ભગાલાલની વાતથી ડેલીમાં બેઠેલા દરેકજણ ભારે નવાઈથી ભગાલાલને તાકી રહ્યા. તખુભાએ આવડી મોટી કંપનીમાં ભાગ રાખવાનું મનોમન માંડી વાળ્યું. કારણ કે તખુભા જાણતા હતા કે લાંબા સાથે ટૂંકો જાય તો મરે નહિ પણ માંદો તો થાય જ! જાદવો, ખીમલો અને ભીમલો વધુ વિચારી શકવા સક્ષમ નહોતા. હુકમચંદ મુંજાયો હતો પણ એને ભગાલાલનો ભાગીદાર બનવાની ઈચ્છા હતી.
"હવે આમાં તો આપડો કાંય મેળ નય પડે ભાય. એરપોર્ટ બનાવવાનું ને મોટી મોટી કંપનીયું હારે હરિફાયું કરવાનું આપડું કામ નય. ભગાલાલ તમે ટાઢું ઉનું કરીને બેહો ઘડીક. પસી તમતમારે હુકમસંદને ભાગીદાર બનાવી દેજો. આપડું આમાંથી રાજીનામુ છે હો ભાય. આપડે ભલા ને આપડા ખેતર ભલા ને ભલુ આપડું ગામ." કહી તખુભાએ ચલમ સળગાવી.
"હું તો કેતો જ હતો કે તખુભા આમાં તમારુ કામ નથી. આમાં લાંબી ટૂંકી મૂડી જોવે. પણ તમે મારી વાત શું કામ માનો. તમને તો ઈમ છે કે હુકમચંદ લાભ લઈ જાશે ને હું રહી જાશ. એટલે તાબડતોબ અમને ડેલીએ બોલાવ્યા. કોકના મેમાન કોકના ઘરે ચા પાણી પીવા જાતા હોય તો જાવા દેવાય. પરાણે આમ તેડાવી નો લેવાય. અમથા તો કોય દિવસ મીઠાલાલને બોલાવતા પણ નથી ને આજ આવો ને આવો જ. તખુભા તમે તો ભારે કરી. તોપખાનામાં નામ લખાવવું હોય તો દારૂગોળાનો અનુભવ હોવો જોવે. ઈમનીમ સીધું હાલી નો નિકળાય. હાલો ભગાલાલ ઊઠો આંયથી. ખોટેખોટો ટાઈમ બગાડ્યો." હુકમચંદ ખિજાઈને ઊભો થઈ ગયો. તખુભાને કંઈ બોલવા જેવું રહ્યું નહિ.
પણ ભગાલાલ ઊભો ન થયો. એણે હુકમચંદ સામે હસીને કહ્યું, "બેસો હુકમચંદ. તમે લોકોએ મારી વાત હજી પૂરેપૂરી સાંભળી નથી. દરિયો તરવા માટે જહાજ પણ હોય અને નાની હોડી પણ હોય. જહાજ હોય એ વધુ આઘુ જાય એની કેપિસિટી પ્રમાણે. હોડી હોય તો હોડી પ્રમાણે હલેસા મારી શકાય.."
"એટલે તમે શું કહેવા માંગો છો ભગાલાલ. કાંક સીધું કહો તો ખબર પડે ભલામાણસ." હુકમચંદને હવે કંટાળો આવતો હતો.
"જોવો આમાં એવું છે કે મેં જે કંપનીની વાત કરી ઈ કંઈ મારી એકલાની નથી. આવડી મોટી કંપની કોઈ એકલાની હોય એવું બહુ ઓછું બને. આમાં પબ્લિક પણ ભાગીદાર હોય. મેં આ કંપનીનો અમુક હિસ્સો રાખ્યો છે. એમાં મારે જેને જેટલો ભાગ દેવો હોય એટલો હું દઈ શકું. કંપની છથી આઠ મહિમા રૂપિયા ડબલ કરશે. તમે લાખ રોકો તો વધુમાં વધુ આઠ મહિનામાં બે લાખ થાય. પછીમાં આઠ મહિને બેના ચાર ને ચારના આઠ..આ બધી કંપનીના ભાગીદારો કાંય અમથા જલસા કરે છે? આમ તો હું આ વાત કોઈને પણ કરતો નથી. પણ મીઠો મારો લંગોટીયો યાર છે. હવે તમે જ કો આવો લાભ મળતો હોય તો પેલા મીઠાને દેવો પડે કે નો દેવો પડે? શું કો છો! મીઠા જોડે જેમને સારા સબંધ હોય એ લોકોને પણ થોડોથોડો લાભ આપવો એમ મને લાગ્યું એટલે તમને વાત કરી. પાછું તમે ધંધામાં રસ બતાવ્યો એટલે થોડીક વિગતે વાત કરી. પણ આમાં બહુ જગ્યા નથી હો. ઈચ્છા હોય તો જેમ બને તેમ જલ્દી કરજો પછી મને કે મીઠાને શરમાવતા નહિ હે હે હે..!" ભગાએ હસીને વાત પુરી કરી.
"છો થી આઠ મહીને ડબલ? તો તો ભારે હારુ કેવાય. ચેટલા ટકા વ્યાજ સુટે! તેં હેં ભગલાલ ઓસામા ઓસા કેટલા રોકવા પડે?" જાદવો ફરી ઊભો થઈ ગયો.
"અલ્યા તું હેઠો બેસને. તારી જેવા રોડે હાલ્યા જતા બધા માટે વાત નથી હમજ્યો? તખુભાને ઈચ્છા હોય તો ઠીક છે બાકી મીઠાને જે સગવડ હોય એ મીઠો રોકશે. બીજો ભાગ હું જ રાખવાનો છું." હુકમચંદ જાદવા પર ખિજાયો.
"અરે હુકમચંદ એમ તમે કોઈને ઉતારી ન પાડો યાર. દરેકને એની હેસિયત મુજબ અભિમાન હોય જ! જુઓ આમાં ઓછામાં ઓછા એક લાખથી સ્કીમ શરૂ થાય છે. તમારી પાસે એક લાખ ન હોય તો બે કે ત્રણ ભેગા થઈને એક નામે રોકશો તો ચાલશે. પણ એન્ટ્રી એક જ નામની પડશે એ ધ્યાનમાં રાખજો. તમને એક લાખનુંજ એક સર્ટિફિકેટ આપવામાં આવશે. એમાં કંપનીની બધી વિગત લખેલી હશે. તમે ઓનલાઈન કંપનીનો વિકાસ કેટલો થયો એ જોઈ શકશો. કેટલા ટકા નફો મહિને થયો એ પણ બતાવશે. તમારા લાખમાં કેટલો વધારો થયો એનો રોજેરોજનો રેકોર્ડ આવશે. પણ આ વાત ડેલા બહાર ન જાય એનું ધ્યાન રાખજો. બધા માટે આ સ્કીમ નથી. આજે પાંચ તારીખ છે; આવતી ત્રીસ તારીખે આ સ્કીમ બંધ થઈ જવાની છે. એટલે જો વિચાર હોય તો જલ્દી જણાવી દેજો. કોઈને ફોર્સ નથી હો. લો ચાલો તખુભા તમારું ઠંડુ તો હજી આવ્યું નહિ.અમારે હવે મોડું થાય એમ છે બાપુ." ભગાલાલે કહ્યું.
"ચ્યાં મરી ગ્યો ઓલ્યો ચંચિયો. સાલો ઠંડુ લેવા ગયો છે કે બનાવવા! અલ્યા જાદવ જરાક ફોન કર્ય ઈને."
તખુભાએ ખિજાઈને કહ્યું. તખુભાની રાડ સાંભળીને ડેલી બહાર ઊભો રહી ભગાલાલની સ્કીમ સાંભળતો ચંચો તરત જ ડેલીમાં હાજર થતા બોલ્યો, "આ રિયો બાપુ. ચ્યાંય મરી નથી જિયો.."
"ઝટ ગ્લાસ ભરીન મેમાનને દે હવે. એમને મોડું થાય છે."તખુભાએ કહ્યું.
ચંચાએ તરત જ ઠંડાના ગ્લાસ ભર્યા. ઠંડુ પીવાઈ રહ્યું એટલે મીઠો, ભગાલાલા અને હુકમચંદ ઊભા થયા.
"મારે તો એક નામ લખાવવું જ સે. કાલ્ય હવારે હું મીઠાલાલને ન્યા આવીન રૂપિયા એક લાખ દય જાશ.
ફોરમ બોરમ જે ભરવાનું હોય ઈ તમે ભરી દેજો." જાદવાએ ઊભા થઈને ભગાલાલનો હાથ પકડી લીધો.
"હું તમને ઓળખતો નથી ભાઈ. જો તખુભા, મીઠાલાલ કે આ હુકમચંદ તમારી ભલામણ કરતા હોય તો જ હું તમારું ફોર્મ ભરીશ. એમ ગમે તેના પૈસા અમારાથી લેવાતા નથી. કારણ કે અમારે પૈસા લઈને ભાગી નથી જવાનું. આઠ મહિને ડબલ કરી દેવાના છે. એટલે વિશ્વાસ હોય એવા લોકોના જ રોકાણ અમે લેવી છીએ. શું કો છો!" ભગાલાલે જાદવાના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લેતા કહ્યું.
"હા તે વાંધો નહિ..તખુભા મારી ભલામણ કરી દેશે." કહી જાદવાએ તખુભા સામે જોયું, "આમાં રૂપિયા તો મારે રોકવાના છે. પછી તમારે હા પાડવામાં સુ વાંધો સે, બરોબરને..!"
"હા ભાઈ તારે રોકવા હોય તો મને શું વાંધો છે. પણ વિચારીને જે કરવું હોય ઈ કરશું આપડે. અત્યારે મેમાનને જાવા દે."તખુભાએ કહ્યું.
થોડીવાર પહેલા એકદમ રસ લઈ રહેલા તખુભા વાત સાંભળ્યા પછી એટલા ઉત્સાહી દેખાતા નહોતા. એ ભગાલાલે નોંધ્યું. પછી હોઠ સહેજ મલકાવીને એ ચાલતો થયો.
*
ભગાલાલ ગયો એટલે તખુભાએ જાદવાને કહ્યું, "અલ્યા તું તો બવ ઉતાવળો. ભગાલાલની કંપની હજી જમીન ગોતે છે. બેંકુમાંથી લોન લેવા મેનેજરુંને ફોડવાની વાતું કરે છે. જો બધું કાયદેસર હોય તો મેનેજરુંને ફોડવા શું કામ પડે? આવડી મોટી કંપનીને તો સામે ચાલીને બેંકુ લોન આપે. તારું ડોહુ આઠ મહિને ડબલ કરે એવી કંપની ક્યાંય હાંભળી છે? એ ભગાલાલ મોટો ઠગાલાલ લાગે છે મને તો. તારે લાખ રોકવા હોય તો મારે શુ કામ ના પાડવી પડે. પણ મને બધું બરોબર લાગતું નથી. ભગાલાલ હમજતો હશે કે ગામડાના લોકોમે કાંય અક્કલ હોતી નથી."
"એવું હશે બાપુ? હાળું મને તો કાંય બવ વાંધો હોય એવું નો લાગ્યું. મીઠો તો ઠીક પણ હુકમચંદ કાચું નો કાપે હો તખુભા. તમે ભલે ગમે ઈ કેતા હોય..સાવ પાણીમાં લાકડીયુંના ઘા નો કર્યા હોય હો. સતાં હું કાલ હંધુય બરોબર હમજી લશ." કહી જાદવો પણ ઘરે જવા ઊભો થયો.
જાદવો ઉઠ્યો એટલે ભીમો ને ખીમો એની પાછળ ચાલ્યા. ચંચો પણ ઠંડાના ગ્લાસ ધોઈને જલ્દી ભાગ્યો. ભગાલાલની સ્કીમ એના મગજ પર સવાર થઈ ગઈ હતી. ક્યાંકથી એક લાખનો મેળ બને તેટલી જલ્દી એને કરી લેવો હતો!
*
હુકમચંદ ભગાલાલને લઈ ઘરે પહોંચ્યો એ પહેલાં ચંચો હુકમચંદના ઘરે પહોંચી ગયો. એને જોઈ હુકમચંદ ખિજાયો, " કેમ અલ્યા..તું તખુભાની ડેલીમાં તારા બાપનું શું છોલાવતો'તો. ભગાલાલની વાત તેં જ તખુભાને કરી છે ને? નાલાયકના પેટના..ભાગ આંયથી. તારું મોઢું હવે મને કોઈદી બતાવતો નહિ."
"અરે અરે...ઈમચીમ..હું તો ખાલી ઈ બાજુ આંટો મારવા જ્યો'તો કે બાપુની ડેલીમાં કાંક નવીન હોય તો જાણતો આવુ. હું હજી તો ડેલીએ પુગ્યો તાં તો તખુભાએ મને સોડા ને થમસપ લેવા મોકલી દીધો. આ મેમાનને હું મીઠાલાલનું ઘર દેખાડવા જ્યો'તો ઈ હાચું; પણ મેં તખુભાને કાંય કરતા કાંય કીધું નથી. તમે કયો ઈના હમ બસ?" કહી ચંચાએ ગળે હાથ મુકીને આગળ બોલ્યો, "મને ઈમ કે મેમાન તમારા ઘરે આવે સે તો કાંક કામકાજ હોય એટલે તખુભાની ડેલીએથી ડોટ મૂકીને હું સીધો જ આંય આયો. સર્પસ તમારી સેવા ઈ જ મારો પેલો ધરમ સે પણ તમને કોય દી આ સંદુ સારમીનાર પર વશવા જ નો આયો. (વાચકમિત્રો,
ચંચાનું ફુલ ફોર્મ ચંદુ ચારમીનાર છે એ તો યાદ જ હશે ને!) કાંય નય તમારે કામ નો હોય તો હું મારા ઘરે વ્યો જાવ બીજું હું!"
ચંચાની વાત સાંભળી ભગાલાલે ફટાફટ કંઈક વિચારી લીધું. ચંચો એને કામનો માણસ લાગ્યો.
"બિચારો સેવા કરવા માંગે છે હુકમચંદ. આપણે કેટલાક વિશ્વાસુ માણસોની જરૂર પડશે. એને સેવા કરવા દો." ભગાલાલે કહ્યું.
"સારું આવી જા. મેડી પર જઈને બધુ તૈયાર કર. મુળો મેડીએ જ છે એને બધી ખબર છે." કહી હુકમચંદ ભગાલાલ અને મીઠાલાલને લઈ બેઠકમાં બેઠો.
"પહેલા ભોજન લેશું ને? પછી મોડેકથી પેલો પોગ્રામ રાખીએ. કે પછી કાંય બીજો વિચાર છે?" હુકમચંદે ભગલાલને પૂછ્યું.
"યાર જમ્યા પછી પીવાનું નહિ ફાવે. એમ કરો અત્યારે જ ચાલુ કરી દઈએ. હજી તો સાત વાગ્યા છે ને! જમવાનું તો મોડેકથી જ રાખશું શું કો છો!" કહી ભગાલાલ હસ્યો.
"એમ કરો સર્પસ, તમેં ને ભગાલાલ પાલટી ચાલુ કરો. મેં તો કોય દી હોઠે અડાડયું નથી. મને ઈ સાવ નથી ફાવતું. હું દુકાને જાઉં..દસેક વાગ્યે આવી જઈશ." મીઠાલાલ ઊભા થતાં બોલ્યો.
"હા બરોબર છે, હુકમચંદજી મીઠાને જવા દો ને ભાઈ! અમથીય એને આપણા ધંધાની વાતુમાં સાલનીય હમજણ નય પડે. મીઠો, પીવાનો તો છે નય પસી ઈની અહીં કાંય જરૂર નથી. જા મીઠા. અમે જમવા બેહશું એટલે તને ફોન કરશું. શું કો છો!" ભગાલાલે કહ્યું.
મીઠાલાલ મનોમન કંઈક બબડતો ઘરે જતો રહ્યો. ભગાલાલ અને હુકમચંદ એની ડેલીમાં બનાવેલી ખાસ બેઠકમાં આવીને બેઠા. હુકમચંદ એના રાજકીય મહેમાનોની સરભરા એ ડેલી ઉપર બનાવેલી મેડીમાં કરતો. હુકમચંદના ઘરે બનેલા ભજીયા જમીને મીઠાલાલની કડવી અને ભગાલાલની પત્ની પણ ઘરે જતા રહ્યા.
હુકમચંદનો એક બીજો નોકર મુળજી હતો. આ મુળજી મૂળ તો હુકમચંદના સસરાના ઘરે કામ કરતો. હુકમચંદના સાસુ અને સસરા એના વિદેશમાં રહેતા દિકરાઓના ઘરે જતા રહ્યા પછી મુળો હુકમચંદના ઘરે આવી ગયો હતો. મુળો થોડો ઓછી બુદ્ધિનો, અડધો બહેરો અને બોબડો હતો. મૂળાના માબાપે હુકમચંદના સસરા પાનાચંદના ઘરની બહુ સેવા કરેલી એટલે આ મુળો પહેલા હુકમચંદની સાસરીમાં અને હવે હુકમચંદના ઘરે સચવાયો હતો.
એને જેટલું કામ ચીંધવામાં આવે એટલું જ એ કરતો. ક્યારેક ઊંધુંચતુ પણ કરતો છતાં હુકમચંદની પત્ની એને ચલાવી લેતી.
ચંચો મેડી પર ગયો ત્યારે મુળો ફ્રીઝમાંથી બોટલ કાઢીને ગ્લાસ ભરતો હતો. પણ જે બોટલ મુળાએ કાઢી હતી એ બોટલના દેખાવ પરથી ચંચો સમજી ગયો કે એ બોટલ પાણીની બોટલ તો નહોતી જ.
ચંચાએ આ અગાઉ હુકમચંદના ઘરના ઘણા કામ કર્યા હતા. વીજળીના લગ્ન થયા એ પહેલાં આ ચંચો વીજળીને પોતાના પ્યારમાં પાડવાની નિરર્થક કોશિશ કરી ચુક્યો હતો. વીજળીના લગ્નમાં પણ હુકમચંદે એને ખૂબ તોડવેલો! પણ ક્યારેય આવી પાર્ટીમાં ચંચો સેવા કરવા આવેલો નહોતો. દેશી દારૂની કોથળીઓ પીતા રહેતા ચંચાએ વિદેશી દારૂની માત્ર ખાલી બોટલો જ જોઈ હતી. આજ મૂળિયામાં હાથમાં એવી જ પણ દારૂની ભરેલી બોટલ જોઈને એની આંખો ચમકી. કદી પણ અંગ્રેજી દારૂ પીવા મળશે એવી આશા બિચારા ચંચાએ કરી નહોતી. હુકમચંદની આ મેડી પર મહેફિલ થાય છે એની ચંચાને ખબર તો હતી પણ હુકમચંદ એને ક્યારેય મેડીમાં આવવા દેતો નહિ.
હુકમચંદની ડેલી ઉપર બનાવેલી આ મેડીમાં મોટો હોલ અને બે કમરા હતા. એક ખૂણામાં નાનું કિચન હતું જેમાં ફ્રીજ રાખવામાં આવ્યું હતું. કિચનના સેલ્ફમાં ગ્લાસ અને બીજા વાસણો હતા. હોલમાં સોફા ગોઠવ્યા હતા. સોફા વચ્ચે કાચની એક મોટી ટીપોઈ હતી અને ભોંયતળીએ પોચી કાર્પેટ પાથરી હતી. એ હોલની બારીઓ બજાર તરફ હતી. પણ હોલમાં એસી મુકેલું હોવાથી બારીઓ બંધ રાખવામાં આવતી. બંને કમરામાં પણ એસી લગાડેલા હતા. ચંચો, હુકમચંદની મેડીનો વૈભવ જોઈ આભો જ બની ગયો. મૂળિયાએ પાણી પીવા માટે ગ્લાસ ભરીને મોઢે માંડવા ઊંચો કર્યો એ જોઈ ચંચાએ રાડ પાડી.
"અલ્યા અય...ઈ તું પીતો નય. એ મૂળિયા...આ..."
પણ મૂળિયો તો અડધો બહેરો હતો. ચંચાને એ ઓળખતો હતો. કાયમ ચંચો એની વસ્તુ છીનવી લેતો. ક્યારેક છાની રીતે ધમકી પણ આપતો. મૂળિયો સમજ્યો કે ચંચો ઠંડુ પાણી પીવા નહિ દે. હોલની સાફસફાઈ કરીને એને તરસ લાગી હતી. ચંચો રાડ પાડીને ઉતાવળો એની તરફ આવ્યો એટલે મૂળિયાએ ગ્લાસ મોઢે માંડી દીધો.
ઘૂંટડો ભરતા જ મૂળિયાને ખ્યાલ આવ્યો કે જે પીવાયું છે એ પાણી નથી. પણ ચંચાની બીકમાં મોટો ઘૂંટડો ગળા નીચે ઉતરી ગયો હતો. છાતીમાં લ્હાય ઉઠી હતી. છતાં મૂળિયાએ ગ્લાસ ગટગટાવી નાંખ્યો.
"તાલા બાપનું નતી તે ના પાલેત. તું આંયા તેમ આયો..તાલે આંયા નય આવવાનું. તું ભાગી જા." મૂળિયાએ કહ્યું.
પણ ચંચાએ મૂળિયાના હાથમાંથી બોટલ અને ગ્લાસ આંચકી લીધો.
બોટલ આગળ નાક રાખીને દારૂની સુગંધ માણતો એ ઘડીક ઊભો રહ્યો. પછી દાદર તરફ જોઈ કોઈ આવતું નથી એની ખાતરી કરીને ગ્લાસ ભર્યો. જિંદગીમાં કદી આવી ચીજનો આસ્વાદ એણે કર્યો નહોતો.
ગ્લાસ ભરાયો એટલે બોટલ બંધ કરીને ચંચાએ ફ્રિજમાં મૂકી. જીભ લાંબી કરીને ભરેલા ગ્લાસમાં બોળી. વહીસ્કીનો કડવો સ્વાદ એની જીભ ફરતે ફરી વળ્યો. ચંચાએ નાનકડો ઘૂંટ મોમાં ઘડીક ભરી રાખ્યો. પછી ધીરેધીરે ગળામાં ઉતારતો ગયો.
"મને ચત્તર આવે તે. આ બાતલીમાં તું હતું? મને તાંત થાય તે.. થાતીમાં બલે તે." મૂળીયો નીટ ગટગટાવી ગયો હતો એટલે એને અસર થવા લાગી.
"તારો ડોહો આ દારૂ સે દારૂ. પાણી નથી તે પી જ્યો. હવે તને દારૂ ચડશે એટલે ફેર સડસે. જા આમ ચ્યાંક જઈને હુઈ જા." ચંચાએ બીજો સિપ ભરતા કહ્યું.
"હેં? દાલુ હતો? મેં ભુલમાં પીધો? હવે મને ફેલ ચલતે? હેં? મેં દાલુ પીધો? બનેવીલાલ ફલીજમાં દાલુ લાથે સે? બેનને તય દવ. બધાને તય દવ..બનેવીલાલના ફ્લીજમા દાલુ તે.
બનેવીલાલ દાલુ પીવે તે. મેં ભૂલમાં દાલુ પીધો. મને દાલું તડયો.." મૂળિયો મંડાઈ પડ્યો. એના પગ સ્થિર રહેતા નહોતા. ડોલતો ડોલતો એ બોલતો હતો. ચંચાને એની કંઈ પડી નહોતી. એ તો આરામથી ગ્લાસ લઈને સોફામાં બેસી ગયો. એક એક ઘૂંટનો આસ્વાદ માણવા લાગ્યો. જિંદગીમાં એને આવી ચીજ કદી મળી નહોતી. હુકમચંદ આજે ભલે જેટલી ગાળો દેવી હોય એટલી દે પણ આજ તો મજા લૂંટી જ લેવી છે એમ નક્કી કરીને ચંચો પીવા લાગ્યો.
ભગાલાલ અને હુકમચંદ હજી ડેલીની બેઠકમાં જ બેઠા હતા. એકાએક દાદરમાંથી મૂળિયો ગબડીને નીચે પડ્યો.
"ઓય ઓય.. બાપલીયા મલી દયો
લે..એ...બનેવીલાલ દાલું પીવે તે. ફલીજમા દાલુની બોતલ તે. મેં પાની હમજીને પીધો. મને દાલું તડયો તે. બધા આધા લેજો. હું બધાને તય દેવાનો તુ. બેનને તય દવ..દાલુ નો પીવાય. ઓય ઓય મલી દયો..'' દાદરમાં ગબડેલો મૂળિયો બરાડા પાડતો હતો.
હુકમચંદ તરત ઉઠીને દોડ્યો. ભગાલાલ પણ નવાઈ પામીને દાદર તરફ જોઈ રહ્યો.
સોફામાં બેસીને વિદેશી દારૂની મોજ માણતો ચંચો પણ તરત ઉઠ્યો હતો. મૂળિયો દાદરમાં ગબડયો એને કારણે એનું આવી જ બને એમ હતું. હવે ધીરેધીરે પીવાનો સમય રહ્યો નહોતો. આખો ગ્લાસ પી જવાનું પરિણામ એ જાણતો હતો. મૂળિયાને મનોમન ગાળો ભાંડતા ચંચાએ દોડીને ફ્રીજમાંથી પેલી બોટલ કાઢી. ઢાંકણું ખોલીને ગ્લાસમાં ભરેલો શરાબ બોટલમાં પતલી ધાર કરીને રેડી દીધો. એ જ વખતે હુકમચંદે નીચેથી રાડ પાડી.
(ક્રમશ:)