હુકમચંદને આવેલો જોઈ મીઠાલાલ મનોમન હસ્યો. અમસ્તો તો કોઈ દિવસ હુકમચંદ મીઠાલાલના ઘરે આવે નહિ. પણ લાલચ બુરી ચીજ છે ને! ટેમુએ જે ગોળ કોણીએ ચોંટાડયો હતો એને કારણે હુકમચંદે ભગાલાલ માટે ખાવા પીવા અને સુવાની પણ વ્યવસ્થા કરી હતી. વળી જો ભગાલાલ ઈચ્છે તો રાતને રંગીન કરી આપવાની પણ હુકમચંદે તૈયારી કરી હતી.
"આવો આવો હુકમચંદજી. આજ તો ભાઈ અમારા ઘરે તમારા પાવન પગલાં થ્યાને કાંઈ!" મીઠાલાલે હસીને આવકાર આપ્યો.
હુકમચંદ, ભગાલાલ અને મીઠાલાલ સાથે હાથ મેળવીને ખાટલે બેસતા બોલ્યો, "ટેમુએ કીધું કે મેમાન આવ્યા છે એમને કાંક મોટું રોકાણ કરવુ છે. હવે આપડા ગામમાં તો એવા રોકાણનો વહીવટ સંભાળી શકે એવું કોણ હોય! ટેમુને સમજણ તો ખરી હો!"
"હા ટેમુ હુંશિયાર તો છે જ. ઈમ તો રવજી સવજીને વાત કરવાનો વિચાર હતો, પણ કીધું કે પેલા ખમતીધર તો તમે જ કેવાવ." મીઠાલાલે કહ્યું. પછી ભગાલાલ તરફ ઈશારો કરીને ઉમેર્યું,
"આ મારો ખાસ ભયબન છે ભગાલાલ. મુંબઈમાં મોટો બિઝનેસ છે. મૂળ ધંધુકાના, ઘણા વરહથી વિદેશમાં હતા. સાવ સાદો માણસ હો..રૂપિયાનું ઠામકુય અભિમાન નય લ્યો. ઘરે ગાડીયુંનો થપ્પો માર્યો છે પણ બસમાં બેય માણહ આવ્યા!''
પછી ભગલાલ તરફ ફરીને હુકમચંદનો પરિચય આપતા કહ્યું,
"આ અમારા ગામના સરપંચ છે હુકમચંદજી. ભારે હોશિયાર માણહ હો. એમના આવ્યા પછી ગામની સિકલ ફરી ગઈ. ફરતા એકેય ગામમાં આમની જેવા સરપંચ નથી."
"આપણે શું છે કે નાના માણસની જિંદગીનો અનુભવ પણ લેતા રહેવું પડે. પૈસા તો હાથનો મેલ છે. આજ છે તો કાલ નથી. બાપાએ એ જ શીખવાડ્યું છે કે ઝાડવું ભલે ગમે એટલું ઊંચું થાય પણ જમીન સાથે જોડાયેલુ નો હોય કે મૂળ ઊંડા નો હોય તો સુકાઈ જાય. અથવા સારો પવન વાય તો ઉખડીય જાય. શું કો છો..!" ભગાલાલે ખાટલામાં પડેલું સિગારેટનું બોક્સ ઉઠાવીને હુકમચંદ તરફ લંબાવતા કહ્યું.
હુકમચંદ અહોભાવથી ભગાલાલને તાકી રહ્યો. એક સિગારેટ લઈ એણે હોઠ વચ્ચે મૂકી એટલે ભગાલાલે લાઈટર જલાવીને હાથ લંબાવ્યો. હુકમચંદે સિગારેટ સળગાવી. એ પછી મીઠાએ અને ભગાલાલે પણ એકએક સિગારેટ સળગાવી.
"વાહ આ સિગરેટ તો ભાઈ જોરદાર છે હો. આવી તો પેલીવાર પીધી. ભારે લિજ્જત છે આની તો." હુકમચંદે કશ મારીને ધુમાડો છોડતા કહ્યું.
"આપડે શું છે કે મોળી વસ્તુ વાપરતા જ નથી. સો રૂપિયાની એક છે. જો કે હું તો આનાથી ભારે માયલી પીઉં છું.
પણ એ ઈન્ડિયામાં મળતી નથી. એમ તો પાછું સાદી બીડીનું ઠૂંઠું મળે તોય ચૂસી લઉ હો. આપડે એવું કંઈ નહીં! જમીન સાથે જોડાયેલું રહેવાનું. બહુ ઊંચું ઉડઉડ નહિ કરવાનું. શું કો છો..!"
"એકદમ બરોબર કીધું. ભગાલાલ તમારી વાત સો ટકા સાચી. તો આજ રાતે આવો આપણે ત્યાં. ભજીયાનો પોગ્રામ રાખ્યો છે. સાથે તમારે જે જોવે એની બધી વ્યવસ્થા પણ કરી છે. ટેમુએ કીધું એટલે હું તરત સમજી ગયો." હુકમચંદે હસીને કહ્યું.
"અરે ના ભાઈ ના. એમ તમારે ત્યાં થોડું અવાય? હું તો મારા ભયબનને મળવા આવ્યો છું. હું ને મીઠો બેઉ નાનપણના ભાઈબંધ! મીઠાને બહુ કીધુ કે આફ્રિકા આવતો રે. એકાદી ખાણનો વહીવટ કર, પણ એ મૂળ ગામડાનો જીવ ને! ન આવ્યો તે ન જ આવ્યો બોલો. પછી મારે આવવું પડ્યું. વિચારું છું કે કાર બનાવવાની ફેક્ટરી નાંખી દવ મીઠાને! આપણા વતનના લોકોને સસ્તી કાર મળી રહે એવું કાંક કરવું છે. માતૃભૂમિનું ઋણ તો ઉતારવું પડશે ને! પણ થોડુંક રોકાણ કરે એવા માણસની જરૂર છે. શું છે કે મીઠા પાસે તો મીઠાઈ સિવાય કાંય હોય નહીં શું કો છો..!" ભગાલાલે ફેંકવા માંડ્યું.
હુકમચંદના મનમાં લાડવા ફૂટવા માંડ્યા. કારની ફેક્ટરી હોય તો તો મોટો ઉધોગ કહેવાય. ભગાલાલના ગળામાં લબડતા જાડા ચેન તરફ એ તાકી રહ્યો.
"એની ચિંતા તમે નો કરતા મેમાન. મીઠાલાલ મને સારી રીતે ઓળખે છે." હુકમચંદે હસીને કહ્યું.
"શું છે કે ધંધામાં વિશ્વાસુ માણસની જરૂર હોય. કારણ કે કરોડો રૂપિયાનું રોકાણ હોય. હજારો માણસો કામ કરતા હોય. રોજની લાખોની ઉથલપાથલ હોય. ઝીણી નજરવાળો માણસ હોય તો જ સંભાળી શકે શું કો છો..!"
"હા હા એ વાત સાચી છે. ગફલત આમાં નો ચાલે. તો ચાલો આપણા ઘરે જઈએ? પેલું લેતા લેતા ચર્ચા કરીએ બરોબરને મીઠાલાલ." હુકમચંદને હવે ઉતાવળ આવી હતી.
"પણ એમ બારોબાર થોડું.." મીઠાલાલે કહ્યું.
"લે એમાં શું થઈ ગયું. નવી ઓળખાણ થઈ છે તો મારી ફરજ નો કહેવાય? ના નો પાડતા હો..હું ઘરે કહીને જ આવ્યો છું." હુકમચંદે આગ્રહ કરતા કહ્યું.
"સારું તો પછી સરપંચ સાહેબ. તમારી ઘણી ઈચ્છા છે તો હું હવે ના નહીં પાડું. કારણ કે આપણે કોઈનું મન દુભાય એવું ન કરાય શું કો છો.." ભગાલાલે કહ્યું.
"હું એ જ કહું છું ભગાલાલ. તમારી ભાઈબંધી કરવી આપણને ગમશે. લ્યો ચાલો ત્યારે. બેનને ને ટેમુના બાને પણ કહી દો આપણે ત્યાં જ આવી જવાનું છે." હુકમચંદે કહ્યું.
"અરે ના ભાઈ ના. બયરાઓ તો ઘરે જ જમી લેશે. ટેમુ પણ છે ને." મીઠાલાલે કહ્યું.
"અરે એમ હોય કંઈ? ટેમુ પણ ભલે આવતો. એવું હોય તો જમીને એ લોકો આવતા રહેશે. આપણે રાતે બેઠક જમાવીશું." હુકમચંદે કહ્યું.
આખરે હુકમચંદનું માન રાખી લેવામાં આવ્યું. હુકમચંદે ભગાલાલને એના બુલેટ પર લીધો. મીઠાલાલે એની એઈટી ઉપાડી.
એ વખતે બાબો આવીને ટેમુ સાથે એની દુકાનમાં બેઠો હતો.
"બાબા તું મોટો શાસ્ત્રી થઈને આવ્યો છો તો મારા હાથની રેખા તો જો. તારી ભાભી કેવીક આવે એમ છે એ તો જો. મારા નસીબમાં શહેર લખ્યું છે કે ગામડું?" ટેમુએ જમણા હાથની હથેળી લાંબી કરીને કહ્યું.
"કેમ આજ અચાનક તને ભવિષ્ય જાણવાનું મન થયું?" બાબાએ ટેમુની હથેળી જોતા કહ્યું.
"મારા બાપાના ભાઈબંધ મુંબઈથી આવ્યા છે. એમની એકની એક દીકરી કંકુ સાથે મને વળગાડવાની વાત કરતા'તા. પછી મને મુંબઈ લઈ જવા માંગે છે એમની ફરસણની દુકાન સંભાળવા. તો મારે મુંબઈ જવું કે નહિ એ જાણવું તો પડે ને!" ટેમુએ કહ્યું.
"આમ તો તું મુંબઈ જતો રહે એ જ સારું. આ ગામમાં તારું કંઈ ભવિષ્ય નથી ટેમુ. તારા બાપાની મીઠાઈની દુકાનમાં તારી જિંદગી તો નીકળી જશે પણ પ્રગતિ કંઈ નહીં થાય. ખાવાનું થઈ રહેશે. આગળની પેઢીનું તો વિચારવું પડે." કહી બાબાએ ટેમુનો હાથ જોવા માંડ્યો. થોડીવાર વિચાર કરીને એ બોલ્યો, "ટેમુ તારા નસીબમાં એક કરતાં વધુ સ્ત્રીઓનું સુખ લખ્યું છે. તું આવતા દસ વર્ષમાં કરોડોપતિ હઈશ. મુંબઈ તને ફળશે." બાબાએ હસીને કહ્યું.
"શું વાત કરછ! એકથી વધુ એટલે કેટલી બતાવે છે?" ટેમુએ ખુશ થતા કહ્યું.
"ત્રણ તો દેખાય છે ટેમુડા. પણ સત્યની રાહ ચુકી નો જતો. સ્ત્રીઓ પાછળ જીવન બરબાદ ન થઈ જાય એનું ધ્યાન રાખજે. કેટલીક સ્ત્રીઓ જીવનના બાગને ખીલવી દેતી હોય છે. કેટલીક વાવાઝોડાની જેમ આવીને બધું વેરવિખેર કરી નાંખતી હોય છે. તારી પાસે પૈસા આવશે એટલે એ પૈસાની પાછળ દુર્ગુણ પણ આવશે. દુર્ગુણ તારા પર હાવી ન થઈ જાય એનું ધ્યાન રાખજે. જીવનમાં કોઈ દિવસ શરાબને હાથ લગાડતો નહિ. કોઈ ગરીબીની આંતરડી કકળે એવું કામ ક્યારેય કરતો નહિ. અને અવળા માર્ગે આવતી લક્ષ્મી ભલે ગમે તેટલી હોય પણ એવી લક્ષ્મીને હાથ લગાડતો નહિ. સત્યનો માર્ગ કદી ચૂકીશ નહિ. બસ તારા આ દોસ્તની આટલી વાત યાદ રાખીશ તો ક્યારેય પસ્તાવાનો વારો નહિ આવે."
"તેં કહ્યું એ પ્રમાણે હું સીધા માર્ગે જ ચાલીશ. પણ હું સુખી તો થઈશ ને? પૈસા હોય એટલે સુખ જ હોય એવું તો ન હોય ને! ગરીબ માણસો પણ સુખી હોય છે."
"સુખ દુઃખનો આધાર તો માનવીના મન પર હોય છે. કઈ બાબતને સુખ ગણવું અને કઈ બાબતને દુઃખ ગણવું એ આપણે નક્કી કરવાનું હોય છે. બાકી દુઃખ તો રાજા રામને પણ હતું જ ને? સુખદુઃખ તો આપણા કર્મોથી જ આવતું હોય છે. સારા કામ કરો કોઈને મદદરૂપ થઈ શકાય એમ હોય તો થવું પણ કોઈને નડવું તો નહીં જ. બસ, આટલો સિદ્ધાંત રાખ્યો હોય તો મંદિરે પણ જવાની જરૂર નથી. કોઈને દુભવીને મેળવેલું સુખ ક્યારેય શાંતિ આપતું નથી. કોઈને કોઈ રીતે એ સુખ પીડાકારક બનીને જ રહેતું હોય છે. તારા બાપાના મિત્ર તને જોવા આવ્યા છે? હુકમચંદના બુલેટ પાછળ બેઠા હતા એ જ ને?" બાબાએ દુકાન આગળથી નીકળેલા હુકમચંદ અને ભગાલાલને જોયા હતા.
"હા એ જ. મારા બાપાના નાનપણના મિત્ર છે પણ છે બહુ ખેપાની. ભલભલાને ભૂ પાઈ દે એવા છે. એટલે એમની છોકરી પણ કંઈ કમ નહિ હોય. મારે એમના ઘરજમાઈ તો નથી થવું, પણ મુંબઈ લઈ જાય પછી એમનો ધંધો સંભાળવાનો થાય તો એમને પણ સંભાળવા જ પડે. આમ તો એ મારી ફરજમાં આવશે."
"કંઈ વાંધો નહિ ટેમુ. એ પણ માબાપ જ કહેવાય. તું એમની દીકરીને ન પરણે તોય તારા બાપાના ભાઈબંધ છે એટલે એમને જરૂર પડે તો તારે ઊભું રહેવું પડે. તો કર કંકુના! એમની દીકરીનું નામ પણ કંકુ જ છે ને!" બાબાએ કહ્યું.
"પહેલા જોઉં તો ખરો! એ કંકુડી મુંબઈમાં મોટી થઈ છે. ને હું અંહી ગામડામાં આ દુકાન સંભાળું છું. મારો ને એનો મેળ પડે તો સારું. કારણ કે એના વિચારો આગળ પડતા હોય તો આપણે પાછળ લબડવાનું થાય જે આપણને માફક ન આવે. તને તો મારા સ્વભાવની ખબર જ છે ને!"
"મોટા શહેરમાં રહેવાના તારા યોગ છે એટલે લગભગ વાંધો નહિ આવે. તેમ છતાં તું કહે છે એ વાત પણ એટલી જ સાચી છે. સ્વમાનના ભોગે સુવિધા ભોગવવા જતા દુવિધા જ મળતી હોય છે. તને એ ગામડીયો ગણીને હલકામાં ન લે એ જોઈ લેજે. નહિતર બીબી કા ગુલામ બનીને જીવવું પડશે."
"એ તો હું જોઈ લઈશ. મુંબઈમાં મોટી થઈ છે એટલે હશે તો એકદમ ફેશનેબલ, પણ સ્વભાવની સારી હોય તો ચાલશે, બાકી બાપાના ભાઈબંધની છોકરી ભલે રહી, અને રૂપિયાવાળાની પણ ભલે રહી, મારા ચોકઠાંમાં બેસે એવી નહિ હોય તો હું ઘસીને ના પાડી દઈશ. આમેય મારા નસીબમાં તો તું કે છે એ પ્રમાણે ત્રણ બયરા છે ને!" કહી ટેમુ હસ્યો.
બાબો પણ હસી પડ્યો. ટેમુએ નાસ્તો કાઢ્યો એટલે બેઉ મિત્રો નાસ્તો કરતા કરતા વાતોએ વળગ્યા.
*****
"ટેમુડાના ઘરે મેમાન આયા સે. ટેમુડો મને વિદેશી માલનું પૂસ્તો'તો. હમણે મેં હુકમસંદના બુલેટ વાંહે બેહીને ઈ મેમાનને જાતા જોયા. વાંહે મીઠાલાલ ઈમનું ઠાંઠીયું લઈને જાતા'તા. લગભગ હુકમસંદના ઘરે પાલટી હોવી જોવે આજ રાતે."
તખુભાની ડેલીમાં ભીમો, ખીમો ને જાદવો તખુભા આગળ બેઠા હતા.
જાદવાએ બનાવેલી ચા પીવાઈ જ રહી હતી. થોડી ચા વધી હતી ત્યાં ચંચાએ આવીને સમાચાર આપ્યા.
તખુભા ચંચા સામે જોઈ હસ્યાં. પછી જાદવાને કહે, "અલ્યા ચા વધી હોય તો દે આને. વાસણ ધોઈ નાંખશે."
''ના ના બાપુ, મારે સા નથી પીવો." ચંચાએ વાસણ ધોવા પડવાની બીકે ચા પીવાની ના પાડી.
"ઈમ નો હાલે. બાપુએ કીધું એટલે પીવી જ પડે. આ તો વધી સે એટલે તને પાવી છવી. નકર ભૂંડા મોઢે ભડકા નો હોય હમજ્યો. નો પીવી હોય તોય વાસણ તો ધોવા જ પડે, હાલ આમ સાનુમુનું." જાદવાએ હુકમ કર્યો.
ચંચાને ના છૂટકે ચા પીવી પડી. અને ચાના વાસણ પણ ધોવા પડ્યા. એ વાસણ ધોઈને ડેલીમાં આવ્યો એટલે જાદવાએ કહ્યું, "ઢાળીયામાં હાવણો પડ્યો સે. ડેલા બાર્ય કસરું બવ ભેગું થિયું સે, જરાક વાળી નાંખ હારેહારે."
ચંચાએ તખુભા સામે જોયું. એટલે જાદવો ખીજાયો, "ઈમાં બાપુ હામે સું જોવાનું હોય. કીધું ઈ કરવાનું જ હોય. લે ઝટ પતાવ અટલે તારી વાત હાંભળવી."
"ઢાળીયામાં ગાવડી પોદળો કરી સે ઈ શોતે ઢહડી લેજે. પસી ખૂણામાં ખડનો ઢગલો પડ્યો સે ઈમાંથી બે કોળી ખડ ગાવને નીરતો આવજે." ખીમાએ પણ કામ ચીંધ્યું.
હુકમચંદની માહિતી તખુભાને પહોંચાડીને તખુભાનો રાજીપો મેળવવાની આશા રાખીને આવેલો ચંચો સલવાયો હતો. એણે આપેલી માહિતી તો તખુભાએ કાને પણ ધરી નહિ. ઘૂંટડો ચા પાઈને કામે લગાડી દીધો. ચંચો મનોમન તખુભા અને જાદવાને ગાળો ભાંડતો રહ્યો. કામ પતાવીને એ ડેલીમાં આવીને બેઠો એટલે તખુભાએ હસીને કહ્યું, "હા હવે બોલ્ય, શુ કેતો'તો હુકમસંદનું?"
"કાંય નય ઈતો અમથું. મીઠાલાલના મેમાન હુકમસંદના ઓળખીતા હશે અટલે ઈમના ઘરે જાતા હશે. ઈમાં કાંય નવીન નથી.'' ચંચાનો વાત કરવાનો ઉત્સાહ મરી પરવાર્યો હતો.
"ના ના કાંક ખાસ વાત હશે તો તું ધોડીને બાપુને વા'લો થાવા આયો હો. જરીક કામ ચીંધ્યું ઈમાં તું વાત ગળી જા સો. જે હોય ઈ ભંહી નાંખ નકર એક જોડો ઠોકીશ મોઢા ઉપર્ય." જાદવાએ ચંચાને બરબરનો લાગમાં લીધો.
"જાદવ ઈમ નો કરવી ભાય. બચાડો કે તો સે. મીઠાલાલનો મેમાન હોય ને હુકમસંદનો ઓળખીતો હોય તોય હુકમસંદ ઈને બુલેટ વાંહે બેહાડીને ઘરે તો નો જ લય જાય. નક્કી કાંક રમત હોવી જોવે. તમને શું લાગે સે બાપુ?" ભીમાએ બીડી સળગાવતા કહ્યું.
"હુકમચંદ કોકને બોલાવવા મોકલે. પોતે જઈને મેમાનને ઘરે લઈ જ્યો હોય તો ઈ મેમાન જેવોતેવો તો નો જ હોય. અલ્યા કોણ હતું ઈ?" તખુભાએ ચંચાને કહ્યું.
"બાપુ ઈ ભગાલાલ હતા. હું ઈમને બસસ્ટેન્ડે ભેગો થ્યો'તો. પસી હું ઈમને મીઠાલાલના ઘરે મુકવા જ્યો'તો. બવ મોટી પાલટી સે. ટેમુડો મને વિદેશી માલનું પુસ્તો'તો. મેં કીધું કે માલ તો હુકમસંદ પાંહે હોય. પસી હુકમસંદ અતારે ઈમને ઘરે લય જ્યા સે અટલે પાલટી હોવી જોવે. સનીયાનું બયરૂ શોતે ઈ મેમાનની સેવામાં જાવાનું સે. મેં ટેમુડાને કીધું'તું પણ મને કમિસન દેવું નો પડે અટલે હુકમસંદે ડાયરેક કરી નાખીયું લાગે સે. મેમાનને નક્કી ખંખેરવાનો પલાન હશે નકર સર્પસ સામે હાલીન લેવા જાય એવા નથી." ચંચાએ બધી જ માહિતી મેળવી હતી.
ચંચાની વાત સાંભળીને તખુભા વિચારમાં પડ્યા. એ જોઈ જાદવો બોલ્યો, "મારું બેટુ કે'વુ પડે! ઈ મેમાનને તો જોવા પડે હો. સર્પસ ઈની હાટુ સનીયના બયરાની સેવા આપે તો તો કાંક મોટું હોવું જોવે. ઈમ કરો ને બાપુ, આ સંચિયાને મેકલીને ઈ મેમાનને સા પાણી પીવા ડેલીએ બોલાવો. અટલે આપડનેય કાંક જાણવા મળશે."
"હા હો ઈ વાત સાચી તારી જાદવ." કહીને તખુભાએ ચંચાને હુકમ કરતા કહ્યું, "જા અલ્યા હુકમચંદને કેજે કે મેમાનને લઈને આંય આવે."
"પણ બાપુ તમે સીધો ફોન જ કરો ને બાપા. મને શીદને ધોડાવો સો. વળી મારા કીધે નોય આવે. તમે સીધી જ વાત કરો તો ના નો પાડી હકે. મને કાંક બાનું બતાવીને ના પાડી દેહે." ચંચાને પણ થોડી બુદ્ધિ તો હતી.
"આમ તો સંચિયો કેસે ઈ બરોબર સે બાપુ. કાંય હા ના કરે તો કય દેજો કે સર્પસ થયને ગામના બયરાવની આબરૂ લૂંટાવતા સરમ નથી આવતી. અને દારૂની પાલટીયું કરો સો? ગામ જાણશે તો મોઢું દેખાડવા જેવા નય રો." જાદવાએ બીડી સળગાવતા કહ્યું.
તખુભાએ થોડીવાર વિચાર કરીને હુકમચંદને ફોન કર્યો. એ વખતે હુકમચંદની બેઠકમાં ભગાલાલ અને મીઠાલાલ બેઠા હતા. ચનાની બયરી સુંદરી, ઠીકઠીક કહી શકાય એવી સુંદર હતી. એ પાણીના ગ્લાસ લઈને મહેમાનને પાણી આપી રહી હતી. ભગાલાલે એની સામે જોયું એટલે સુંદરીએ સ્મિત વેરીને ડાબી આંખનું પોપચુ સહેજ નમાવ્યું હતું. એ જોઈ પાણી પીવાનું ભૂલીને ભગો પાણી પાણી થઈ રહ્યો હતો. અને હુકમચંદ મુછમાં હસી રહ્યો હતો.
એ જ વખતે તખુભાનો ફોન આવ્યો. હુકમચંદને સહેજ પણ ખ્યાલ નહોતો કે ભગલાલની મહેમાનગતિના સમાચાર તખુભાને મળી ગયા હશે.
"બોલો બોલો તખુભા.." હુકમચંદે ફોન ઉપાડીને કહ્યું.
"હુકમચંદ કેમ છો? શું ચાલે છે નવીનમાં..?" તખુભાએ કહ્યું.
"નવીનમાં તો શું હોય. એનું એ જ વળી. બોલો ને શું કામ હતું?"
"કોઈ મેમાન આવ્યા છે? મને હમણાં સમાચાર મળ્યા કે તમારા ઘરે આજ ખાસ પોગ્રામ છે. કોક મોટો માણસ મેમાન થયો છે. તો એકલા એકલા મેમાનગતિ કરશો? અમે કાંય મરી નથી ગ્યા હો હુકમચંદ. અમનેય લાભ લેવા દેજો જરાક. લ્યો આવો ડેલીએ મેમાનને લઈને. ચા પાણી કરીએ..તમારી જેવું અમારી પાંહે તો કાંય નો હોય, પણ કંહુબો મળી રહે હો..હે..હે..હે..!"
હુકમચંદના પેટમાં ફાળ પડી. તખુભાને આ બધી ખબર ક્યાંથી પડી એ એને સમજાયુ નહિ.
"અરે તખુભા એ તો મીઠાલાલના મિત્ર છે અને મારા જુના ઓળખીતા છે એટલે ચા પીવા બોલાવી લાવ્યો છું. શું તમેય ભલામાણસ, એવી કંઈ ખાસ પાર્ટી નથી. અને મારે ત્યાં ઓલ્યું ને પેલું એવું કંઈ થોડું હોય?"
"હા હા હુકમચંદ. ઓલ્યું ને પેલું નો હોય તો કાંય નહિ, પણ મેમાનને લઈને ડેલીએ તો આવવું જ પડે હો! મીઠાલાલનો ભાયબંધ ઈ આપડોય ભાઈબંધ ભલામાણસ. લ્યો આવો હું ચા મુકાવું છું."
"અરે પણ એમ અત્યારે મેળ પડે એમ નથી. મેમાન રોકવાના જ છે કાલનું રાખોને ભાઈશાબ. હજી તો આવીને બેઠા જ છીએ." હુકમચંદે કહ્યું.
"તે ઘડીક પછી આવો. ને મેળ શું નો પડે..હુકમચંદ હોય ને મોળી વાત હોય? કાલની કોને ખબર્ય છે વળી. હું રાહ જોવ છું હો. નય આવો તો મારે મેમાનને તેડવા આવવું પડશે. ઈના કરતા તમે જ આવી જાવ તો ઠીક રહેશે. નકામી ગામમાં ખોટી વાતું થાય ઈના કરતા..." તખુભાએ દાણો દબાવ્યો.
હુકમચંદને હવે તખુભાની ડેલીએ ભગાલાલને લઈ જવો જ પડે એમ હતું. મનમાં તો ઘણી દાઝ ચડી; પણ તખુભા બધું જાણી ગયા હતા એટલે છૂટકો નહોતો.
ભગાલાલ હવે તખુભાની ડેલીએ બફાટ કરશે તો શું થશે એ જાણવા વાંચતા રહો મોજીસ્તાન પાર્ટ 2 ની આ મજાની સફર!
(ક્રમશઃ)