બેબી બ્લૂમર
કુટુંબ દીઠ વધુ બાળકો હોવાનો ગાળો. '54 થી '64 ની સાલ હમણાં જોયેલી પોસ્ટ્સ અને લેખો કહે છે પણ કદાચ એ 1920 થી આઝાદી સુધી હતો. છપ્પનિયા દુકાળ વખતે ઘણાં બાળકો મરી ગયેલ, મા બાપોને પોતાનાં બાળકો વેંચી નાખવાની લાચારી આવેલ.
એ પછી બધું સરાડે ચડતાં અને એ વખતે કન્યા 16 કે 18 વર્ષે ને પુરુષ 22 વર્ષે લગ્ન કરતા એટલે એ પેઢીમાં સાત આઠ બાળકો સામાન્ય હતાં. આજે જે પેઢીનું કોઈ જીવતું હોય તો 90 આસપાસ કે વધુ હોય 1955 થી 64 એ પેઢી.
'55 થી '65 દરમ્યાન લોકોને શિક્ષણની મહત્તા સમજાઈ, વિભાજિત કુટુંબો થયાં અને એટલે બે કે ત્રણ બાળકો જ લોકો કરવા લાગ્યા હતા.
બેસણાની નોંધોમાં આઝાદી પહેલાં જન્મેલ ના મૃત્યુમાં ભાઈ બહેનોનું લિસ્ટ જોશો, મીનીમમ પાંચેક.
'55 થી '65 ની સાલમાં એ ત્રણેક બાળકો, 1972 માં તો 'બે બાળકો બસ, કુટુંબ નિયોજન' નું સૂત્ર અને કાર્યક્રમ ઈન્દિરાજીએ આપેલ જેમાં '74 માં યુપીમાં સંજય ગાંધીના અતિરેક વિશે આપણે જાણીએ છીએ.
એન. ડી. કૌલ ની એક બુક વાંચેલ એમાં હતું કે અમુક વર્ગ કે ધર્મના લોકોએ ધરાર નાના કુટુંબની ના પાડી. અમુક ગીચ વસ્તીમાં રોગચાળો ઝડપથી ફેલાયો, અન્ન પુરવઠાની એટલી તંગી પડી કે શાસ્ત્રીજીએ તો એક ટંક ઉપવાસની સલાહ આપેલી.
કદાચ કોઈ નહીં માને તો જબરદસ્તીથી મનાવશું એ વિચારે સંજય ગાંધીએ ખાસ તો યુપી માં લોકોને પકડી પકડી નસબંધી કરાવેલ. એમાં જ એ સરકારની હારનું એક કારણ બનેલ.
ગુજરાત જેવાં પ્રગતિશીલ રાજ્યોમાં બે કે ત્રણ બાળકોનું ચલણ 55 ની સાલ પછી આવ્યું હોઈ શકે તેમ મારી ઉંમરનાં , આજે 60 થી 70 ના થવા આવેલ લોકોના ભાઈ બહેનોની સંખ્યા જોઈ કહી શકું છું. એમનાં સંતાનો તો એક કે બે.
એ પછી તો ક્યાંક ચિંતાજનક ટ્રેન્ડ દેખાય છે. અતિશય તણાવ ભરી ને ભાગદોડ વાળી જિંદગી, જીવનશૈલીમાં કેટલોક અનિચ્છનીય બદલાવ એવાં કારણે નિઃસંતાન દંપતીઓ વધુ દેખાય છે પણ એક બાળક વાળાં, બાકી મહત્તમ બે વાળાં જ દેખાય છે.
એટલે બેબી બુમ 1955 થી 64 નહીં, એનાથી બે થી એક પેઢી, કહો કે 1910 ના પાછલા દાયકાથી લગભગ આઝાદી સુધી કહી શકાય.