સંબંધને એ નામ નવું આપવું નથી,
મારે ફરી દરદ એ જૂનું પાળવું નથી
ચીરીને અંધકાર, દિશા ચીંધે આગિયો,
અજવાળું ચાંદ પાસે હવે માંગવું નથી
પરછાંઇ ક્યાંથી શોધું? હું ટોળાંની અટકળે,
તડકાને છોડી મારે હવે ચાલવું નથી
માળામાં કલરવે છે જે સ્વપ્નો વસંતના,
ટહુકા મુકીને મારે ગગન આંબવું નથી
આંખોમાં મારી ઊગી છે ઈચ્છાની શૂન્યતા,
સ્વપ્નોને પાનખરથી હવે ડારવું નથી,
વૃક્ષૌની ડાળ પર લે ઊગી નીકળ્યું છે રણ,
થઇ ઝાંઝવા આ મૂળને તરસાવવું નથી
પથ્થરનું એક શિલ્પ થઈ ગઇ છે વેદના,
કંડારી કોઈ નામને આલેખવું નથી
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'p