હસતાં મુખવટા ક્યાં સુધી?
કોઈ અજ્ઞાત આશાઓ, આકાંક્ષાઓ કે ઈચ્છાઓ જે કહો એ મનની ભીતર છાની માની માથું ઊંચક્યા કરતી હોય છે. એને “શ..શ…શ.. હમણાં નહિ થોડી રાહ જો..” કહી ક્યાં સુધી બેસાડી શકીએ? અઘરું તો છે પણ પંચાણું ટકા સફળ થઈ જઈએ છીએ. માનસિક ઉચાટ સાથે હસતો ચહેરો જરાય મેળ ન ખાતો હોય તોય, પ્રયત્નપૂર્વક બે હોઠ ફેલાવી ગાલને આંખ કાનની દિશામાં લઈ જવામાં જબરા સફળ થઈએ છીએ!
લોકોથી, દુનિયાથી એકદમ સરળતાથી મનને સાચવીને ભીતરી સંદૂકમાં પેક કરી દઈએ છીએ. ‘ મારા દુઃખ મારી તકલીફ કે મારાં રંજ કોઈને કહીને ઓછા તો ન જ થાય ને! બહુ બહુ તો કોઈ દિલાસાનાં બે બોલ કહી શકે. બે ચાર મોટીવેશનલ વાક્યો બોલી શકે. પણ મજબૂત તો મારે પોતે જ બનવાનું છે ને!’ એવું સમજી સમજીને ઔપચારિક સ્મિત ઓઢી લઈએ છીએ. બાહ્ય ચહેરા પર સ્મિતનું પોતું મારીને ચમકતો કરીએ છીએ. પણ અમુક સમય ભીતરની ઈચ્છાઓ બળવો પોકારી દે છે. અકળાઈ અને મૂંઝાઈ જવાય છે. એક્ટિંગ કરતાં થાકી જવાય છે. ત્યારે કોઈ એવાની જરૂર લાગે કે કોઈ પ્રશ્નો પૂછ્યા વગર બસ એક હૂંફાળી હગ આપીને રડી લેવા દે. મોટે મોટેથી બોલી લેવા દે. દુઃખ તકલીફો કે ઈચ્છાઓનાં થયેલ અપમૃત્યુનો શોક આંસુઓમાં વહાવી લેવા દે. બસ ચૂપચાપ હગ આપીને માથે- પીઠે હાથ ફેરવ્યા કરે. લગભગ આવું કોઈ ક્યારેય ન મળી શકે. કેમકે, સૌને જ્ઞાની સાબિત થવાની બીમારી થઈ ગઈ છે. બે શિખામણનાં વાક્યો ન બોલે ત્યાં સુધી અધૂરું લાગે. ઉપરથી વ્યક્ત થતાં વ્યક્તિને “ ઓવર થીંકર”, “ઈમોશનલ ફૂલ” “નેગેટિવિટીનો ભંડાર” વગેરે બોલી એની વ્યક્તતાને કે એના સ્વભાવને દુનિયા સાથે મિસ મેચ ગણાવવા લાગે! પરિણામે જે તે વ્યક્તિ માનસિક રીતે વધુ હેરાન થાય છે.
કોઈકનો આ હસતો ચહેરો મરણોપરાંત પણ લોકસ્મૃતિમાં જળવાઈ રહે છે, તો ક્યારેક અમુક ઉંમર પછી ગળે આવી ગયેલ વ્યક્તિ બધું ખુલીને બોલવા લાગેછે. ઘણીવાર એ વ્યક્તિનો આક્રોશ એટલો ભેગો થયો હોય છે કે તે સ્વભાવ પર અસર કરી જાય છે. ‘હમણાં સુધી સારો વ્યક્તિ અચાનક આમ કેમ બન્યો હશે?’ એ જાણવા કે એમની તકલીફો સમજવાની પ્રેમભરી કોશિશ કરવાને બદલે “ઉંમર થતાં ચિડિયા થઈ ગયાં”, “કોણ જાણે કેમ એમનો સ્વભાવ સાવ બદલાઈ ગયો.”, “ એમનાથી તો દૂર જ સારા.” વગેરે સાંભળવા મળી રહ્યું છે.
ક્યારેક એમ થાય કે, “ સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ.” ઘણું સાચું છે! દેખીતું દુઃખ અને ભીતર તૂટયાં ફૂટ્યા કરતાં દુઃખો ઘણાં જુદાં છે. જે હસતાં મુખવટા પાછળનો ચહેરો ઓળખી શકે અને મનની ભીતર સુધી પહોંચી સારવાર કરે એ સાચો સગો કે મિત્ર!
કુંતલ સંજય ભટ્ટ
સુરત