#ટોપિકઓફધડે
"બોસોન તારાઓ"
યુરોપિયન સ્પેસ એજન્સીની આગેવાની હેઠળના GAIA મિશન ધ્વારા મિલ્કિ વે ગેલેક્સીમાં આવેલ એક અબજથી વધુ તારાઓના વિગતવાર નકશા પ્રદાન કરવામાં આવ્યા હતાં. આ તમામ તારાઓનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે લગભગ મોટાભાગના તારાઓ અપેક્ષા મુજબ વર્ત્યા હતા, જ્યારે કેટલાક તારાઓ આશ્ચર્ય પમાડે તેવા હતાં, ઉદાહરણ તરીકે, એક બાઈનરી સ્ટાર સિસ્ટમમાં(જેમાં બે તારાઓ અથવા એક તારો અને એક બ્લેક હોલ પણ હોઈ શકે, જે એકબીજા સાથે ગ્રેવિટેશનલ ફોર્સથી જોડાયેલા હોય છે) એક તારો બ્લેક હોલની ઓર્બિટમાં જોવા મળ્યો હતો જેનું વજન 0.૯૩ સૌર દળમાં હતું એટલે કે સૂર્ય જેટલું જ અને સૂર્ય જેટલી જ રાસાયણિક વિપુલતા સાથે! આ તારાની ઓર્બિટમાં રહેલ તારો કોઈપણ કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરતો ન હતો જેથી મોટાભાગના ખગોળશાસ્ત્રીઓને શંકા હતી કે તે તારો નહી પરંતુ એક બ્લેક હોલ હતું!
પરંતુ ખગોળશાસ્ત્રીઓની ટીમે ધ્યાન દોર્યું કે આ બાઈનરી સ્ટાર સિસ્ટમ અત્યંત અસામાન્ય છે. બ્લેક હોલ્સ ખૂબ જ વિશાળ તારાઓના મૃત્યુથી રચાય છે, અને આપણા સૂર્ય જેવા તારાઓ આવા વિશાળ તારાઓ સાથે બાઈનરી સ્ટાર સિસ્ટમમાં હોય તેવી શક્યતા નથી તો અન્ય શક્યતાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ!
કદાચ સૌથી વિચિત્ર શક્યતા એ છે કે એ બ્લેક હોલ નથી પરંતુ બોસોન તારો છે. બોસોન તારાઓ એક થિયોરેટિકલ વિચાર છે આવા તારાઓ છે કે નહી તેનું પ્રેક્ટિકલ પરિણામ મળ્યું નથી! બોસોન તારાઓ ડાર્ક મેટરથી બનેલા હોય છે જે કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરતાં નથી!માનવામાં આવે છે કે દરેક ગેલેક્સીમાં ડાર્ક મેટરની હાજરી ૮૦% જેટલી હોય છે અને ડાર્ક મેટર અમુક પ્રકારના કણોથી બનેલો છે જેને બોસોન કહે છે, જે ફોટોન અને ગ્લુઓન્સ જેવા કણોનો એક પ્રકાર છે! બોસોન કણો સરળતાથી એકબીજામાં ભળી ગાઢ અને કોમ્પેક્ટ વસ્તુઓ બનાવી શકે છે. આ પદાર્થો બિલકુલ રેડિયેશન ઉત્સર્જિત કરતાં નથી અને નિરીક્ષકોને બ્લેક હોલની જેમ જ કાર્ય કરતા દેખાય છે!
આ બાઈનરી સ્ટાર સિસ્ટમના અવલોકનો બોસોન તારાના અસ્તિત્વને જાહેર કરે તેવી શક્યતા ખૂબ ઓછી હોવા છતાં, આ વિચાર બે કારણોસર ધ્યાનમાં લેવા યોગ્ય છે! એક, તારો ચોક્કસપણે કંઈક ગાઢ અને કોમ્પેક્ટ બોડીની ઓર્બિટમાં છે. આ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંત દ્વારા આપવામાં આવેલ ગુરુત્વાકર્ષણ વિશેની આપણી સમજણ માટે કુદરતી પરીક્ષણ પ્રદાન કરે છે. સૈદ્ધાંતિક અપેક્ષાઓ અને નિરિક્ષણ પરિણામો વચ્ચે કોઈપણ પ્રકારની વિસંગતતા શોધવી એ એક સીમાચિહ્નરૂપ શોધ હશે. બીજું, ખગોળશાસ્ત્રીઓ બોસોન તારાઓની પ્રકૃતિના ઊંડાણ પૂર્વક અભ્યાસ માટે તેનો ઉપયોગ કરી શકે છે અને આ વિચિત્ર અને કાલ્પનિક વસ્તુઓના ગુણધર્મોની વધુ તપાસ કરી શકે છે, અને બોસોન તારાઓની થિયરીને ચકાસવા માટે આ બાઈનરી સ્ટાર સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે! આમતો એવી સંભાવના ખૂબ જ ઓછી છે કે આ પરીક્ષણો બોસોન તારાઓના અસ્તિત્વની તરફેણમાં આવશે, પરંતુ ડાર્ક મેટર અને બોસોન તારાઓ વિશે વધુ જાણકારી મેળવી શકાશે!
-નીલકંઠ