...." મજા કરતાં ન આવડી "
જીવનભર જીવતરમાં મજા કરતાં ન આવડી;
દરદ પરખાઈ ગયું તોય દવા કરતાં ન આવડી;
સાચું ને સચોટ જ સદા કહેતા રહ્યા છીએ અમે,
ફક્ત, ખોટે ખોટી અમને કથા કરતાં ન આવડી;
મગર આંસુએ હમદર્દી હાંસિલ કરતા જમાનામાં,
સરેઆમ ઉજાગર અમને વ્યથા કરતાં ન આવડી;
અમે તો રહ્યા ગામના ચોરે એકઠા થનારા માણસ,
ખાલી ખોટી ભેગી અમને સભા કરતાં ન આવડી;
એકવાર આવીને જોઇ લ્યો તમે મારા હાલ મિત્રો,
તમેય કહેશો આથી બદતર દશા કરતાંય ન આવડી?
પ્રાણ પણ ન્યોછાવર કરી શકું તારા એક ઈશારે દોસ્ત,
ભૂલ છે તારી કે તને વ્યકત ઈચ્છા કરતાં ન આવડી!
એના જ કહેવાથી ભૂલી ગયા છીએ અમે એને પણ,
ને, એ કહેતાં ફરે છે કે અમને વફા કરતાં ન આવડી!
જતાં જતાં પણ આપી ગયાં કસમ જીવતાં રહેવાની,
કેમ કહેવું "વ્યોમ" ? કે એને સજા કરતાંય ન આવડી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.