શોકસંતાપ સઘળા ટળી જાય, ગુરુજીના સંગમાં.
મારા વળગણ પણ છૂટી જાય, ગુરુજીના સંગમાં.
અંતર બની જાય આનંદિત અદભુત ગુરુ સમીપે,
ઝાંખી પરમની વળી થઈ જાય, ગુરુજીના સંગમાં.
કુમતિની વિદાય નક્કી જાણવી ગુરુ તણા પ્રતાપે,
સન્મતિ સહજમાં સાંપડી જાય, ગુરુજીના સંગમાં.
જ્ઞાનની ગંગા નિતનિત વહેતીને આત્મશુદ્ધિ થાય,
રસ્તો હરિવર કેરો મળી જાય, ગુરુજીના સંગમાં.
હરિ પણ હાથવગા હોય એ સદગુરુ પ્રભુ તમને ને,
પરમેશ્વર પણ જેના ગુણ ગાય, ગુરુજીના સંગમાં.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.