એવું હલકું કામ કરવાનું કીધું? હેં ભગાલાલ તમે મને આવા કામ માટે લાયક ધાર્યો?" તખુભા ખિજાયા.
"અરે સાવ એવુ નથી તખુભા. એમાં તમારે બંધુક લઈને બેસવાનું નો હોય ભલામાણસ. તમારે કોન્ટ્રાક રાખવાનો હોય. બંધુક લઈને બેસી શકે અને વખત આવ્યે ભડાકો કરી શકે એવા માણસો તમારે મુકવાના. કંપની તમને એના માટે મોટી રકમ આપશે. એમાંથી એ બધાના પગાર કરવાના. એકવાર બધું સેટ થઈ જાય પછી તમતમારે અહીં ડેલીએ બેસીને ડાયરા કરજો ને! શું કો છો!" ભગાલાલે હસીને કહ્યું.
"તો ઠીક છે. હવે આખી વાત હમજાવવી છે કે ગોળગોળ ફેરવવા છે?" તખુભા શાંત પડ્યા.
"આપડને તો બંધુકવાળું નય ફાવે. હું રાજીનામુ આપું છવ. અલ્યા ખીમલા તારી ને ભીમલાની ફાટતી નો હોય તો તમેં રેજો." અત્યાર સુધી ઊભેલો જાદવો બેસી પડ્યો.
"હું ને ભીમો બેય હારે હોવી તો બેય વચાળે એક બંધુક તો ફોડવી હો. ભીમા તું નાળસું પકડજે. હું ભડાકો કરીશ. પણ તખુભા પગાર ચેટલો દેશો ઈ તો કયો. પાસું કોક સામો ભડાકો કરે ઈમ હોય તો આપડે નથી રેવું." ખીમાએ કહ્યું.
"તમે ત્રણેય મૂંગા મરો નકર ખાશો મારા મોઢાની. ગધેડીનાવને સાલનીય સમજણ તો પડતી નથી ને દોઢડાયના થાય છે." તખુભા ખિજાઈ ગયા. પછી ભગાલાલને કહ્યું, "ભગાલાલ તમે હવે માંડીને વાત કરો. જો કોઈ વચ્ચે બોલશે ને તો એક જોડો ઠોકીશ માથામાં.."
"જોવો તખુભા, આમાં એવું છે કે આપણે ભાટા મોટર્સ નામની કંપની ટાંઝાનીયા નામના આફ્રિકાના દેશમાં હલાવવી છીએ. ઈની શાખા આપડા ધંધુકામાં ખોલવાની પરવાનગી આપડી કંપનીએ મેળવી લીધી છે. આપડે સાયકલથી માંડીને ચાલીસ પૈડાવાળા મોટા ટ્રક બનાવવી છીએ.
ઈમાં આપડે બેંકુ પાસેથી અઢાર હજાર કરોડની લોનું પાસ કરાવવા એજન્ટુ રોકેલા છે. કુલ ઓગણનેવું એજન્ટુ હાલમાં બત્રીસ બેંકુના મેનેજરોને ફોડવા સાટું લગાવેલા છે. કારણ કે આમાં મેનેજરું ફૂટે તો જ લોન પાસ થાય. ઈ પછી આપડે ધંધુકામાં એરપોર્ટ બનાવડાવવું પડશે કારણ કે આપડો કાચો માલ મોટા મોટા વિમાનમાં લાવવો પડશે. ધંધુકામાં આપડી કંપનીએ બે હજાર વિઘા જમીન લેવા ચોપન દલાલોને ધોડાવ્યા છે. આપડે પચીસ વિઘા તો લય પણ લીધી છે. રોજ નવા નવા ખેડૂતોને આપડા દલાલો મળવા જાય છે. આપડે વિધાના વીસથી પચ્ચીસ લાખ પ્રમાણે ખરીદીએ છીએ. જેવી જમીન એવો ભાવ આપવો પડે. આ બધું એકદમ ખાનગીમાં ચાલે છે. કારણ કે આફ્રિકાની બીજી ચાર પાંચ કમ્પનીઓ પણ આપડી વાંહે પડેલી છે. જર્મન કંપની ભુન્ડઈ, જાપાનની ભોન્ડા, ઇંગ્લેન્ડની ભીશાન અને અમેરીકાની ભોયટો, રશિયાની ભોક્સ ભેગન આ બધી જ કંપ્નીયું ભારતમાં ઘુસવા સરહદે તંબુ તાણીને ઉભેલી છે. આપડે એ બધાથી આગળ છીએ કારણ કે હું મૂળ ધંધુકાનો છું અને આપડું નેટવર્ક ઠેઠ દિલ્લીથી હરિયાણા સુધી ફેલાયેલું છે. એટલે સરકારે આપડી કંપનીને તરત જ પરવાનગી આપી દીધી છે. જો કે ખોંગ્રેસ સહિત બધી જ પાર્ટીયુને આપડે કરોડો રૂપિયા ધરબી દીધા છે. હવે બેંકુંના મેનેજરો ફુટવાની તૈયારીમાં છે. હજી હમણાં જ મેસેજ આવ્યો. મુંબઈની નાલાસોપારા કો. ઓ. બેંકનો મેનેજર ફૂટયો છે. તામિલનાડુની નવ બેંકુના મેનેજરો કાલે ફૂટવાના છે. આપડા ગુજરાતની વાત કરું તો ડેડીયાપાડા બાજુની બે બેંકુ, કચ્છની ચાર બેંકુના મેનેજર ફૂટવાની ઘડીઓ ગણાઈ રહી છે. એ પછી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાવાળા પણ ફૂટવા માટે સામે ચાલીને આવશે. શુ કો છો..!" કહીને ભગાલાલે ઊંડો શ્વાસ લઈ પોરો ખાધો.
તખુભાનું મોં ફાટ્યું રહ્યું. હુકમચંદ મનોમન વિચારવા લાગ્યો કે સાલું હજી તો ભગાલાલે એકપણ પેગ માર્યો નથી તોય આવડી મોટી વાતો કરે છે એટલે લગભગ આ બધું સાચું જ હોવું જોઈએ. જાદવો, ભીમો અને ખીમો તો આંખો ફાડીને ભગાલાલને તાકી રહ્યા. એ વખતે ઠંડુ લઈને આવેલો ચંચો પણ પૂતળું બનીને ડેલીની બારસાખે ચોંટી રહ્યો.
ડેલીમાં ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. મીઠાલાલને સમજાતું નહોતું કે ભજીયા તળતો ભગો આવડી મોટી કંપનીનો માલિક ક્યાંથી થઈ ગયો.
ભગાલાલની યોજના શું હતી એ કોઈ જાણતું નહોતું. પણ ભગાલાલને હુકમચંદના બુલેટ પાછળ બેસીને જતા જોઈ ગયેલો બાબો, ટેમુની દુકાનેથી ઘેર જઈ એણે શીખેલી જ્યોતિષ વિધાના જોરે ભગાલાલના ચહેરા પરથી એના વ્યક્તિત્વને જાણવા કંઈક ગણતરી કરતો હતો.
(ક્રમશઃ)