રાધાકૃષ્ણનને યાદ કરી ઉજવી લઈએ પર્વ.
વખત એવો આવી ગયો, ના લૈ શકાય ગર્વ.
ગરિમા ગુરુ તણી લુપ્ત થવા લાગી કાળક્રમે,
શિષ્ય સ્વાર્થસાધક સદા,ઔપચારિકતા ગમે.
શિસ્ત દીસે લદાયેલી, પૂજ્યભાવ છે છૂમંતર,
હાથતાળી દેતા દેખાય, ના રહ્યું ઉભય અંતર.
મતલબ સાધવા થાય ભેળા,ગુરુ અને શિષ્ય,
વાસ્તવિકતા છે વલોપાતી, શું હશે રહસ્ય?
માપદંડ મેરીટનો સઘળે, કાબેલિયત વિસરાઈ,
પ્રમાણપત્ર પામીને જાતને માની બેઠા સવાઈ.
પરિવર્તન જરૂરી છે શિક્ષણે એ સ્વીકારવું ઘટે,
શિક્ષકદિને રહીએ પ્રાર્થી ક્યારે આ બદી હટે.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.